આ બ્લૉગ શોધો

8 માર્ચ, 2021

ફિંગર પ્રિન્ટ ક્ષેત્રે બે ભારતીયોનું યોગદાન

 ફિંગર પ્રિન્ટ અર્થાત આંગળીઓની છાપની મદદથી આરોપીઓને ગુનેગાર સાબિત કરી શકાય છે. આજે ફોરેન્સિક સાયન્સમાં આરોપીઓને ગુનેગાર સાબિત કરવા માટે ફેસ રેકોગ્નીશન , આંખના પટલ અને ડીએનએ પ્રોફાઈલિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પરંતુ ફિંગર પ્રિન્ટ આજે પણ એટલી જ ઉપયોગી પદ્ધતિ છે. એનું કારણ પણ છે. દરેક માણસની આંગળીઓની છાપ ‘અજાેડ’ હોય છે. એટલે કે કોઈ પણ બે માણસોની આંગળીઓની છાપ એક સરખી હોતી નથી. જાેડીયા બાળકોની પણ નહિ. બીજું એ કે જન્મથી લઈ મૃત્યુ સુધી આંગળીઓની છાપ બદલાતી નથી એટલે કે કાયમી હોય છે. કાપો પડવાથી, ઘસાવવાથી કે આગમાં બળી જવાથી પણ તે નાશ પામતી નથી કે બદલાતી નથી. હોલીવૂડ તથા બોલીવુડ ફિલ્મોમાં બતાવે છે એ મુજબ કોઈ બીજાની આંગળીના છાપની રબર પ્રિન્ટ પહેરી ગુનો આચરવામાં આવે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં આ કાર્ય મુશ્કેલ છે અને આ રીતે જાેવામાં આવે તો પણ ઈન્વેસ્ટિગેટિંગ ઓફિસર અને આંગળીઓની છાપોના નિષ્ણાંતો એને પકડી પાડે છે.  આથી કેટલાક ચાલાક ગુનેગારો હાથ મોજાં પહેરીને ગુનો આચરે છે જેથી આંગળીઓની છાપ ઘટના સ્થળે મળે નહિ.

આંગળીઓની છાપ વિશે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિના લોકો પણ માહિતગાર હતાં,એના ઘણાં પુરાવા મળે છે. પ્રાચીન બેબીલોન, પર્શિયા (ઈરાન), રોમ અને ચીનની સંસ્કૃતિમાં ફિંગર પ્રિન્ટનો ઉપયોગ થતો હતો. પ્રાચીન ચીનમાં તો સરકારી અધિકારીઓ મહત્વનાં કાગળોને પણ પોતાની આંગળીની છાપથી પ્રમાણિત કરતા હતા. જેમ અત્યારે અધિકારીઓ મત્તું મારે છે કે સહી કરે છે એમ.

આપણા ભારત દેશમાં પ્રાચીન કાળમાં આંગળીની છાપના આધારે આખું ‘નાડી જ્યોતિષ’ વિકસ્યું હતું. કેરળ અને તમિલનાડુમાંથી શરૂ થયેલી આ વિદ્યા દેશના ઘણા ભાગોમાં ફેલાઈ અને આજે પણ ઘણાં જ્યોતિષીઓ પુરુષોનાં જમણાં હાથના અંગૂઠા અને સ્ત્રીઓના ડાબા હાથના અંગૂઠાની છાપના આધારે ભવિષ્ય ભાખે છે.

પ્રાચીન ચીનમાં માત્ર હાથની જ નહિ પરંતુ પગની છાપને પણ ફોરેન્સિક સાયન્સમાં પુરાવા તરીકે માન્ય ગણવામાં આવતી હતી. ઈ. સ. ૬૫૦ પછી અને ૮૫૧ પહેલા અરબ વેપારી અબુ ઝૈદ હસને નોંધ્યું હતું કે ફિંગર પ્રિન્ટ માણસની આગવી ઓળખ છે. પ્રસિદ્ધ ઈરાની તબીબ રશીદુદ્દીન હમદાની (ઈ. સ. ૧૨૪૭-૧૩૧૮)એ માણસને એની આંગળીઓની છાપની મદદથી ઓળખવાની પદ્ધતિનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે ‘કોઈપણ બે માણસની આંગળીઓની છાપ સરખી હોતી નથી’.ફિંગર પ્રિન્ટમાં ચાસ કે કાપા વિશે ઈ. સ. ૧૬૮૪માં ડો. નેહેમિયા ગ્રુએ ઊંડાણ પૂર્વક વિવરણ કર્યું હતું.

આટલા બેકગ્રાઉન્ડ પછી હવે પાછા ભારતમાં ફરીએ. ૧૯ મી સદીના છેલ્લા દાયકાના પ્રારંભે એડવર્ડ હેનરીની બંગાળ પોલીસના આઇજી તરીકે નિયુક્તિ થઈ. ગુનેગારોને ફિંગર પ્રિન્ટના આધારે પકડી શકાય એમાં મદદ કરવા માટે ઇંગ્લેન્ડમાં ચાર્લ્સ ડાર્વિનના નજીકના સંબંધી ફ્રાન્સિસ ગેલ્ટન સાથે હેનરીએ પત્ર વ્યવહાર કર્યો હતો. ફ્રાન્સિસ ગેલ્ટને ફિંગર પ્રિન્ટ વિશે થોડું સંશોધન કર્યું હતું અને પોતાની રીતે એનું વર્ગીકરણ કર્યું હતું. આની પહેલા ફ્રેન્ચ પોલીસ ઓફિસર આલ્ફોન્સે બર્ટિલોને શોધેલી એન્થ્રોપોમેટ્રી (શરીરના વિવિધ અંગોના માપ) ના આધારે ગુનેગારોનો રેકોર્ડ રાખવામાં આવતો હતો. પરંતુ આ પદ્ધતિ બહુ વિશ્વાસપાત્ર નહોતી. કેમ કે માનવ અંગોના માપ સરખા હોઈ શકે. એના દ્વારા અસલી ગુનેગારોને દોષી કેવી રીતે ઠરાવી શકાય? એ દરમ્યાન જ બંગાળ પ્રાંતના આઈસીએસ અધિકારી વિલિયમ હર્ષલે ફિંગર પ્રિન્ટનું મહત્વ સમજી લીધું હતું. અને જુદા જુદા કરારોમાં આંગળીઓની છાપને માણસની પ્રમાણિતતા માટે ઉપયોગ કરતાં હતાં. ફ્રાન્સિસ ગેલ્ટન સાથે હેનરીનો પત્ર વ્યવહાર બહુ લાંબો ન ચાલ્યો. એટલે એમને કોઈ સ્થાનિક વ્યક્તિની જરૂર હતી જે ફિંગર પ્રિન્ટના પ્રોજેક્ટને આગળ વધારી શકે. એમણે એ સમયની કલકત્તાની પ્રસિદ્ધ પ્રેસિડેન્સી કોલેજના આચાર્યને પત્ર લખી એક સારા આંકડાશાસ્ત્રના વિદ્યાર્થીને આ પ્રોજેક્ટમાં સહાય માટે મોકલવાની વિનંતી કરી. આચાર્ય એ ગણિત અને વિજ્ઞાનમાં હોશિયાર વિદ્યાર્થી અઝીઝુલ હક(૧૮૨૭-૧૯૩૫)ની ભલામણ કરી. આ રીતે એડવર્ડ હેનરીના ફિંગર પ્રિન્ટ પ્રોજેક્ટમાં હકની એન્ટ્રી બંગાળ પોલીસમાં સબ ઇન્સ્પેકટર તરીકે થઈ.

અઝીઝુલ હકને ફ્રાન્સિસ ગેલ્ટનની ફિંગર પ્રિન્ટ વર્ગીકરણની પ્રક્રિયા કડાકૂટ વાળી લાગતી હતી. એટલે આ પદ્ધતિને વધુ સરળ બનાવવા માટે એક ગાણિતિક સૂત્ર પણ શોધી કાઢ્યું. ૩૨ ઊભા અને ૩૨ આડા ખાનાઓ મળી કુલ ૧૦૨૪ ખાનાઓમાં ગુનેગારોની ફિંગર પ્રિન્ટને સરળતાથી વર્ગીકૃત કરી શકાય એવી પદ્ધતિ હકે શોધી કાઢી. ગુનેગારોની ફિંગર પ્રિન્ટ શોધવા માટે અથવા ઉમેરવા માટે ગેલ્ટનની પદ્ધતિ પ્રમાણે એક કલાક લાગતો હતો, જ્યારે હકની પદ્ધતિ મુજબ આ જ કાર્ય માત્ર પાંચ મિનિટમાં થઈ જતું હતું. ૧૮૯૭ સુધીમાં હકે ૭૦૦૦થી વધુ ફિંગર પ્રિન્ટને વર્ગીકૃત કરી નાખી હતી. હકની આ કામગીરીથી પ્રભાવિત થઈને હેનરીએ સરકારને એક સમિતિ ગઠિત કરવાનું કહ્યું. જેથી આ પદ્ધતિનો સત્તાવાર રીતે ઉપયોગ કરી શકાય. કેમકે કલકત્તામાં એક નોકરે એના માલિકની હત્યા કરી નાંખી હતી. ઘટના સ્થળે એની આંગળીની છાપ મળી હતી. સ્પષ્ટ હતું કે એ વ્યક્તિએ જ ખૂન કર્યું હતું. પરંતુ એ વખતે ફિંગર પ્રિન્ટને પુરાવા તરીકે માન્યતા મળી ન હતી. સમિતિએ ફિંગર પ્રિન્ટને સત્તાવાર માન્યતા મળે એવી ભલામણ કરી હતી. એ ભલામણો સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી. આ રીતે વિશ્વનું સૌપ્રથમ ફિંગર પ્રિન્ટ બ્યુરો બંગાળમાં ભારતમાં સ્થપાયું અને આજે વિશ્વના મોટા ભાગનાં દેશો બે ભારતીયોએ શોધેલા વર્ગીકરણનો જ ઉપયોગ કરે છે.

આ કાર્યમાં હેમચંદ્ર બોજે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. બોઝે પણ ગણિત મુખ્ય વિષય સાથે વિજ્ઞાનમાં સનદ મેળવી હતી.૧૮૮૯માં તેઓ બંગાળ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે જાેડાયા હતા. અહી એમણે અઝીઝુલ હક સાથે ફિંગર પ્રિન્ટ માટે ટેલીગ્રાફીક કોડ પદ્ધતિની શોધ કરી હતી.

એડવર્ડ હેનરીએ સરકાર સમક્ષ એવી રીતે રજૂઆત કરી કે જાણે આ આખી વર્ગીકરણની પ્રકિયા એમણે એકલાએ જ શોધી હોય.અંગ્રેજ સરકાર દ્વારા બે ભારતીયોએ શોધેલી વર્ગીકરણની આ પદ્ધતિનો શ્રેય એકમાત્ર અંગ્રેજ અધિકારી એડવર્ડ હેનરીને આપી ‘હેનરી ક્લાસિફિકેશન સીસ્ટમ’ નામ આપવામાં આવ્યું. આટલું જ નહિ એડવર્ડ હેનરીને ઇંગ્લેન્ડની સરકારે ‘સર’નો ખિતાબ પણ આપ્યો હતો.

પોતે શોધેલી વર્ગીકરણ પદ્ધતિનો શ્રેય ન મળતાં કેટલાક વર્ષો પછી અઝીઝુલ હકે ભારત સરકારને પોતાના યોગદાનની વાતો જણાવી આ શ્રેય માટે લડત ચલાવી હતી. પ્રસિદ્ધ અખબાર ‘ધી સ્ટેટસમેન’એ ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૫ના દિવસે એક લેખમાં ‘મોહમેડન’ સબ ઇન્સ્પેકટર અઝીઝૂલ હકના ફિંગર પ્રિન્ટ વર્ગીકરણ ક્ષેત્રે આપેલા યોગદાન વિશે લખવામાં આવ્યું હતું. બીજા અંગ્રેજ અધિકારીઓએ (દા.ત. બિહાર અને ઓરિસ્સામાં મુખ્ય સચિવ, જે. ડી. સિફ્ટન)એ પણ અઝિઝૂલ હકના યોગદાનને બિરદાવ્યું હતું.

આ બધી બાબતોના પરિણામે ઇંગ્લેન્ડમાં રહેલા એડવર્ડ હેનરી એ ૧૯૨૬માં આખરે સ્વીકાર્યું કે અઝીઝૂલ હકનું ફિંગર પ્રિન્ટ વર્ગીકરણમાં ‘કોઈપણ ભારતીય કરતાં સૌથી મોટું યોગદાન હતું’. ૧૯૩૦માં એમણે રાય બહાદુર (હેમચંદ્ર બોઝ) ના યોગદાનને પણ સ્વીકાર્યું.

અંગ્રેજ સરકારે બંને ભારતીયોના યોગદાનની કદર રૂપે ૧૯૧૩માં અઝિઝૂલ હકને ‘ખાન બહાદુર’ અને હેમચંદ્ર બોઝને ૧૯૨૪માં એના જ સમકક્ષ ‘રાય બહાદુર’નો ખિતાબ આપ્યો હતો. બંનેને માનદ વેતન પાંચ હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતાં.

આ પુરસ્કારની રકમ બહુ મોટી નથી અને એનું મહત્વ પણ નથી. મહત્વનું આ છે કે અઝીઝૂલ હકની લડતથી એમને પોતાને અને બોઝને પણ આ પદ્ધતિ માટેનું શ્રેય આપવામાં આવ્યું. શોઢી અને કોરે  પોતે શોધી કાઢેલા પુરાવાઓના આધારે એમના પુસ્તક ‘ઇન્ડિયન સિવિલાઈઝેશન એન્ડ ધ સાયન્સ ઓફ ફિંગર પ્રિન્ટ’માં સૂચન કર્યું છે કે હેનરીની ફિંગર પ્રિન્ટ વર્ગીકરણની આ પદ્ધતિને ‘હેનરી – હક – બોઝ’ નામ આપવું જાેઈએ. ભારત સરકારે પણ આ માટે પ્રયત્નોે કરવા જાેઈએ જેથી બે ભારતીયોને એમની શોધનો સાચો શ્રેય મળે.

(યુવાસાથી સામયિકમાં પ્રકાશિત મારો લેખ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો