આ બ્લૉગ શોધો

28 ઑક્ટોબર, 2017

પ્રમાણિકતાનું માદળિયું

હરિશંકર પરસાઈ ની કટાક્ષ કથા નો અનુવાદ :

એક પ્રદેશમાં બુમાબુમ  થઇ ગઈ કે ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે.
રાજાએ દરબારીઓ ને કહ્યું -"પ્રજા બહુ બુમાબુમ કરી રહી છે કે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર ફેલાઈ ગયો છે.અમને તો આજદિન સુધી ક્યાંય દેખાયું નથી.તમને ક્યાંક દેખાયું હોય તો બતાવ."
દરબારીઓએ કહ્યું :"મહારાજ,જયારે તમને નથી દેખાતું તો અમને કેવી રીતે દેખાય?"
રાજા એ કહ્યું ;"ના,એવું નથી.ક્યારેક ક્યારેક જે મને નથી દેખાતું ,તે તમને દેખાતું હશે.જેમકે મને ખરાબ સપના નથી દેખાતા પણ તમને દેખાતા હશે."
દરબારીઓએ કહ્યું ;"હા,દેખાય છે.પણ એ તો સપનાની વાત છે."
રાજાએ કહ્યું :"તમે લોકો સમગ્ર પ્રદેશ માં જઈને શોધો ,ક્યાંક ભ્રષ્ટાચાર તો નથી ને.ક્યાંક મળી જાય તો એનો નમુનો લેતા આવજો.હું  પણ જોઉ કેવુ હોય છે."
એક દરબારીએ કહ્યું :"મહારાજ,એ અમને નહિ દેખાય.સાંભળ્યું છે એ બહુ સુક્ષ્મ હોય છે.અમારી આંખો આપની વિરાટતા જોવા એવી ટેવાઈ ગઈ છે કે કોઈ તુચ્છ વસ્તુ અમને દેખાતી જ નથી.અમને ભ્રષ્ટાચાર દેખાઈ પણ જશે તો એમાં આપની જ છબિ દેખાશે,કેમકે અમારી આંખોમાં તો તમારી જ છબિ અંકાઈ ગઈ છે.હા,આપણા પ્રદેશમાં એક જાતિ વસે છે એમને "વિશેષજ્ઞ" તરીકે ઓળખવામાં આવે છે.આ જાતિ પાસે એવું આંજણ હોય છે જેને આંખમાં આંજવાથી સુક્ષ્મ વસ્તુ પણ દેખાઈ આવે છે.મારી આપ મહારાજ ને નમ્ર વિનંતી છે કે આ વિશેષજ્ઞો ને ભ્રષ્ટાચાર શોધવાનું કામ સોંપવામાં આવે."
રાજા એ વિશેષજ્ઞ જાતિ ના પાંચ માણસો ને બોલાવ્યા અને કહ્યું :"સાંભળ્યું છે કે અમારા પ્રદેશમાં ભ્રષ્ટાચાર છે.પરંતુ એ ક્યાં છે એ ખબર પડતી નથી.તમે લોકો આને શોધી કાઢો.જો મળી જાય તો પકડી ને મારી પાસે લાવો.જો બહુ વધારે હોય તો નમુના તરીકે થોડો લેતા આવજો."
વિશેષજ્ઞો એ એજ દિવસ થી જાંચ શરુ કરી દીધી.
બે મહિના પછી તેઓ દરબાર માં હાજર થયા.
રાજા એ પૂછ્યું :"વિશેષજ્ઞો ,તમારી તપાસ પૂરી થઈ ગઈ?"
"જી,મહારાજ ".
"શું તમને ભ્રષ્ટાચાર મળ્યો?"
"જી હા ,ઘણો મળ્યો".
રાજાએ હાથ આગળ વધાર્યો " લાઓ ,મને બતાવો.જોઉં તો ખરો કેવો હોય છે ."
વિશેષજ્ઞો એ કહ્યું "મહારાજ,એ હાથ થી પકડાતું નથી.એ સ્થૂળ નથી,સુક્ષ્મ છે ,અગોચર છે. અને એ સર્વત્ર છે.એને જોઈ શકાતું નથી,અનુભવી શકાય છે."
રાજા વિચાર માં પડી ગયો.બોલ્યો :"વિશેષજ્ઞો,તમે કહો છો એ સુક્ષ્મ છે ,અગોચર છે અને સર્વવ્યાપી છે.આ ગુણ તો ઈશ્વરના છે.તો શું ભ્રષ્ટાચાર ઈશ્વર છે?"
વિશેષજ્ઞો એ કહ્યું :" હા મહારાજ ,હવે ભ્રષ્ટાચાર ઈશ્વર થઇ ગયો છે"
એક દરબારી એ પૂછ્યું :"પણ એ છે ક્યાં ?એને કેવી રીતે  અનુભવી શકાય છે ?"
વિશેષજ્ઞો એ જવાબ આપ્યો : "એ સર્વત્ર છે.એ આ મહેલ માં છે.એ મહારાજ ના સિંહાસન માં છે."
"સિંહાસન માં ક્યાં છે ?" કહી ને મહારાજ એક દમ ઉછળી પડ્યા અને દુર ઉભા થઇ ગયા.
વિશેષજ્ઞો એ કહ્યું :"હા સાહેબ,એ સિંહાસન માં છે.પાછલા મહીને આ સિંહાસન પર રંગરોગાન  કરવા માટે જે બિલ નું પેમેન્ટ કરવામાં આવ્યું છે એ નકલી છે.એ અસલ રકમ કરતા બમણી રકમ નો છે. અડધી રકમ વચેટિયા ખાઈ ગયા.આપના સમગ્ર શાસનમાં ભ્રષ્ટાચાર છે અને એ મુખ્યત્વે લાંચ ના રૂપ માં છે."
વિશેષજ્ઞો ની વાત સાંભળી ને રાજા ચિંતિત થયા અને દરબારીઓ ના કાન ઊભા થઇ ગયા.
રાજા એ કહ્યું :"આતો ખરેખર ચિંતા નો વિષય છે.અમે ભ્રષ્ટાચાર નાબુદ કરવા માંગીએ છીએ.વિશેષજ્ઞો,તમે બતાવી શકો છે એને કેવી રીતે નાબૂદ કરી શકાય ?"
વિશેષજ્ઞો એ કહ્યું :"હા મહારાજ,અમે એની યોજના પણ તૈયાર કરી રાખી છે.ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે મહારાજે શાસન વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન કરવું પડશે.ભ્રષ્ટાચાર ની તકો નાબૂદ કરવી પડશે .જેમકે કોન્ટ્રાક્ટ છે તો કોન્ટ્રાકટર છે.અને કોન્ટ્રાકટર છે તો અધિકારીઓ ને લાંચ પણ આપશે.કોન્ટ્રાક્ટ જ મટી જાય તો એની લાંચ પણ મટી જાય.આવી રિતે ઘણીબધી વસ્તુઓ છે.કયા કારણો થી માણસ લાંચ લે છે એ પણ એક વિચારવાનો મુદ્દો છે."
રાજાએ કહ્યું :"સારું,તમે લોકો તમારી પૂરી યોજના મૂકી જાઓ ,અમે ચર્ચા વિચારણા કરીશું."
વિશેષજ્ઞો ના ગયા પછી રાજા અને દરબારીઓ એ ભ્રષ્ટાચાર નાબુદી ની આખી યોજના વાંચી અને એના ઉપર ખુબ વિચાર કર્યો.
વિચાર કરતા કરતા દિવસો વીતવા લાગ્યા અને રાજાનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું.એક દિવસ એક દરબારી એ આવી ને કહ્યું :" મહારાજ,ચિંતા ને લીધે આપનું સ્વાસ્થ્ય બગડતું જઈ રહ્યું છે.એ વિશેષજ્ઞો એ તમને ઝંઝટ માં નાખી દીધા છે."
રાજા એ કહ્યું :"હા ,મને રાત્રે ઊંઘ નથી આવતી."
બીજો દરબારી બોલ્યો :"આવા રીપોર્ટ ને તો બાળી ને રાખ કરી દેવું જોઈએ જેનાથી મહારાજ ની ઊંઘ હરામ થતી  હોય."
રાજાએ કહ્યું :"પણ કરવું શું?તમે લોકોએ પણ ભ્રષ્ટાચાર નાબુદી ની યોજના નો અભ્યાસ કર્યો છે.તમારો શું મત છે ?આ યોજના અમલ માં લાવવી જોઈએ?"
દરબારીઓ એ કહ્યું :" મહારાજ ,આ યોજના તો જાણે  એક મુસીબત છે.આ મુજબ તો કેટલી તબ્દીલિ કરવી પડશે.કેટલી હેરાનગતિ થશે.આખી વ્યવસ્થા જ ઉલટ પુલટ થઇ જશે.જે ચાલી રહ્યું છે એને બદલવાથી નવી નવી કઠણાઈઓ ઉત્પન્ન થશે.આપણે તો કોઈ એવી વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી આ ફેરફાર કર્યા વિનાજ ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જાય."
રાજાએ કહ્યું :"હું પણ એજ ઇચ્છુ છું.પણ આ થશે કેવી રીતે?અમારા પરદાદા ને જાદુ આવડતું હતું.અમને તો એ પણ નથી આવડતું.તમે લોકોજ કોઈ ઉપાય શોધી કાઢો."
એક દિવસ દરબારીઓ એ એક સાધુ ને દરબારમાં હાજર કર્યો અને કહ્યું:"મહારાજ,એક ગુફામાં તપસ્યા કરતા આ મહાન સાધક ને અમે શોધી લાવ્યા છીએ.એમેણે સદાચાર નું માદળ્યું(તાવીજ) બનાવ્યું છે.જે મંત્રો થી સિદ્ધ છે.એના બાંધવાથી માણસ એકદમ સદાચારી બની જાય છે."
સાધુએ પોતાની કોથળી માં થી એક તાવીજ કાઢી રાજા  ને આપ્યું.રાજાએ એને જોયું અને બોલ્યા :"હે સાધુ ,આ તાવીજ વિષે મને વિસ્તારપૂર્વક બતાવો.આનાથી માણસ સદાચારી કેવી રીતે બની જાય છે?"
સાધુ એ સમજાવતા કહ્યું:"મહારાજ,ભ્રષ્ટાચાર અને સદાચાર મનુષ્યની આત્મા માં હોય છે.બહાર થી નથી આવતા.વિધાતા જ્યાર્રે માણસ ને ઘડે છે ત્યારે કોઈ આત્મા માં પ્રમાણિકતા અને કોઈમાં અપ્રમાણિકતા ને નાખી દે છે.આમાંથી પ્રમાણિકતા અથવા અપ્રમાણિકતા ના સ્વર નીકળે છે જેને આપણે "આત્મા નો અવાજ" કહીએ છીએ.આ આત્મા ના અવાજ અનુસાર માણસ કામ કરે છે.પ્રશ્ન આ છે કે જેમની આત્મા માં થી બેઈમાની કે અપ્રમાણિકતા ના સ્વર નીકળે છે એને દબાવી ને ઈમાનદારી ના સ્વર કેવી રીતે કાઢી શકાય?હું ઘણા વર્ષો થી આ ચિંતન અને સંશોધન માં લાગ્યો છે.એના પરિણામ રૂપે મેં આ સદાચાર નો તાવીજ બનાવ્યો છે.જે માણસના હાથ ઉપર બાંધેલો હશે એ સદાચારી થઇ જશે.મેં કુતરા ઉપર પણ પ્રયોગ કર્યા છે.આ માદળિયું ગળામાં બાંધવાથી કૂતરો પણ રોટી ચોરતો નથી.વાત આમ છે કે આ માદળિયાં માંથી સદાચાર ના સ્વર નીકળે છે.જયારે કોઈ આત્મા બેઈમાની ના સ્વર કાઢવા લાગે છે ત્યારે આ તાવીજ ની શક્તિ આત્માનું ગળું દબાવી દે છે અને માણસને ઈમાનદારી ના સ્વર સંભળાવા લાગે છે.એ માણસ આ સ્વરો ને આત્માનો અવાજ સમજી સદાચાર કરવા પ્રેરિત થાય છે.આ તાવીજ ની સૌથી મોટી વિશેષતા છે ,મહારાજ."
દરબારમાં હલચલ થઇ ગઈ.દરબારી ઉઠી ને તાવીજ જોવા લાગ્યા.
રાજાએ ખુશ થઇ ને કહ્યું:" મને ખબર ન હતી કે મારા રાજ્યમાં આવા ચમત્કારી સાધુ પણ વસે છે.મહાત્માજી,અમે તમારા ખુબ ખુબ આભારી છીએ.તમે અમારી સમસ્યા ઉકેલી દીધી.અમે સર્વત્ર વ્યાપેલા ભ્રષ્ટાચાર થી ત્રસ્ત હતા.અમને લાખો નહિ કરોડો માદળિયાં જોઈએ.અમે માદળિયાં ના ઉત્પાદન માટે એક સરકારી કારખાનું ખોલી નાખીશું.તમે એના જનરલ મેનેજર બની જાવ,અને તમારી દેખરેખ માં ઉત્તમ માદળિયાં નું ઉત્પાદન કરો."
એક મંત્રીએ કહ્યું ;"મહારાજ, આપણે શા માટે આ ઝંઝટમાં પડવું?મારું તો માનવું છે કે સાધુ મહારાજને જ કોન્ટ્રાકટ આપી દઈએ .તેઓ પોતાની મંડળીમાં તાવીજ બનાવી રાજ્યને સપ્લાય કરી દેશે."
રાજાને આ સુઝાવ પસંદ પડ્યો.સાધુ ને તાવીજ બનાવવાનો ઠેકો આપી દેવામાં આવ્યો.એજ વખતે કારખાનું ખોલવા માટે સાધુ ને પાંચ કરોડ રૂપિયા એડવાન્સ  આપી દેવામાં આવ્યા.
રાજ્યના અખબારો માં ખબરો છપાઈ."સદાચાર ના માદળિયાં ની શોધ "," માદળિયાં બનાવવાનું કારખાનું ખુલ્યું."
લાખો તાવીજ બની ગયા.સરકાર ના આદેશથી દરેક સરકારી કર્મચારી ની ભુજા ઉપર એક એક માદળિયું બાંધી દેવામાં આવ્યું.
ભ્રષ્ટાચાર ની સમસ્યાનો આ સરળ ઉપાય મળી આવવાથી રાજા અને દરબારીઓ ખુશ ખુશ હતા.
એક દિવસ રાજાની ઉત્સુકતા વધી ગઈ.વિચાર્યું :જોઉં તો ખરો આ માદળિયું કામ કેવી રીતે કરે છે.
તેવેશ બદલી એક કાર્યાલયમાં ગયો.એ દિવસે ૨ તારીખ હતી.એક દિવસ પહેલાજ પગાર થયો હતો.
તે એક કર્મચારી પાસે ગયો અને કોઈ કામ બતાવી એને સો રૂપિયા ની નોટ આપવા લાગ્યો.
કર્મચારી એ એને ખખડાવ્યો : "નીકળો અહી થી .લાંચ લેવી પાપ છે."
રાજા બહુ પ્રસન્ન થયો.માદળિયાં એ કર્મચારીને પ્રમાણિક બનાવી દીધો હતો.
કેટલાક દિવસ પછી રાજા ફરી થી વેશ બદલી એ જ કર્મચારી પાસે ગયો.એ દિવસે એકત્રીસ મી તારીખ હતી.મહિના નો છેલ્લો દિવસ.
રાજાએ એને સો ની નોટ આપી તો એણે ગજવામાં નાખી દીધી.
રાજા એ એનો હાથ પકડી લીધો.બોલ્યો :"હું તમારો રાજા છું.શું તું આજે સદાચાર નું માદળિયું બાંધી નથી આવ્યો?"
"બાંધ્યું છે મહારાજ,આ જુઓ."
એણે બાંય ચઢાવી માદળિયું બતાવ્યું.
રાજા અસમંજસ માં પડી ગયો.આવું કેવી રીતે થયું?
રાજાએ માદળિયાં ઉપર કાન ધરી ને સાંભળ્યું.માદળિયાં માંથી અવાજ આવી રહ્યો હતો " અરે,આજે એકત્રીસ છે.આજે તો લઇ લે !"ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો