પરિચય
ઇતિહાસમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે, જેઓ રાજા કે સેનાપતિ ન હોવા છતાં સમગ્ર સમાજની જીવનશૈલી બદલી નાખે છે. તેમની પાસે ન સૈન્ય હોય છે, ન વિશાળ સામ્રાજ્ય; છતાં તેમની પ્રતિભા અને સર્જનશક્તિનો પ્રભાવ સદીઓ સુધી અનુભવાય છે. આવી જ એક અસાધારણ વ્યક્તિ હતી નવમી સદીના મુસ્લિમ જગતની ઝિરયાબ તરીકે પ્રસિદ્ધ થયેલી અબુલ હસન અલી ઇબ્ન નાફિ.
ઝિરયાબ સંગીતકાર, ગાયક, કવિ અને શિક્ષક હતા. સંગીત ઉપરાંત પોશાક, ભોજન, સ્વચ્છતા અને સામાજિક શિષ્ટાચાર વિશેની તેમની સમજને કારણે તેઓ અંદાલુસની સાંસ્કૃતિક પરંપરામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આજના સ્પેનના કોર્ડોબા શહેરને કલાત્મક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો.
ઝિરયાબના જીવનનું મહત્વ માત્ર તેમની સફળતામાં નથી. એક પછી એક મુશ્કેલી, આશ્રયદાતાની નારાજગી અને અજાણ્યા પ્રદેશમાં ફરી શરૂઆત કરવાના સંઘર્ષ છતાં તેમણે પોતાની કળા અને આત્મવિશ્વાસ છોડ્યાં નહીં. આથી તેમની જીવનકથા ઇતિહાસ જેટલી જ પ્રેરણાદાયક પણ છે.
જન્મ અને વંશ
ઝિરયાબનું મૂળ નામ અબુલ હસન અલી ઇબ્ન નાફિ હતું. ‘ઝિરયાબ’ તેમનું ઉપનામ હતું. ઇબ્ન હય્યાનના વર્ણન પ્રમાણે તેમના શ્યામ વર્ણ, મધુર અવાજ અને મોહક વ્યક્તિત્વને કારણે કાળા, સુંદર ગાનારા પક્ષી સાથે તેમની સરખામણી થતી. પછી મૂળ નામ કરતાં આ ઉપનામ જ વધુ પ્રસિદ્ધ થયું.
તેમનો જન્મ આઠમી સદીના અંત ભાગમાં થયો હોવાનું માનવામાં આવે છે; જોકે ચોક્કસ વર્ષ અને સ્થળ વિશે વિશ્વસનીય માહિતી નથી. તેઓ અબ્બાસી ખલીફા અલ-મહદીના આશ્રિત વર્ગ સાથે સંકળાયેલા હતા, એવું કેટલીક ઐતિહાસિક પરંપરાઓ જણાવે છે. અન્ય વર્ણનો તેમને ઇબ્રાહીમ અલ-મૌસિલીના ઘર સાથે જોડે છે. તેમના વંશીય મૂળ વિશે પણ મતભેદ છે; તેથી તેમને નિશ્ચિતપણે ફારસી, કુર્દ કે આફ્રિકી ગણાવવું યોગ્ય નથી.
પ્રારંભિક શિક્ષણ અને જીવન
ઝિરયાબનું બાળપણ બગદાદના અસાધારણ સાંસ્કૃતિક વાતાવરણમાં વીત્યું. તે સમયે અબ્બાસી રાજધાનીમાં વિજ્ઞાન, સાહિત્ય, અનુવાદ, કવિતા અને સંગીતની સભાઓ યોજાતી. દરબારોમાં ઉત્તમ કલાકારોનું સન્માન થતું. ઝિરયાબે આ વાતાવરણમાં ગાયન, સ્વર, તાલ, કાવ્યના છંદ અને ઊદ નામનું તારવાદ્ય વગાડવાની કળામાં નિપુણતા મેળવી. ઝિરયાબે આ વાતાવરણમાં સંગીતની તાલીમ મેળવી. તેઓ માત્ર મધુર કંઠ ધરાવતા ગાયક નહોતા; કવિતાનો અર્થ, શબ્દોચ્ચાર, સ્વર, તાલ અને સંગીતનાં સાધનોની રચના વિશે પણ ઊંડો રસ ધરાવતા હતા.
ગુરુઓ અને બગદાદ છોડવાની ઘટના
ઝિરયાબના ગુરુઓ વિશે પ્રાચીન ઇતિહાસકારોમાં થોડો મતભેદ છે. ઇબ્ન અબ્દ રબ્બિહે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ અલ-ઇકદ અલ-ફરીદમાં ઇબ્રાહીમ અલ-મૌસિલીને તેમના શિક્ષક ગણાવ્યા છે. જ્યારે ઇબ્ન હય્યાનને આધારે લખાયેલાં પછીનાં વર્ણનોમાં ઇબ્રાહીમના પુત્ર ઇસ્હાક અલ-મૌસિલીનું નામ મળે છે. બંને બગદાદની સંગીતપરંપરાના મહાન આચાર્યો હતા.
એક પ્રસિદ્ધ વર્ણન પ્રમાણે ઇસ્હાકે ઝિરયાબને ખલીફા હારુન અલ-રશીદ સમક્ષ રજૂ કર્યા. ઝિરયાબે પોતાના ખાસ બનાવેલા સંગીતવાદ્ય પર ગીત રજૂ કર્યું. તેમનું ગાયન સાંભળીને ખલીફા અત્યંત પ્રભાવિત થયા.
કહેવાય છે કે શિષ્યની અસાધારણ પ્રતિભાથી ગુરુના મનમાં ઈર્ષ્યા જન્મી. ઇસ્હાકે તેમને બગદાદ છોડવા દબાણ કર્યું. જોકે આધુનિક ઐતિહાસિક સંશોધન પ્રમાણે આ ઘટનાની વિગતો સંપૂર્ણ વિશ્વસનીય નથી. પહેલાંના ઇતિહાસકાર ઇબ્ન અલ-કુતિય્યાનું વર્ણન સૂચવે છે કે ખલીફા અલ-અમીનના ઈ.સ. ૮૧૩માં થયેલા મૃત્યુ પછીની રાજકીય પરિસ્થિતિ પણ ઝિરયાબના પ્રસ્થાનનું કારણ હોઈ શકે છે.
બગદાદ છોડ્યા પછી તેમણે પશ્ચિમ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ઉત્તર આફ્રિકાના કૈરવાનમાં અગલબી શાસક ઝિયાદતુલ્લાહના આશ્રયમાં રહ્યા. પરંતુ ત્યાં બનેલી એક ઘટના તેમના જીવનમાં નવો વળાંક લાવી. પ્રાચીન ઇતિહાસકાર ઇબ્ન અબ્દ રબ્બિહના વર્ણન પ્રમાણે ઝિરયાબે અરબી કવિ અંતરાની કવિતા ગાઈ. શાસકે ગીતના શબ્દો પોતાનું અપમાન કરતા હોવાનું માન્યું અને તેમને ત્રણ દિવસમાં પ્રદેશ છોડી દેવાનો આદેશ આપ્યો. પ્રસંગના બધા સંજોગો નક્કર રીતે જાણી શકાતા નથી, પરંતુ તે બતાવે છે કે દરબારી કલાકારનું જીવન સત્તાધીશની પ્રસન્નતા પર કેટલું નિર્ભર રહેતું.
ઝિરયાબે અંદાલુસના અમીર અલ-હકમ પ્રથમનો આશ્રય મેળવવાની આશા રાખી. તેઓ સ્પેનના કિનારે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે અમીરનું અવસાન થઈ ચૂક્યું છે. પાછા ફરવાનું વિચારી રહ્યા હતા ત્યાં નવા અમીર અબ્દુર્રહમાન બીજાએ આમંત્રણ યથાવત્ રાખ્યું. ઈ.સ. ૮૨૨માં ઝિરયાબ કોર્ડોબા પહોંચ્યા. એક ભટકતા કલાકાર માટે આ નવું જીવન હતું.
અમીર અબ્દુર્રહમાન બીજાએ તેમને માત્ર દરબારમાં ગાવાની તક જ આપી નહોતી, પરંતુ નિયમિત આવક અને નિવાસની વ્યવસ્થા પણ કરી. ઇબ્ન હય્યાનની પરંપરા અનુસાર તેમનું માસિક વેતન બસો સોનાના દીનાર નક્કી થયું હતું; પરિવાર માટે ભથ્થાં અને અન્ય સવલતોનો પણ ઉલ્લેખ છે. મહત્ત્વનું એ છે કે કોર્ડોબામાં મળેલી આ સ્થિરતાએ તેમને માત્ર પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા નહીં, નવી પેઢીને ઘડવાનું કાર્ય કરવા પણ અવકાશ આપ્યો. એક સમયે અજાણી ભૂમિ પર ઊભેલા કલાકાર હવે ત્યાંની સાંસ્કૃતિક સભાઓનું કેન્દ્ર બન્યા.
શિષ્યો અને સંગીતશિક્ષણ
કોર્ડોબામાં અમીર અબ્દુર્રહમાન બીજાના આશ્રયથી ઝિરયાબે વ્યવસ્થિત સંગીતશિક્ષણ વિકસાવ્યું. તેઓ વિદ્યાર્થીનો અવાજ, ઉચ્ચાર અને શ્વાસની શક્તિ ચકાસતા. પહેલાં ગીતના શબ્દો અને તાલ, પછી સરળ ધૂન અને અંતે સ્વરની સૂક્ષ્મતાઓ શીખવતા. સંગીતને માત્ર જન્મજાત પ્રતિભા નહીં, નિયમિત તાલીમથી વિકસતી કળા માનવાની આ પદ્ધતિ તેમનું મહત્ત્વનું પ્રદાન હતું.
તેમના આઠ પુત્રો અને બે પુત્રીઓ સંગીત સાથે સંકળાયેલાં હતાં. પુત્ર ઉબૈદુલ્લાહ નવી સ્વરરચનાઓ કરવામાં કુશળ હતા. ઇબ્ન હય્યાનના વર્ણન પ્રમાણે તેઓ પિતાની રચનામાં પોતાની રીતે ફેરફાર કરતા; ઝિરયાબને શરૂઆતમાં વાંધો હોવા છતાં સારી રજૂઆત જોઈ તેઓ પુત્રના કૌશલ્યને સ્વીકારતા. આ નાનકડો પ્રસંગ સાચા શિક્ષકની એક વિશેષતા બતાવે છે: શિષ્યની નવીનતાને પણ સ્થાન આપવું.
પુત્રીઓ હમદૂના અને ઉલૈયા પણ જાણીતી ગાયિકાઓ બની. દરબારની અનેક મહિલા ગાયિકાઓએ તેમના ગીતો આગામી પેઢી સુધી પહોંચાડ્યાં.
ઝિરયાબ પાસેથી તાલીમ મેળવનારી મુતા અને મસાબીહ જેવી ગાયિકાઓનો ઉલ્લેખ ઇબ્ન હય્યાનના વર્ણનમાં મળે છે. અન્ય પરંપરાઓમાં ગિઝલાન અને હુનૈદા જેવી ગાયિકાઓના નામ પણ નોંધાય છે. ગાયનના અનેક રાગ અને ધૂન મૌખિક રીતે જ આગળ પહોંચતા હોવાથી શિષ્યોની યાદશક્તિ, અભ્યાસ અને ચોક્કસ રજૂઆત અત્યંત જરૂરી હતાં. આ રીતે શિક્ષણ તેમના માટે વ્યક્તિગત સફળતાથી આગળ, પોતાની કળાનો વારસો સાચવવાનું સાધન હતું.
રચનાઓ અને મહત્ત્વનાં કાર્યો
ઝિરયાબનું સૌથી મોટું કાર્ય સંગીતમાં હતું. બગદાદની તાલીમને તેમણે અંદાલુસની સ્થાનિક પરંપરા સાથે જોડી. ‘ઊદ’ નામના તારવાદ્યમાં પાંચમો તાર ઉમેરવાનું અને તાર છેડવા માટે લાકડાની જગ્યાએ મોટા પક્ષીના પીંછામાંથી બનાવેલી મિઝરાબ વાપરવાનું શ્રેય તેમને આપવામાં આવે છે. આ ફેરફારોનો ઉલ્લેખ મધ્યકાલીન વર્ણનોમાં મળે છે, જોકે તેના દરેક તકનીકી પાસાને આધુનિક દસ્તાવેજી પુરાવાથી નિશ્ચિત કરવું શક્ય નથી.
ઊદના ચાર તારોને માનવશરીરના ચાર સ્વભાવ સાથે જોડવાની પ્રાચીન સંગીતવિચારધારા પ્રચલિત હતી. વર્ણનો પ્રમાણે ઝિરયાબે ઉમેરેલા પાંચમા તારને આત્મા અથવા જીવનશક્તિના પ્રતીક તરીકે સમજાવ્યો. આ આજના વિજ્ઞાનનું વર્ણન નથી, પરંતુ તે યુગમાં સંગીતને માત્ર અવાજ નહીં, માનવજીવનની આંતરિક લાગણીઓ સાથે જોડીને જોવાની એક વિચારપદ્ધતિ દર્શાવે છે.
તેમણે ગાયનને ક્રમબદ્ધ બનાવ્યું: શરૂઆતમાં ધીમી અને સરળ રચના, પછી સ્વરવિસ્તાર અને અંતે વધુ લયબદ્ધ ગાયન. તેમનામાં અદ્ભુત સ્મરણશક્તિ હતી. પરંપરાગત ગ્રંથોમાં દસ હજાર ગીતો કંઠસ્થ હોવાનું કહેવાય છે; આ સંખ્યાને ચોક્કસ ગણતરી કરતાં તેમની ખ્યાતિનો સંકેત માનવો યોગ્ય છે. તેમની કેટલીક કાવ્યપંક્તિઓ પછીના સ્રોતોમાં સચવાઈ છે. જોકે ઝિરયાબે પોતે લખેલો કોઈ પ્રમાણિત સંપૂર્ણ સંગીતગ્રંથ ઉપલબ્ધ નથી.
ગાયન સિવાય અરબી સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ અને ખગોળવિદ્યા વિશે પણ ઝિરયાબને સમજ હતી, એવી જૂની નોંધો મળે છે. દરબારી કલાકારની ભૂમિકા ક્યારેક માત્ર મનોરંજન પૂરતી રહેતી નહોતી; શાસક સાથે ઇતિહાસ, કવિતા અને જીવનસંસ્કારની ચર્ચામાં પણ તે ભાગ લેતો. આ વ્યાપક રસને કારણે ઝિરયાબની ઓળખ ગાયકની મર્યાદા વટાવી સાંસ્કૃતિક માર્ગદર્શક તરીકે ઊભરી.
રહેણીકરણીમાં ક્રાંતિ
ઝિરયાબનું યોગદાન માત્ર સંગીત પૂરતું નહોતું.તેઓ પોતાના યુગના ‘ફેશન આઇકોન’અને સામાજિક સુધારક પણ હતા.ઇબ્ન હય્યાન અને અલ-મક્કરીના વર્ણન પ્રમાણે તેણે કોર્ડોબાના રોજિંદા જીવનને પણ નવી સુઘડતા આપી.
• ભોજનનો ક્રમ: બધી વાનગીઓ એક સાથે પીરસવાને બદલે ક્રમમાં પીરસવાની રીત શરૂ કરી. પહેલાં સૂપ, પછી માંસ અને પક્ષીની વાનગીઓ, અને અંતે મીઠાઈ. આજનું "થ્રી-કોર્સ મીલ" આ જ પરંપરાનું સ્વરૂપ ગણાય છે.
• નવી વાનગીઓ: શતાવરી (એસ્પેરેગસ) જેવી શાકભાજીને લોકપ્રિય બનાવી. કેટલીક વાનગીઓ તો તેના નામથી ઓળખાવા લાગી.
• દસ્તરખાનની સંસ્કૃતિ: ભારે ધાતુનાં પાત્રોને બદલે સુંદર કાચના પ્યાલા અને સહેલાઈથી સાફ થાય તેવું ચામડાનું દસ્તરખાન વાપરવાની પ્રથા શરૂ કરી.
• ઋતુ પ્રમાણે વસ્ત્રો: ઉનાળામાં હળવાં સફેદ, વસંતમાં રંગીન રેશમી અને શિયાળામાં ગરમ ઘેરા રંગનાં વસ્ત્રો પહેરવાની ફેશન શરૂ કરી.
• સ્વચ્છતા અને દેખાવ: વાળ કપાળ પર લટકતા રાખવાને બદલે ગોઠવેલી શૈલી, શરીરની દુર્ગંધ દૂર કરવાના ઉપાયો અને દાંત સાફ કરવાની સુગંધી સામગ્રી લોકપ્રિય બનાવી.
ઇસ્લામી સભ્યતામાં પ્રદાન
ઝિરયાબ ધાર્મિક કાયદાના વિદ્વાન કે ધર્મશાસ્ત્રના લેખક તરીકે જાણીતા નહોતા. તેમનું પ્રદાન ઇસ્લામી જગતના સાંસ્કૃતિક જીવનમાં હતું. તેમણે બગદાદની સંગીતવિદ્યા અને સૌંદર્યબોધને અંદલુસ સુધી પહોંચાડ્યો. આ યુગનો ઇતિહાસ બતાવે છે કે મુસ્લિમ સમાજમાં જ્ઞાન, સ્થાપત્ય, કાવ્ય અને કલાની પ્રવૃત્તિઓ પણ વિકસતી હતી; સંગીત વિશે ધાર્મિક વિદ્વાનોના મતભેદ હોવા છતાં વિવિધ દરબારોમાં તેને આશ્રય મળતો હતો.
તે સમયમાં બગદાદમાં અબ્બાસીઓ અને કોર્ડોબામાં ઉમય્યાઓનાં અલગ રાજકીય કેન્દ્રો હતાં. છતાં કલાકારો, પુસ્તકો, વાદ્યો અને વિચારોની મુસાફરી બંધ થઈ નહોતી. ઝિરયાબ આ સીમાપાર સાંસ્કૃતિક સંવાદનું સચોટ ઉદાહરણ છે. રાજકીય સ્પર્ધા વચ્ચે પણ જ્ઞાન અને કલાનું આદાનપ્રદાન થતું રહે, તો આખી સભ્યતા સમૃદ્ધ બને છે.
તેમના જીવનમાં એક મોટો સંદેશ છુપાયેલો છે: જ્ઞાન માત્ર પ્રાપ્ત કરવું પૂરતું નથી, તેને શીખવવું અને બીજા સમાજ સાથે વહેંચવું પણ આવશ્યક છે. ઝિરયાબે પોતાના શિષ્યો અને સંતાનો દ્વારા આ કાર્ય કર્યું.
વિશ્વસંસ્કૃતિમાં પ્રદાન
અંદાલુસમાં ઝિરયાબ પહેલાં પણ સંગીત હતું. પરંતુ તેમના આગમનથી પૂર્વીય અને સ્થાનિક સંગીતપરંપરાઓ વચ્ચે આદાનપ્રદાનને નવી ગતિ મળી. ઇબ્ન ખલદૂને ‘મુકદ્દિમા’માં અંદાલુસી સંગીતના વિકાસમાં તેમની ભૂમિકા યાદ કરી છે. બાદમાં આ પ્રદેશની વિવિધ સંગીતપરંપરાઓ ઉત્તર આફ્રિકામાં વિકસતી રહી; આજે મોરોક્કો, અલ્જીરિયા અને ટ્યુનિશિયામાં તેમનો સાંસ્કૃતિક વારસો યાદ કરવામાં આવે છે.
યુરોપીય સંગીતના ઇતિહાસમાં પણ અંદાલુસનો મહત્ત્વનો ભાગ છે. જોકે આધુનિક ગિટારના કે અંદાલુસી ‘નૌબા’ની તમામ રચનાઓના સીધા શોધક કહેવું ઐતિહાસિક રીતે યોગ્ય નથી. સાચું મહત્ત્વ વધુ ઊંડું છે: અલગ પ્રદેશોના કલાકારોને જોડતા સાંસ્કૃતિક પ્રવાહમાં ઝિરયાબ એક પ્રભાવશાળી કડી બન્યા. તેમણે સાબિત કર્યું કે સંસ્કૃતિ કોઈ એક સમાજની બંધ મિલકત નહીં, પણ મળવા અને શીખવાથી સમૃદ્ધ થતો જીવંત વારસો છે.
અવસાન
ઝિરયાબનું અવસાન કોર્ડોબામાં થયું. ચોક્કસ વર્ષ અંગે ઐતિહાસિક મતભેદ છે. તુર્કીની વિદ્વત્તાપૂર્ણ ‘ટીડીએવી ઇસ્લામ અન્સિક્લોપેડિસી’ ઈ.સ. ૮૫૨ (૨૩૮ હિજરી) જણાવે છે, જ્યારે કેટલાક સંશોધનોમાં ઈ.સ. ૮૫૭ (૨૪૨ હિજરી) મળે છે. તેમની મૃત્યુતારીખ કરતાં વધુ સ્પષ્ટ તેમનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રભાવ છે, જે જીવનકાળ પછી પણ ટકી રહ્યો.
ઉપસંહાર
બગદાદની પ્રસિદ્ધિ, કૈરવાનનો આઘાત અને કોર્ડોબામાં મળેલું સન્માન—ઝિરયાબની યાત્રા સીધી સફળતાની વાર્તા નહોતી. તેમાં અનિશ્ચિતતા હતી, અપમાન હતું અને નવી શરૂઆત કરવાની હિંમત હતી. તેમણે વિરોધનો જવાબ માત્ર ફરિયાદથી નહીં, સતત સર્જન અને શિક્ષણથી આપ્યો.
તેમનું જીવન એ પણ સમજાવે છે કે સભ્યતાનો વિકાસ માત્ર સૈન્યવિજયોથી કે ભવ્ય ઇમારતોથી થતો નથી. જ્ઞાન, સાહિત્ય, સંગીત, શિક્ષણ અને સંસ્કારપૂર્ણ જીવન પણ સભ્યતાને સમૃદ્ધ બનાવે છે.
ઝિરયાબે કોઈ સામ્રાજ્ય જીત્યું નહોતું, પરંતુ તેમણે લોકોનાં હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.રાજાઓનાં સામ્રાજ્યો સમયની સાથે વિલીન થઈ જાય છે, પરંતુ સર્જનશીલ માણસે પ્રગટાવેલો સંસ્કૃતિનો દીપક સદીઓ સુધી પ્રકાશ આપતો રહે છે.
(ગુજરાત ટુડે , તા. 18-10-2026, Sunday)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો