બસો વર્ષ સુધી અંગ્રેજાએ ભારતને ગુલામ રાખ્યો. આ ગુલામીમાંથી સ્વતંત્ર થવા માટે બધા જ ભારતીયોએ ચાહે એ હિંદુ હોય, મુસ્લિમ હોય કે પછી શીખ હોય બધાએ જ પોતાનું યોગદાન આપ્યું છે. આજે કેટલાક સંગઠન અને રાજકીય પક્ષ દ્વારા એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે ભારતની આઝાદીમાં માત્ર હિંદુઓએ જ ભાગ લીધો હતો, મુસ્લિમોની આમાં કોઈ ભૂમિકા ન હતી, આશ્ચર્ય તો આ છે કે આ વાત સંગઠન અને પક્ષ દ્વારા ફેલાવવામાં આવી રહી છે કે જેના કોઈ કાર્ય કરે દેશની સ્વતંત્રતા માટે કયારેય કોઈ લડાઈ લડી ન હતી, ઉલ્ટું જેલમાથી છૂટવા માટે અંગ્રેજાને માફીપત્રો લખ્યા અને અંગ્રેજા માટે વફાદાર રહેવાની ખાતરી આપી હતી !
આ દેશને અંગ્રેજાની ગુલામીમાંથી આઝાદ કરવા માટે જેટલી કુર્બાનીઓ હિંદુઓએ આપી હતી એટલી જ બલ્કે, કદાચ એનાથી પણ વધારે કુર્બાનીઓ મુસ્લિમોએ આપી હતી અને આના ઐતિહાસિક દસ્તાવેજા પણ ઉપલબ્ધ છે. કોઈપણ મુસલમાન કયારેય કોઈની ગુલામીને સ્વીકારી શકે નહીં. કારણ કે એના માટે ગુલામી એક માત્ર એના પાલનહાર અલ્લાહ માટે જ હોઈ શકે છે. કોઈપણ મુસ્લિમ માટે સ્વતંત્રતાનો અર્થ આ છે કે એકમાત્ર સર્જક અલ્લાહની ગુલામીનો પટ્ટો પહેરી બીજી બધી જ ગુલામીઓમાંથી આઝાદ થઈ જવું એ છે. અહીં સુધી કે ઇજ્જત, આબરૂ, ધન, દૌલતની ગુલામીમાંથી પણ મુકત થઈ પોતાની ઈચ્છાઓને અલ્લાહને તાબે કરી દેવી. સૌથી કિંમતી વસ્તુ પ્રાણ છે. તે પોતાના પ્રાણને અલ્લાહની સૌથી મોટી કૃપા સમજે છે અને અલ્લાહના માર્ગમાં એને લૂટાવી દેવાને સૌથી વધુ ભાગ્યશાળી બાબત માને છે. જિંદગી પસાર કરવાના અને પ્રાણ આપવાના જે ઉદાહરણો મુસ્લિમોમાં જાવા મળે છે એવા કોઈ ઉદાહરણ બીજા ધર્મ કે સમુદાયના લોકોમાં ભાગ્યે જ જાવા મળે છે.
મુસ્લિમો ગુલામીને સૌથી કનિષ્ઠ બાબત સમજે છે. ઇસ્લામના બીજા ખલીફા હઝરત ઉમર રદિ.એ કહ્યું હતું ઃ ‘તમે એ બાળકોને ગુલામ બનાવી દીધા જેમની માતાઓએ એમને સ્વતંત્ર પેદા કર્યા હતા.’
કેટલાક લોકો એવી ગેરસમજ ફેલાવે છે કે અંગ્રેજાની જેમ મુઘલોએ પણ ભારતને ગુલામ બનાવી દીધું હતું. આ તદ્દન ખોટી વાત છે. ઉલ્ટુ મુઘલોએ ભારતને પોતાની કર્મભૂમિ બનાવી દીધી હતી. અહીં જ જીવ્યા અને અહીં જ મર્યા. તેમણે કોઈ ખજાનો અહીંથી લૂંટી બીજે કયાંય લઈ નહોતા ગયા. એમણે ભારતમાં કરેલા કેટલાક કાર્યોથી અને ખાસ કરીને એમણે બાંધેલા સ્થાપત્યો અને સ્મારકોથી આજે દુનિયામાં ભારતનું નામ રોશન છે.
ભારતમાં મુસલમાનો લઘુમતીમાં હોવા છતાંય ઘણા વર્ષો સુધી શાસન કર્યું અને એમ છતાંય કોઈ બળવાનો સામનો કરવો પડયો નહીં. એટલા માટે કે એમણે ભારતને શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે જીવનના ઉચ્ચ વિચારો આપ્યા. આની સરહદોની રક્ષા કરી, સામાજિક અન્યાયથી મુક્તિ અપાવી અને ધર્મના નામે ગુલામીની કલ્પનાને નાબૂદ કરી.
મુસ્લિમોએ અંગ્રેજા સામેના ભારતના સ્વાતંત્ર્ય આંદોલનોમાં ભાગ લીધો અને એેને બે ભાગમાં વ્હેંચી શકાય. પ્રથમ, ઈ.સ.૧૮પ૭ના સ્વાતંત્ર્ય આંદોલન પહેલાં અને ઈ.સ.૧૮પ૭થી ૧૯૪૭ સુધીની સ્વતંત્રતા સુધીના આંદોલનો ઈ.સ.૧૮પ૭નો સ્વાતંત્ર્ય આંદોલનને અંગ્રેજા ‘બળવો’ કહે છે, પરંતુ ખરેખર તો એ સ્વતંત્રતા માટેની ભારતીયોની પહેલી લડાઈ હતી અને આ આંદોલનના પ્રણેતાઓ મોટાભાગના મુસ્લિમો હતા. શાહ વલીઉલ્લાહ દહેલ્વી અને એમના પુત્ર શાહ અબ્દુલઅઝીઝ દહેલ્વીએ ભારતીયોમાં સ્વતંત્રતા માટેની આહલેક જગાવી હતી. શાહ અબ્દુલ અઝીઝે તો એક ફતવો ભારતીયોના નામે જારી કર્યો હતો જેનો સાર એ હતો કે અંગ્રેજા ભારતને દારૂલ ઇસ્લામ બનાવી શકતા નથી, તેથી મુસલમાનોએ કાં તો અહીંથી હિજરત કરી જવી જાઈએ, અથવા અંગ્રેજા સામે સંઘર્ષપૂર્ણ લડાઈ લડવી જાઈએ.
અંગ્રેજા સામે સૌ પ્રથમ સંઘર્ષપૂર્ણ લડાઈ કરનારાઓમાં મૈસૂરના હૈદરઅલીખાન અને એમના પુત્ર ટીપુ સુલતાનનું યોગદાન મહત્વપૂર્ણ છે.
ઈ.સ.૧૮પ૭ના આંદોલનની આગેવાની બહાદુરશાહ ઝફરે લીધી હતી. રાણી લક્ષ્મીબાઈ, બેગમ હઝરત મહેલ, નાનાજી પેશ્વા જેવા આગેવાનોએ પણ પોતાની ભૂમિકા નિભાવી હતી. આટલા મોટા દેશમાં એક સાથે બળવો કરવાનું નક્કી થયું હતું પરંતુ નિર્ધારિત સમય પહેલાં જ અમુક જગ્યાઓએ બળવો ફાટી નીકળ્યો. બધી શક્તિઓ વિખરાઈ ગઈ અને બળવો નિષ્ફળ નિવડયો. અંગ્રેજ સરકારે બહાદુરશાહ ઝફરને કેદ પકડી રંગૂન મોકલી દીધા, જ્યાં જેલખાનામાં અવસાન થયું હતું. એમના માત્ર એક શેહઝાદાને છોડી બધાને પકડી ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા. ઇતિહાસકાર મેવારામ ગુપ્તાએ ‘મુસલમાન મુજાહિદીન’ પુસ્તકમાં પૃ.ર૦૪ ઉપર નોંધ્યું છેઃ ‘એક અંદાજ મુજબ ઈ.સ.૧૮પ૭માં પાંચ લાખ મુસલમાનોને ફાંસી આપવામાં આવી.’ અને એ પાંચ લાખમાં મોટાભાગના ઇસ્લામી વિદ્વાનો હતા. પાંચ લાખ કોઈ નાની-સૂની સંખ્યા નથી. જે લોકો મુસ્લિમો વિરુદ્ધ કુ-પ્રચાર કરે છે એમણે ઇતિહાસ બરાબર વાંચવો જાઈએ કે આ કેટલી મોટી કુર્બાની છે. બળવો ભલે નિષ્ફળ રહ્યો હોય, પરંતુ સૌથી મહત્વની વાત આ હતી કે દેમાંથી અંગ્રેજાને હાંકી કાઢવા માટે બ્યુગલ વાગી ચૂકયું હતું. સ્વતંત્રતાના ચાહકો ૯૦ વર્ષના સખત સંઘર્ષ પછી ૧૯૪૭માં અંગ્રેજાને ભગાડવામાં સફળ થયા, અને દેશ આઝાદ થયો.
( shaheenweekly માં છપાયેલ મારો લેખ )
( shaheenweekly માં છપાયેલ મારો લેખ )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો