ગતાંકથી ચાલુ......
(૯) હઝરત ઇબ્ને અબ્બાસ રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે જે કોમમાં ખિયાનત (કોઈની થાપણ ઓળવી લેવાની ક્રિયા , બેઈમાની ,વિશ્વાસઘાત) વધી જાય છે એ કોમના મનમાં રોફ (ભય) બેસાડી દેવામાં આવે છે ,જે કોમમાં વ્યભિચાર વિપુલ પ્રમાણમાં થાય છે એમાં મૃત્યુદર વધારી દેવામાં આવે છે,જે કોમ માપતોલમાં ઓછું કરે છે એની રોજી રોટી છીનવી લેવામાં આવે છે ,જે કોમ અન્યાયી (નાહક) ફેસલા કરે છે એનામાં મારધાડ વધી જાય છે અને જે કોમ વાયદા પાળતી નથી અલ્લાહ એના પર શત્રુનો દબદબો વધારી દે છે.(સુનન કુબરા બયહકી,ભાગ-૩,પેજ-૩૪૬,મુઅત્તા-૧૦૨૦)
(૧૦) હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે એક વ્યક્તિએ રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમને પૂછ્યું ,યા રસુલલ્લાહ! અલ્લાહ સમક્ષ કયું પાપ સૌથી મોટું છે? આપે જવાબ આપ્યો કે તમે અલ્લાહને (ઇબાદતમાં) ભાગીદાર બનાવો કે જયારે એણે તમને પેદા કર્યા છે.એણે ફરીથી પૂછ્યું ,પછી કયું પાપ સૌથી મોટું છે? ફરમાવ્યું તમે ખાવાના ભયથી તમારી સંતાનને કતલ કરો.એણે પૂછ્યું ,પછી કયું? આપે ફરમાવ્યું ,તમે તમારા પાડોશીની પત્ની સાથે વ્યભિચાર કરો એ.(બુખારી-૬૮૬૧,મુસ્લિમ-૮૬,તિર્મીઝી-૩૧૮૨)
(૧૧) હઝરત ઇબ્ને અબ્બાસ રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું ,તમે વ્યભિચારથી બચતા રહો, કેમકે એમાં ચાર બુરાઈઓ છે : (૧) એનાથી ચહેરાની સુંદરતા ચાલી જાય છે (૨) રોજીરોટી છીનવાઈ જાય છે (૩) રહમાન (અલ્લાહ) નારાજ થઈ જાય છે અને (૪) દોઝખ (નર્ક)માં રહેવાનો સમય લંબાઈ જાય છે.(અલ મોઅજ્મુલ અવસત -૭૦૯૨,મજમઉઝઝવાઇદ ભાગ-૬,પેજ-૨૫૪)
(૧૨)હઝરત અબ્દુલ્લાહ બિન યઝીદ રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું: હે અરબસ્તાનની હલાક (બરબાદ) થનારી સ્ત્રીઓ! મને તમારા માટે વ્યભિચાર અને છુપી વાસનાનો સૌથી વધુ ભય લાગે છે.(હુલ્યતુલ અવલીયા,ભાગ-૭,પેજ-૧૨૨)
(૧૩) હઝરત જાબિર રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું: જવાબદાર અને વફાદાર લોકો પર અત્યાચાર કરવામાં આવશે તો શત્રુઓનું શાસન સ્થાપિત થશે,વિપુલ પ્રમાણમાં વ્યભિચાર કરવામાં આવશે તો લોકો મોટી સંખ્યામાં જેલોમાં કેદ થશે.જયારે કૌમે લૂતનું કાર્ય (પુરુષો દ્વારા પુરુષો સાથે ગુદા મૈથુન) કરવામાં આવશે તો અલ્લાહ પોતાના સર્જનો પરથી હાથ ઉઠાવી લેશે (એમના પર ધ્યાન નહિ આપે),પછી એ પરવા નહિ કરે કે તેઓ કઈ ખાઈમાં પડીને બરબાદ થાય છે.(મોઅજમુલ કબીર-૧૭૫૨,મજમઉઝ્ઝવાઈદ ભાગ-૬,પેજ-૨૫૫)
(૧૪) હઝરત નાફેઅ રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું: ઘમંડી ફકીર,વૃદ્ધ વ્યભિચારી અને પોતાના કર્મોથી અલ્લાહ પર ઉપકાર જાહેર કરનારો જન્નતમાં દાખલ નહિ થાય.(અત્તરગીબ વ તરહીબ-૩૫૩૬, મજમઉઝ્ઝવાઈદ ભાગ-૬,પેજ-૨૫૫)
(૧૫) હઝરત ઇબ્ને ઉમર રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું: વ્યભિચારથી નિર્ધનતામાં વધારો થાય છે.(શોઅબુલ ઈમાન-૫૪૧૮)
(૧૬) એક હજાર વર્ષના અંતરથી જન્નતની સુગંધ આવે છે અને માતા-પિતાનો નાફરમાન ,સંબંધ વિચ્છેદ કરનાર,વૃદ્ધ વ્યભિચારી અને ઘમંડથી પાટલુન ઘૂંટીથી નીચે પહેરનાર આ સુગંધને સુંઘી નહિ શકે.( અત્તરગીબ વ તરહીબ ભાગ-૩,હદીસ-૩૦૧૯)
(૧૭) જે વસ્તીમાં વ્યભિચાર અને વ્યાજ સામાન્ય થઈ જાય એમણે પોતાના પર અલ્લાહનો પ્રકોપ વૈધ કરાવી લીધો.(અલ મુસ્તદરક,ભાગ-૨,પેજ-૩૭ ;અત્તરગીબ વ તરહીબ-૩૫૪૩)
(૧૮) હઝરત ઉબાદા બિન સામત રદિયલ્લાહુ અનહુ બયાન કરે છે કે રસૂલલ્લાહ સલ્લલાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું:મારાથી આદેશ લો, મારાથી આદેશ લો,અલ્લાહે વ્યભિચારીઓની સજા દર્શાવી દીધી છે.જો કુંવારી કુંવારા સાથે વ્યભિચાર કરે તો એમને (બંનેને) સો કોરડા ફટકારો અને એક વર્ષ માટે શહેરથી તડીપાર કરી દો અને જો પરિણીત પરિણીતા સાથે વ્યભિચાર કરે તો એમને રજમ (સંગસાર) કરો અર્થાત પત્થર મારીને મારી નાખો.(મુસ્લિમ-૧૬૯૦,અબૂ દાઉદ-૪૪૧૫,૪૪૧૬;તિર્મીઝી-૧૪૩૪;અલ નિસાઈ-૧૧૦૯૩;,ઇબ્ને માજા-૨૫૫૦) આમ તો હજી આ વિષયમાં બીજી ઘણી બધી હદીસો છે પરંતુ અહી આટલી પુરતી છે.
વ્યભિચાર કરનારની સજા અલ્લાહ તઆલાએ પોતે કુરાનમાં ફરમાવી દીધી છે ‘ વ્યભિચાર કરનાર સ્ત્રી અને વ્યભિચાર કરનાર પુરુષને દરેકને સો કોરડા ફટકારો.’(સૂરહ ; નૂર-૨)
કુરાનમાં જે આદેશ છે એ કુંવારા પુરુષ અને કુંવારી છોકરી માટે છે.ઉપર હદીસમાં આવી ગયું છે એમ પરિણીત પુરુષ જો પરિણીત સ્ત્રી સાથે વ્યભિચાર કરે તો બંનેને પત્થર મારીને મારી નાખવાનો હુકમ છે. આજે કેટલાક લોકો ઇસ્લામની આ પરંપરાનો ઉપહાસ કરે છે અને માનવ અધિકારના નામે સજાને નાબૂદ કરવાની વાતો કરે છે પરંતુ અલ્લાહ તઆલા એ આ જ નિયમ તૌરેત(જૂનો કરાર) અને ઇન્જીલ (બાઈબલ)માં સદીઓ પહેલાંથી આપેલો જ છે.
જૂના કરારમાં છે –‘પણ જો એ આક્ષેપ સાચો માલૂમ પડે અને છોકરી અક્ષત છે એ વાતનો કોઈ પુરાવો ન મળે,તો તેને તેના બાપના ઘરના બારણા આગળ લઈ જવી અને ત્યાં ગામના લોકોએ તેને ઇંટોળી કરીને મારી નાખવી ,કારણ તેણે પોતાના બાપના ઘરમાં જ વ્યભિચાર કરીને ઈઝરાઈલમાં નાલેશીભર્યું કૃત્ય કર્યું છે,તમારે તમારી વચ્ચેથી એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ.’
‘જો કોઈ માણસ પરણેલી સ્ત્રી સાથે વ્યભિચાર કરતો પકડાય તો તે બંનેને-તે સ્ત્રીને અને તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષને દેહાંતદંડ દેવો.તમારે ઈઝરાઈલમાંથી એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ.’
‘કોઈ કન્યાના વિવાહ થયેલા હોય અને કોઈ બીજો માણસ તેને ગામમાં મળે અને તેની સાથે સંભોગ કરે,તો તમારે તે બંનેને ગામના ચોરા આગળ લાવી ઇંટોળી કરી મારી નાખવા.છોકરીને એટલા માટે મારી નાખવી કે ગામમાં હોવા છતાં તેણે મદદ માટે બૂમ ન પાડી, અને પેલા માણસને એટલા માટે મારી નાખવો કે તેણે પોતાના જાત ભાઈ સાથે જેના વિવાહ થયા છે એવી સ્ત્રીની આબરૂ લીધી છે.તમારે એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ.’
(અનુસંહિતા,પ્રકરણ-રર, ઋચા:૨૦ થી ૨૪)
આ ચમત્કાર છે તૌરેત (જૂના કરાર)માં આજ દિન સુધી આ આયતો મોજૂદ છે.જો કે દરેક યુગમાં તૌરેતમાં ફેરફાર કરવામાં આવતો રહ્યો છે.પરંતુ અલ્લાહની કુદરત જુઓ કે આવી જ આયત ઇન્જીલ (બાઈબલ)માં આજે પણ મોજૂદ છે.
‘સવારના પહોરમાં હઝરત ઈસા (અલૈહીસ સલામ) ફરી મંદિરમાં આવ્યા,અને બધા લોકો તેમની પાસે ભેગા થવા લાગ્યા.એટલે તેમણે બેસીને તેમને ઉપદેશ આપવા માંડ્યો.એવામાં શાસ્ત્રીઓ અને વેપારીઓ વ્યભિચાર કરતાં પકડાયેલી એક બાઈને તેમની પાસે લઈ આવ્યા અને તેને વચમાં ઊભી રાખીને તેઓએ તેમને કહ્યું, ‘ગુરુજી! આ બાઈ પ્રત્યક્ષ વ્યભિચાર કરતા પકડાઈ છે.હવે શાસ્ત્રમાં આપણને એવી બાઈને પથ્થર મારીને મારી નાખવાનું ફરમાવેલું છે.તો આપ શું કહો છો?’ આમ કહેવામાં તેમનો હેતુ ,એમની પરીક્ષા કરી જોઈ એમના ઉપર આરોપ મૂકવાને કંઈ બહાનું મેળવવાનો હતો.પણ આપ તો નીચા વળીને આંગળી વતી ભોંય ઉપર લખવા લાગ્યા.છતાં પેલા લોકોએ પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું એટલે આપે ટટાર થઈને તેમને કહ્યું,’તમારામાં જે નિષ્પાપ હોય તે એને પહેલો પથરો મારે.’(યોહાન,પ્રકરણ-૮,ઋચા: ૧ થી ૭)
તૌરેત અને ઇન્જીલની આયતોથી પણ સ્પષ્ટ થઈ ગયું છે કે પરિણીત વ્યભિચારીને પથ્થરો મારીને મારી નાખવાનો આદેશ પાછલા અવકાશી ગ્રંથોમાં પણ મોજૂદ હતો,હજી પણ છે અને કુરાન મજીદમાં પણ આવી જ આયતો છે.તૌરેત અને ઇન્જીલમાં ઘણા ફેરફારો છતાં પણ આજે આ આયતો જેમની તેમ છે અને કુરાનમાં તો સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ (કુરાન) પાછલી કિતાબોની તસ્દીક (સત્યતા) કરવા અવતરિત કરવામાં આવ્યું છે.આમ, કુરાનની શ્રેષ્ઠતા પણ સાબિત થાય છે.
(નોંધ: ગુજરાતી સંપૂર્ણ બાઈબલમાં હઝરત ઈસા સાથે ‘અલૈહીસ સલામ’ શબ્દો નથી,માનવાચક શબ્દો અમે ઉમેર્યા છે.)
(સંદર્ભ : અલ્લામા ગુલામ રસૂલ સઈદી (૨૦૦૭),તિબ્યાનુલ કુરાન,પ્રકાશક:મક્તબા રઝ્વીયા,દિલ્હી , ભાગ-૨,૩,૮ અને ૯; ‘સંપૂર્ણ બાઈબલ’(૧૯૮૧) ગુજ.અનુવાદ :નગીનદાસ પારેખ,ઈસુદાસ ક્વેલી,)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો