આ બ્લૉગ શોધો

30 નવેમ્બર, 2017

શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાત માટે ખતરો છે ?

   વિશ્વમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનું ચલણ વધતું જાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) એટલે કૃત્રિમ રીતે વિકસાવેલી બૌદ્ધિક ક્ષમતા ! આનો પ્રારંભ ૧૯પ૦ના દશકામાં થયો હતો. આનો મુખ્ય હેતુ કોમ્પ્યુટર્સ અને મશીન માણસની જેમ બૌદ્ધિક રીતે વર્તે એવી ટેકનોલોજી વિકસાવવાનો હતો. સામાન્ય  ગણિતિક ગણતરીઓ કરી શકે એવા કમ્પ્યુટરથી શરૃ થયેલી આ યાત્રા ગેમ્સઓટોમેટિક વાહનોડ્રોન્સ,ડ્રાઈવર વિનાની સેલ્ફ ડ્રાઈવિગ કારતબીબી નિદાનસર્ચ એન્જીન્સ (દા.ત. ગુગલ)ઓનલાઈન આસિસ્ટન્સફોટોમાં ઇમેજની ઓળખસ્પામ ફીલ્ટરીંગ અને  ઓનલાઈન જાહેરાતોને ટાર્ગેટ કરવા સુધી પહોંચી ગઈ છે. તબીબી ક્ષેત્રે કેન્સરને ઓળખી એની ટ્રીટમેન્ટ કરવા સુધી એઆઈનો વિકાસ થયો છે. ૧૯૯૭માં ચેસના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંથી એક એવા ગેર કાસ્પારોવને ડીપબ્લ્યુ નામના કોમ્પ્યુટરે ચેસમાં હરાવી દીધો હતો. ૧૧મી નવેમ્બરે ચીનમાં ઓનલાઈન વેચાણનો વિશ્વવિક્રમ સ્થાપિત કરનાર અલીબાબાના માલિક જેક માએ એઆઈને ત્રીજી ક્રાંતિ તરીકે ઓળખાવી છે.
ઔદ્યોગિક ઉત્પાદનમાં એઆઈનું પ્રમાણ વધી  રહ્યું છે. એના કેટલાક કારણો પણ છે. યાંત્રિક રોબો થાકયા વિના ચોવીસ કલાક કામ કરે છે. બીમાર પડતો નથી એને પગાર આપવાની જરૃર નથી હોતી. એ કોઈ માગણી કરતો નથી. માલિક સાથે મતભેદ ન થવાને લીધે કે માગણીઓ પૂરી કરવા માટે તે હડતાળ ઉપર ઉતરતો નથી એને કોઈ બોનસ આપવાની પણ જરૃર હોતી નથી અને સૌથી મહત્ત્વની વાત તો આ છે કે ૧૦૦ ટકા ચોકસાઈ સાથે કામ કરે છે. ભૂલો કરતો નથી. રોબોની ભરોસાપાત્રતા માણસ કરતા વધારે છે. માલનું ઉત્પાદન અને ગુણવત્તા વધે છે. કાર્ય સુગમતાથી અને કંટાળ્યા વિના કર્યે જાય છે. આ કારણોને લીધે વધારેને વધારે કંપનીઓ સ્વચાલન કે ઓટોમેશન તરફ પ્રેરાઈ રહી છે. જાપાનતાઈવાનચીન અને કોરિયામાં સારી કવોલિટીના રોબો મળે છે. એકલા ચીનમાં જ રોબો બનાવનારી ૩૦૦૦ કંપનીઓ છે. જેમાં વર્ષે ૧૦ લાખથી વધુ રોબોનું ઉત્પાદન કરવામાં આવે છે.
એઆઈ સંચાલિત યંત્રો/રોબોની ઘણીબધી ઉપયોગીતા છતાં કેટલાક વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓ એનો વિરોધ કરી રહ્યા છે. અલીબાબાના માલિક જેક-માએ કહ્યું હતું કે આવનારા ૩૦ વર્ષોમાં યંત્રોની બુદ્ધિમત્તા માનવોની બુદ્ધિમત્તાને પછાડી દેશે જેનાથી વિશ્વભરમાં માણસો માટે નોકરીઓની અછત ઉભી થશે. એમણે કહ્યું હતું કેઓટોમેશન કે સ્વચાલનના પ્રભાવના કારણે શકય છે કે લોકોને દિવસભરમાં ચાર કલાક કે સપ્તાહમાં ચાર  દિવસ  જ કામ કરવું પડે. જેકમા તો અહીં સુધી માને છે કે એઆઈ ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ પણ બની શકે છે. કેમ કે જ્યારે પણ તકનીકી ક્રાંતિ થઈ છે ત્યારે વિશ્વયુદ્ધ થયા છે. એમના અનુસાર એઆઈ ત્રીજી ક્રાંતિ છે.
મહાન ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હોકિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના પ્રખર વિરોધી છે. એ માટે એમની પાસે પૂરતા કારણો છે. એમને ડર છે કે 'એઆઈના પૂર્ણ વિકાસથી માનવજાતના અંતનો આરંભ થઈ શકે છે. એકવાર માણસે એઆઈનો વિકાસ કર્યો તો (એઆઈ) પોતાની મેળે રિ-ડિઝાઈન કરી લેશે અને ઝડપથી આગળને આગળ વધતી જશે. માણસો જૈવિક ઉત્ક્રાંતિમાં ધીમા હોવાથી આ (એઆઈ)ની ઉત્ક્રાંતિની સ્પર્ધા કરી નહીં શકે અને માનવજાતનું સ્થાન બૌદ્ધિકતા ધરાવતા યંત્રો લઈ લેશે.આ જ વાતને આગળ વધારતા હોકિંગે એક બીજી  જગ્યાએ કહ્યું હતું કે 'ફેકટરીઓમાં ઓટોમેશનને લીધે લોકો બેરોજગાર થઈ રહ્યા છે. એઆઈના કારણે બેરોજગારી ઘણી વધી શકે છેજેનો સૌથી મોટો પ્રભાવ મધ્યમવર્ગ ઉપર પડશે.'એમણે આ બાબતને 'વિનાશકબતાવી છે. એમના મતાનુસાર માત્ર ભાવનાત્મકરચનાત્મક અને સુપરવિઝનવાળી નોકરીઓ જ માણસોના ભાગે આવશે. બાકી બધા કામ એઆઈ દ્વારા કરવામાં આવશે. પોર્ટુગલની એક વેબ કોન્ફરન્સમાં હાલમાં જ સ્ટીફન હોકીંગે માનવજીવનમાં ટેકનોલોજીની વધતી દખલગીરી સામે ચિંતા વ્યકત કરતાં કહ્યું હતું કે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સને લઈને વધારે ઉત્સુક છીએ, પરંતુ આગામી પેઢી તેને માનવીય સભ્યતાના ઇતિહાસની સૌથી ખરાબ ઘટના તરીકે યાદ કરશે. તેનાથી બચવાની એક જ રીત છે કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સાથે સાથે તેને માનવતા માટે ઊભા થનારા સંભવિત ખતરા વિશે પણ જાણીએ.એઆઈમાં આખી પૃથ્વીને નષ્ટ કરવાની શક્તિ છે તો સાથે જ મોટા રોગોની સારવાર કરવાની ક્ષમતા છે. એઆઈ ભવિષ્યમાં માનવીને જ રિ-પ્લેસ કરી શકે છે અર્થાત્ માનવજાતને નષ્ટ કરી પોતે એનું સ્થાન લઈ લેશે.
કંઈક આવી જ વિચારસરણી ટેસ્લા અને સ્પેસએકસ કંપનીના માલિક એલન મસ્ક ધરાવે છે. એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું કે રોબો માનવો પાસેથી કામ ઝૂંટવી લેશે અને સરકારો ઘેરબેઠા રોજગારી ભથ્થા આપશે. એક કાર્યક્રમમાં મસ્કે કહ્યું હતું કે તે એઆઈથી ઉદભવનારા ખતરાથી દુનિયાને જ્ઞાત કરતા રહેશે. જો લોકો નહીં સમજે તો સ્થિતિ ત્યાં સુધી બગડી જશે કે રોબો ગલીઓ અને માર્ગો ઉપર ખૂનામરકી શરૃ કરી દેશે. આ વિધાનના વિરુદ્ધમાં ફેસબુકના માર્ક ઝુકરબર્ગે તરત બયાન આપ્યું હતું કે એલન મસ્ક દુનિયાને ખોટા ડરાવી રહ્યા છે એલન મસ્કને તો એમણે ઘોર નિરાશાવાદી ગણાવી દીધા.
જો કે હોકીંગએલન મસ્ક અને બીજા લોકોનો એઆઈ વિરુદ્ધનો ભય અસ્થાને નથી. એની પ્રતીતિ ત્યારે થઈ જ્યારે સાઉદી અરેબિયાએ સોફિયા નામક રોબોને સાઉદીની નાગરિકતા આપી. એ કાર્યક્રમમાં સોફિયાને બનાવનાર હેન્સન રોબોટીકસના ડેવિડ હેન્સને એને પૂછયું કે તારો ધ્યેય શું છે તો સોફિયાએ જવાબ આપ્યો કે 'માનવજાતનો વિનાશ કરવો મારૃં ધ્યેય છે.'
નીક બોસ્ટ્રોમે એમના પુસ્તક 'સુપર ઇન્ટેલીજન્સમાં એઆઈને માનવજાત માટે ખતરારૃપ બતાવી છે. દલીલ કરતા તેઓ કહે છે કે પૂરતી બુદ્ધિમત્તા (એઆઈ) ધરાવતા રોબો કોઈ લક્ષ્ય પ્રાપ્તિ ખાતર કાર્ય પસંદગી માટે 'કન્વર્જન્ટવર્તન કરે છે અને મૂળ સ્ત્રોતોને કાબૂમાં કરી પોતાની સિસ્ટમને બંધ કરવાથી સુરક્ષિત કરી લે એ ખતરનાક બાબત છે. એ પછી માણસનો એમના ઉપર કોઈ કાબૂ રહેતો નથી. કંઈક આવી જ ઘટના બની ત્યારે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગને એક પ્રયોગ અધવચ્ચે જ અટકાવી દેવાની ફરજ પડી હતી. વાત એમ હતી કે ફેસબુકના શોધકર્તાઓ એ જોવા ઇચ્છતા હતા કે રોબો એકબીજા સાથે કેટલી સરસ રીતે સંવાદ કરી શકે છે. પરંતુ પ્રયોગ શરૃ થયાના થોડા સમય પછી આ રોબોએ સામાન્ય અંગ્રેજી ભાષા છોડી પોતાની કોઈ અલગ જ ભાષા વિકસાવી લીધી અને એમાં જ વાત કરવા લાગ્યા. આ ભાષા માત્ર તેઓ જ સમજી શકતા હતામાણસો નહી. તેથી સંશોધકોએ તરત જ આ પ્રયોગ અટકાવી દીધો.
કેટલાક લોકો ઓટોમેશનનો વિરોધ કરે છે એમાં મુખ્ય ડર માણસોની બેરોજગારીનો છે. વિશેષજ્ઞોના મતાનુસાર એવો અંદાજ છે કે ર૦ર૧ સુધી વિશ્વમાં દર ૧૦ માણસોમાંથી ૪ માણસોની નોકરી ચાલી જશે. એન્જિનિયરીંગઇન્ફ્રાસ્ટ્રકચરવાહન ઉધ્યોગ અને બેન્કિંગ ક્ષેત્રોમાં સ્વચાલનનું ચલણ વધી રહ્યું છે. જેમ જેમ સ્વચાલન વધશે તેમ તેમ શ્રમ આધારિત ક્ષેત્રો પ્રભાવિત થશે. પીપલ સ્ટ્રોંગના કાર્યકારી અધીકારી અને સ્થાપક પંકજ બંસલનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે ૪૦ ટકા અને ભારતમાં અંદાજે ર૩ ટકા બેરોજગારી વધી જશે. સ્વચાલનને લીધે જ્યાં ૧પ૦૦ લોકો કામ કરતા હતાત્યાં આજે પ૦૦ લોકોથી જ એટલું કામ થઈ જાય છે. આ સમસ્યાનું સમાધાન સૂચવતા તેઓ કહે છે કે સરકારે બે પ્રમુખ ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની આવશ્યકતા છે. પ્રથમ વચલા બજારને મજબૂત કરવું તથા કાર્યબળ (મેન પાવર)ના કૌશલ્યને નિખારવા ઉપર ધ્યાન આપવું જોઈએ. જેથી સ્વચાલનને કારણે સર્જિત થતા નવા રોજગારને પ્રાપ્ત કરી શકાય.
માર્ટીન ફોર્ડે 'લાઈટસ ઈન ધ ટનલઓટોમેશનએકસલરેટીંગ ટેકનોલોજી એન્ડ ધ ઇકોનોમી ઓફ ધ ફયુચર'માં દલીલ કરી છે કે એઆઈની એપ્લીકેશનમાં સ્પેશ્યાલાઈઝેશનરોબો અને સ્વચાલનના બીજા રૃપ,અંતે તો મહત્ત્વની બેરોજગારીમાં પરિણમશે. કેમ કે યંત્રો મજૂરોની કાર્યક્ષમતા કરતા વધારે ક્ષમતાથી કાર્ય કરશે.
આ શંકાની પૂર્તી કરતા હોય એમ નાસકોમના વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં આગલા ત્રણ વર્ષોમાં ર૦થી રપ ટકા નોકરીઓમાં ઘટાડો થવાની શંકા છે. વર્લ્ડ બેંકનું અનુમાન છે કે ભારતમાં સ્વચાલનને કારણે ૭૯ ટકા નોકરીઓ ઉપર જોખમ તોળાઈ શકે છે. ચીનમાં ૭૭ ટકા નોકરી જોખમમાં આવી શકે છે. ભારત જેવા વિકસતા દેશ માટે આ બાબત ખતરનાક સાબિત થઈ શકે છે. આપણો દેશ વિકાસના ડગ ભરવા સાથે નવી નોકરીઓના સર્જનમાં સંઘર્ષ કરી રહયો છે. સંયુકત રાષ્ટ્રના અહેવાલ મુજબ ભારતની વસ્તીમાં ૧૯૯૧થી ર૦૦૩ દરમિયાન ૩૦ કરોડનો વધારો થયો હતો. પરંતુ નોકરીઓ માત્ર ૧૪ કરોડ જ વધી હતી ! અમેરિકાની એમએફએસ રિસર્ચના અંદાજ મુજબ ભારતમાં આઈટી ઉદ્યોગમાં ૬.૪૦ લાખ નોકરીઓ ખતમ થઈ જશે.
ભારતમાં આઈટી ઉપરાંત કારફાર્માઅન્ન અને પીણા, ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષા ઉદ્યોગમાં નોકરીઓ ઉપર ભય તોળાઈ રહ્યો છે. ર૦૧૬ના વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ વિશ્વભરમાં મજૂર બળને ખોખલા કરવાની અર્થાત્ એમની સંખ્યા ઓછી કરવાનો ટ્રેન્ડ વધતો જાય છે. ટેકનોલોજી અને સ્વચાલનના કારણે મધ્યમ કૌશલ્યવાળી નોકરીઓ દા.ત. કારકૂનો અને મશીનચાલકોના કાર્યો ઘટયા છે. પરંતુ હાઈ સ્કીલ (ઉચ્ચ કૌશલ્ય) અને નિમ્ન કૌશલ્યવાળા કાર્યોમાં વધારો થયો છે. ભારત જેવા દેશો માટે આ મોટી સમસ્યા છે. આ ટ્રેન્ડ માત્ર ટેકનોલોજીના કારણે જ નહીં પરંતુ વૈશ્વિકરણ અને શહેરીજકરણને લીધે પણ થયું છે. 

નિષ્કર્ષ એજ છે કે જે ઉદ્યોગો માં ખુબ જ જરૂરી હોય ત્યાજ સ્વચાલન અપનાવવું જોઈએ.ટેકનોલોજી સારી બાબત છે પરંતુ એનો વિવેકપૂર્વક નો ઉપયોગ આવશ્યક છે.નહીતર આ જ ટેકનોલોજી માનવજાત સામે મોટો ખતરો બની શકે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો