ટીકા ટીપ્પણી વિના સ્વસ્થ લોકશાહીની કલ્પના કરી શકાય નહિ, એટલે જ આલોચનાને લોકશાહીનો આત્મા કહેવામાં આવ્યો છે. આલોચના ન જ માત્ર સરકારને નિરંકુશ થતા અટકાવે છે, પરંતુ એને જવાબદાર, સંવેદનશીલ અને પારદર્શક પણ બનાવે છે. એટલા માટે આલોચનાનું રચનાત્મક હોવું અને સરકારનું જનતા પ્રત્યે જવાબદાર હોવું ખૂબ જ આવશ્યક છે. દુર્ભાગ્યવશ ભારત જેવા વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં પાછલા કેટલાક વરસોમાં ટીકા અને વિરોધના અધિકારોને સીમિત જ નહિ સંપૂર્ણપણે સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ બાબત દેશના જાગૃત નાગરિકો અને બુદ્ધિજીવી વર્ગ બહુ સારી રીતે સમજી રહ્યું છે કે મહત્વના મુદ્દાઓ પર સરકારની ટીકા કરનારા ટીકાકારો, લેખકો, પત્રકારો, સમાજ સેવકો, શિક્ષકો, લોકાધિકાર માનવ અધિકાર કાર્યકર્તાઓ, એક્ટીવિસ્ટો અને સંસ્થાઓને દમનનો સામનો કરવો પડી રહ્યો છે.
દેશની આંતરિક દશા કેટલી ચિંતાજનક છે-એને બ્રિટનમાં રહેતા સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પણ સારી રીતે અનુભવી રહ્યા છે. એક ઇન્ટરવ્યુંમાં એમણે આ સત્ય સ્વીકાર્યું કે લોકોનો અવાજ દબાવવા માટે ભારતમાં મરજી મુજબની રીતો અપનાવવામાં આવી રહી છે.હાવર્ડ યુનીવર્સીટીમાં પ્રોફેસર સેને કહ્યું કે જે વ્યક્તિ સરકારની કડક ટીકા કરે છે અથવા સરકારને જે પસંદ નથી આવી રહ્યું,એને આતંકવાદી ઘોષિત કરવામાં આવે છે અને જેલમાં નાખવામાં આવે છે.ભારતમાં અસહમતિ અને ચર્ચાની શક્યતા ઓછી થતી જઈ રહી છે.લોકો પર દેશદ્રોહનો મનમાન્યા આરોપો લગાવી કેસ ચલાવ્યા વિના જ જેલમાં નાખવામાં આવી રહ્યાં છે.
વિચારણીય બાબત આ છે કે પાછલા કેટલાક વરસોમાં સરકાર દ્વારા લાવવામાં આવેલ સીએએ, એનઆરસી, એનપીઆર, કૃષિ સુધારા જેવા વિવાદિત કાયદાઓ અને નોટબંધી, જીએસટી તથા કોરોનાના કારણે લોકડાઉન જેવા નિર્ણયો વિરુધ જનાંદોલન,વિરોધ,ટીકા અને મતભેદોનું વર્તુળ વધ્યું છે. બીજી બાજુ જનતાનો અવાજ સાંભળવાની જગ્યાએ,આ આંદોલનોને દબાવવા ,કચડી નાખવા,બદનામ કરવા અને એમની વિરુધ અરાજક તત્વોને ખુલ્લી છૂટ આપવા માટે ઘણા સ્તરો પર સરકારની કડક આલોચના પણ થઇ છે.વિરોધના સૂરને દાબી દેવા માટે સરકાર તરફથી કરવામાં આવતા અયોગ્ય બળપ્રયોગને માનવ અધિકારોના ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહ્યા છે.દેશની અંદર અને બહાર વૈશ્વિક સ્તરે અને બુદ્ધિજીવીઓ,માનવ અધિકારવાદી સંગઠનો તરફથી વર્તમાન દશા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આની ગુંજ સંસદમાં પણ ત્યારે સંભળાઈ જયારે અમરોહાના બસપા સાંસદ કુંવર દાનીશઅલીએ આ મામલાને ઉઠાવતા કહ્યું હતું કે સીએએ, એનઆરસી અને એનપીઆર વિરુધ શાંતિપૂર્ણ આંદોલન કરનારા જેએનયુ અને જામીયાના આંદોલનકારીઓ વિરુધ યુએપીએ જેવા ગંભીર કાયદાનો ઉપયોગ દુર્ભાગ્યપૂર્ણ છે.સંસદનું કાર્ય કાનૂન બનાવવું છે, જો સામાન્ય જનતા એનાથી સંતુષ્ટ નથી તો આંદોલન કરવું એનો અધિકાર છે.એમણે કૃષિ સુધારા કાયદાઓના વિરોધમાં થનારા પ્રદર્શનનો સંદર્ભ આપતા કહ્યું કે કિસાનો માર્ગો પર છે અને તેઓ આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.આંદોલનકારી કિસાનોને પણ દેશદ્રોહી કહેવામાં આવી રહ્યાં છે.
એમણે આરોપ લગાવ્યો કે આંદોલનકારી વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. પ્રો.અપૂર્વાનંદ જેવી વ્યક્તિને પણ દિલ્હી પોલીસનું સ્પેશ્યલ સેલ પોલીસ સ્ટેશને બોલાવી પૂછપરછ કરે છે.પોલીસ જાણીજોઈને ચાર્જશીટ ફાઈલ કરવામાં વિલંબ કરે છે,જેથી આંદોલનકારીઓને વધુમાં વધુ દિવસો સુધી વિના ટ્રાયલે જેલમાં ગોંધી રાખી શકાય ,કેમકે પોલીસને ખબર છે કે પોતાની પાસે એમની વિરુધ કોઈ પુરાવા નથી.ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા સીએએ કાનૂન વિરુધ સંવિધાનિક અધિકાર હેઠળ શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર ગેન્ગસ્ટર એક્ટ,ગુંડા એક્ટ, રાસુકા અને તડીપાર જેવા કડક કાયદાઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સરકારે આલોચકો અને વિરોધીઓની સંપત્તિ જપ્ત કરી,એમના પોસ્ટર લગાવડાવ્યા.લોકઅધિકારો માટે કામ કરતી સંસ્થા ‘રિહાઈ મંચ’, એના અધ્યક્ષ એડવોકેટ શોએબ દારાપુરી સહીત ઘણા બુદ્ધિજીવીઓનો અવાજ કચડી નાખવા માટે કઠોર કાર્યવાહી કરવામાં આવી.કેટલાક લોકોને નજરકેદ કરવામાં આવ્યા તો કેટલાકને જેલમાં મોકલવામાં આવ્યા.
જેએનયુ હોસ્ટેલમાં પોલીસની હાજરીમાં વિદ્યાર્થીઓને અવાજ ઉઠાવવાની સજા આપવામાં આવી.કેટલાક અસામાજિક તત્વોએ ઘૂસીને વિદ્યાર્થીઓને માર્યા અને તોડફોડ ની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ .એવી જ રીતે દિલ્હીમાં સીએએ વિરોધી આંદોલનોને નિશાન બનાવી હિંસા આચરવામાં આવી.સીએએ વિરોધી આંદોલન દરમ્યાન શાહીનબાગને બદનામ કરવા માટે સત્તાધારી પાર્ટીના નેતાઓએ ખુલ્લેઆમ ‘ગોલી મારો’ના નારા લગાવ્યા, અને પછી કપિલ ગુર્જર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો.કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવા હિંસા ભડકાવનારા નેતાઓ અને હિંસા આચરનારા ઉપદ્રવીઓના કાર્યોની વિડીઓ ઉપલબ્ધ છે.જામિયા મિલિયા ઇસ્લામિયા યુનીવર્સીટીના કેમ્પસ અને પુસ્તકાલયમાં તંત્રની અનુમતિ વિના પ્રવેશી પોલીસે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને માર્યા,કેટલાકના હાથપગ ભાંગી ગયા.આના પણ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે.
આખું વર્ષ વીતી ગયું,ઘણા પીડિતોને ઝૂઠા આરોપો હેઠળ જેલમાં નાખવામાં આવ્યા,પરંતુ કોઈ પણ દોષી વિરુધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી.આ વાત સર્વવિદિત છે કે આ બધા મામલાઓ ,હિંસા અને ગોલી મારોના નારા વિરોધના અધિકારો અને વિરોધના સૂર દબાવી દેવા માટે કરવામાં આવ્યા હતા.આ બધા વિરોધ કરવાવાળાઓને દેશદ્રોહી ,પાકિસ્તાની,નક્સલી,અને ચીનપ્રેમીઓ કહેવામાં આવ્યા.જોકે લોકશાહી સરકાર અને લોક્પ્રતિનીધીઓનો વ્યવહાર જનતાથી સંવાદ સાધી એમની સમસ્યાઓને સાંભળવી અને નિરાકરણ કરવાનું હોવું જોઈએ, ના કે જીદ કરવી અને અનાવશ્યક બળ પ્રયોગ કરવું-જેવું પાછલી સરકારો કરતી આવી છે.
આ ઉપરાંત આંદોલનકારીઓ,સમાજસેવકો, છાત્ર નેતાઓ અને બુદ્ધિજીવીઓ ને જેલમાં નાખી એમના પર ટોર્ચર કરવામાં આવે છે. ઉમર ખાલીદે એક કોર્ટની હાજરી દરમ્યાન જણાવ્યું કે કેટલાક દિવસથી એના દાંતમાં દર્દ છે,પરંતુ એનો ઈલાજ કરવામાં નથી આવી રહ્યો.સાથે જ એણે એમ પણ કહ્યું કે ચાર્જશીટની કોપી મીડિયામાં લીક કરવામાં આવી રહી છે,પણ એને એની નકલ આપવામાં નથી આવી રહી, તેથી પોતાના પર લાગેલા પોલીસના આક્ષેપોને એ જાણી શક્યો નથી.દિલ્હી પોલીસે ડીસેમ્બરના અંતમાં ઉમર ખાલીદ વિરુધ ૧૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં એના પર દેશ વિરોધી ભાષણ આપવા,રમખાણો ભડકાવવા અને એનું ષડ્યંત્ર રચવા જેવા કેટલાય ગંભીર આરોપોમાં કલમો લગાવવામાં આવી હતી.પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું કે ૮ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે શાહીન બાગમાં ઉમર ખાલીદ,ખાલીદ સૈફી અને તાહિર હુસેને મળીને દિલ્હી રમખાણોની યોજના બનાવવા માટે મીટીંગ કરી હતી.આ દરમ્યાન ઉમર ખાલીદે મધ્ય પ્રદેશ,રાજસ્થાન,બિહાર,મહારાષ્ટ્રમાં ભાગ લીધો હતો અને ભડકાઉ ભાષણો આપ્યા અને લોકોને ઉશ્કેર્યા હતા.
સફૂરા ઝરગરને દિલ્હી રમખાણોમાં આરોપી બનાવી ૭૪ દિવસો સુધી તિહાર જેલમાં રાખવામાં આવી.એ પણ ત્યારે જયારે એ ગર્ભવતી હતી.દેશ વિદેશમાંથી એના માટે સરકાર પર ઘણો દબાવ આવ્યો.અહી સુધી કે સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ આને માનવ અધિકારનો ઉલ્લંઘન બતાવતા કહ્યું કે એક ગર્ભવતી સ્ત્રીને તમે જેલમાં કેવી રીતે ગોંધી રાખી શકો? ત્યારબાદ એને જામીન પર છોડવામાં આવી.છુટ્યા પછી એનું કહેવું હતું કે પોલીસે એને પાયાની સુવિધાઓ આપવાનો પણ ઇનકાર કર્યો હતો.એનો જરૂરી સામાન પણ જેલમાં લઇ જવા દેવાની પરવાનગી ન હતી.ચાલીસ દિવસો સુધી એને ઘરે ફોન કરવા દેવામાં નહોતું આવ્યું.ન જ એને કોઈનાથી મળવા દેવામાં આવતી હતી.તેથી કેટલાક સામાન માટે એને બીજા કેદીઓ પર નિર્ભર રહેવું પડતું.આ દરમ્યાન એના સાથી કેદીઓએ એને ચપ્પલ,આંતર વસ્ત્રો અને કામળો આપ્યો.કોર્ટમાં યાચિકા નાખવામાં આવી ત્યારે એને પાંચ જોડી કપડા લેવાની મંજુરી આપવામાં આવી!
વિરોધનો અવાજ કચડી નાખવા માટે કલબુર્ગી,પનસરે અને ગૌરી લંકેશ ની હત્યા કરી દેવામાં આવી.૨૦૧૮માં ભીમા કોરેગાંવમાં હિંસક ઝડપો થઇ હતી –એને આધાર બનાવી ૧૬ સમાજ સેવકો,કવિઓ અને વકીલોની ધરપકડ કરવામાં આવી.એમના ઉપર પણ દેશદ્રોહ સંબંધી આરોપો લગાવવામાં આવ્યા.આનંદ તેલતુંમ્બ્ડે,માનવાધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખા,કવિ વરવર રાવ,સ્ટેન સ્વામી.સુધા ભારદ્વાજ,અરુણ ફરેરા ,વર્નોન ગોન્જાલ્વીસ જેવી દેશની મોટી હસ્તીઓને જેલમાં નાખવામાં આવી.
એમના સંબંધીઓનું પણ કહેવું છે કે એમની સાથે જેલમાં અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં બેંગ્લોરની એક ૨૨ વર્ષીય પર્યાવરણ એક્ટીવીસ્ટ દિશા રવિની દિલ્હી પોલીસે ધરપકડ કરી.એનાં પર આરોપ છે કે કિસાન આન્દોલનમાં એક ટૂલ કીટમાં ઓનલાઈન ફેરફાર કર્યો હતો.એ જ ટૂલ કીટની કોપીને વિશ્વની પ્રસિદ્ધ પર્યાવરણ એક્ટીવીસ્ટ ગ્રેટા થન્બર્ગે શેર કરી હતી.દિશા રવિ પર દેશદ્રોહનો આરોપ લગાવવમાં આવ્યો છે.આ લખાય છે ત્યારે દિશાને એક લાખના જામીન પર મુક્તિ મળી ગઈ છે,પરંતુ એના વકીલનું કહેવું છે કે એક લાખ રૂપિયાનું બોન્ડ આપી શકે એમ નથી.
આ બધી ઘટનાઓ આ દર્શાવવા માટે પુરતી છે કે દેશની લોકશાહી બીમાર છે અને સંવિધાનિક સંસ્થાઓ પંગુ બની ચુકી છે.લોકશાહી અધિકારોને માચડે ચઢાવી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.વિરોધના સૂર દબાવવા માટે સામ,દામ,દંડ,ભેદની બધી યુક્તિઓ કામે લગાડવામાં આવી રહી છે.બુદ્ધિજીવીઓ અને કાર્યકર્તાઓ જેલમાં છે અને વાસ્તવમાં રમખાણો ભડકાવનારા ગુંડાઓ આઝાદીથી મહાલે છે.શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સામાજિક કાર્યકર્તાઓને દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવી યોગ્ય નથી.લોકશાહીમાં બધી જ જાતના વિચારોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.
(યુવાસાથી સામયિકમાં પ્રકાશિત મારો લેખ )