આ બ્લૉગ શોધો

લેબલ safalta સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ safalta સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

30 ઑક્ટોબર, 2017

સંબંધોની સાચવણી

                           પ્રસિદ્ધ અમેરિકન મોટીવેશનલ સ્પીકર અને લેખક એન્થની રોબીન્સે કહ્યું હતું કે તમારા જીવનની ગુણવત્તા એ ખરેખર તમારા સંબંધોની ગુણવત્તા કેવી છે એના ઉપર આધાર રાખે છે. સમાજમાં આપણે એકલા નથી. કોઈને કોઈની સાથે આપણે જોડાયેલા છીએ. આપણા કુટુંબીઓ, સ્વજનો અને બીજા લોકો સાથે આપણા સંબંધ હોવાના. સંબંધીઓ સાથે જન્મજાત સંબંધ હોય છે તો બીજા લોકો સાથે સંબંધો કેળવવા પડે છે. આપણે એકલા રહી શકતા નથી. રહેવું  પણ ના જોઇએ. બીજા લોકો સાથે જેટલા સારા સંબંધ કેળવી શકીએ એટલું જીવન અર્થપૂર્ણ બને છે. આપણા સુખી  હોવાનો આધાર બીજા લોકો સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ એના ઉપર છે. તમને તમારા ભાઈબહેનો સાથે ન બનતુ હોય, પાડોશી સાથે ન બનતું હોય, સંબંધીઓ સાથે તમારે ઝઘડા થતા હોય તો એનો અર્થ એ છે કે મુશ્કેલી તમારા સ્વભાવમાં કે તમારા વર્તનમાં છે. ખામી તમારી વિચારસરણીમાં છે. બીજાને દોષ દેવાને બદલે તમારી જાતને સુધારો. બીજા લોકો તમારી સાથે ખરાબ વ્યવહાર કરે છે, તમને માન આપતા નથી કે તમને પ્રેમ કરતાં નથી ત્યારે એ વિચારજો કે તમે બીજા લોકો સાથે સારો વ્યવહાર કરો છો? તમે બીજાને માન સન્માન આપો છો? તમે બીજા લોકોને પ્રેમ આપો છો? જે દિવસે આ જવાબ મળી જશે સમજો તમારી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે. આપણે જેમ સ્વાર્થી અને અહંકારી છીએ એમ બીજા લોકો પણ છે.
આપણે આપણી શરતો મુજબ જીવન જીવવા માગીએ એ બરાબર છે પરંતુ એ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે બીજા લોકો કંઈ આપણી શરતો કે ઇચ્છા મુજબ જીવવા બંધાયેલા નથી. આપણે જો એમની ઇચ્છા મુજબ ન ચાલીએ તો એમને આપણી ઇચ્છા પ્રમાણે ચાલવાની ફરજ કેવી રીતે પાડી શકીએ? પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો પડે. બીજા આપણને પસંદ કરશે કે નહીં એની ચિંતા કરવાને બદલે આપણો વ્યવહાર એવો હોવો જોઇએ કે સામેવાળાના હૃદયમાં આપણા માટે લાગણી જન્મે. સારા સંબંધો કેળવવા માટે પ્રેમની તાકત પ્રગટાવવી પડશે. બળજબરીથી કોઈને તમારા બનાવી નહીં શકે. હા, જો તમે થોડા પણ નમવા માટે તૈયાર હો તો સામેની વ્યક્તિ જરૃર નમશે. અહંકારને ઓગાળવાની જરૃર હોય છે. બીજા લોકો જેવો વ્યવહાર આપણી સાથે કરે એવો જ વ્યવહાર આપણે એમની સાથે કરીએ એ સંકુચિત માનસ છે. બીજા લોકો આપણી સાથે ખરાબ વ્યવહાર કરે તો પણ આપણે એમની સાથે સદ્વર્તાવ કરીએ એમાં મોટાઈ છે. આપણા આવા વર્તનથી કદાચ એમને શરમ ઉપજે અને એ પણ આપણી સાથે સારો વ્યવહાર કરવા લાગે એવું પણ બને. કૂતરો આપણને બટકું ભરે તો કંઈ એને બટકું ભરવા ન જવાય. લા રોશકોફો નામના ફિલસૂફે કટાક્ષમાં કહ્યું હતું “મને મારી જાતમાં ખૂબ રસ છે. બીજા લોકો મુર્ખ છે તે મારામાં એટલો જ રસ દાખવતા નથી.” આ જગત ગીવ એન્ડ ટેકના નિયમ મુજબ ચાલે છે. જેટલું આપણે બીજાને આપીશું એનાથી વધારે આપણને આવી મળશે. એરિક ક્રોમ નામના મનોવિજ્ઞાનીએ નિરિક્ષણ કર્યું છે કે માણસ બીજાને કશું આપીને જેટલો આનંદ અનુભવે છે એટલો બીજા કશા થી બનતો નથી.એટલે આનંદી  બની રહેવું હોય તો બીજા લોકોને સતત કંઇક ને કંઇક આપતા રહો. જરૃરી નથી કે ભૌતિક વસ્તુઓ જ તમે આપો. એક મોહક સ્મિત કે દિલાસાના કે પ્રેરણાના બે શબ્દો પણ કોઈને આનંદ આપી શકે છે. શા માટે આપણે આપો અને લો ના આ નિયમ અનુસરવું જોઈએ? કારણકે આખી સૃષ્ટિમાં ‘સિમ્બીઓસીસ’ અર્થાત્ સહજીવન કે પરસ્પરી જીવનનો સિદ્ધાંત ચાલે છે. તમે ઘણી વનસ્પતિઓ કે પ્રાણીઓ વિશે વાંચ્યું કે સાંભળ્યુ હશે કે તેઓ એકબીજા ઉપર ખોરાક માટે આધાર રાખતા હોય છે. આપણે પણ આજ સૃષ્ટિમાં જીવીએ છીએ. કુદરતના નિયમો વિરુદ્ધ આપણે જઈ શકતા નથી. આખું વિશ્વ બુનિયાદીરૃપે ‘હાર્મની’ કે સંપ-સુમેળના આધારે રચાયેલું છે. દરેક વસ્તુ બીજાના સહકારના આધારે થાય છે.
આજે ઘણા લોકો કહે છે કે લોકો બહુ સ્વાર્થી થઈ ગયા છે. અહીં બધા સ્વાર્થના સગાં છે. નિસ્વાર્થ સંબંધો હવે રહ્યા નથી. આવું આપણે કહીએ ત્યારે વિચારવું જોઈએ કે ‘બધા’ ‘સ્વાર્થી’ લોકોમાં આપણો પણ સમાવેશ નથી થતો? આપણે એક સરસ ઉપાય શોધી કાઢ્યો છે. કંઇપણ ખોટું થાય તો એ બીજાનો જ વાંક હોય છે, બીજા લોકોને તરત જ જવાબદાર ઠેરવી દેવાના જેથી આપણા ઉપર આક્ષેપ ન થાય. આ રીત એક કવિએ કહ્યું છે એમ
ખુદને ખરાબ કહેવાની હિમ્મત નથી રહી
તેથી લોકો કહે છે જમાનો ખરાબ છે
આપણે પોતાને ખરાબ માનતા જ નથી એટલે જમાનાને ખરાબ કહીને છુટા થઈ જઈએ છીએ. એક ઝેન કથા વાંચી હતી. બીજા ગામથી એક ભાઈ આવીને લોકોને પૂછે છે કે આ ગામના લોકો કેવા છે? એક હોશિયાર  માણસ સામો પ્રશ્ન કરે છે કે જે ગામમાંથી તમે આવ્યા ત્યાં કેવા લોકો હતા? એ મુસાફર કહે છે બહુ ખરાબ હતા, સ્વાર્થી હતા બહુ નાલાયક માણસો હતા. પેલા ચતુરે જવાબ આપ્યો ભાઈ, અહીં પણ આવા જ લોકો છે. પેલો ચાલ્યો જાય છેે. એક બીજો પ્રવાસી આવે છે અને એમને પૂછે છે આ ગામના લોકો કેવા? ચતુર એ જ પ્રશ્ન સામો પૂછે છે કે ત્યાં કેવા હતા? પ્રવાસી કહે છે કે ત્યાં તો બહુ સારા લોકો હતા, ખૂબ પ્રેમાળ અને નિસ્વાર્થ લોકો હતા. ચતૂરે જવાબ આપ્યો ભાઈ આ ગામમાં તમને એમનાથી વધારે સારા, પ્રેમાળ અને નિસ્વાર્થ લોકો મળશે. તમે ગામ છોડીને જવાનું નામ જ નહીં લો. પેલો પ્રવાસી ગામમાં વસી ગયો. આ વિરોધાભાસી વાતો સાંભળી ચતુર સજ્જનના સાથીઓ મુંઝવણમાં મુકાઈ ગયા કે બંનેને વિરોધાભાસી જવાબ કેમ.
એક જણે પૂછી લીધું કે તમે પહેલાને કહ્યું ગામના લોકો ખરાબ છે અને બીજાને કહ્યું બહુ સારા છે. આ અવળી વાતનું કોઈ કારણ ખરૃં? ચતુરે જવાબ આપ્યો કે પહેલા પ્રવાસીને સામા ગામમાં કંટાળો આવ્યો લોકો બુરા લાગ્યા તો અહીં પણ એને કંટાળો આવવાનો. અહીંના લોકો પણ એને બૂરા જ લાગવાના. બીજા પ્રવાસીને પેલા ગામના લોકો પ્રેમાળ લાગ્યા તો અહીંના લોકો પણ એને એવા જ લાગવાના.
આ જગત પડધા અને પ્રતિબિંબોની હારમાળા છે. પહેલાના મનમાં જો કંટાળો અને ધિક્કાર ભરેલો હશે તો એને બધે જ કંટાળો આવવાનો અને ધિક્કાર જ મળવાનો. જેના અંતરમાં પ્રેમ ભરેલો છે એને સર્વત્ર પ્રેમના દર્શન થવાના. આ સાવ સાદા નિયમના આધારે દુનિયા ચાલે છે. એમ છતાંય આજે સંબંધીઓથી સંબંધ વિચ્છેદ કરવાના ઘણા કિસ્સા આપણે જોઈએ છીએ. નાની નાની બાબતોમાં લોકો રીસાઈ જાય છે, ફલાણા પ્રસંગમાં અમને બોલાવ્યા નહીં અને જો બોલાવ્યા હોય તો અમને મહત્વ  આપ્યું નહીં. આખી બાબતોને લઈ લોકો સંબંધો તોડી નાખે છે. એ લોકો ભૂલી જાય છે કે આ દુનિયા ગોળ છે , ક્યાંકને ક્યાંક એમની સામે ભેટો થવાનો જ છે. અને ભેટો થાય ત્યારે જે નાનમ અને ક્ષોભ મનમાં ઉદ્ભવે છે એનું કોઈ વર્ણન થઈ શકે નહીં.
આપણા સમાજ જીવન કે ધંધાની સફળતા આપણા સંબંધીઓ, મિત્રો અને બીજા લોકો સાથેના સારા વ્યવહાર ઉપર નિર્ભર છે. જો બધા સાથે સારા સંબંધ હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ જાય ત્યારે કે ધંધામાં બહુ મોટું નુકસાન થઈ ગયું હોય ત્યારે આ સ્વજનો અને મિત્રો જ કામમાં આવે છે.  સંબંધીઓનું કેટલું મહત્ત્વ હોય છે એનો અંદાજ આ હદીસ ઉપરથી આવશે. હદીસમાં કહેવામાં આવ્યું છે કે “જેણે સંબંધીઓ સાથે સંબંધ વિચ્છેદ કર્યો એ સ્વર્ગમાં નહીં જાય.” કેટલી મોટી વાત છે.! (સુનન અબુ દાઉદ, ૧૬૯૬)
જે લોકો સંબંધીઓ તો ઠીક, પોતાના સગા ભાઈ-બહેન અને માતાપિતા સાથે દુર્વ્યવહાર કરે છે એમના વિશે શું કહેવું?
જ્હોન સી. મેક્સવેલ નામના મોટીવેશનલ લેખકે સરસ પુસ્તક લખ્યું છે “વીનીંગ વિથ પીપલ” એમાં એમણે ૨૫ પ્રકારના જુદા જુદા સંબંધો વિશે ચર્ચા કરે છે. સંબંધો બનાવી રાખવા એ મેનેજમેન્ટનો સૌથી મોટો નિયમ છે. આ પુસ્તક વાંચવા  જેવું છે. એમાંથી અમુક બાબતો અહીં ટુકમાં જણાવા માંગુ છું.
સારા સંબંધો સફળતા કે અચીવમેન્ટ માટે પાયારૃપ છે. લોકો સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ એનાથી આપણી સફળતા કે નિષ્ફળતાનો સંબંધ છે. જો તમે ભરોસાપાત્ર હશો તો બીજા પણ એવા જ દેખાશે. તમે જોવા હો છો એવા બીજા લોકો તમને દેખાય છે. તેથી તમે તમારી જાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમે તમારી જાતને સુધારશો અને જે બનવા માગો છો એનો પ્રયત્ન કરો છો તો તમે એવા બનો છો. બીજા લોકો સામે ફરિયાદ કરવાની જરૃર રહેશે નહીં. સફળતા માટે હકારાત્મક ઇમેજ ઊભી કરો. નકારાત્મક ઇમેજ ઊભી કરનારા સફળ થતા નથી. તમારી પાસે જે કંઇ ખુટે છે કે તમારામાં જે ત્રુટીઓ છે કે જે કંઇ સમસ્યાઓ છે એના પ્રતિ પ્રમાણિક બનો. યાદ રાખો , એકલા એકલા સફળતા મળતી નથી. બીજાનો સાથ સહકાર લો. જે લોકો પોતાની જાતમાં શ્રદ્ધા રાખે છે તેઓ સફળ થાય છે. જે લોકો બીજાની વાતોથી દુખી જલ્દીથી થઈ જાય છે તેઓ બીજાને પણ એટલા જ દુખી કરે છે. લોકો આપણા શબ્દો કરતા અભિગમ ઉપર વધારે ધ્યાન આપે છે. એટલે અભિગમ હંમેશા સકારાત્મક રાખવો. બીજા પાસેથી મેળવવું સરળ છે, બીજાને આપવું બહુ મુશ્કેલ છે. પરંતુ સાચો આનંદ આપવામાં જ છે. બીજાને ઉપર ઉઠાવવામાં છે. બીજાને કંઇક લાભ થાય એવા કાર્યો કરવામાં વધુ આનંદ આવે છે. બીજા સાથે સંબંધો બાંધવામાં પ્રેમનો રોલ બહુ મહત્ત્વનો હોય છે. પોતાના વિશે વિચારવાને બદલે બીજા વિશે વિચારવામાં આવે છે ત્યારે સંબંધો વધુ ગાઢ બને છે. જીવનમાં સૌથી મહત્ત્વની બાબત છે ઃ લોકો. દરેક માણસ કે જેને આપણે મળીએ છીએ કંઇક ને કંઇક ખુબી કે સારી લાક્ષણિકતા ધરાવતો હોય છે. એટલે એનાથી કંઇકને કંઇક શીખવા મળે તો શીખી લેવું જોઈએ. રાલ્ફ વાલ્ડો ઇમર્સને કહ્યું હતું કે “હું એવા કોઈ માણસને નથી મળ્યો જે કોઈને કોઈ બાબતમાં મારાથી ચડીયાતો ન હોય.” તમારે  વિકાસ  કરવો હોય તો તમારા કન્ફર્ટઝોનમાંથી બહાર નીકળો. કશુંક કરો-કશુંક શીખો અને શીખવાની પ્રક્રિયા શરૃ થાય છે સાંભળવાથી. એટલે બીજા લોકોની વાતો ધ્યાનથી સાંભળો. સંબંધો વિશ્વાસના પાયા ઉપર રચાય છે અને વિશ્વાસ કેળવાય છે નિષ્ઠાથી. બીજા પાસેથી વિશ્વાસ અને પ્રમાણિકતાની અપેક્ષા હોય તો સૌથી પહેલા આપણે પ્રમાણિક અને વિશ્વાસુ બનવું જોઈએ. ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય કે સંપત્તિ, આપણો હોદ્દો અને ભૌતિક વસ્તુ એક તરફ અને બીજી તરફ સંબંધમાંથી પસંદગી કરવાની આવે તો સંબંધ બચાવવાનો પ્રયત્ન કરજો. સંબંધોમાં જેટલું રોકાણ કરશો એટલું જ એનું રિટર્ન સારૃ મળશે. હાર્વડ હોગસને કહ્યું હતું, “તમે જે કોઈ ધંધામાં હોવ, યાદ રાખજો, કે તમે સંબંધોના ધંધામાં છો. તેથી તમારી નામના કે પ્રતિષ્ઠા સૌથી મોટી મૂડી છે.”
(યુવાસાથી મેગેઝીન ,ઓગસ્ટ ૨૦૧૭માં પ્રકાશિત મારો લેખ )

જીનીયસ બનવા શું જરૃરી : પરિશ્રમ કે પ્રતિભા?

જીનીયસ અર્થાત્ મેઘાવી પુરૃષો કુદરતી રીતે જ  જીનીયસ હોય છે, શું જન્મથી જ તેઓ પ્રતિભા ધરાવે છે કે પછી સખત પરિશ્રમ એમને જીનીયસ બનાવે છે? આ પ્રશ્ન લગભગ દરેક યુગમાં ચર્ચાતો રહ્યો છે અને ચર્ચાતો રહેશે. મોટાભાગના કિસ્સાઓમાં બને છે એમ અહીં પણ બે વર્ગ પડી ગયા છે. એક વર્ગ માને છે કે જીનીયસ લોકો જન્મજાત જીનીયસ હોય છે, પરિશ્રમથી એમને કોઈ લેવા દેવા નથી. જ્યારે બીજો વર્ગ માને છે કે પ્રતિભા જેવી વસ્તુ હોતી નથી. સખત પરિશ્રમ દ્વારા જ પોતાનામાં રહેલી શક્તિઓને બહાર કાઢી શકાય છે. સખત પરિશ્રમથી જ બુદ્ધિશાળી બની શકાય છે, કેમ કે આપણું મગજ adaptable હોય છે.
આ તો સર્વવિદિત છે કે માણસો માનસિક શક્તિમાં જુદા જુદા હોય છે. પરંતુ ટ્રેનિંગથી મહારત પ્રાપ્ત કરી શકાય છે. ટ્રેનિંગથી બુદ્ધિ વધારી પણ શકાય છે એના વૈજ્ઞાનિક અને પ્રાયોગિક પુરાવાઓ પણ છે. આયર્લેન્ડ વિશ્વવિદ્યાલયના મનોવિજ્ઞાનના અધ્યાપક આર્યન રોસ ‘સાયકોલોજી ટુડે’માં લખે છે કે “વાસ્તવિકતા તો આ છે કે બુદ્ધિ વધારી શકાય છે.” જે લોકો એમ માને છે કે આપણાં બુદ્ધિઆંક (IQ) જીવનભર એટલો જ રહે છે તેઓ વાસ્તવમાં બુદ્ધિઆંકની પરીક્ષાના પરિણામ વિશે એવું કહેતા હોય છે. પરંતુ આપણી બુદ્ધિ સતત વધતી હોય છે. પરંતુ એના માટે મગજને સતત સક્રીય રાખવું પડે છે. સતત માનસિક કસરતો કરતી રહેવી પડે છે. જેમને આપણે ખૂબ સફળ અને મેઘાવી પુરૃષો તરીકે ઓળખીએ છીએ એવા લોકો – માર્ગેટથી બિલ ગેટ્સ સુધી – એક ખાસ લાક્ષણિકતા ધરાવતા હોય છે. તેઓ પોતાની સ્કીલ્સ અર્થાત્ કૌશલ્યને વિકસાવવા માટે ખંતપૂર્વક લાગેલા રહે છે અને પોતાની જાત સાથે કમિટેડ વચનબદ્ધ હોય છે. તેઓ સખત મહેનતુ હોય છે. બની શકે કે કેટલાક લોકોમાં કુદરતી પ્રતિભા બીજા કરતા વધારે હશે પરંતુ આ બધા જ જીનીયસ લોકોમાં ‘ઇશ્વરીય ભેટ’ પ્રતિભા કરતા સખત પરિશ્રમથી મેળવેલ માસ્ટરી વધારે જોવા મળે છે.
જેટલા પણ સફળ ખેલાડીઓ થયા તેઓ સખત પરિશ્રમ થકી જ અને સતત પ્રેકટીસ થકી જ સફળ થયા. ટાઈગર વુડ્સે ૨૧ વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી પરંતુ એ માટે એણે ૧૮ વર્ષ સખત પરિશ્રમ કર્યો હતો. સેરેના વિલીયમ્સ, વિનસ વિલીયમ્સ, સ્ટેફી ગ્રાફ, યુસુૈન બોલ્ડ, માઈકલ ફેલ્પસ, સુમાકર, સચિન તેન્ડુલકર કે વિરાટ કોહલી… લિસ્ટ ઘણું લાંબુ છે. આ બધા જ લોકો સખત અને સતત પ્રેકટીસ થકી જ સફળ થયા છે. એ માટે મહત્ત્વની વસ્તુ છે ધ્યેયલક્ષી પ્રેકટીસ. ધ્યેયલક્ષી પ્રેકટીસ જ મગજ ઉપર ચમત્કાર કરી શકે છે. ફ્લોરીડાના મનોવિજ્ઞાનના અધ્યાપક એન્ડર્સ એરીક્સને પણ કહ્યું છે કે “આ સમજાવવું ખૂબ જ જટીલ છે કે જીનીયસ અથવા નિષ્ણાંતો કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેઓ શા માટે અલ્પસંખ્યામાં હોય છે. જો ધ્યેયલક્ષી અને સુધારાવાદી પ્રયત્નો કરવામાં ન આવે તો કાબેલિયત ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે.”
એ.આર.રેહમાન વિશે આપણે જાણીએ છીએ કે ઈશાની/ રાત્રિની નમાઝ પછી પોતાનું સંગીત બનાવવા માટે અડધી અડધી રાત સુધી સખત મહેનત કરે છે. રહેમાનથી પણ ચઢિયાતા એવા સિમ્ફનીઓના રચયેતા માોર્ગેટ પણ સખત પરિશ્રમ કરતા હતા. એક મિત્રને એમણે પત્રમાં લખ્યું હતું કે લોકો એમ વિચારે છે કે મારી કલા મને બહુ સરળતાથી પ્રાપ્ત થઈ છે. હું ખાતરી આપું છું દોસ્ત કે, મારા જેટલો સમય વિચારવા અને સંગીત બનાવવા માટે બીજા કોઈએ આપ્યો નહીં હોય. કોઈ એવો પ્રસિદ્ધ સંગીતકાર નથી જેના વિશે મેં ઉદ્યમપૂર્વક અભ્યાસ કર્યો ન હોય.
માઈકલ ફેલ્પ્સ સ્વીમીંગમાં ૨૩ ગોલ્ડ મેડલ મેળવ્યા એ વિના મહેનતે નથી મેળવ્યા. દરરોજ ૮ થી ૧૦ કલાક એ સ્વીમીંગપુલમાં પ્રેકટીસ કરતો હતો. સચિન તેંડુલકરને મહાન બનાવ્યો એની સતત અને સખત પ્રેકટીસે. વિરાટ કોહલી બીજો સચિન બને તો નવાઈ નહીં. એ પણ પોતાની સાતત્યપૂર્ણ દેખાવ માટે સખત નેટપ્રેકટીસ કરે છે. એટલું જ નહીં વેકેશનમાં પણ એ તો જીમમાં જઈ વર્કઆઉટ કરે છે જેથી ફિટનેસ જાળવી શકાય. મહાન વિજ્ઞાની થોમસ આલ્વા એડીસન સતત નિષ્ફળતાઓ છતાં પણ જ્યાં સુધી સંપૂર્ણ પણે શોધ ન થઈ જાય ત્યાં સુધી જંપતો નહોતો એ માટે એ ખાવાપીવાની કે ઊંઘવાની પણ પરવા કરતો ન હતો. લેબોરેટરીમાં જ એ ઝોંકા ખાઈ લેતો અને પોતાના કામમાં વળગેલો રહેતો.  ૧૦૯૩ પેટન્ટસ કઈ અમથી નથી મળતી. સખત પરિશ્રમની સાથે બીજી એક બાબત પણ આવા મેઘાવી લોકોને સતત પ્રેરણા આપતી રહે છે – જિજ્ઞાસા. તમે પણ જો તમારી જિજ્ઞાસાને પૂર્ણ કરવા લાગ્યા રહો તો કોઈ અર્થપૂર્ણ કાર્ય કરવા તમને પ્રેરિત કરશે. જિજ્ઞાસા જ હોય છે જે તમને નવા વિશ્વમાં લઈ જાય છે. જિજ્ઞાસાને સંતોષો તો તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, સાથે સાથે તમે અહોભાવથી બીજા વિશ્વમાં પહોંચી જાવ છો. એ માટે ધીરજ જોઈએ આપણી મુશ્કેલી એ છે કે બહુ જલ્દીથી આપણે કોઈ એક કાર્યમાં કંટાળી જઈએ છીએ અને એને છોડી દઈએ છીએ. આ જ એક બાબત છે જે આપણને જીનીયસોથી અલગ પાડે છે. તમારામાં અને આઈન્સટાઈન કે પિકાસો કે એવા બીજા જીનીયસો વચ્ચે મુખ્ય તફાવત આ જ હોય છે કે તેઓએ પોતાના કામમાં-પ્રવૃત્તિમાં માસ્ટરી કેળવી હોય છે. તેમણે વધારે સમય કેનવાસ ઉપર કે ગિટાર ઉપર કે કોમ્પ્યુટર ઉપર ગાળ્યો હોય છે એમની આત્મા અને મન  પોતાના મનગમતા કાર્યમાં લાગેલા હોય છે. તેઓ પોતાની સઘળી શક્તિઓ એમાં લગાવી દે છે. સ્પેસએક્સના સ્થાપક એલન મુસ્ક વિશે એના સાથીદાર જીમ કન્ટ્રેલ કહે છે કે માત્ર બુદ્ધિ થકી જ તમે સફળ થતા નથી. ૨૦૦૧માં સ્પેશએક્સ સ્થાપના કરવામાં આવી ત્યારે એનલ મુસ્કને સ્પેસ વિશે કે લોંચ વ્હીકલ કે રોકેટ સાયન્સ વિશે કોઈ ખાસ જ્ઞાન ન હતું પરંતુ પોતાની સખત મહેનત અને જે કાર્ય હાથમાં લીધું એને છેલ્લે સુધી જકડી રાખવાની વચ્ચેથી ન છોડવાની ટેવને લીધે એ સફળ  થયો જીમ કન્ટ્રેલ કહે છે કે સફળતા માત્ર ત્રણ સાદી બાબતો ઉપર નિર્ભર કરે છે. એક તો તમે જે કામમાં જોશ ચડતું હોય તમે જે માટે પેશનર હોવ એ કામ કરો. જોશ કે જુસ્સા વિના તમારૃં કામ એ તમારો પ્રેમ બની શકતો નથી. બીજું, તમે જેમાં સારા હોવ અને જે કામની પ્રતિભા ધરાવતા હોવ એ કામ કરો. ત્રીજું જેના થકી કોઈ મૂલ્યનું સર્જન થતુ હોય અને જેને માર્કેટમાં અત્યારે કે ભવિષ્યમાં વેચી શકાય એવું કંઈક નિર્માણ કરો. પોતાના સ્વાર્થ કરતા બીજાના ભલા માટે વિચારીને કરશો તો સફળતાની સાથે તમે આર્થિક ઉપાર્જન પણ કરી શકશો.
એટલે સફળ થવા માટે બહુ બુદ્ધિશાળી હોવું કે ખૂબ ઊંચુ આઈક્યુ – બુદ્ધિઆંક ધરાવવો જરૃરી નથી. જેનો બુદ્ધિઆંક ૧૬૦ હતો એવો જીનીયસ આઈન્સ્ટાઈન પણ પોતાની જાતને શું જીનીયસ કે ગિફટેડ માનતો હતો? ના. એણે એક વખત લખ્યું હતું કે “એવું નથી કે હું ખૂબ સ્માર્ટ – હોશિયાર છું. પરંતુ હું મુશ્કેલી સામે વધારે સમય સુધી ટકી રહું છું. (એને હલ કરવા માટે સખત પરિશ્રમ કરતો રહું છું.) મોટાભાગના લોકો કહે છે કે આ બુદ્ધિ જ છે જે મહાન વૈજ્ઞાનિક બનાવે છે. તેઓ ખોટા છે. ચારિત્ર્યથી મહાન બનાય છે.” 

(યુવાસાથી મેગેઝીન ,ઓક્ટોબર ૨૦૧૭માં પ્રકાશિત મારો લેખ )

19 મે, 2017

બે પુસ્તકો નું પ્રકાશન ............

મિત્રો
મને ખુબજ આનંદ થઇ રહ્યો છે કે મારા બે પુસ્તકો નું પ્રકાશન થઇ ગયું છે.....

મધ્ય યુગ ના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો માં ઈ.સ.૭ મી સદી થી ૧૬મી સદી સુધી થઇ ગયેલ મહાન મુસ્લિમ વૈજ્ઞાનિકો નું વર્ણન કરવામાં આવ્યું છે.૮૭ વૈજ્ઞાનિકો એક એકથી ચઢીયાતા છે.આજે આ મહાન વૈજ્ઞાનિકો વિષે ભણાવવામાં નથી આવતું ના જ એમના વિષે કોઈ ચર્ચા કરવામાં આવે છે.બીજા લોકો તો ઠીક ખુદ મુસ્લીમોનેજ એમના વિષે ખબર નથી.લોકો આ મહાન વૈજ્ઞાનિકો ના વિજ્ઞાન માં આપેલા યોગદાન ને સમજે એ આશય થી જ મેં આ એક નમ્ર પ્રયાસ કર્યો છે....
સફળતા ના સોપાન ૩૦ પ્રેરણાત્મક લેખો નો સંગ્રહ છે જે મેં 'યુવાસાથી' મેગેઝીન માં લખ્યા હતા.આ બ્લોગ ઉપર પણ ઘણા લેખો મેં મુક્યા હતા.
આશા છે કે મારા આ નમ્ર પ્રયાસ ને બિરદાવવામાં આવશે.બંને પુસ્તકો ટૂંકમાજ પ્રસિદ્ધ પુસ્તક વિક્રેતાઓ ને ત્યાં ઉપલબ્ધ થઇ જશે .હાલ જોઈતા હોય તો નીચેના સરનામે મળી શકશે.
સબરસ પ્રકાશન
૬-ડી ,આઝાદ પાર્ક,મક્કા નગર પાસે,વેજલપુર,અમદાવાદ.
મોબાઈલ :૦૯૬૨૪૦૪૬૬૭૭,૯૭૨૩૫ ૪૦૨૩૬
પુસ્તક વાંચ્યા પછી નીખાલસ્તાથી અભિપ્રાય આપશો મને ગમશે.
સર્વે વાચક મિત્રો નો હું આભાર માનું છું. 

9 સપ્ટેમ્બર, 2014

સફળતા કોઈનો ઇજારો નથી

success

આ જગતના સામાન્યથી સામાન્ય માનવીથી લઈ મહામાનવ સુધી, મૂર્ખથી લઈ વિદ્વાન સુધી, ગરીબ અને ભિખારીથી લઈ ધનવાનો સુધી, અભણથી લઈ ડૉકટરેટ કરેલા વિદ્વાનો સુધી, રસ્તા ઊપરથી કચરો સાફ કરનાર સ્વીપરથી લઈ આખા દેશની ટીમના સ્કીપર સુધી, મજૂરથી લઈ મેનેજર સુધી, સામાન્ય કાર્યકરથી લઈ મોટા નેતા સુધી ટૂંકમાં ઝીરોથી હીરો સુધી બધાને એની તમન્ના છે, અને પામી લેવા માટેની લાયકાત હોય કે ન હોય, એેને પામવા માટે જરૃરી પરીશ્રમ કરવાની ખેવના હોય કે ન હોય, તો પણ બધાને એ જોઈએ છે.અને એ છે સફળતા.!!
સફળતા વિશે ભૂતકાળમાં પણ ઘણુંબધું લખાયું હતું, હાલમાં ઘણું લખાય છે અને ભવિષ્યમાં પણ લખાવાનું કારણ સ્પષ્ટ છે જ્યાં સુધી માણસ આ ધરતી પર છે બીજા કરતા વધારે આગળ નીકળી જવાની, બીજા કરતા વાધારે શ્રેષ્ઠ બનવાની અને બીજા કરતાં વધુ સારૃ જીવન જીવવાની બેઝીક ઇન્સ્ટીકટ-જન્મજાત સહજવૃત્તિ એનામાં હંમેશા ધરબાયેલી રહેવાની પ્રેમ પામવાની ઉત્કટતા જેટલી જ, કદાચ એનાથી પણ વધારે સફળ થવાની ઝંખના કે ખેવના માણસની પ્રકૃતિમાં વણાયેલી છે. એટલે જ કદાચ માણસ કોઈનો પ્રેમ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય તો જેટલો નિરાશ થાય છે એનાથી વધારે નિરાશ નિષ્ફળતા મળે ત્યારે થઇ જાય છે.
માણવજાતની મોટાભાગની પ્રવૃત્તિઓ, ધમપછાડા, પરિશ્રમ કે મહેનતનું કારણ સફળ થવા માટે હોય છે. તો પણ આશ્ચર્યજનક રીતે ઘણા ઓછા લોકો સફળ થાય છે. એનું એક કારણ તો એ છે કે સફળતા માટે હકારાત્મક અભિગમ અને ખંતનો અભાવ હોય છે.
શેક્સપિયરે સફળતા મેળવવા માટે માત્ર ત્રણ બાબતો આવશ્યક હોવાનું જણાવ્યું હતું કે બીજા કરતાં વધારે જ્ઞાન મેળવો, બીજા કરતાં વધારે કાર્ય કરો અને બીજા લોકો કરતા ઓછી અપેક્ષા રાખો તો તમે સફળ છો. પરંતુ આજે માનવજાતમાં આ ત્રણે લક્ષણો ૧૮૦ અંશના ખૂણે જોવા મળે છે. આજે કોઇને બીજા કરતાં વધારે જાણવું નથી કે જ્ઞાન મેળવવું નથી, બીજા કરતા ઓછું કાર્ય કરવું છે, ઓછી મહેનત કરવી છે અને બીજા કરતાં વધારે ધન,દૌલત, ઇજ્જત અને સફળતા જોઇએ છે! યે મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ.
સફળતા મેળવવા માટે સારો સ્વભાવ હોવો પણ જરૃરી છે. એક ચાઇનીઝ કહેવત છે કે જો તમને સ્મિત કરતાં ન આવડતું હોય તો તમે સફળ સેલ્સમેન ન બની શકો. તમારો સ્વભાવ ચીડીયો હોય, ઉગ્ર હોય, જઘડાળુ હોય તો તમારી સાથે કામ કરતાં લોકો જ તમને ગાળો આપશે, તમારાથી દૂર ભાગશે, પછી બીજા લોકોની તો વાત જ શું કરવી ! ફેસબુક ઉપર અમે વાંચ્યું હતું કે કડવી જીભ વાળાનું મઘ પણ વેચાતુ નથી ને મીઠી જીભ વાળાના મરચાં પણ વેચાઇ જાય છે. સાચી વાત.
અભ્યાસ કે અધ્યયન કરવું એ સફળતાને ટકાવી રાખવા માટે આવશ્યક હોય છે. ખાસ કરીને જે લોકો ટેકનિકલ ક્ષેત્રમાં હોય એમને નવી નવી ટેકનોલોજી વિશે જાણતા રહેવું કે એનું અધ્યયન કરતા રહેવું ખૂબ જરૃરી છે. ડૉક્ટરો, એન્જિનીયરો, વૈજ્ઞાનિકો, અધ્યાપકો જેવા ટેકનીકલ નિષ્ણાંતોને એમના ક્ષેત્ર માં શું નવું આવ્યું એ જાણવું પડે છે , ઉપરાંત વકીલો અને ન્યાયધીશોને પણ નવા નવા ચુકાદાઓ વિશે વાંચવું આવશ્યક હોય છે. જે લોકો સમય અને જમાના સાથે તાલ નથી મેળવી શકતા તેઓ પાછળ રહી જાય છે. નવા નવા વિચારો માટે, નવીનતા માટે લેખકો, કવિઓ કે સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ ખૂબ વાંચવું આવશ્યક હોય છે. જે લોકો સમય અને જમાના સાથે તાલ નથી મેળવી શકતા તેઓ પાછળ રહી જાય છે.
એવી જ રીતે નવી શોધો કરનારા ‘ઇનોવેટર્સ’ને નવા નવા વિચારો, નવી શોધો માટે ખૂબ વાંચવું, નિરિક્ષણ કરવું લોકોની સુવિધા માટે એમના વિચારો, આદતો વગેરે વિશે અધ્યયન કરવું પડે છે.
માત્ર અધ્યયન કરવાથી જ સફળતા મળતી નથી કે ટકતી નથી એના પછીનો મહત્વનો તબક્કો આવે છે પ્રેકટીસ. પ્રેકટીસ મેક્સ મેન પરફેક્ટ એવી અંગ્રેજીમાં કહેવત છે. ખેલાડી ગમે તેટલો મહાન બની જાય એને સતત પ્રેકટીસ કરતા રહેવી પડે છે. વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની કે યુવરાજસિંહ – બધાને પ્રેકટીસ કરતા રહેવી પડે છે. લેખકોને સતત લખવાની પ્રેકટીસ કરવી પડે છે. માઇકલ ફેલ્પસ નામના અમેરિકન તરવૈયાએ બેઇજીંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને કુલ ૨૦ ગોલ્ડ મેડલ અને ૨ સિલ્વર મેડલ મેળવીને જીવનમાં અનોખો વિશ્વવિક્રમ સર્જયો છે. એની સફળતાનું કારણ શું હતું ? સતત પ્રેકટીસ એ સ્વીમીંગ પુલમાં રોજના સતત ૧૦ કલાક પ્રેકટીસ કરતો હતો.
માણસ જે ક્ષેત્રમાં હોય એમાં એણે સતત પ્રેકટીસ કરવી પડે છે. જેઓ સતત પ્રેકટીસ કરતા રહે છે તેઓ જ સફળતા પ્રાપ્ત કરે છે અને એને ટકાવી રાખે છે. પ્રેકટીસ છૂટી તો સફળતા પણ છૂટી સમજો.
જીવનમાં સફળતા મેળવવી હોય તો ખંતને તારો મિત્ર, અનુભવને ડાહ્યો સલાહકાર, સાવધાનીને મોટાભાઇ અને આશાને મેઘાવી વાલી બનાવ – એવી સોનેરી સલાહ એડીસન નામના વિદ્વાને આપી છે.
સફળ માણસોમાં ઘણીબધી બાબતો અસમાન્ય હશે પરંતુ બધામાં એક સામાન્ય બાબત જરૃરી હતી – ખંતપૂર્વક સખત પરિશ્રમ. જે લોકો સફળ થયા તેમણે ભુખ્યા તરસ્યા રહી, આરામ, મનોરંજન છોડી કાર્યમાં વ્યસ્ત રહ્યા. વહેલા ઉઠતા, મોડે સુધી જાગીને કામ કરતા કોઇ કવિએ સરસ મજાની કવિતા લખી છે,
Life is what you make it. It depends upon the foundation that you lay. It is on the sound basis that you can build. On the trend of your mind -
And on the determination to uphold what you think – and know – is right. Remebering Life’s limits, and opportunities which be.
If you start your course with all your force.
Every source of nature
will turn toward and help you
To achive your true success.
જેનો ભાવાર્થ એવો છે કે જીવનને તમે જેવું બનાવો તેવું બને છે. તમે કેવો પાયો નાખ્યો છે એના ઉપર એનો આધાર છે. તમે જ વિચારો અને જાણો છો અને જે સાચું છે એ તમારા મગજના મજબૂત પાયા ઉપર એવું ઘડતર કરી શકો છો. જીવનની મર્યાદાઓ અને તકો ને યાદ રાખો. તમે ધગશપૂર્વક જીવન સફળ આરંભો તો કુદરતી બળો તમને સફળતા અપાવવામાં મદદે લાગી જાય છે.
જેઓ સફળ થવા માગે છે એમણે દિમાગની બારી ખુલ્લી રાખવી જોઇએ. નવા વિચારો માટે. નવી શક્યતાઓ માટે – લવચીક અને સર્વોતા મુખી વર્સેટાઇલ બનવું જોઇએ. માત્ર ગધા વૈતરૃં કરવાથી સફળતા મળતી નથી. ‘સ્માર્ટ વર્ક’ કે હોશિયારી પૂર્વક કાર્ય કરવાથી સફળતા મળે છે. સામાન્ય બુદ્ધિ અને મૌલિક  વિચારોની પણ આવશ્યક્તા હોય છે.
સફળતાની આડે સો વિઘ્નો હોય છે. જેઓ ધીરજપૂર્વક આ વિઘ્નોને દૂર કરી પાર નીકળી જાય છે તેઓ જ મંઝિલે પહોંચે છે. આવું કરનારા વિશ્વના ઘણા મહાપૂરૃષો થઇ ગયા. જેમણે મુશ્કેલીઓ અને સખત હાડમારીઓનો સામનો કર્યો. જો તમારી ઉપર મુશ્કેલીઓ નથી આવી કે તમે હાડમારીવાળું જીવન નથી જીવ્યા તો તમે તમારા ચારિત્ર્યને સુદૃઢ બનાવવાનું ચુકી ગયા છો એ જાણી લેજો. જીવનમાં બધું જ સરળતાથી મળતું હોય. કોઇ મુશ્કેલીઓ ન હોય અને બધે સુખ જ સુખ હોય તો એનો અર્થ એ છે કે તમે ક્યાંય પણ કોઇ બાબત પાછળ લાગેલા નથી. તમે ક્યાંય જઇ નથી રહ્યા, તેથી તમે કંઇ પણ પ્રાપ્ત કરી શકશો નહીં, કેમકે સખત પરિશ્રમ જ સફળતા અપાવે છે. બીજી બાબત એ છે કે તમારો વિરોધ કરનારા જેટલા વધુ હશે તેમ તમારૃં ચારિત્ર્ય વધુ મજબૂત બનશે. સફળતા કોઇ એક બાબત કે ક્ષેત્ર પૂરતી મર્યાદિત હોઇ શકે નહીં. સાચી સફળતા જીવનના બધા જ ક્ષેત્રોને આવરી લે છે. સફળ માણસ મા બાપ તરીકે, પતિ તરીકે પુત્ર તરીકે, પાડોશી તરીકે, કાર્યકર કે દેશના નાગરિક તરીકે બધી જ રીતે સફળ હોય છે.
સફળતા એ પર્વતની ટોચનું આખરી મુકામ નથી એ તો છે સતત વિકાસ પામવાની પ્રક્રિયા અર્થાત્ સફળતા કોઇ મંઝિલનું નામ નથી સતત પ્રવાસનું કામ છે.