આ બ્લૉગ શોધો

26 નવેમ્બર, 2025

અરબી ભાષા અને છંદશાસ્ત્રના મહાન વિદ્વાન :ખલીલ બિન એહમદ અલ ફરહાદી

અરબી ભાષા અને છંદશાસ્ત્રના મહાન વિદ્વાન :ખલીલ બિન એહમદ અલ ફરહાદી


લેખક : મોહમ્મદ સઈદ શેખ

અબુ અબ્દુર રહમાન અલ ખલીલ બિન એહમદ બિન અમ્ર બિન તમીમ અલ ફરહાદી અરબી ભાષાના એક મહાન અને પ્રસિદ્ધ ભાષા શાસ્ત્રી,વ્યાકરણ શાસ્ત્રી અને છંદ શાસ્ત્રી /પિંગળ શાસ્ત્રી હતા.તેઓ અરબી ભાષાના શબ્દકોષના રચયિતા હતા.તેઓ એક બહુમુખી પ્રતિભા ધરાવતા વિદ્વાન હતા.અરબી શબ્દકોષ અને સંગીતની શાખાઓ સ્થાપિત કરવાનો શ્રેય એમને જાય છે.એમણે છંદ કે પિંગળ શાસ્ત્રને વૈજ્ઞાનિક ઢબે વિકસિત કર્યું.

તેમનો જન્મ ૧૦૦ (૭૧૮) માં ઓમાન અથવા તો બસરા (ઈરાક)માં માં થયો હતો.તેઓ બસરામાં મોટા થયા હતા. તેમને યઝદી, અહમદી અને બસરી નામોથી પણ ઓળખવામાં આવે છે.
એવું કહેવાય છે કે ખલીલના પિતા નું નામ રસુલલ્લાહ હ. મુહમ્મદ ﷺ ના અવસાન પછી આપના નામ ‘એહમદ’ પરથી સૌપ્રથમ રાખવામાં આવ્યું હતું.ખલીલે ઇસા ઇબ્ને ઉમર અલ-સકાફી અને અબુ અમ્ર ઇબ્ને અલા જેવા શિક્ષકો પાસેથી ભાષા અને વ્યાકરણ નું જ્ઞાન પ્રાપ્ત કર્યું .એમણે હદીસનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું યુવાનીમાં તેઓ ખારીજીઓની ઇબાદી કે સુફરિયા શાખાથી જોડાયેલા હતા, પરંતુ તેમના શિક્ષક, પ્રખ્યાત ફકીહ અને હદીસ વિદ્વાન ઐયુબ અલ-સહતિયાનીના પ્રભાવ હેઠળ, તેમણે આનો ત્યાગ કર્યો અને સુન્ની સિદ્ધાંત અપનાવ્યો. તેઓ ખૂબ જ ધાર્મિક હતા.દર વર્ષે તેઓ હજ પઢવા જતા. તેઓ બસરામાં તેમના પિતા પાસેથી વારસામાં મળેલા બગીચા અને બાજપાલન તરીકેના વ્યવસાયમાંથી મળેલી આવક પર જીવન નિર્વાહ કરતા હતા.ખલીલ ઇબ્ને અહમદ માટે જ્ઞાન સિવાય બીજું કશું જ મહત્વનું નહતું તેઓ પોતાની આસપાસના લોકોને જ્ઞાન આપવા તેમને શિક્ષણ આપતા જાતે લખવાનું શીખવાડતા.એમના ઘણા વિધાર્થીઓ પ્રસિદ્ધ થયા એમાંથી એક સિબાવેહી હતા જેમને અલ-કિતાબમાં તેમની નોંધોનું સંકલન કર્યું જેનાથ તેઓ પ્રખ્યાત થયા. તેમના ઘણા વિદ્યાર્થીઓ જેમણે તેમની પાસેથી વ્યાકરણ, શબ્દકોષ, હદીસ અને કવિતાનું વર્ણન કર્યું હતું, તેમાં લેયસ ઇબ્ને મુઝફ્ફરને હદીસમાં, અલી ઇબ્ને નસ્ર અલ-જહદામીને કવિતા અને શબ્દકોષમાં, નાદર ઇબ્ને શુમૈલને હદીસ અને શબ્દકોષમાં અને અહફાસ અલ-અવસત અને અસમૈને વ્યાકરણમાં નોંધપાત્ર વ્યક્તિઓ તરીકે ટાંકી શકાય. હમઝા અલ-ઇસ્ફહાનીના મતે, ઇસ્લામિક વિશ્વમાં કોઈ પણ વિદ્વાન એવો નથી જેણે ખલીલ દ્વારા તેમના કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો લાભ ન લીધો હોય. બધા જ શિષ્યોનો દાવો હતો કે ખલીલ કરતા વધુ બુદ્ધિશાળી અથવા અરબી ભાષા અને સાહિત્યનો વધુ જાણકાર કોઈ બીજું નહોતું.

ખલીલ ઇબ્ને અહમદ અરબી વ્યાકરણમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું.એમણે અરબી શબ્દકોશ સંપાદિત કર્યું ખલીલની ગણના એક મહાન ભાષાશાસ્ત્રી તરીકે થાય છે.એમણે નિયમબદ્ધ કરેલ નિયમો આજે પણ અમુલ્ય રહ્યા છે.એમણે અરબી કવિતાનો ગહન અભ્યાસ કર્યો અને જોયું કે કોઈ કોઈ જગ્યાએ લય બરાબર બેસતો નહતો.એમણે એ કવિતાઓને લયબદ્ધ કરી અને આ રીતે અરબી ભાષામાં એમણે લયબદ્ધ બંધારણો કે જેને આપણે છંદ કે પિંગળ કહીએ છીએ –એમણે ખૂબ જ વ્યવસ્થિત કર્યા એમણે પાંચ દાયરા અને ૧૫ બહેરો ની શોધ કરી જે આજે પણ અરબી,ફારસી અને ઉર્દુ શાયરીમાં ઉપયોગ કરવામાં આવે છે.આમ તેઓ અરબી છંદ શાસ્ત્રના સ્થાપક ગણાય છે. ખલીલના નજીકના મિત્ર, પ્રખ્યાત વિદ્વાન ઇબ્ને અલ-મુકફફાએ કહ્યું હતું કે ખલીલની બુદ્ધિ એમના જ્ઞાન કરતાં વધી ગઈ હતી.સુફિયાન બિન ઉયેયનાએ કહ્યું હતું , "જે કોઈ સોના અને કસ્તુરીમાંથી બનાવેલા (જ્ઞાનીને) જોવા માંગે છે તેણે ખલીલ ઇબ્ને અહમદને જોવું જોઈએ,".તે એક અનુકરણીય વ્યક્તિ પણ હતા જે તેમના સારા નૈતિકતા, શ્રેષ્ઠ ગુણો, તપસ્વીતા, ધર્મનિષ્ઠા અને સંતોષ માટે પ્રખ્યાત હતા. આ કારણોસર, તેમને ખલીફા અને અમીર જેવા પદવી ધરાવતા લોકોનો સાથ ગમ્યો નહીં. ખલીલના આ ગુણોની અભિવ્યક્તિ તેમના લેખનમાં પણ જોવા મળે છે. તેમણે શિક્ષણ દ્વારા આ જ્ઞાન દરેકને પહોંચાડવાનું પસંદ કર્યું. તેમણે એવા વિષય પર વિચારો, પદ્ધતિઓ, પ્રણાલીઓ, પરિભાષા વગેરે વિકસાવી જે અગાઉ અજાણ હતા અથવા ત્યાં સુધી વિજ્ઞાન તરીકે માન્યતા પ્રાપ્ત ન હતી. તેમની પ્રતિભાની ઉલ્લેખનીય બાબત આ છે કે તેમણે આ બાબતોમાં શોધાયેલી નવીનતાઓ ધરાવતા પુસ્તકોનું સંકલન અને લેખન કર્યું.
ખલીલ ઇબ્ને અહમદના વિદ્વતાપૂર્ણ કાર્યો નીચે મુજબ છે.

૧.શબ્દકોશ કિતાબ અલ-અઈન. અરબી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ ગણાય છે.મૂળાક્ષરોના ક્રમને અનુસરવાને બદલે,ખલીલે વ્યંજનો મોંમાં ક્યાંથી ઉચ્ચારવામાં આવે છે તે મુજબ અક્ષરોને ક્રમાંકિત કર્યા, પાછળથી આગળ સુધી, "અઈન" અક્ષરથી શરૂ કરીને, જે ગળામાં રચાયેલા ધ્વનિનું પ્રતિનિધિત્વ કરે છે. કેટલાક અપવાદો સાથે અરબી ભાષાની રચના સાથે સંબંધિત આ સિદ્ધાંત હજુ પણ શબ્દકોષશાસ્ત્રમાં પ્રચલિત છે.

૨.કિતાબુલ-અરુઝ :ખલીલ ઇબ્ને અહેમદે સૌપ્રથમ વ્યવસ્થિત રીતે શે’ર /પંક્તિ કે શ્લોકના નિયમો અને કવિતાના મૂળભૂત સિદ્ધાંતો સમજાવ્યા હતા, જે દૂરના ભૂતકાળમાં પ્રાચીન અરબી કવિતામાં વિકસિત થયા હતા અને પરંપરાગત પણ બન્યા હતા, અને જે પ્રાચીન કવિઓએ ફક્ત કાન અને જીભની તાલીમ દ્વારા શીખ્યા હતા, અને જેમણે તેમને "અરુઝ" /છંદશાસ્ત્ર નામની વિજ્ઞાનની શાખા તરીકે રજૂ કર્યા હતા.તેઓ ‘ઇલ્મુલ અરુઝ’/છંદશાસ્ત્ર ના સ્થાપક ગણાય છે.એમણે અરબી શ્લોકની આંતરિક લયબદ્ધ રચનાનું વિશ્લેષણ કર્યું, સદીઓથી કાવ્યાત્મક રચના દ્વારા કવિઓએ શીખેલા વિવિધ છંદો વચ્ચેના વિવિધ સંબંધોને ઓળખ્યા અને વર્ગીકૃત કર્યા, તેમને સરળ અને વિશિષ્ટ મોડમાં ઉપયોગ અને વિકાસ કર્યો, અને ફક્ત સાંભળવાથી જ ઓળખી શકાય એવા સમયે જ્યારે ઉચ્ચારણ અને ઉચ્ચારણની વિભાવનાઓ હજુ સુધી સમજી શકાઈ ન હતી, ત્યારે તેમણે એક છંદાત્મક પ્રણાલી ઘડવાનો પ્રયાસ કર્યો જે કવિતાના લેખિત સ્વરૂપમાં સ્વર અને બાકીના અક્ષરોની ગોઠવણીના આધારે સાચી અને ખોટી કવિતા વચ્ચે તફાવત કરતી હતી.

૩. સંગીત વિષયક ‘ કિતાબુલ-ઈકા' અને કિતાબુન-નગમ ફી'લ-મુસીકી: ખલીલ બિન એહમદે લેખન અને જોડણીમાં સુધારો કરી કુરાનના ખોટા વાંચનને રોકવા માટેના પ્રયત્નો રૂપે જબર,ઝેર ,પેશ લગાવ્યા હતા. અરુઝ/છંદ સાથે તેમનું સૌથી નજીકનું કાર્ય કદાચ સંગીતના ક્ષેત્રમાં હતું.આ વાત સ્વીકારવામાં આવે છે કે આ કૃતિ કે જે આજે ઉપસ્થિત નથી -તે સંગીત પરનું પ્રથમ વૈજ્ઞાનિક સંશોધન છે.

૪.વ્યાકરણ વિષયક “કિતાબ અલ-જુમલ ફી'ન-નહવ”: અરબી વ્યાકરણના ઘડતર અને વિકાસમાં ખલીલ ઇબ્ન અહમદ એક અતિપ્રભાશાળી વિદ્વાન તરીકે ઓળખાય છે. ભલે તેમના નામે માત્ર કિતાબ અલ-જુમલ નો ઉલ્લેખ મળે—તેનું લેખકત્વ પણ પૂર્ણ વિશ્વસનીય નથી—તેમ છતાં તેમના વિચારો અને પદ્ધતિઓએ વ્યાકરણવિદ્યાની દિશા બદલવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
અરબી વ્યાકરણ પર પ્રથમ રચના કરવાનો શ્રેય શક્યતઃ અબ્દુલ્લા ઇબ્ન અબુ ઇશાક (મૃત્યુ: 117/735)ને જાય છે. તેમના અનુગામી આસા ઇબ્ન ‘ઉમર અલ-સકાફી (મૃત્યુ: 149/766)એ કિતાબ અલ-જામી‘ અને કિતાબ અલ-ઇકમાલ જેવી બે પ્રારંભિક અને માર્ગદર્શક કૃતિઓ લખી. આ તમામ પ્રાથમિક પ્રયત્નો બાદ વ્યાકરણવિદ્યાને વ્યવસ્થિત, પરિભાષિત અને શાસ્ત્રરૂપ આપવા માટે જે આંતરદષ્ટિ જરૂરી હતી, તે ખલીલ ઇબ્ન અહમદે આપી. તેમણે વિષયની સીમાઓ નિર્ધારિત કરી, પરિભાષાઓ ઘડી અને પદ્ધતિઓ રચી, જેણે આગળની સદી સુધી આ ક્ષેત્રના અભ્યાસને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું.
ખલીલ ઇબ્ન અહમદની પ્રભાવશાળી છાપ તેમના શિષ્ય સિબાવાયીની કાયમી કૃત્તિ અલ-કિતાબમાં સ્પષ્ટ દેખાય છે. અરબી વ્યાકરણના ઇતિહાસમાં આ ગ્રંથને સર્વોચ્ચ અને સર્વપ્રાચીન સ્થાન પ્રાપ્ત થયેલું છે. અલ-કિતાબ માત્ર એક પુસ્તક નહીં, પરંતુ શતાબ્દીઓના સંશોધન, ચર્ચા અને પરંપરાગત જ્ઞાનનો સંગઠિત, દાર્શનિક અને પદ્ધતિબદ્ધ સાર છે. સિબાવાયીએ આ મહાકૃતિનો આધાર પોતાના ગુરુ ખલીલ ઇબ્ન અહમદના પાઠોએ આપેલા વિચાર, પ્રશ્નોત્તર અને માર્ગદર્શન પર મૂક્યો હતો, જે પછીની તમામ ભાષ્યપરંપરાનો આધારસ્તંભ બન્યો.

૫.મઆની અલ-હુરુફ અથવા રિસાલા ફી માઅની અલ-હુરુફ તરીકે ઓળખાતી આ કૃતિમાં લેખકે અરબી મૂળાક્ષરના અક્ષરો—જે “અલિફ”થી શરૂ થઈ “યા” સુધી વિસ્તરે છે—તેમના માટે અરબોએ સ્થાપિત કરેલા અર્થોનું સંકલિત વર્ણન કર્યું છે. દરેક અક્ષરને સંકળાયેલા અર્થને સમજાવવા માટે તે સંબંધિત શ્લોકો અને ઉદાહરણોને સાક્ષ્યરૂપે પણ રજૂ કરે છે.

૬. નકત અલ-મસાહિફ (કિતાબ અન-નકત વશ-શકલ):ખલીલ ઇબ્ન અહમદ રચિત કિતાબ અન-નકત વશ-શકલ કુરાનના સ્વરચિહ્નો અને જોડણીચિહ્નોની પ્રથમ પદ્ધતિબદ્ધ વ્યવસ્થા માનવામાં આવે છે. પ્રારંભિક પઠનમાં ભૂલો વધતા અબુ અલ-અસ્વદથી શરૂ થયેલા પ્રયત્નોને ખલીલએ વૈજ્ઞાનિક દિશા આપી. તેમણે પ્રચલિત ફત્હા, કસરહ , ઝમ્મા તથા હમઝા, તશદીદ, રૌમ, ઇશ્મામ જેવા મુખ્ય ચિહ્નો લિપિમાં પ્રસ્થાપિત કર્યા. તેમના આ યોગદાનથી કુરાનિક લખાણની વાંચનશુદ્ધિ તો વધ્યા જ, સાથે અરબી સુલેખનકલાનું આધુનિક સ્વરૂપ પણ નિર્મિત થયું.

ખલીલ ઇબ્ન અહમદે વિવિધ પ્રસંગોએ રચેલી કેટલીક દોહા-કવિતાઓ વ્યાકરણ, શબ્દકોશ અને સાહિત્ય સંબંધિત પુસ્તકોમાં વિખરાયેલા સ્વરૂપે મળી આવે છે. આ તમામ દોહાઓને તેમના મૂળ સ્ત્રોતો સાથે સંકલિત કરીને હાતિમ સાલિહ અદ્દામિને પોતાની કૃતિ સુઆરા મુકિલ્લૂન માં એકત્રિત કર્યા છે.
એમનું એક રસપ્રદ વિધાન છે "જે દિવસે હું મારા કરતા જ્ઞાનમાં ઊંચા વ્યક્તિને મળું, તે દિવસ હું તેને શીખીને સંપન્ન બને છું. જે દિવસે હું મારા કરતા ઓછું જાણનારા સાથે મળું, તે દિવસ તેને શીખવતાં હું લાભ પામું છું. અને જ્યારે કોઈ મને સમકક્ષ મળે, તે દિવસ ચર્ચા-વિચાર દ્વારા બંનેનો વિકાસ થાય છે. પરંતુ જો આ ત્રણમાંથી કોઈ પણ ન મળે—તો તે દિવસ મારા માટે ખરેખર નિષ્ફળ અને દુર્ભાગ્યનો દિવસ ગણાય."

આ મહાન વિદ્વાનનું મૃત્યુ ૧૭૪/૭૯૦માં બસરામાં થયું. કેટલાક સ્રોતો મુજબ એમનું અવસાન ૧૬૦/૭૭૭ અથવા ૧૭૦/૭૮૬ માં થયું.

ગુજરાત ટુડે પ્રકાશન તારીખ ૨૩-૧૧-૨૦૨૫,રવિવાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો