આ બ્લૉગ શોધો

લેબલ Farmer સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Farmer સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

23 એપ્રિલ, 2021

કિસાનોની સમસ્યાઓ અને જવાહરલાલ નેહરુ

 



આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલા ખેડૂતોમાં અંગ્રેજ સરકારના કૃષિ કાયદાઓ વિરુધ બેચેની હતી.એ વખતે જવાહરલાલ નેહરુ ઇંગ્લેન્ડથી ભણીને નવા નવા રાજકારણમાં પ્રવેશ્યા હતા.કિસાનોની સમસ્યાઓ બાબતે અને એ માટે એમણે કેવી રીતે મદદ કરી હતી એનો ઉલ્લેખ નેહરુએ પોતાની આત્મકથામાં વર્ણન કર્યું છે-એ ટૂંકમાં જોઈએ.

“અલ્હાબાદના… આ સમય દરમિયાન હું કિસાન હિલચાલમાં સંડોવાયો.આ સંબંધ પાછળના વર્ષોમાં વધ્યો અને મારી માનસિક વૃત્તિ ઉપર એની બહુ અસર થઈ…..૧૯૨૦ના જૂન મહિનાના આરંભમાં કિસાનો પરતાપગઢ જિલ્લાનાં ગામડાઓમાંથી અલ્હાબાદ ૫૦ માઈલ ચાલતા આવ્યા,એવા હેતુથી કે ત્યાંના જાણીતા કાર્યકર્તાઓનું ધ્યાન તેમની દયાજનક સ્થિતિ તરફ ખેંચાય…..કેટલાક મિત્રોને લઈને હું તેમને મળવા ગયો.તાલુકદારોના પીસી નાખે એવા કરોની અને અમાનુષ વર્તનની તેમણે અમને વાતો કરી અને જણાવ્યું કે,સ્થિતિ હવે સાવ અસહ્ય થઈ ગઈ છે.તેમણે અમને વીનવીને એમ પણ કહ્યું કે,અમારી સાથે ચાલો અને તપાસ કરો અને તાલુકદારોના રોષથી અમને બચાવો….એક બે દિવસમાં મેં તેમને ત્યાં જવાનું વચન આપ્યું.

કેટલાક સાથીઓને લઈને હું ત્યાં ગયો અને રેલવે કે પાકી સડકથી બહુ દૂરનાં ગામડાઓમાં અમે ત્રણ દિવસ કાઢ્યા.આ મુલાકાતથી મારી આંખ ઊઘડી ગઈ.તમામ ગામડાઓમાં ઉત્સાહનો પાર ન હતો અને તેમનામાં કંઇક વીજળિક ચેતન આવ્યું હતું…..”

પછી આસપાસના ગામડાઓમાંથી જનમેદની એમને મળવા આવે છે –એમનામાં ઉત્સાહ જાગે છે અને નવી આશાનો સંચાર થાય છે –એનું વર્ણન કરે છે.પછી આગળ લખે છે –

“….. તેમણે અમને પ્રેમથી નવરાવ્યા..કળિયુગમાંથી સતયુગ તરફ તેમને લઇ જનારા ભોમિયા હોઈએ તેમ પ્રેમાળ અને આશાભરી આંખે તેઓ અમને જોઈ રહ્યા.તેમનું દુઃખ અને તેમની ઊભરાતી કૃતજ્ઞતા જોઇને મારી શરમ અને દુઃખનો પાર ન રહ્યો-શરમ મારા એશઆરામી અને નચિંત જીવન માટે તેમજ આપણા આ અર્ધનગ્ન લાખો ભાંડુઓના દુઃખનો વિચાર કર્યા વિના ચાલતાં આપણા રાજકાજ માટે;દુઃખ હિંદુસ્તાનની આ અધોગતિ અને ભયાનક દારિદ્ર માટે.મારી આંખ ઊઘડી અને ભારતમાતાનું નવું ચિત્ર મારી આગળ ખૂલવા લાગ્યું – વસ્ત્રહીન,અન્ન્હીન,દલિત અને અત્યંત પીડિત ભારતમાતાનું…

તેમના દુઃખની અસંખ્ય કહાણી –તેમના ઉપર લદાતા જતા કચરી નાંખતા ગણોતના બોજા;અનેક પ્રકારના બેકાયદા કરો;જમીન ઉપરથી અને માટીનાં ઝુંપડામાંથી નીકળવાની નોટિસો અને માર;તેમની ઉપર ગીધની માફક ચોમેરથી તૂટી પડતા જમીનદારના ગુમાસ્તાઓ,વ્યાજખાઉ નાણા ધીરનારાઓ અને પોલીસ;આખો દિવસ મજૂરી કરવાને અંતે તેમણે પેદા કરેલું જાય બીજાના પેટમાં અને તેમના પોતાના કપાળમાં લાત અને ગાળો અને ભૂખમરો-આ બધી કહાણી મેં સાંભળી.ત્યાં હાજર રહેનારાઓમાંના ઘણાઓ તો એવા હતા કે જેમને જમીનદારોએ જમીન ઉપરથી કાઢ્યા હતા,જેમની પાસે ન રહેવાનું ઘર હતું ન સીમમાં ખેતર હતું.જમીન ફળદ્રુપ પણ તેનીઉપર કરનો બોજો ભયાનક,ખેતરો અતિશય નાનાં અને તેમાં પણ અનેક ભાગીદારો.આ જમીનની ભૂખનો લાભ લઈને જમીનદારો અનેક લાગત લગાન (બેકાયદા કરો) નાંખીને તેમને ચૂસતા ,કારણ કાયદા પ્રમાણે અમૂક ગણોતથી વધારે તેઓ લઇ શકતા નહોતા.ખેડ્નારની પાસે બીજો કોઈ ઉપાય નહોતો એટલે શાહુકારની પાસે નાણા વ્યાજે લેતો જાય,અને જમીનદારને ભરતો જાય,અને પછી કરજ ન ભરી શકે અને મહેસૂલ ન દઈ શકે એટલે જમીન ખુએ,ઘર ખુએ,ઢોરઢાંખર ખુએ અને નાગો ભૂખ્યો થઈને બેસે.”

આ અહેવાલ વાંચીને લાગે છે કે ૧૦૦ વર્ષ પહેલાં પણ ખેડૂતોની સ્થિતિ તો આજના જેવી જ હતી.એમને લૂંટનારા લોકોના રૂપ બદલાયા છે પણ સમસ્યાઓ તો એ જ છે.

નેહરુ એ પછી રામચંદ્ર નામના ખેડૂત આગેવાનની વાત કરે છે કે એણે અયોધ્યા અને એની આસપાસના વિસ્તારોમાં ખેડૂતોમાં કેવી રીતે જાગૃતિ લાવી હતી.

“આ પરિસ્થિતિમાંથી ખેડૂતોની મોટી હિલચાલનો ભારે ભડકો સળગે એમાં શી નવાઈ?નવાઈ તો મને એ હતી કે શહેરમાંથી કશી મદદ વિના કે રાજદ્વારી પુરુષોના કે બીજા કાર્યકર્તાઓના એમાં ભાગ લીધા વિના આખી હિલચાલ આપોઆપ ઊભી થઈ.મહાસભાથી એ સાવ સ્વતંત્ર હતી,અને અસહકારની સાથે એને કશો સંબંધ ન હતો…આ કિસાન હિલચાલ વિષે શહેરોમાં કશી જ ખબર નહોતી એથી વળી મને વધારે આશ્ચર્ય થયું.છાપાઓમાં એને વિષે એક લીટી પણ નહોતી આવતી;તમને ખેડૂતોની અને ગામડાંઓની કશી પરવા નહોતી.આપણે જનસમૂહ થી કેટલા અલગ રહેતા હતા અને આપણા બનાવેલા સંકુચિત જગતમાં જ રહીને કામ કરતા હતા એ સત્ય વિષે મારી આંખ અપૂર્વ રીતે ઉઘડી ગઈ.”

એ વખતે ટીવી નહોતા તેથી ન્યુઝ ચેનલો પણ ન હતી.પ્રિન્ટ મીડિયા હતું. એ વખતે પણ મોટા ભાગના અખબારો ને ખેડૂતોની કોઈ પરવા નહોતી –એ આશ્ચર્ય જનક લાગે છે.આજનું ગોદી મીડિયા એ સમયના પ્રિન્ટ મિડીયાથી ક્યાં અલગ છે?એક બે ચેનલોને બાદ કરતા આજનું માસ મીડિયા કિસાનોની સમસ્યાઓ,એમની લડત ,એમની યાતનાઓ-હદ તો એ છે કે ૫૮ ખેડૂતો માર્યા ગયા એમના માટે પણ કોઈ સહાનૂભૂતિ નથી બતાવી.સરકાર અને મીડિયાની આવી નિષ્ઠૂરતા ભારતના ઇતિહાસમાં કદાચ જ જોવામાં આવી હશે!.

એ પછી નેહરુએ ખેડૂતોની સાથે ખાતાં ,તેમનાં માટીનાં ઝુંપડામાં રહેતા,કલાકોના કલાક સુધી તેમની વાતો કરતા અને અનેક નાની મોટી સભાઓ આગળ ભાષણ આપતા એક ગામથી બીજા ગામ ભટકતા – એ બધી બાબતોનું વર્ણન કર્યું છે.નેહરુ ખેડૂતોની સામે બોલતા ગભરાતા હતા,પરંતુ પોતાની વાત મક્કમતાથી કહેતા –અને એ રીતે એમની વકતૃત્વ કળા ખીલી એવું સ્વીકારે છે.૧૯૨૧મા બારે માસ એમણે ગામડાઓની મુલાકાત ચાલુ રાખી હતી.એ પછી અસહકારનું આંદોલન વેગ પકડતા એમનું કાર્યક્ષેત્ર વધ્યું અને એમની જવાબદારીઓ પણ વધી,પરંતુ તેઓ ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેતા.

કિસાનોની સમસ્યાઓની તલસ્પર્શી જાણકારી નેહરુને હતી એટલે જ  દેશના પ્રથમ વડાપ્રધાન બનતા એમણે કૃષિ અને કિસાનો માટે ઘણા પગલાં લીધા હતાં.

૧૯૪૭મા દેશ આઝાદ થયો ત્યારે ૮૦% થી વધુ વસ્તી ગામડાઓમાં વસ્તી હતી અને મુખ્યત્વે ખેતી પર નભતી હતી.કૃષિ ઉપજ બહુ ઓછી હતી-માત્ર ૫ કરોડ ટન.પાક નો બધો આધાર વરસાદ પર રહેતો.વરસાદ સારું થાય તો અનાજ ઉગે-જો દુકાળ પડે તો કશું ન થાય.દેશના કેટલાક પ્રદેશોમાં મધ્ય યુગની સામંતશાહી પ્રથા હજી ચલણમાં હતી.સાધનો ટાંચા હતા.વીજળી નહોતી.નહેરો નું નેટવર્ક ખૂબ માર્યાદિત હતું.ઉપરથી ૧૯૪૩મા પડેલા દુકાળે ૩૦ લાખ લોકોને ભરખી લીધા હતા.દેશની સ્વતંત્રતા વખતે પડેલા ભાગલાને લીધે નિરાશ્રીતો ની સમસ્યા પણ હતી,અનાજ ઓછું હતું,ફુગાવો વધારે હતો.સ્વાભાવિક રીતે જ પડી ભાંગેલી અર્થવ્યવસ્થાને નવા જોરથી ઊભી કરવાનો મોટો પડકાર હતો.

રશિયાથી પ્રભાવિત નેહરુએ રશિયાની જેમજ પંચવર્ષીય યોજનાઓ લાગુ પાડી. ૨૩૭૮ કરોડના કુલ બજેટની પ્રથમ પંચવર્ષીય યોજના ૧૯૫૧મા લાગુ થઇ.આ યોજનામાં કૃષિ અને કૃષિકારોને પ્રાથમિકતા આપતા સરકારે કૃષિ,સિંચાઈ,ઉર્જા અને ભૂ-વિહીન ખેડૂતોના સ્થાપન માટે કુલ બજેટના ૪૮.૭૦ % રકમ ફાળવી હતી.પાણી છે તો ખેતી છે-પાણી છે તો જીવન છે એ વાત સારી રીતે સમજતા નેહરુએ પાણીના સંગ્રહ માટે ભાખરા નાગલ ,હીરાકુંડ,અને નાગાર્જુન સાગર જેવા મોટા બંધો બંધાવ્યા.કૃષિ ઉત્પાદન વધારવા રીસર્ચ સેન્ટર જરૂરી હોય છે.નેહરુ સરકારે ૧૯૫૪મા ખડગપુર IITમાં કૃષિ ઈજનેરી વિભાગ અને પંતનગર,લુધિયાના ,જબલપુર,ઉદેપુર અને કોઇમ્બતુર માં કૃષિ ઈજનેરી કોલેજોની સ્થાપના કરી.પરિણામે પ્રથમ પંચવર્ષીય યોજનામાં અન્ન ઉત્પાદનમાં ૧૭% નો અને બીજી પંચવર્ષીય યોજનામાં ૧૬% નો વધારો થયો.૧૯૬૪મા પાકના લઘુત્તમ ટેકાના ભાવની પદ્ધતિ લાગુ કરી.

આ હતું નેહરુનું વિઝન અને ખેડૂતો માટેના કાર્યો.

(Published on Yuvasaathi)

8 માર્ચ, 2021

વિરોધ કરવાના લોકતાંત્રિક અધિકારો પર તરાપ


 ટીકા ટીપ્પણી વિના સ્વસ્થ લોકશાહીની કલ્પના કરી શકાય નહિ, એટલે જ આલોચનાને લોકશાહીનો આત્મા કહેવામાં આવ્યો છે. આલોચના ન જ માત્ર સરકારને નિરંકુશ થતા અટકાવે છે, પરંતુ એને જવાબદાર, સંવેદનશીલ અને પારદર્શક પણ બનાવે છે. એટલા માટે આલોચનાનું રચનાત્મક હોવું અને સરકારનું  જનતા પ્રત્યે જવાબદાર હોવું ખૂબ જ આવશ્યક છે. દુર્ભાગ્યવશ ભારત જેવા વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં પાછલા કેટલાક વરસોમાં ટીકા અને વિરોધના અધિકારોને સીમિત જ નહિ સંપૂર્ણપણે સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ બાબત દેશના જાગૃત નાગરિકો અને બુદ્ધિજીવી વર્ગ બહુ સારી રીતે સમજી રહ્યું છે કે મહત્વના મુદ્દાઓ પર સરકારની ટીકા કરનારા ટીકાકારો, લેખકો, પત્રકારો, સમાજ સેવકો, શિક્ષકો, લોકાધિકાર માનવ અધિકાર કાર્યકર્તાઓ, એક્ટીવિસ્ટો અને સંસ્થાઓને દમનનો સામનો કરવો પડી રહ્યો છે.

દેશની આંતરિક દશા કેટલી ચિંતાજનક છે-એને બ્રિટનમાં રહેતા સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પણ સારી રીતે અનુભવી રહ્યા છે. એક ઇન્ટરવ્યુંમાં એમણે આ સત્ય સ્વીકાર્યું કે લોકોનો અવાજ દબાવવા માટે ભારતમાં મરજી મુજબની રીતો અપનાવવામાં આવી રહી છે.હાવર્ડ યુનીવર્સીટીમાં પ્રોફેસર સેને કહ્યું કે જે વ્યક્તિ સરકારની કડક ટીકા કરે છે અથવા સરકારને જે પસંદ નથી આવી રહ્યું,એને આતંકવાદી ઘોષિત કરવામાં આવે છે અને જેલમાં નાખવામાં આવે છે.ભારતમાં અસહમતિ અને ચર્ચાની શક્યતા ઓછી થતી જઈ રહી છે.લોકો પર દેશદ્રોહનો મનમાન્યા આરોપો લગાવી કેસ ચલાવ્યા વિના જ જેલમાં નાખવામાં આવી રહ્યાં છે.

વિચારણીય બાબત આ છે કે પાછલા કેટલાક વરસોમાં સરકાર દ્વારા લાવવામાં આવેલ સીએએ, એનઆરસી, એનપીઆર, કૃષિ સુધારા જેવા વિવાદિત કાયદાઓ અને નોટબંધી, જીએસટી તથા કોરોનાના કારણે લોકડાઉન જેવા નિર્ણયો વિરુધ જનાંદોલન,વિરોધ,ટીકા અને મતભેદોનું વર્તુળ વધ્યું છે. બીજી બાજુ જનતાનો અવાજ સાંભળવાની જગ્યાએ,આ આંદોલનોને દબાવવા ,કચડી નાખવા,બદનામ કરવા અને એમની વિરુધ અરાજક તત્વોને ખુલ્લી છૂટ આપવા માટે ઘણા સ્તરો પર સરકારની કડક આલોચના પણ થઇ છે.વિરોધના સૂરને દાબી દેવા માટે સરકાર તરફથી કરવામાં આવતા અયોગ્ય બળપ્રયોગને માનવ અધિકારોના ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહ્યા છે.દેશની અંદર અને બહાર વૈશ્વિક સ્તરે અને બુદ્ધિજીવીઓ,માનવ અધિકારવાદી સંગઠનો તરફથી વર્તમાન દશા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આની ગુંજ સંસદમાં પણ ત્યારે સંભળાઈ જયારે અમરોહાના બસપા સાંસદ કુંવર દાનીશઅલીએ આ મામલાને ઉઠાવતા કહ્યું હતું કે સીએએ, એનઆરસી અને એનપીઆર વિરુધ શાંતિપૂર્ણ આંદોલન કરનારા જેએનયુ  અને જામીયાના આંદોલનકારીઓ વિરુધ યુએપીએ જેવા ગંભીર કાયદાનો ઉપયોગ દુર્ભાગ્યપૂર્ણ છે.સંસદનું કાર્ય કાનૂન બનાવવું છે, જો સામાન્ય જનતા એનાથી સંતુષ્ટ નથી તો આંદોલન કરવું એનો અધિકાર છે.એમણે કૃષિ સુધારા કાયદાઓના વિરોધમાં થનારા પ્રદર્શનનો સંદર્ભ આપતા કહ્યું કે કિસાનો માર્ગો પર છે અને તેઓ આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.આંદોલનકારી કિસાનોને પણ દેશદ્રોહી કહેવામાં આવી રહ્યાં છે.

એમણે આરોપ લગાવ્યો કે આંદોલનકારી વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. પ્રો.અપૂર્વાનંદ જેવી વ્યક્તિને પણ દિલ્હી પોલીસનું સ્પેશ્યલ સેલ પોલીસ સ્ટેશને બોલાવી પૂછપરછ કરે છે.પોલીસ જાણીજોઈને ચાર્જશીટ ફાઈલ કરવામાં વિલંબ કરે છે,જેથી આંદોલનકારીઓને વધુમાં વધુ દિવસો સુધી વિના ટ્રાયલે જેલમાં ગોંધી રાખી શકાય ,કેમકે પોલીસને ખબર છે કે પોતાની પાસે એમની વિરુધ કોઈ પુરાવા નથી.ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા સીએએ કાનૂન વિરુધ સંવિધાનિક અધિકાર હેઠળ શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર ગેન્ગસ્ટર એક્ટ,ગુંડા એક્ટ, રાસુકા અને તડીપાર જેવા કડક કાયદાઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સરકારે આલોચકો અને વિરોધીઓની સંપત્તિ જપ્ત કરી,એમના પોસ્ટર લગાવડાવ્યા.લોકઅધિકારો માટે કામ કરતી સંસ્થા ‘રિહાઈ મંચ’, એના અધ્યક્ષ એડવોકેટ શોએબ દારાપુરી સહીત ઘણા બુદ્ધિજીવીઓનો અવાજ કચડી નાખવા માટે કઠોર કાર્યવાહી કરવામાં આવી.કેટલાક લોકોને નજરકેદ કરવામાં આવ્યા તો કેટલાકને જેલમાં મોકલવામાં આવ્યા.

જેએનયુ હોસ્ટેલમાં પોલીસની હાજરીમાં વિદ્યાર્થીઓને અવાજ ઉઠાવવાની સજા આપવામાં આવી.કેટલાક અસામાજિક તત્વોએ ઘૂસીને વિદ્યાર્થીઓને માર્યા અને તોડફોડ ની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ .એવી જ રીતે દિલ્હીમાં સીએએ વિરોધી આંદોલનોને નિશાન બનાવી હિંસા આચરવામાં આવી.સીએએ વિરોધી આંદોલન દરમ્યાન શાહીનબાગને બદનામ કરવા માટે સત્તાધારી પાર્ટીના નેતાઓએ ખુલ્લેઆમ ‘ગોલી મારો’ના નારા લગાવ્યા, અને પછી કપિલ ગુર્જર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો.કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવા હિંસા ભડકાવનારા નેતાઓ અને  હિંસા આચરનારા ઉપદ્રવીઓના કાર્યોની વિડીઓ ઉપલબ્ધ છે.જામિયા મિલિયા ઇસ્લામિયા યુનીવર્સીટીના કેમ્પસ અને પુસ્તકાલયમાં તંત્રની અનુમતિ વિના પ્રવેશી પોલીસે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને માર્યા,કેટલાકના હાથપગ ભાંગી ગયા.આના પણ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે.

આખું વર્ષ વીતી ગયું,ઘણા પીડિતોને ઝૂઠા આરોપો હેઠળ જેલમાં નાખવામાં આવ્યા,પરંતુ કોઈ પણ દોષી વિરુધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી.આ વાત સર્વવિદિત છે કે આ બધા મામલાઓ ,હિંસા અને ગોલી મારોના નારા વિરોધના અધિકારો અને વિરોધના સૂર દબાવી દેવા માટે કરવામાં આવ્યા હતા.આ બધા વિરોધ કરવાવાળાઓને દેશદ્રોહી ,પાકિસ્તાની,નક્સલી,અને ચીનપ્રેમીઓ કહેવામાં આવ્યા.જોકે લોકશાહી સરકાર અને લોક્પ્રતિનીધીઓનો વ્યવહાર જનતાથી સંવાદ સાધી એમની સમસ્યાઓને સાંભળવી અને નિરાકરણ કરવાનું હોવું જોઈએ, ના કે જીદ કરવી અને અનાવશ્યક બળ પ્રયોગ કરવું-જેવું પાછલી સરકારો કરતી આવી છે.

આ ઉપરાંત આંદોલનકારીઓ,સમાજસેવકો, છાત્ર નેતાઓ અને બુદ્ધિજીવીઓ ને જેલમાં નાખી એમના પર ટોર્ચર કરવામાં આવે છે. ઉમર ખાલીદે એક કોર્ટની હાજરી દરમ્યાન જણાવ્યું કે કેટલાક દિવસથી એના દાંતમાં દર્દ છે,પરંતુ એનો ઈલાજ કરવામાં નથી આવી રહ્યો.સાથે જ એણે એમ પણ કહ્યું કે ચાર્જશીટની કોપી મીડિયામાં લીક કરવામાં આવી રહી છે,પણ એને એની નકલ આપવામાં નથી આવી રહી, તેથી પોતાના પર લાગેલા પોલીસના આક્ષેપોને એ જાણી શક્યો નથી.દિલ્હી પોલીસે ડીસેમ્બરના અંતમાં ઉમર ખાલીદ વિરુધ ૧૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં એના પર દેશ વિરોધી ભાષણ આપવા,રમખાણો ભડકાવવા અને એનું ષડ્યંત્ર રચવા જેવા કેટલાય ગંભીર આરોપોમાં કલમો લગાવવામાં આવી હતી.પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું કે ૮ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે શાહીન બાગમાં ઉમર ખાલીદ,ખાલીદ સૈફી અને તાહિર હુસેને મળીને દિલ્હી રમખાણોની યોજના બનાવવા માટે મીટીંગ કરી હતી.આ દરમ્યાન ઉમર ખાલીદે મધ્ય પ્રદેશ,રાજસ્થાન,બિહાર,મહારાષ્ટ્રમાં ભાગ લીધો હતો અને ભડકાઉ ભાષણો આપ્યા અને લોકોને ઉશ્કેર્યા હતા.

સફૂરા ઝરગરને દિલ્હી રમખાણોમાં આરોપી બનાવી ૭૪ દિવસો સુધી તિહાર જેલમાં રાખવામાં આવી.એ પણ ત્યારે જયારે એ ગર્ભવતી હતી.દેશ વિદેશમાંથી એના માટે સરકાર પર ઘણો દબાવ આવ્યો.અહી સુધી કે સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ આને માનવ અધિકારનો ઉલ્લંઘન બતાવતા કહ્યું કે એક ગર્ભવતી સ્ત્રીને તમે જેલમાં કેવી રીતે ગોંધી રાખી શકો? ત્યારબાદ એને જામીન પર છોડવામાં આવી.છુટ્યા પછી એનું કહેવું હતું કે પોલીસે એને પાયાની સુવિધાઓ આપવાનો પણ ઇનકાર કર્યો હતો.એનો જરૂરી સામાન પણ જેલમાં લઇ જવા દેવાની પરવાનગી ન હતી.ચાલીસ દિવસો સુધી એને ઘરે ફોન કરવા દેવામાં નહોતું આવ્યું.ન જ એને કોઈનાથી મળવા દેવામાં આવતી હતી.તેથી કેટલાક સામાન માટે એને બીજા કેદીઓ પર નિર્ભર રહેવું પડતું.આ દરમ્યાન એના સાથી કેદીઓએ એને ચપ્પલ,આંતર વસ્ત્રો અને કામળો આપ્યો.કોર્ટમાં યાચિકા નાખવામાં આવી ત્યારે એને પાંચ જોડી કપડા લેવાની મંજુરી આપવામાં આવી!

વિરોધનો અવાજ કચડી નાખવા માટે કલબુર્ગી,પનસરે અને ગૌરી લંકેશ ની હત્યા કરી દેવામાં આવી.૨૦૧૮માં ભીમા કોરેગાંવમાં હિંસક ઝડપો થઇ હતી –એને આધાર બનાવી ૧૬ સમાજ સેવકો,કવિઓ અને વકીલોની ધરપકડ કરવામાં આવી.એમના ઉપર પણ દેશદ્રોહ સંબંધી આરોપો લગાવવામાં આવ્યા.આનંદ તેલતુંમ્બ્ડે,માનવાધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખા,કવિ વરવર રાવ,સ્ટેન સ્વામી.સુધા ભારદ્વાજ,અરુણ ફરેરા ,વર્નોન ગોન્જાલ્વીસ જેવી દેશની મોટી હસ્તીઓને જેલમાં નાખવામાં આવી.

એમના સંબંધીઓનું પણ કહેવું છે કે એમની સાથે જેલમાં અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં બેંગ્લોરની એક ૨૨ વર્ષીય પર્યાવરણ એક્ટીવીસ્ટ દિશા રવિની દિલ્હી પોલીસે ધરપકડ કરી.એનાં પર આરોપ છે કે કિસાન આન્દોલનમાં એક ટૂલ કીટમાં ઓનલાઈન ફેરફાર કર્યો હતો.એ જ ટૂલ કીટની કોપીને વિશ્વની પ્રસિદ્ધ પર્યાવરણ એક્ટીવીસ્ટ ગ્રેટા થન્બર્ગે શેર કરી હતી.દિશા રવિ પર દેશદ્રોહનો આરોપ લગાવવમાં આવ્યો છે.આ લખાય છે ત્યારે દિશાને એક લાખના જામીન  પર મુક્તિ મળી ગઈ છે,પરંતુ એના વકીલનું કહેવું છે કે એક લાખ રૂપિયાનું બોન્ડ આપી શકે એમ નથી.

આ બધી ઘટનાઓ આ દર્શાવવા માટે પુરતી છે કે દેશની લોકશાહી બીમાર છે અને સંવિધાનિક સંસ્થાઓ પંગુ બની ચુકી છે.લોકશાહી અધિકારોને માચડે ચઢાવી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.વિરોધના સૂર દબાવવા માટે સામ,દામ,દંડ,ભેદની બધી યુક્તિઓ કામે લગાડવામાં આવી રહી છે.બુદ્ધિજીવીઓ અને કાર્યકર્તાઓ જેલમાં છે અને વાસ્તવમાં રમખાણો ભડકાવનારા ગુંડાઓ આઝાદીથી મહાલે છે.શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સામાજિક કાર્યકર્તાઓને દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવી યોગ્ય નથી.લોકશાહીમાં બધી જ જાતના વિચારોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

(યુવાસાથી સામયિકમાં પ્રકાશિત મારો લેખ )