આ બ્લૉગ શોધો

19 ઑક્ટોબર, 2026

રાજા અને ઉંદર

રાતના સન્નાટામાં બે જીવ ધ્રૂજતા હતા—
એક ઉંદર,
બીજો રાજા.

ઉંદરને બિલાડીનો ભય,
રાજાને પોતાની પ્રજાના સવાલોનો.
એકને જીવ ગુમાવવાનો ડર,
બીજાને સિંહાસન ગુમાવવાનો.

ભયે બંને વચ્ચેના બધા ભેદ ભૂંસી નાખ્યા હતા.
ન કોઈ નાનું હતું,
ન કોઈ મહાન.
એ જ અજંપો,
એ જ ગભરાટ,
એ જ એક ઇચ્છા—
ક્યાંક ભાગીને સંતાઈ જવાની.

ઉંદર ભાગ્યો,
દીવાલના એક નાનકડા દરમાં પેસીને
ઓઝલ થઈ ગયો.

રાજા પણ ભાગવા માગતો હતો,
પણ જાય ક્યાં?

એના મહેલમાં સેંકડો ઓરડા હતા,
હજારો દરવાજા,
ઊંચી દીવાલો
ને અસંખ્ય પહેરેદારો.

છતાં એકેય જગ્યા એવી નહોતી,
જ્યાં પોતાના ભયની સાથે
પોતાનો રાજધર્મ પણ સંતાડી શકે.

એણે દરવાજા બંધ કર્યા,
પણ સવાલો અંદર આવી ગયા.
એણે બારીઓ પર પડદા ઢાળ્યા,
પણ અંતરાત્માનો ઉજાસ ઓલવાયો નહીં.
એણે પહેરા વધારી દીધા,
પણ પોતાના જ ધબકારાને
શાંત ન કરી શક્યો.

ઉંદર પોતાના દરમાં
દુનિયાની નજરથી સંતાઈ ગયો.
રાજા પોતાના મહેલમાં
પોતાની જાતથીયે ન સંતાઈ શક્યો.

કારણ કે ભય જ્યારે મનમાં ઊતરે છે,
ત્યારે માથે મુકુટ હોય
કે માત્ર એક સામાન્ય દેહ—
એને કોઈ ભેદ પડતો નથી.

ડરેલો રાજા
ને ડરેલો ઉંદર—
બંનેના મનની દશા એક જ હોય છે.

ફરક માત્ર એટલો—

ઉંદર પાસે સંતાવા માટે
એક દર હોય છે;
ને રાજા પાસે આખું સામ્રાજ્ય હોવા છતાં
એકેય ખૂણો એવો નથી હોતો,
જ્યાં એ પોતાની જવાબદારીથી બચી શકે.

ઉંદર સંતાઈને
પોતાનું અસ્તિત્વ બચાવી લે છે;
પણ રાજા જે ક્ષણે સંતાય છે,
એ જ ક્ષણે
પોતાના રાજા હોવાનો અર્થ ગુમાવી બેસે છે.

કારણ કે સિંહાસન પર બેસવું એ સત્તા છે,
ને ભયની સામે અડગ ઊભા રહેવું—
રાજધર્મ.

— મોહમ્મદ સઈદ શેખ


 राजा और चूहा

रात के सन्नाटे में दो प्राणी काँप रहे थे—

एक चूहा , दूसरा राजा।

चूहे को बिल्ली का भय ,
राजा को अपनी प्रजा के सवालों का।
एक को जान जाने का डर , दूसरे को सिंहासन जाने का।

भय ने दोनों के बीच सारे भेद मिटा दिए थे।
न कोई छोटा था, न कोई महान।
एक ही बेचैनी, एक ही घबराहट, एक ही इच्छा—
कहीं भागकर छिप जाने की।

चूहा भागा, दीवार के एक छोटे-से बिल में समाकर अदृश्य हो गया।

राजा भी भागना चाहता था, मगर कहाँ जाता?

उसके महल में सैकड़ों कमरे थे, हज़ारों दरवाज़े,
ऊँची दीवारें, और अनगिनत पहरेदार।

फिर भी एक भी ऐसी जगह न थी जहाँ वह अपने भय के साथ अपना राजधर्म भी छिपा सके।

उसने दरवाज़े बंद किए, मगर सवाल भीतर आ गए।
उसने खिड़कियों पर पर्दे डाले, मगर ज़मीर की रोशनी न बुझी।
उसने पहरे और बढ़ा दिए, मगर अपनी ही धड़कनों को ख़ामोश न कर सका।

चूहा अपने बिल में दुनिया से ओझल हो गया।
राजा अपने महल में स्वयं से भी न छिप सका।

क्योंकि भय जब मन में उतरता है,
तो मुकुट और मामूली देह में कोई अंतर नहीं रखता।

डरा हुआ राजा और डरा हुआ चूहा—
दोनों की मनःस्थिति एक ही होती है।

अंतर केवल इतना है—

चूहे के पास छिप जाने के लिए एक बिल होता है,
और राजा के पास सारा साम्राज्य होते हुए भी
ऐसा कोई कोना नहीं होता जहाँ वह अपने उत्तरदायित्व से बच सके।

चूहा छिपकर अपना अस्तित्व बचा लेता है,
मगर राजा जिस क्षण छिपता है,
उसी क्षण अपने राजा होने का अर्थ खो देता है।

क्योंकि सिंहासन पर बैठना सत्ता है,
और भय के सामने खड़े रहना— राजधर्म।
-मोहम्मद सईद शेख

ઝિરયાબ : બગદાદનો સૂર, કોર્ડોબાની સંસ્કૃતિનો નવો અધ્યાય

પરિચય

ઇતિહાસમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે, જેઓ રાજા કે સેનાપતિ ન હોવા છતાં સમગ્ર સમાજની જીવનશૈલી બદલી નાખે છે. તેમની પાસે ન સૈન્ય હોય છે, ન વિશાળ સામ્રાજ્ય; છતાં તેમની પ્રતિભા અને સર્જનશક્તિનો પ્રભાવ સદીઓ સુધી અનુભવાય છે. આવી જ એક અસાધારણ વ્યક્તિ હતી નવમી સદીના મુસ્લિમ જગતની ઝિરયાબ તરીકે પ્રસિદ્ધ થયેલી અબુલ હસન અલી ઇબ્ન નાફિ.
ઝિરયાબ સંગીતકાર, ગાયક, કવિ અને શિક્ષક હતા. સંગીત ઉપરાંત પોશાક, ભોજન, સ્વચ્છતા અને સામાજિક શિષ્ટાચાર વિશેની તેમની સમજને કારણે તેઓ અંદાલુસની સાંસ્કૃતિક પરંપરામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આજના સ્પેનના કોર્ડોબા શહેરને કલાત્મક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો.
ઝિરયાબના જીવનનું મહત્વ માત્ર તેમની સફળતામાં નથી. એક પછી એક મુશ્કેલી, આશ્રયદાતાની નારાજગી અને અજાણ્યા પ્રદેશમાં ફરી શરૂઆત કરવાના સંઘર્ષ છતાં તેમણે પોતાની કળા અને આત્મવિશ્વાસ છોડ્યાં નહીં. આથી તેમની જીવનકથા ઇતિહાસ જેટલી જ પ્રેરણાદાયક પણ છે.

જન્મ અને વંશ

ઝિરયાબનું મૂળ નામ અબુલ હસન અલી ઇબ્ન નાફિ હતું. ‘ઝિરયાબ’ તેમનું ઉપનામ હતું. ઇબ્ન હય્યાનના વર્ણન પ્રમાણે તેમના શ્યામ વર્ણ, મધુર અવાજ અને મોહક વ્યક્તિત્વને કારણે કાળા, સુંદર ગાનારા પક્ષી સાથે તેમની સરખામણી થતી. પછી મૂળ નામ કરતાં આ ઉપનામ જ વધુ પ્રસિદ્ધ થયું.
તેમનો જન્મ આઠમી સદીના અંત ભાગમાં થયો હોવાનું માનવામાં આવે છે; જોકે ચોક્કસ વર્ષ અને સ્થળ વિશે વિશ્વસનીય માહિતી નથી. તેઓ અબ્બાસી ખલીફા અલ-મહદીના આશ્રિત વર્ગ સાથે સંકળાયેલા હતા, એવું કેટલીક ઐતિહાસિક પરંપરાઓ જણાવે છે. અન્ય વર્ણનો તેમને ઇબ્રાહીમ અલ-મૌસિલીના ઘર સાથે જોડે છે. તેમના વંશીય મૂળ વિશે પણ મતભેદ છે; તેથી તેમને નિશ્ચિતપણે ફારસી, કુર્દ કે આફ્રિકી ગણાવવું યોગ્ય નથી.

પ્રારંભિક શિક્ષણ અને જીવન
ઝિરયાબનું બાળપણ બગદાદના અસાધારણ સાંસ્કૃતિક વાતાવરણમાં વીત્યું. તે સમયે અબ્બાસી રાજધાનીમાં વિજ્ઞાન, સાહિત્ય, અનુવાદ, કવિતા અને સંગીતની સભાઓ યોજાતી. દરબારોમાં ઉત્તમ કલાકારોનું સન્માન થતું. ઝિરયાબે આ વાતાવરણમાં ગાયન, સ્વર, તાલ, કાવ્યના છંદ અને ઊદ નામનું તારવાદ્ય વગાડવાની કળામાં નિપુણતા મેળવી. ઝિરયાબે આ વાતાવરણમાં સંગીતની તાલીમ મેળવી. તેઓ માત્ર મધુર કંઠ ધરાવતા ગાયક નહોતા; કવિતાનો અર્થ, શબ્દોચ્ચાર, સ્વર, તાલ અને સંગીતનાં સાધનોની રચના વિશે પણ ઊંડો રસ ધરાવતા હતા.

ગુરુઓ અને બગદાદ છોડવાની ઘટના
ઝિરયાબના ગુરુઓ વિશે પ્રાચીન ઇતિહાસકારોમાં થોડો મતભેદ છે. ઇબ્ન અબ્દ રબ્બિહે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ અલ-ઇકદ અલ-ફરીદમાં ઇબ્રાહીમ અલ-મૌસિલીને તેમના શિક્ષક ગણાવ્યા છે. જ્યારે ઇબ્ન હય્યાનને આધારે લખાયેલાં પછીનાં વર્ણનોમાં ઇબ્રાહીમના પુત્ર ઇસ્હાક અલ-મૌસિલીનું નામ મળે છે. બંને બગદાદની સંગીતપરંપરાના મહાન આચાર્યો હતા.
એક પ્રસિદ્ધ વર્ણન પ્રમાણે ઇસ્હાકે ઝિરયાબને ખલીફા હારુન અલ-રશીદ સમક્ષ રજૂ કર્યા. ઝિરયાબે પોતાના ખાસ બનાવેલા સંગીતવાદ્ય પર ગીત રજૂ કર્યું. તેમનું ગાયન સાંભળીને ખલીફા અત્યંત પ્રભાવિત થયા.
કહેવાય છે કે શિષ્યની અસાધારણ પ્રતિભાથી ગુરુના મનમાં ઈર્ષ્યા જન્મી. ઇસ્હાકે તેમને બગદાદ છોડવા દબાણ કર્યું. જોકે આધુનિક ઐતિહાસિક સંશોધન પ્રમાણે આ ઘટનાની વિગતો સંપૂર્ણ વિશ્વસનીય નથી. પહેલાંના ઇતિહાસકાર ઇબ્ન અલ-કુતિય્યાનું વર્ણન સૂચવે છે કે ખલીફા અલ-અમીનના ઈ.સ. ૮૧૩માં થયેલા મૃત્યુ પછીની રાજકીય પરિસ્થિતિ પણ ઝિરયાબના પ્રસ્થાનનું કારણ હોઈ શકે છે.
બગદાદ છોડ્યા પછી તેમણે પશ્ચિમ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ઉત્તર આફ્રિકાના કૈરવાનમાં અગલબી શાસક ઝિયાદતુલ્લાહના આશ્રયમાં રહ્યા. પરંતુ ત્યાં બનેલી એક ઘટના તેમના જીવનમાં નવો વળાંક લાવી. પ્રાચીન ઇતિહાસકાર ઇબ્ન અબ્દ રબ્બિહના વર્ણન પ્રમાણે ઝિરયાબે અરબી કવિ અંતરાની કવિતા ગાઈ. શાસકે ગીતના શબ્દો પોતાનું અપમાન કરતા હોવાનું માન્યું અને તેમને ત્રણ દિવસમાં પ્રદેશ છોડી દેવાનો આદેશ આપ્યો. પ્રસંગના બધા સંજોગો નક્કર રીતે જાણી શકાતા નથી, પરંતુ તે બતાવે છે કે દરબારી કલાકારનું જીવન સત્તાધીશની પ્રસન્નતા પર કેટલું નિર્ભર રહેતું.
ઝિરયાબે અંદાલુસના અમીર અલ-હકમ પ્રથમનો આશ્રય મેળવવાની આશા રાખી. તેઓ સ્પેનના કિનારે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે અમીરનું અવસાન થઈ ચૂક્યું છે. પાછા ફરવાનું વિચારી રહ્યા હતા ત્યાં નવા અમીર અબ્દુર્રહમાન બીજાએ આમંત્રણ યથાવત્ રાખ્યું. ઈ.સ. ૮૨૨માં ઝિરયાબ કોર્ડોબા પહોંચ્યા. એક ભટકતા કલાકાર માટે આ નવું જીવન હતું.
અમીર અબ્દુર્રહમાન બીજાએ તેમને માત્ર દરબારમાં ગાવાની તક જ આપી નહોતી, પરંતુ નિયમિત આવક અને નિવાસની વ્યવસ્થા પણ કરી. ઇબ્ન હય્યાનની પરંપરા અનુસાર તેમનું માસિક વેતન બસો સોનાના દીનાર નક્કી થયું હતું; પરિવાર માટે ભથ્થાં અને અન્ય સવલતોનો પણ ઉલ્લેખ છે. મહત્ત્વનું એ છે કે કોર્ડોબામાં મળેલી આ સ્થિરતાએ તેમને માત્ર પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા નહીં, નવી પેઢીને ઘડવાનું કાર્ય કરવા પણ અવકાશ આપ્યો. એક સમયે અજાણી ભૂમિ પર ઊભેલા કલાકાર હવે ત્યાંની સાંસ્કૃતિક સભાઓનું કેન્દ્ર બન્યા.

શિષ્યો અને સંગીતશિક્ષણ
કોર્ડોબામાં અમીર અબ્દુર્રહમાન બીજાના આશ્રયથી ઝિરયાબે વ્યવસ્થિત સંગીતશિક્ષણ વિકસાવ્યું. તેઓ વિદ્યાર્થીનો અવાજ, ઉચ્ચાર અને શ્વાસની શક્તિ ચકાસતા. પહેલાં ગીતના શબ્દો અને તાલ, પછી સરળ ધૂન અને અંતે સ્વરની સૂક્ષ્મતાઓ શીખવતા. સંગીતને માત્ર જન્મજાત પ્રતિભા નહીં, નિયમિત તાલીમથી વિકસતી કળા માનવાની આ પદ્ધતિ તેમનું મહત્ત્વનું પ્રદાન હતું.
તેમના આઠ પુત્રો અને બે પુત્રીઓ સંગીત સાથે સંકળાયેલાં હતાં. પુત્ર ઉબૈદુલ્લાહ નવી સ્વરરચનાઓ કરવામાં કુશળ હતા. ઇબ્ન હય્યાનના વર્ણન પ્રમાણે તેઓ પિતાની રચનામાં પોતાની રીતે ફેરફાર કરતા; ઝિરયાબને શરૂઆતમાં વાંધો હોવા છતાં સારી રજૂઆત જોઈ તેઓ પુત્રના કૌશલ્યને સ્વીકારતા. આ નાનકડો પ્રસંગ સાચા શિક્ષકની એક વિશેષતા બતાવે છે: શિષ્યની નવીનતાને પણ સ્થાન આપવું.
પુત્રીઓ હમદૂના અને ઉલૈયા પણ જાણીતી ગાયિકાઓ બની. દરબારની અનેક મહિલા ગાયિકાઓએ તેમના ગીતો આગામી પેઢી સુધી પહોંચાડ્યાં.
ઝિરયાબ પાસેથી તાલીમ મેળવનારી મુતા અને મસાબીહ જેવી ગાયિકાઓનો ઉલ્લેખ ઇબ્ન હય્યાનના વર્ણનમાં મળે છે. અન્ય પરંપરાઓમાં ગિઝલાન અને હુનૈદા જેવી ગાયિકાઓના નામ પણ નોંધાય છે. ગાયનના અનેક રાગ અને ધૂન મૌખિક રીતે જ આગળ પહોંચતા હોવાથી શિષ્યોની યાદશક્તિ, અભ્યાસ અને ચોક્કસ રજૂઆત અત્યંત જરૂરી હતાં. આ રીતે શિક્ષણ તેમના માટે વ્યક્તિગત સફળતાથી આગળ, પોતાની કળાનો વારસો સાચવવાનું સાધન હતું.

રચનાઓ અને મહત્ત્વનાં કાર્યો
ઝિરયાબનું સૌથી મોટું કાર્ય સંગીતમાં હતું. બગદાદની તાલીમને તેમણે અંદાલુસની સ્થાનિક પરંપરા સાથે જોડી. ‘ઊદ’ નામના તારવાદ્યમાં પાંચમો તાર ઉમેરવાનું અને તાર છેડવા માટે લાકડાની જગ્યાએ મોટા પક્ષીના પીંછામાંથી બનાવેલી મિઝરાબ વાપરવાનું શ્રેય તેમને આપવામાં આવે છે. આ ફેરફારોનો ઉલ્લેખ મધ્યકાલીન વર્ણનોમાં મળે છે, જોકે તેના દરેક તકનીકી પાસાને આધુનિક દસ્તાવેજી પુરાવાથી નિશ્ચિત કરવું શક્ય નથી.
ઊદના ચાર તારોને માનવશરીરના ચાર સ્વભાવ સાથે જોડવાની પ્રાચીન સંગીતવિચારધારા પ્રચલિત હતી. વર્ણનો પ્રમાણે ઝિરયાબે ઉમેરેલા પાંચમા તારને આત્મા અથવા જીવનશક્તિના પ્રતીક તરીકે સમજાવ્યો. આ આજના વિજ્ઞાનનું વર્ણન નથી, પરંતુ તે યુગમાં સંગીતને માત્ર અવાજ નહીં, માનવજીવનની આંતરિક લાગણીઓ સાથે જોડીને જોવાની એક વિચારપદ્ધતિ દર્શાવે છે.
તેમણે ગાયનને ક્રમબદ્ધ બનાવ્યું: શરૂઆતમાં ધીમી અને સરળ રચના, પછી સ્વરવિસ્તાર અને અંતે વધુ લયબદ્ધ ગાયન. તેમનામાં અદ્ભુત સ્મરણશક્તિ હતી. પરંપરાગત ગ્રંથોમાં દસ હજાર ગીતો કંઠસ્થ હોવાનું કહેવાય છે; આ સંખ્યાને ચોક્કસ ગણતરી કરતાં તેમની ખ્યાતિનો સંકેત માનવો યોગ્ય છે. તેમની કેટલીક કાવ્યપંક્તિઓ પછીના સ્રોતોમાં સચવાઈ છે. જોકે ઝિરયાબે પોતે લખેલો કોઈ પ્રમાણિત સંપૂર્ણ સંગીતગ્રંથ ઉપલબ્ધ નથી.
ગાયન સિવાય અરબી સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ અને ખગોળવિદ્યા વિશે પણ ઝિરયાબને સમજ હતી, એવી જૂની નોંધો મળે છે. દરબારી કલાકારની ભૂમિકા ક્યારેક માત્ર મનોરંજન પૂરતી રહેતી નહોતી; શાસક સાથે ઇતિહાસ, કવિતા અને જીવનસંસ્કારની ચર્ચામાં પણ તે ભાગ લેતો. આ વ્યાપક રસને કારણે ઝિરયાબની ઓળખ ગાયકની મર્યાદા વટાવી સાંસ્કૃતિક માર્ગદર્શક તરીકે ઊભરી.

રહેણીકરણીમાં ક્રાંતિ

ઝિરયાબનું યોગદાન માત્ર સંગીત પૂરતું નહોતું.તેઓ પોતાના યુગના ‘ફેશન આઇકોન’અને સામાજિક સુધારક પણ હતા.ઇબ્ન હય્યાન અને અલ-મક્કરીના વર્ણન પ્રમાણે તેણે કોર્ડોબાના રોજિંદા જીવનને પણ નવી સુઘડતા આપી.
• ભોજનનો ક્રમ: બધી વાનગીઓ એક સાથે પીરસવાને બદલે ક્રમમાં પીરસવાની રીત શરૂ કરી. પહેલાં સૂપ, પછી માંસ અને પક્ષીની વાનગીઓ, અને અંતે મીઠાઈ. આજનું "થ્રી-કોર્સ મીલ" આ જ પરંપરાનું સ્વરૂપ ગણાય છે.
• નવી વાનગીઓ: શતાવરી (એસ્પેરેગસ) જેવી શાકભાજીને લોકપ્રિય બનાવી. કેટલીક વાનગીઓ તો તેના નામથી ઓળખાવા લાગી.
• દસ્તરખાનની સંસ્કૃતિ: ભારે ધાતુનાં પાત્રોને બદલે સુંદર કાચના પ્યાલા અને સહેલાઈથી સાફ થાય તેવું ચામડાનું દસ્તરખાન વાપરવાની પ્રથા શરૂ કરી.
• ઋતુ પ્રમાણે વસ્ત્રો: ઉનાળામાં હળવાં સફેદ, વસંતમાં રંગીન રેશમી અને શિયાળામાં ગરમ ઘેરા રંગનાં વસ્ત્રો પહેરવાની ફેશન શરૂ કરી.
• સ્વચ્છતા અને દેખાવ: વાળ કપાળ પર લટકતા રાખવાને બદલે ગોઠવેલી શૈલી, શરીરની દુર્ગંધ દૂર કરવાના ઉપાયો અને દાંત સાફ કરવાની સુગંધી સામગ્રી લોકપ્રિય બનાવી.

ઇસ્લામી સભ્યતામાં પ્રદાન

ઝિરયાબ ધાર્મિક કાયદાના વિદ્વાન કે ધર્મશાસ્ત્રના લેખક તરીકે જાણીતા નહોતા. તેમનું પ્રદાન ઇસ્લામી જગતના સાંસ્કૃતિક જીવનમાં હતું. તેમણે બગદાદની સંગીતવિદ્યા અને સૌંદર્યબોધને અંદલુસ સુધી પહોંચાડ્યો. આ યુગનો ઇતિહાસ બતાવે છે કે મુસ્લિમ સમાજમાં જ્ઞાન, સ્થાપત્ય, કાવ્ય અને કલાની પ્રવૃત્તિઓ પણ વિકસતી હતી; સંગીત વિશે ધાર્મિક વિદ્વાનોના મતભેદ હોવા છતાં વિવિધ દરબારોમાં તેને આશ્રય મળતો હતો.
તે સમયમાં બગદાદમાં અબ્બાસીઓ અને કોર્ડોબામાં ઉમય્યાઓનાં અલગ રાજકીય કેન્દ્રો હતાં. છતાં કલાકારો, પુસ્તકો, વાદ્યો અને વિચારોની મુસાફરી બંધ થઈ નહોતી. ઝિરયાબ આ સીમાપાર સાંસ્કૃતિક સંવાદનું સચોટ ઉદાહરણ છે. રાજકીય સ્પર્ધા વચ્ચે પણ જ્ઞાન અને કલાનું આદાનપ્રદાન થતું રહે, તો આખી સભ્યતા સમૃદ્ધ બને છે.
તેમના જીવનમાં એક મોટો સંદેશ છુપાયેલો છે: જ્ઞાન માત્ર પ્રાપ્ત કરવું પૂરતું નથી, તેને શીખવવું અને બીજા સમાજ સાથે વહેંચવું પણ આવશ્યક છે. ઝિરયાબે પોતાના શિષ્યો અને સંતાનો દ્વારા આ કાર્ય કર્યું.

વિશ્વસંસ્કૃતિમાં પ્રદાન

અંદાલુસમાં ઝિરયાબ પહેલાં પણ સંગીત હતું. પરંતુ તેમના આગમનથી પૂર્વીય અને સ્થાનિક સંગીતપરંપરાઓ વચ્ચે આદાનપ્રદાનને નવી ગતિ મળી. ઇબ્ન ખલદૂને ‘મુકદ્દિમા’માં અંદાલુસી સંગીતના વિકાસમાં તેમની ભૂમિકા યાદ કરી છે. બાદમાં આ પ્રદેશની વિવિધ સંગીતપરંપરાઓ ઉત્તર આફ્રિકામાં વિકસતી રહી; આજે મોરોક્કો, અલ્જીરિયા અને ટ્યુનિશિયામાં તેમનો સાંસ્કૃતિક વારસો યાદ કરવામાં આવે છે.
યુરોપીય સંગીતના ઇતિહાસમાં પણ અંદાલુસનો મહત્ત્વનો ભાગ છે. જોકે આધુનિક ગિટારના કે અંદાલુસી ‘નૌબા’ની તમામ રચનાઓના સીધા શોધક કહેવું ઐતિહાસિક રીતે યોગ્ય નથી. સાચું મહત્ત્વ વધુ ઊંડું છે: અલગ પ્રદેશોના કલાકારોને જોડતા સાંસ્કૃતિક પ્રવાહમાં ઝિરયાબ એક પ્રભાવશાળી કડી બન્યા. તેમણે સાબિત કર્યું કે સંસ્કૃતિ કોઈ એક સમાજની બંધ મિલકત નહીં, પણ મળવા અને શીખવાથી સમૃદ્ધ થતો જીવંત વારસો છે.

અવસાન
ઝિરયાબનું અવસાન કોર્ડોબામાં થયું. ચોક્કસ વર્ષ અંગે ઐતિહાસિક મતભેદ છે. તુર્કીની વિદ્વત્તાપૂર્ણ ‘ટીડીએવી ઇસ્લામ અન્સિક્લોપેડિસી’ ઈ.સ. ૮૫૨ (૨૩૮ હિજરી) જણાવે છે, જ્યારે કેટલાક સંશોધનોમાં ઈ.સ. ૮૫૭ (૨૪૨ હિજરી) મળે છે. તેમની મૃત્યુતારીખ કરતાં વધુ સ્પષ્ટ તેમનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રભાવ છે, જે જીવનકાળ પછી પણ ટકી રહ્યો.
ઉપસંહાર
બગદાદની પ્રસિદ્ધિ, કૈરવાનનો આઘાત અને કોર્ડોબામાં મળેલું સન્માન—ઝિરયાબની યાત્રા સીધી સફળતાની વાર્તા નહોતી. તેમાં અનિશ્ચિતતા હતી, અપમાન હતું અને નવી શરૂઆત કરવાની હિંમત હતી. તેમણે વિરોધનો જવાબ માત્ર ફરિયાદથી નહીં, સતત સર્જન અને શિક્ષણથી આપ્યો.
તેમનું જીવન એ પણ સમજાવે છે કે સભ્યતાનો વિકાસ માત્ર સૈન્યવિજયોથી કે ભવ્ય ઇમારતોથી થતો નથી. જ્ઞાન, સાહિત્ય, સંગીત, શિક્ષણ અને સંસ્કારપૂર્ણ જીવન પણ સભ્યતાને સમૃદ્ધ બનાવે છે.
ઝિરયાબે કોઈ સામ્રાજ્ય જીત્યું નહોતું, પરંતુ તેમણે લોકોનાં હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.રાજાઓનાં સામ્રાજ્યો સમયની સાથે વિલીન થઈ જાય છે, પરંતુ સર્જનશીલ માણસે પ્રગટાવેલો સંસ્કૃતિનો દીપક સદીઓ સુધી પ્રકાશ આપતો રહે છે.

(ગુજરાત ટુડે , તા. 18-10-2026, Sunday)

9 ઑક્ટોબર, 2026

બે પુરસ્કાર, બે સંઘર્ષ અને માનવ અધિકારો સામે ઊભેલા પ્રશ્નો

 

નવી પિલ્લઈથી ઉમર ખાલિદ સુધી : ન્યાય, માનવતા અને રાજ્યસત્તાની મર્યાદાઓ

એક તરફ વિશ્વનો સર્વોચ્ચ શાંતિ પુરસ્કાર મેળવનાર ૮૫ વર્ષીય મહિલા છે, જેણે રંગભેદથી લઈને નરસંહાર સુધીના અન્યાયો સામે કાયદાની મદદથી સંઘર્ષ કર્યો છે. બીજી તરફ ભારતનો યુવાન સામાજિક કાર્યકર છે, જે છ વર્ષથી જેલમાં છે અને જેને માનવ અધિકારોના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. બંનેની ઉંમર, પરિસ્થિતિ અને કાર્યક્ષેત્ર જુદાં છે, પરંતુ બંને સાથે માનવ અધિકારો અને ન્યાયનો એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન જોડાયેલો છે.

૯ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ નૉર્વેજિયન નોબેલ સમિતિએ દક્ષિણ આફ્રિકાનાં ભારતીય મૂળનાં કાયદાશાસ્ત્રી નવનિતમ ‘નવી’ પિલ્લઈને (Navanethem Navi Pillay) નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરી. તેના એક દિવસ પહેલાં આયર્લેન્ડના ડબ્લિનમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન ‘ફ્રન્ટ લાઇન ડિફેન્ડર્સ’એ ભારતના ઉમર ખાલિદને માનવ અધિકાર રક્ષક પુરસ્કારથી સન્માનિત કર્યા.

આ બંને સન્માનો માત્ર બે વ્યક્તિઓની સિદ્ધિઓ નથી. એ આપણને વિચારવા મજબૂર કરે છે કે જ્યારે ન્યાય મેળવવાનો સંઘર્ષ રાજ્યસત્તા સાથે ટકરાય છે, ત્યારે વ્યક્તિના મૂળભૂત અધિકારોનું રક્ષણ કેવી રીતે થવું જોઈએ?

રંગભેદની ધરતી પરથી ન્યાયના સર્વોચ્ચ મંચ સુધી

નવી પિલ્લઈનો જન્મ ૨૩ સપ્ટેમ્બર, ૧૯૪૧ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં ભારતીય તમિળ મૂળના સામાન્ય પરિવારમાં થયો હતો. એ સમયે દક્ષિણ આફ્રિકામાં રંગભેદની અમાનવીય વ્યવસ્થા હતી. અશ્વેત અને ભારતીય મૂળના નાગરિકો માટે શિક્ષણ, રોજગાર અને જાહેર જીવનમાં અનેક પ્રતિબંધો હતા.

આવી પરિસ્થિતિમાં કાયદાનો અભ્યાસ કરીને વકીલ બનવું પણ સરળ નહોતું. પિલ્લઈએ ૧૯૬૭માં પોતાની વકીલાતની પેઢી શરૂ કરી. તેમણે રંગભેદનો વિરોધ કરનારા કાર્યકરો અને રાજકીય કેદીઓના અધિકારો માટે લડત ચલાવી. તેમની કાનૂની કારકિર્દી સાથે નેલ્સન મંડેલાના અધિકારોનું રક્ષણ પણ સંકળાયેલું રહ્યું.

૧૯૯૫માં તેઓ દક્ષિણ આફ્રિકાની ઉચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બન્યાં. ત્યારબાદ રવાન્ડાના નરસંહારના ગુનાઓની તપાસ માટે રચાયેલી આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાયપંચમાં તેમણે ઐતિહાસિક ભૂમિકા ભજવી.

રવાન્ડામાં ૧૯૯૪ દરમિયાન થયેલા નરસંહારમાં આશરે આઠ લાખ લોકો માર્યા ગયા હતા. આ ગુનાઓની ન્યાયિક તપાસ દરમિયાન બળાત્કાર અને જાતીય હિંસાનો ઉપયોગ નરસંહારના સાધન તરીકે થઈ શકે છે, એ કાનૂની સિદ્ધાંત સ્થાપિત કરવામાં પિલ્લઈનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું. આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય ફોજદારી કાયદાના વિકાસને નવી દિશા મળી.

પિલ્લઈ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતનાં ન્યાયાધીશ બન્યાં અને ૨૦૦૮થી ૨૦૧૪ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રનાં માનવ અધિકાર ઉચ્ચાયુક્ત તરીકે કાર્ય કર્યું. આજે તેઓ મ્યાનમાર સામેના રોહિંગ્યા નરસંહાર સંબંધિત કેસમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં વિશેષ ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યાં છે.

આમ, તેમણે પોતાના જીવનનાં લગભગ છ દાયકાં માનવ અધિકારો અને આંતરરાષ્ટ્રીય ન્યાય માટે સમર્પિત કર્યાં છે.

ગાઝાનો નરસંહાર : પિલ્લઈનો અવાજ કેમ મહત્ત્વપૂર્ણ બન્યો?

નવી પિલ્લઈનું તાજેતરનું અત્યંત મહત્ત્વપૂર્ણ કાર્ય ગાઝામાં ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહી અંગેની તપાસ છે.

૭ ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ હમાસના હુમલામાં ઇઝરાયેલના આશરે ૧,૨૦૦ લોકો માર્યા ગયા અને અનેક લોકોને બંધક બનાવવામાં આવ્યા. આ હુમલા બાદ ઇઝરાયેલે ગાઝામાં વ્યાપક લશ્કરી કાર્યવાહી શરૂ કરી.

આ કાર્યવાહીમાં અંદાજે ૭૫૦૦૦ પેલેસ્ટિની નાગરિકોનાં મૃત્યુ થયાં. હજારો ઘરો, હોસ્પિટલો, શાળાઓ અને અન્ય નાગરિક માળખાંને નુકસાન પહોંચ્યું. લાખો લોકો વિસ્થાપિત થયા અને ખોરાક, પીવાનું પાણી તથા દવાઓની ગંભીર અછત સર્જાઈ.

પિલ્લઈના અધ્યક્ષપદ હેઠળ સંયુક્ત રાષ્ટ્રના સ્વતંત્ર તપાસ પંચે લગભગ બે વર્ષ સુધી પુરાવા, લશ્કરી કાર્યવાહી, સરકારી નિવેદનો અને માનવીય પરિસ્થિતિઓનો અભ્યાસ કર્યો.

૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ રજૂ કરાયેલા અહેવાલમાં પંચે તારણ આપ્યું કે ઇઝરાયેલના સત્તાવાળાઓ અને સુરક્ષાદળોએ ૧૯૪૮ના નરસંહાર નિવારણ સંમેલનમાં દર્શાવેલાં પાંચમાંથી ચાર પ્રકારનાં નરસંહારક કૃત્યો કર્યાં હતાં.

આમાં નાગરિકોની હત્યા, ગંભીર શારીરિક કે માનસિક નુકસાન, જીવન ટકાવવું અશક્ય બને એવી પરિસ્થિતિઓ ઊભી કરવી અને જન્મ અટકાવવાનાં પગલાંનો સમાવેશ થાય છે.

પંચે એવો પણ નિષ્કર્ષ આપ્યો કે ઉપલબ્ધ પુરાવાઓમાં પેલેસ્ટિનીઓનો એક સમૂહ તરીકે સંપૂર્ણ અથવા આંશિક વિનાશ કરવાનો વિશેષ ઇરાદો દેખાય છે.

ઇઝરાયેલે આ તારણોને નકારી કાઢ્યાં છે અને તેની લશ્કરી કાર્યવાહી હમાસ સામે સ્વરક્ષણ માટે હોવાનું જણાવ્યું છે. તપાસ પંચનો અહેવાલ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના અંતિમ ચુકાદા સમકક્ષ નથી. તેમ છતાં સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ દ્વારા રજૂ થયેલા આ તારણો ગંભીર કાનૂની અને નૈતિક મહત્ત્વ ધરાવે છે.

પિલ્લઈએ હમાસ દ્વારા કરવામાં આવેલા યુદ્ધ અપરાધોની પણ ટીકા કરી છે. તેમની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય કાયદાનાં ધોરણો તમામ પક્ષોને સમાન રીતે લાગુ પડવાં જોઈએ.

આ જ તેમના કાર્યની વિશેષતા છે. અન્યાય કોણ કરે છે અને તેનો ભોગ કોણ બને છે, તેના આધારે માનવ અધિકારોનાં ધોરણો બદલાવાં ન જોઈએ.

ગાઝાના સંકટ સામે અનેક દેશો, માનવ અધિકાર સંગઠનો અને નાગરિકોએ વિરોધ નોંધાવ્યો હોવા છતાં સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા કેટલી અસરકારક રહી છે, એ પ્રશ્ન આજે પણ ગંભીર છે.

નૉર્વેજિયન નોબેલ સમિતિએ પિલ્લઈને પુરસ્કાર આપતાં આંતરરાષ્ટ્રીય કાયદા અને ન્યાયિક સંસ્થાઓને મજબૂત બનાવવાના તેમના યોગદાનને વિશેષ મહત્ત્વ આપ્યું છે. આ પુરસ્કાર માત્ર ગાઝાની તપાસ માટે નહીં, પરંતુ તેમના સમગ્ર જીવનકાર્ય માટે છે.

ઉમર ખાલિદ : જેલની દીવાલો વચ્ચે મળેલું આંતરરાષ્ટ્રીય સન્માન

ભારતના ઉમર ખાલિદને મળેલો પુરસ્કાર જુદા પ્રકારની ચર્ચા ઊભી કરે છે.

ઉમર ખાલિદ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ સંશોધક વિદ્યાર્થી અને સામાજિક કાર્યકર છે. તેઓ વિદ્યાર્થીઓના અધિકારો, નાગરિક સ્વતંત્રતા અને લઘુમતીઓના પ્રશ્નો અંગે સક્રિય રહ્યા છે.

૨૦૧૯માં નાગરિકતા સુધારા કાયદા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં હતાં. આ કાયદામાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા ચોક્કસ ધાર્મિક સમુદાયોના પાત્ર લોકોને ભારતીય નાગરિકતા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. વિરોધ કરનારાઓએ તેને ધર્મના આધારે ભેદભાવ કરતો કાયદો ગણાવ્યો હતો, જ્યારે કેન્દ્ર સરકારે તેને પડોશી દેશોમાં ધાર્મિક સતામણીનો ભોગ બનેલા લઘુમતીઓ માટેનું રક્ષણાત્મક પગલું ગણાવ્યું હતું.

ઉમર ખાલિદ આ કાયદાનો વિરોધ કરનારા કાર્યકરોમાં સામેલ હતા.

ફેબ્રુઆરી ૨૦૨૦માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી સામ્પ્રદાયિક હિંસામાં ૫૩ લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા. દિલ્હી પોલીસે આરોપ મૂક્યો કે આ રમખાણો પાછળ પૂર્વઆયોજિત ષડ્યંત્ર હતું અને તેમાં ઉમર ખાલિદ સહિત કેટલાક લોકોની ભૂમિકા હતી.

સપ્ટેમ્બર ૨૦૨૦માં ઉમર ખાલિદની ધરપકડ કરવામાં આવી. તેમની સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, એટલે કે UAPA હેઠળ આરોપો મૂકવામાં આવ્યા.

ઉમર ખાલિદે આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમનો પક્ષ એવો છે કે તેમણે બંધારણીય અધિકારોના ઉપયોગ દ્વારા શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો.

અહીં નોંધવું જરૂરી છે કે આરોપ મૂકવામાં આવવો અને ન્યાયિક સુનાવણી બાદ આરોપ સાબિત થવો, એ બંને જુદી બાબતો છે.

છ વર્ષની કેદ અને જામીનનો પ્રશ્ન

ઉમર ખાલિદની ધરપકડને છ વર્ષ પૂરાં થઈ ગયાં છે. આ સમયગાળામાં તેમની જામીન અરજીઓ વારંવાર નામંજૂર કરવામાં આવી છે.

૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સર્વોચ્ચ અદાલતે આ કેસના અન્ય પાંચ આરોપીઓને જામીન આપ્યા હતા, પરંતુ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની અરજીઓ નકારી હતી.

અદાલતના જણાવ્યા મુજબ પ્રાથમિક સ્તરે રજૂ થયેલી સામગ્રીમાં બંનેની કથિત ભૂમિકા અન્ય આરોપીઓ કરતાં અલગ જણાતી હતી. જોકે આ તારણ જામીન અરજીની સુનાવણીના સંદર્ભમાં હતું, અંતિમ દોષનિર્ણય નહોતો.

૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ દિલ્હી ઉચ્ચ અદાલતે પણ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજીઓ નામંજૂર કરી. આ આદેશમાં નોંધાયું કે ૧૩ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં આરોપો ઘડવા અંગે બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી, પરંતુ અન્ય સંબંધિત કાનૂની કાર્યવાહીનું પરિણામ બાકી હતું.

સર્વોચ્ચ અદાલતે અગાઉ જણાવ્યું હતું કે અમુક સુરક્ષિત સાક્ષીઓની જુબાની પૂર્ણ થાય અથવા ૫ જાન્યુઆરી, ૨૦૨૭ આવે, બેમાંથી જે પહેલાં થાય તે સમયે તેઓ ફરી જામીન માટે અરજી કરી શકશે.

અહીં મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે : કોઈ આરોપી સામે ગુનો અંતિમ રીતે સાબિત થયા પહેલાં તેને આટલાં વર્ષો સુધી કેદમાં રાખવાની સ્થિતિનો ન્યાયવ્યવસ્થા કેવી રીતે સામનો કરે?

ભારતના બંધારણની કલમ ૨૧ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરે છે. સર્વોચ્ચ અદાલતે પણ અનેક ચુકાદાઓમાં ઝડપી અને ન્યાયી સુનાવણીના મહત્ત્વ પર ભાર મૂક્યો છે.

ગંભીર આરોપોની યોગ્ય તપાસ કરવી રાજ્યની ફરજ છે. પરંતુ એ સાથે વ્યક્તિને અનિશ્ચિત સમય સુધી ન્યાયિક પ્રક્રિયાની રાહ ન જોવી પડે તે સુનિશ્ચિત કરવું પણ એટલું જ જરૂરી છે.

આંતરરાષ્ટ્રીય માન્યતા શું સૂચવે છે?

૮ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ આયર્લેન્ડના ડબ્લિનમાં ‘ફ્રન્ટ લાઇન ડિફેન્ડર્સ’ સંગઠને ઉમર ખાલિદને એશિયા અને પ્રશાંત ક્ષેત્ર માટેનો ‘હ્યુમન રાઇટ્સ ડિફેન્ડર્સ એટ રિસ્ક’ પુરસ્કાર આપ્યો.

આ પુરસ્કાર ૨૦૦૫થી માનવ અધિકારોના રક્ષણ માટે નોંધપાત્ર કાર્ય કરનારા અને તેના કારણે જોખમોનો સામનો કરનારા કાર્યકરોને આપવામાં આવે છે.

આ વર્ષે ભારત ઉપરાંત અંગોલા, બ્રાઝિલ, સર્બિયા અને ઈરાનના કાર્યકરોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

ઉમર ખાલિદ જેલમાં હોવાથી ડબ્લિનના સમારોહમાં વ્યક્તિગત રીતે હાજર રહી શક્યા નહોતા.

સંગઠને તેમના નાગરિક અધિકારો અંગેના કાર્યને માન્યતા આપી છે અને લાંબી કેદ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મનસ્વી અટકાયત અંગેના કાર્યકારી જૂથ સહિત કેટલીક આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓએ પણ તેમની અટકાયત અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.

અલબત્ત, કોઈ માનવ અધિકાર સંગઠનનું સન્માન કે અભિપ્રાય અદાલતી ચુકાદાનું સ્થાન લઈ શકતું નથી. આરોપોની સત્યતા અને કાનૂની જવાબદારીનો અંતિમ નિર્ણય ભારતીય ન્યાયવ્યવસ્થાએ જ કરવાનો છે.

બે સંઘર્ષોનો એક સામાન્ય બોધપાઠ

નવી પિલ્લઈ અને ઉમર ખાલિદની પરિસ્થિતિઓની સીધી સરખામણી કરી શકાય તેમ નથી. પિલ્લઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ન્યાયવિદ્ છે, જ્યારે ઉમર ખાલિદ ગંભીર ફોજદારી આરોપોનો સામનો કરી રહેલા સામાજિક કાર્યકર છે.

તેમ છતાં આ બંને સમાચારો માનવ અધિકારોના બે મૂળભૂત પ્રશ્નોને સામે લાવે છે.

પ્રથમ, વિશ્વના શક્તિશાળી દેશો પણ આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા અને જવાબદારીનાં ધોરણોથી પર ન હોવા જોઈએ.

બીજું, દેશની આંતરિક સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવતી વખતે નાગરિક સ્વતંત્રતા તથા ન્યાયી સુનાવણીના અધિકારોનું યોગ્ય સંતુલન જળવાવું જોઈએ.

માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાના અનુચ્છેદ ૧૦માં દરેક વ્યક્તિને સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયપંચ સમક્ષ ન્યાયી સુનાવણીનો અધિકાર માન્ય રાખવામાં આવ્યો છે. અનુચ્છેદ ૧૧માં આરોપ સાબિત ન થાય ત્યાં સુધી વ્યક્તિને નિર્દોષ માનવાના સિદ્ધાંતનો સ્વીકાર થયો છે.

આ અધિકારો કોઈ એક ધર્મ, દેશ કે રાજકીય વિચારધારા પૂરતા મર્યાદિત નથી.

ઉપસંહાર : ન્યાયનું સાચું મૂલ્ય

નવી પિલ્લઈને મળેલો નોબેલ શાંતિ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય ન્યાય અને કાયદાની સર્વોપરિતાનું મહત્ત્વ યાદ અપાવે છે. ઉમર ખાલિદને મળેલો માનવ અધિકાર પુરસ્કાર લાંબી ન્યાયિક કેદ, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને નાગરિક અધિકારો અંગે ચર્ચા કરવાની તક આપે છે.

પુરસ્કારોનો હેતુ વ્યક્તિઓનું સન્માન કરવાનો છે, પરંતુ તેમની પાછળ રહેલા પ્રશ્નો સમગ્ર સમાજના છે.

ગાઝાના નિર્દોષ નાગરિકોનું રક્ષણ હોય કે ભારતના કોઈ આરોપીને સમયસર ન્યાય આપવાનો પ્રશ્ન, બંનેમાં માનવીય ગૌરવ અને કાયદાની નિષ્પક્ષતા કેન્દ્રસ્થાને હોવાં જોઈએ.

કોઈપણ સરકારની સુરક્ષાલક્ષી જવાબદારીઓ અને વ્યક્તિના અધિકારો વચ્ચે મતભેદ ઊભા થઈ શકે છે. એવા સમયે સ્વતંત્ર ન્યાયવ્યવસ્થા, પારદર્શક તપાસ અને જવાબદાર જાહેર ચર્ચાનું મહત્ત્વ વધી જાય છે.

ન્યાયની સાચી કસોટી ત્યારે થાય છે, જ્યારે તેનું રક્ષણ એવી વ્યક્તિ માટે પણ કરવાનું હોય, જેના વિચારો કે કાર્ય સાથે આપણે અસહમત હોઈએ. કારણ કે માનવ અધિકારોનો આધાર વ્યક્તિ પ્રત્યેની આપણી સહાનુભૂતિ નહીં, પરંતુ તેની માનવી તરીકેની ગરિમા છે.

રજૂ: મોહમ્મદ સઈદ શેખ  ૦૯-૧૦-૨૦૨૬