આ બ્લૉગ શોધો

1 સપ્ટેમ્બર, 2022

વ્યભિચાર સૌથી મોટા પાપો માંથી એક છે (લેખાંક-૧)

પહેલા એક લેખમાં ઇસ્લામમાં લગ્નનો આદેશ અને એનું શું મહત્વ છે એનું વર્ણન કર્યું હતું.અહીં વ્યભિચાર ઇસ્લામના મોટા પાપો માંથી એક છે-એનું વર્ણન છે. આજે વિશ્વમાં આધુનિકતા, સ્વાતંત્રતા અને ખાસ કરીને સ્ત્રી સ્વાતંત્ર્યના નામે સ્વછંદતાની ચળવળો ચલાવવામાં આવી રહી છે. પશ્ચિમી વિશ્વમાં તો માનવ અધિકારોના રૂપાળા ઓઠા હેઠળ સ્ત્રી પુરુષોને દરેક પ્રકારની છૂટ આપવામાં આવી રહી છે.મુક્ત સહચર્યથી મુક્ત સેક્સ સુધી જ ન અટકતા હવે તેઓ સજાતી સંબંધોને પણ કાયદેસર કરી રહ્યા છે.ઘણા દેશોએ તો કરી દીધા છે.આ  ગાડરિયો પ્રવાહ એલજીબીટીના અધિકારો અને સ્ત્રી સ્વાતંત્ર્યના નામે આપણા ઉખંડમાં અને ઇસ્લામી રાષ્ટ્રોમાં પણ પ્રવેશી ગયો છે.થોડા સમય પહેલા પાકિસ્તાની મહિલાઓએ 'માય બોડી- માય ચોઇસ' અર્થાત 'મારું શરીર- મારી મરજી' નામનું આંદોલન કર્યું હતું, જે ફેમિલીસ્ટ આંદોલનનો એક ભાગ હતો.આવા આંદોલનનો હેતુ સ્ત્રીઓના કપડાની પસંદગી, પ્રેમ, સેક્સ ,લગ્ન અને ગર્ભપાતના અધિકારો મેળવવાનો હોય છે.જોકે અલગ અલગ દેશોમાં આને અલગ સંદર્ભમાં જોવામાં આવે છે .અમે દ્રઢપણે માનીએ છીએ કે સ્ત્રીઓને પણ પુરુષોના જેટલો જ અધિકાર હોવો જોઈએ, પરંતુ જોવામાં આવી રહ્યું છે કે યુરોપ અને અમેરિકા જેવા દેશો કે જેઓ પોતાને સૌથી આગળ પડતા અને વિકસિત ગણાવે છે- તેઓ પણ સ્ત્રીઓને અધિકાર આપવાની બાબતમાં પછાત છે. ઇસ્લામે 1400 વર્ષ પહેલાં જ સ્ત્રીઓને એમના અધિકારો આપ્યા છે.
 
આજની યુવા પેઢીએ વ્યભિચાર જેવા મોટા પાપથી બચવું જોઈએ :
 
આજે વ્યભિચાર બધા દેશો અને સમાજોમાં (મુસ્લિમ સમાજ સહિત) સામાન્ય થઈ ગયું છે ત્યારે ઇસ્લામ આ બાબતે શું કહે છે એ જોઈએ.
ઇસ્લામમાં બે પ્રકારના ગુનાની વિભાવના છે : ગુનાહે સગીરા (નાના ગુના) અને ગુનાહે કબીરા (મોટા ગુના). અલ્લામા નવવીએ મોટા ગુનાહોમાં કતલ, વ્યભિચાર, ગુદામૈથુન ( અને સજાતીય સંબંધો), દારૂ પીવો, ચોરી કરવી, કોઈના પર ખોટો આરોપ મૂકવો કે આક્ષેપ કરવો ,જૂઠી સાક્ષી આપવી,કોઈનો માલ હડપ કરી લેવો ,વ્યાજ ખાવું ,અનાથનો માલ ખાવો, માતા પિતાની ના ફરમાની કરવી ,જુઠા સોગંદ ખાવા, સંબંધીઓથી સંબંધ વિચ્છેદ કરવો, માપતોલમાં ઓછું કરવું, લાંચ લેવી વગેરેનો સમાવેશ કર્યો છે (હજી આ લિસ્ટ લાંબુ છે).
 
વ્યભિચાર અને સજાતી સંબંધો મોટા ગુનાહોમાંથી છે:
 
વ્યભિચાર માટે અરબીમાં 'ઝિના' શબ્દ છે .વ્યભિચારી પુરુષને 'ઝાની' અને સ્ત્રીને 'ઝાનીયા' કહેવામાં આવે છે. અરબીમાં ઝિના નો શાબ્દિક અર્થ થાય છે પહાડ પર ચડવું ,પડછાયો નાનો થવો ,આને મૂત્ર રોકી લેવું વિ.
અલ્લામા રાગિબ ઇસફહાનીએ ઝિનાની વ્યાખ્યા કરતા લખ્યું છે કે કોઈ પુરુષ શરઈ લગ્ન સિવાય (કોઈ બીજી) સ્ત્રી સાથે સંભોગ કરે એને ઝિના કહેવામાં આવે છે.(એવી જ રીતે કોઈ સ્ત્રી શરઈ લગ્ન સિવાય કોઈ બીજા પુરુષ સાથે સંભોગ કરે તો એને ઝીના કહેવામાં આવે છે.)માટે કોઈપણ લગ્ન બહારના શારીરિક સંબંધો તો ઝીનાની વ્યાખ્યામાં આવે જ છે અને એના માટેની સજા પણ શરીઅતે નક્કી કરેલ છે. રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યુ ' જે વ્યક્તિ મહેરમથી સંભોગ કરે એને કતલ કરી દો' (સુનન ઇબ્ને માજા).હમ્બ્લી સંપ્રદાયમાં તો પત્ની સાથે ગુદા મૈથુને પણ ઝિના ગણવામાં આવ્યો છે.
 
 વ્યભિચાર બાબતે કુરાનમાં જે ઉલ્લેખ છે આ મુજબ છે.

'અને વ્યભિચાર ની પાસે પણ ન જાઓ, નિશંકપણે એ નિર્લજ્જતાનું કામ અને ખરાબ માર્ગ છે.( સુરહ: બની ઇસરાઈલ-૩૨).
'વ્યભિચાર કરનાર સ્ત્રી અને વ્યભિચાર કરનાર પુરુષ દરેકને તમે 100 કોરડા ફટકારો અને એમને શરિયત મુજબ આદેશ (સજા) આપવામાં તમને કોઈ દયા ન આવે ,જો તમે અલ્લાહ અને કયામતના દિવસ પર શ્રદ્ધા રાખો છો ,અને એમની સજા વખતે મુસલમાનોનો એક જૂથ હાજર હોવો જોઈએ.( સૂરહ નૂર :૨)
'અને જે લોકો અલ્લાહની સાથે બીજા કોઈ માબૂદની ઇબાદત નથી કરતા અને જે વ્યક્તિને કતલ કરવાનું અલ્લાહે હરામ ઠરાવી દીધું છે એને નાહક કતલ નથી કરતા અને વ્યભિચાર નથી કરતા, અને જે વ્યક્તિ આ કાર્યો કરશે એ સખત પ્રકોપનો સામનો કરશે. કયામતના દિવસે એમના પ્રકોપને બમણો કરી દેવામાં આવશે અને તેઓ હંમેશા સખત યાતનાઓ વેઠશે.' (સૂરહ ફુરકાન :68-69)

'અય નબી ,જ્યારે તમારી પાસે મોમીન સ્ત્રીઓ આ બાબતે બયઅત (પ્રતિજ્ઞા) કરવા માટે આવે કે તેઓ અલ્લાહની સાથે કોઈને ભાગીદાર નહીં બનાવે, ન ચોરી કરશે, ન વ્યભિચાર કરશે, ન પોતાની સંતાનને કતલ કરશે, ન એવો કોઈ આક્ષેપ કરશે જે પોતાની રીતે ઘડી લીધું હોય, ન તો કોઈ કાર્યમાં તમારા આદેશોનું ઉલ્લંઘન કરશે, તો તમે એમની બયઅત (પ્રતિજ્ઞા) લઈ લો અને એમના માટે ઇસ્તિગફાર કરો. નિ:શંકપણે અલ્લાહ ઘણો માફ કરનાર અને ઘણો દયાળુ છે. (સુરહ  અલ મુમતહના :૧૪)

વ્યભિચાર અને એની સજા વિષયક અહાદિસ :

(૧) હઝરત અનસ રદિઅલ્લાહુ  અનહુ રીવાયત કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું :કયામત (પ્રલય)ની નિશાનીઓમાંથી આ છે કે જ્ઞાન ઉઠાવી લેવામાં આવશે,અજ્ઞાનતા પ્રચલિત રહેશે ,દારૂ પીવામાં આવશે અને વ્યભિચાર સામાન્ય થઈ જશે .(બુખારી:80, મુસ્લિમ:2671, તિરમિઝી:2205)

(૨) અલ્લાહ કયામતના દિવસે ત્રણ વ્યક્તિઓ સાથે વાત નહીં કરે, ન જ એમને પવિત્ર કરશે, ન એમની તરફ કૃપાદ્રષ્ટિ કરશે; અને એમના માટે પીડાદાયક યાતના હશે: વૃદ્ધ વ્યભિચારી, જુઠો બાદશાહ (શાસક) અને ઘમંડી ફકીર.( મુસ્લિમ: 107 ,નિસાઈ :7138)

(૩) આવી જ એક બીજી હદીસમાં વૃદ્ધ વ્યભિચારી,  ઘમંડી ફકીર અને માલદાર અત્યાચારી નો ઉલ્લેખ છે.( તિર્મીઝી: 2568, નિસાઈ:1614)

(૪) હુઝૂર સલ્લલાહુ અલૈહી વસલ્લમના સમયમાં સૂર્યગ્રહણ થયું અને એ વખતે આપે ફરમાવ્યું કે સૂર્ય અને ચંદ્ર અલ્લાહની નિશાનીઓમાંથી બે નિશાનીઓ છે.એમને કોઈના મૃત્યુના કારણે ગ્રહણ નથી લાગતું ,ન તો કોઈના જીવનના કારણે. તેથી તમે આ ગ્રહણ જુઓ તો અલ્લાહથી દુઆ કરો, અલ્લાહુ અકબર કહો ,નમાઝ પઢો અને સદકો (દાન) આપો.અય ઉમ્મતે મોહમ્મદ સલ્લલાહુ અલૈહી વસલ્લમ! કોઈ વ્યક્તિ માટે અલ્લાહને આનાથી વધુ લજ્જા નથી આવતી કે એનો બંદો તથા એની બંદી વ્યભિચાર કરે.અય ઉમ્મતે  મોહમ્મદ  સલ્લલાહુ અલૈહી વસલ્લમ! જો તમે એ બાબતો જાણી લો જે હું જાણું છું તો તમે ઓછું હસશો અને વધારે રડશો.(બુખારી:1044, મુસ્લિમ :901, અબૂ દાઊદ 177, નિસાઈ :1470,1471)

(૫) હઝરત અબુ હુરૈરા રદિયલ્લાહુ અનહોથી રીવાયત છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું: જેણે વ્યભિચાર કર્યો કે દારૂ પીધો, અલ્લાહ એનાથી ઈમાન ને એવી રીતે કાઢી નાખે છે જેવી રીતે માણસ પોતાના માથાથી કમીસ ઉતારે છે .(અલમુસ્તદરક ભાગ-૧, પેજ-22 ; શોઅબુલ ઈમાન:5366)

(૬)હઝરત ઉમમુલ મોમીનીન મૈમૂના બિન્તે હારિસ રદિયલ્લાહુ અનહા બયાન કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું: મારી ઉમ્મત ત્યાં સુધી સારી સ્થિતિમાં રહેશે જ્યાં સુધી એમની સંતાન વ્યભિચારના કારણે ન થાય ,અને જ્યારે એમની સંતાન વ્યભિચારના કારણે થશે તો અલ્લાહ એમનામાં સામાન્ય યાતના-પ્રકોપ ઉતારી દેશે.(મસનદ અહેમદ ,ભાગ-૬, પેજ ૩૩૩; મસનદ અબૂ યઅલા :7091)

(૭) ઇમામ તબરાનીએ હઝરત શરીક રદિયલ્લાહુ અનહુ (એક સહાબી) થી રીવાયત કરી છે કે નબી  સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું: જે વ્યક્તિ વ્યભિચાર કરે છે એનામાંથી ઈમાન નીકળી જાય છે. જો એ તૌબા (પ્રાયશ્ચિત) કરી લે તો અલ્લાહ એની તૌબા કબુલ કરી લે છે.(મોઅજમુલ કબીર :7224, શોઅબુલ ઈમાન 5366)

(૮) હઝરત અબુ હુરૈરા રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું જે વખતે વ્યભિચારી વ્યભિચાર કરે છે ત્યારે એ મોમીન નથી હોતો, જે વખતે દારૂડિયો દારૂ પીવે છે ત્યારે એ મોમીન નથી હોતો, જે વખતે ચોર ચોરી કરે છે ત્યારે એ મોમીન નથી હોતો ,અને જ્યારે કોઈ લુટેરો કોઈ ભલા માણસને લૂંટે છે અને લોકો એને નજરો ઉઠાવીને જુએ છે ત્યારે એ મોમીન નથી હોતો.( બુખારી :5578, મુસ્લિમ 57; તિરમિઝી :4870).
(ક્રમશ)



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો