આ બ્લૉગ શોધો

12 એપ્રિલ, 2014

માણસના ચારિત્ર્ય ઘડતરમાં ઇસ્લામની ભૂમિકા

               માણસના ચારિત્ર્ય ઘડતરમાં એના ઘરનું વાતાવરણ, સંસ્કારો, એ ક્યા પુસ્તકો વાંચે છે એ અને કેવા લોકોની સંગતમાં બેસે છે એ મહત્વનું હોય છે. ઇસ્લામ આ બધી બાબતો ઉપરાંત કેટલાક એવા આદેશો આપે છે જો એના ઉપર આચરણ કરવામાં આવે તો એક મુસલમાન જ નહિ પરંતુ બીજા ધર્મની કોઇપણ વ્યક્તિ પણ એક શ્રેષ્ઠ ચારિત્ર્યની માલિક બની શકે છે. ઇસ્લામના આ આદેશોમાં ચારિત્ર્ય ઘડતર ઉપરાંત સફળતા માટેના ગુણો પણ છુપાયેલા છે. એ કઇ બાબતો છે, એની ચર્ચા કરવી આવશ્યક છે.

ઈમાન

‘ઇમાન’ અથવા એક અલ્લાહમાં શ્રદ્ધા અને એને જ માત્ર એક ઇશ્વર માનવું, એના સિવાય કોઇને ઇશ્વર ન માનવું ન જ કોઇ બીજાને એની બંદગીમાં ભાગીદાર બનાવવું, એના માટેની શરત છે ઇસ્લામી કલમો પઢવો અને સાચા હૃદયથી અલ્લાહ, તેના પયગંબરો, તેમના ઉપર અવતરિત થયેલા પુસ્તકો, ફરિશ્તાઓ, કયામતના દિવસ અને તકદીર (ભાગ્ય)માં માનવું. ઇસ્લામનો અર્થ જ એ છે કે અલ્લાહની ઇચ્છાને શરણે થવું. માણસ જ્યારે માત્ર ને માત્ર એક જ અલ્લાહની ઇબાદત કરે છે. એની જ સામે સજદો કરે છે ત્યાર પછી એને બીજા ઝૂઠા ખુદાઓ કે બુતો સામે સજદો કરવાની આવશ્યક્તા નથી રહેતી. માનસિક રીતે પણ આ વાત લાભકારક છે કે માત્ર એક ઇશ્વરથી ડર્યા પછી બીજા કોઇથી ડરવાની જરૃર નથી રહેતી અને મન એની (ઇશ્વરની) યાદથી શાંતિ અનુભવે છે. આ વાત મનમાં દૃઢ થઇ જાય કે બધી જ જરૃરિયાતો અલ્લાહ પુરી કરે છે ત્યારે બધી જ આધિ, વ્યાધિ અને ઉપાધિઓ ઓછી થઇ જાય છે. મનની શાંતિ એ ચારિત્ર્યનો સૌથી મોટો ગુણ છે. આજે લોકો ભૌતિકતા, સુખ સગવડો અને દુનિયાદારીમાં મનની શાંતિ શોધે છે. જ્યાં એનું અસ્તિત્વ જ નથી ત્યાં લોકો એને શોધી રહ્યા છે. મૃગજળ પાછળ બધાએ દોટ મુકી છે, દરિયાને છોડીને. કુઆર્ન શરીફમાં કહેવામાં આવ્યું છે કે અલ્લાહની યાદમાં મનની શાંતિ છે. જે માણસ આ વાત સમજી લે એનું ચારિત્ર્ય ઉચ્ચ કક્ષાનું હોવાનું, એની વર્તણુંક પણ ગૌરવશાળી હોવાની.

નમાઝ

નમાઝ એવી બંદગી છે જેનાથી શારીરિક અને માનસિક પવિત્રતા પ્રાપ્ત થાય છે. નમાઝ પઢતા પહેલાં વુઝૂ કરીને શરીર પવિત્ર બનાવવું જરૃરી છે. એટલે શરીરની ગંદકી દૂર થાય છે. કહેવાય છે નમાઝ એવી રીતે પઢવી જોઇએ જાણે આપણે અલ્લાહને જોઇ રહ્યા છીએ. આ શક્ય ન હોય તો એવી રીતે પઢવી જોઇએ કે અલ્લાહ આપણને જોઇ રહ્યો છે. માણસના મન મસ્તિષ્ક ઉપર આ વાત છવાઇ જાય કે દરેક જગ્યાએ દરેક સમયે અલ્લાહ મને જોઇ રહ્યો છે, ત્યારે એ ઘણા પાપ કરવાથી બચી જાય છે. આનાથી માણસ ઘણા દુષ્કર્મો, કુટેવો અને અનૈતિક કાર્યો કરવાથી બચી જાય છે. નિષ્કલંક ચારિત્ર્ય બને એનાથી રૃડું બીજું શું હોઇ શકે ? નમાઝ શીખવાડે છે કે એક સર્વશક્તિમાન સમક્ષ માથું ટેકવો તો પછી બીજા કોઇની સામે ઝૂકવાની જરૃર નહીં પડે. જે જેટલું એની સમક્ષ ઝૂકે છે એ અલ્લાહ એને એટલા દરજ્જા ઊંચા કરે છે. ડૉ. મુહમ્મદ ઇકબાલે સરસ કહ્યું હતું,
વો ઇક સજ્દા જિસે તૂં ગિરાં (મુશ્કેલ) સમઝતા હૈ,
હજારો સજદો સે વો દેતા હૈ આદમી કો નિજાત (મુક્તિ)

રોઝો

ઉપવાસના ઘણા બધા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદા છે. વિજ્ઞાને પણ આનું મહત્વ સ્વીકાર્યું છે. ઉપવાસ માણસના ચારિત્ર્ય ઘડતરમાં ઘણી રીતે મહત્વની ભૂમિકા અદા કરે છે. ઉપવાસ એટલે માત્ર ભૂખ્યા તરસ્યા રહેવું, એવું નથી. ઉપવાસનો ખરો અર્થ છે – પોતાની જાતને રોકવી, સંયમી બનવું. બુરાઇ અનિષ્ટો અને પાપોથી પોતાની જાતને રોકવી. રોઝામાં ખોટું બોલવા, જોવા અને સાંભળવા ઉપરાંત કોઇનું ખોટું વિચારવાની પણ મનાઇ છે. રોઝાનો મુખ્ય આશય મનને સંયમી બનાવી આત્માને મજબૂતી બક્ષવાનો છે. જીવનમાં ઘણા પ્રસંગોએ ભૂખ્યા, તરસ્યા રહેવાના પ્રસંગો આવે છે, આવા સમયે માણસ ઘાંઘો ન થઇ જાય એનું રિહર્સલ ઉપવાસમાં છે. ઉપવાસમાં માણસ પોતાની પત્ની સાથે પણ સહશયન કરી શકતો નથી. એટલું સંયમ વરતવાનો આદેશ આપવામાં આવ્યો છે. આજે જ્યારે માણસ બેફામ બની વાસનાઓના ઘોડાપુરમાં વહી રહ્યો છે. સ્ત્રીઓ સાથે બળાત્કારના પ્રયત્નો કરવાની તકો શોધતો રહે છે, આખા સમાજમાં જાણે એક વિકૃતિ પ્રસરી ગઇ છે ત્યારે ઇસ્લામના આ ઉપવાસથી ચારિત્ર્યની શુદ્ધિ અને સંયમની ક્ષમતા વધારવાની અનોખી તક છે.

ઝકાત

ઝકાત એટલે મુસલમાન માલદાર ઉપર એક વર્ષની કુલ આવકના ૨.૫ ટકાના દરે ગરીબોને આપવાનું દાન. આનો મુખ્ય આશય માલદારો પોતાના દીનબંધુઓને પણ ખુશીઓમાં સામેલ કરે અને સમાજમાં ગરીબી અમીરીનો તફાવત ઓછો થાય એ છે. આ તો સામાજિક લાભ છે પરંતુ વિજ્ઞાનીઓએ કરેલા સંશોધનમાં એવું જણાયું છે કે જે લોકો બીજાના ભલા માટે કોઇ કાર્યો કરે છે અથવા એમને કંઇ પણ દાન આપે છે. તેઓ સુખનો અનુભવ કરે છે, સંતોષનો ઓડકાર લે છે. ઇસ્લામ એક પ્રાકૃતિક ધર્મ છે જે માણસના સ્વભાવ અને પ્રકૃતિને અનુરૃપ આદેશ આપે છે. દાન કરવાના બે લાભ આપણે જોયાં, ત્રીજો અને સૌથી મહત્વનો લાભ આ છે કે માણસના મનમાંથી માલની મહોબત ઓછી થાય છે. આ દુનિયા, ધન દોલત બધુ નાશવંત છે અને ધનદોલત જેવી ચંચળ વસ્તુ તો બીજી એકેય નથી. એ આજે હોય તો કાલે ન પણ હોય અને આજે ન હોય તો કાલે આવી પણ જાય ! આવી અનિશ્ચિત વસ્તુ પાછળ આજે દુનિયાના મોટા ભાગના લોકો દોડી રહ્યા છે. બધા એને પોતાની તિજોરીમાં કેદ કરવા માગે છે અને એના માટેની અનૈતિક રીતો પણ અપનાવે છે અને ભ્રષ્ટ થાય છે. ભ્રષ્ટાચાર કરી પાપી તો બને જ છે પરંતુ પોતાના અંતઃકરણનો પણ ગુનેગાર બને છે. અનીતિથી કમાવેલી સંપત્તિથી મનમાં ઉચાટ જન્મે છે. એનું અંતઃકરણ સતત એને ડસતું રહે છે. એની સામે ઇસ્લામે કહ્યું કે જે કાંઇ તમારી પાસે છે એ બીજાને આપો. કારણ કે તમારી પાસે જે કાંઇ છે એ તમારૃં નથી, એ ઇશ્વર તરફથી તમને આપવામાં આવ્યું છે તમારી પરીક્ષા કરવા માટે કે તમે એનો કેવો અને ક્યાં ઉપયોગ કરો છો. મહેનત મજૂરી કરી વૈદ્ય રીતે હલાલ કમાણી કરો, નીતિથી કમાવો અને નીતિથી વાપરો. ઉડાઉ ન બનો અને કંજૂશ પણ ન બનો. મધ્યમ માર્ગ અપનાવો ઇસ્લામ મુસલમાનને દાન આપવાનો આદેશ આપી એનું ચારિત્ર્ય એ રીતે મજબૂત કરવા ઇચ્છે છે કે જે નાશવંત અને અનિશ્ચિત છે એને અનૈતિક રીતે કમાવી સંગ્રહ કરશો તોય દુખી થશો અને એને નૈતિક રીતે કમાવી નૈતિક રીતે ખર્ચ કરશો તો સુખી થશો. એનો પુણ્ય તો મળવાનો જ છે પરંતુ આ જગતમાં પણ આપણા દીનબંધુની મદદનો સંતોષ તમને ખુશ કરતો રહેશે.

હજ્જ

દરેક માલદાર મુસલમાન ઉપર જીવનમાં એકવાર હજ કરવી ફરજિયાત છે. ગરીબો માટે ફરજિયાત નથી. હજ્જ મુસલમાનની ચારિત્ર્યની મજબૂતીમાં ભૂમિકા નિભાવે છે. મુસાફરીની તકલીફો વેઠવી, સફેદ કાપડ કે જેને એહરામ કહેવામાં આવે છે એ પહેરવું કે જેનાથી કફનની અને મૃત્યુંની યાદ આવતી રહે, કોઇ દુષ્કર્મ ન કરવું, કોઇને કોઇપણ જાતની તકલીફ ન પહોંચાડવી, માથાના વાળ મુંડાવી દેવા વિદેશમાંથી આવેલા જુદા જુદા રાષ્ટ્રોના લોકો, નાત-જાત, રંગભેદ … કશાની પણ પરવા કર્યા વિના સમાનતા અને એક્તાનો એમની સાથે વ્યવહાર કરવો, ત્યાગ અને બલિદાનની ભાવના કેળવવી. આ છે એ બાબતો જે મુસલમાનના ચારિત્ર્યને નિર્મળ, પવિત્ર અને મજબૂત બનાવે છે.
ઉપર વર્ણવેલા પાંચ (અરકાન) સ્તંભો એ ઇસ્લામના પાયાની બાબતો છે. આ ઉપરાંત પણ બીજી કેટલીક એવી બાબતો છે જેનાથી ચારિત્ર્ય મજબૂત બને છે.
ઇસ્લામે માણસોને બુરાઇઓ અનિષ્ટોથી બચવાનો આદેશ કર્યો છે અને સદ્કાર્યો કરવાની આજ્ઞા આપી છે. આનાથી માણસમાં બીજા માટે પ્રેમ, ત્યાગ, બલિદાન અને દયા જેવા ગુણો જન્મે છે. ઇસ્લામ મુસલમાનોને ‘ઇખ્લાસ’ એટલે કે શુદ્ધતાની આજ્ઞા આપે છે. શુદ્ધતા માત્ર તનની જ નહિ, મનની પણ. બીજાનું સારૃં કરવું, સારૃં વિચારવું, ખોટું કરવાથી પોતાની જાતને રોકવી. આજે કેટલાક લોકો પોતાની નામના અને વાહવાહ થાય એ માટે સમાજમાં લોકસેવા, દાન વિગેરે કરે છે પરંતુ એમાં ‘ઇખ્લાસ’ નથી હોતો. આવા કાર્યોથી એને કદાચ નામના તો મળતી હશે પણ એને સંતોષ અને પુણ્ય મળતા નથી.
મુસલમાનનું હૃદય એ વાતનો વિશ્વાસ ધરાવે છે કે પ્રસિદ્ધિ અને નામનાની ખેવના વિના જે સદ્કાર્યો કરવામાં આવશે એનું પુણ્ય અલ્લાહ પાસેથી જરૃર મળવાનું જ છે.

સિદ્ક

સિદ્ક એટલે સત્યતા, પ્રમાણિકતા, ઇસ્લામે સૂચવેલા મહાનતમ ગુણોમાંથી આ એક છે. મુસલમાન ‘સાદિક’ (સાચો) અને પ્રમાણિક જ હોવો જોઇએ. પ્રમાણિક્તાથી કમાવવું અને ખાવવું પ્રમાણિક્તાથી બોલવું અને વિચારવું. દરેક કાર્યમાં પ્રમાણિક્તા દાખવવી એવો આદેશ ઇસ્લામ આપે છે. આજે જ્યારે બધા જ લોકો ‘શોર્ટકટ’થી ધન, દોલત બંગલો કાર અને બધા જ ભૌતિક સુખો ખરીદવા માટે અપ્રમાણિક્તાનો આશરો લઇ રહ્યા છે ત્યારે ઇસ્લામ મુસલમાનોને આવા ‘શોર્ટકટ’ અને લપસણ માર્ગથી બચવાનો આદેશ કરે છે. સત્ય અને પ્રમાણિક્તાનો માર્ગ બહુ વિકટ છે પરંતુ એની મંજિલ બહુ સુંદર છે. પયગંબર સાહેબ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એ જ્યારે ઇસ્લામના પ્રચાર-પ્રસારની શરૃઆત નહોતી કરી એ પહેલાંથી આરબો એમને ‘સાદિક’ (સત્ય બોલનાર, સાચા) અને ‘અમીન’ (અમાનતદાર, ભરોસાપાત્ર) જેવા ઉપનામથી બોલાવતા હતા. જેના ચારિત્ર્યમાં પ્રમાણિક્તા છલોછલ ભરેલી હોય એને કોઇ પ્રલોભનો પણ ફોસલાવી શકતા નથી કે એમને ડગમગાવી શકતા નથી. કડવી વાસ્તવિક્તા તો આ છે કે આજે પ્રમાણિક લોકો બહુ ઓછા છે. અપ્રમાણિકતાએ બધાને પોતાના ભરડામાં લઇ લીધા છે. પરિણામે આખો સમાજ ભ્રષ્ટાચાર અને પાપોમાં ખદબદે છે. જ્યાં સુધી પ્રમાણિક્તા આવશે નહીં, ત્યાં સુધી ભ્રષ્ટાચાર નાબૂદ થશે નહિ. કોઇ વૈજ્ઞાનિક ‘પ્રમાણીક્તાનો વાઇરસ’ હવામાં છોડશે નહિ કે જેથી બધા માણસો પ્રમાણિક બની જાય ! એના માટે દરેકને પોતપોતાની જવાબદારી સમજી પ્રમાણિક્તાનો વિકટ માર્ગ પકડવો જ રહ્યો !

તવક્કુલ

તવક્કુલ એટલે ભરોસો રાખવો, આધાર રાખવો, મુસલમાનોને માત્ર અલ્લાહ પર ‘તવક્કુલ’ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અલ્લાહ જ એમના માટે પુરતો છે. બધી જ જરૃરીયાતો પૂર્ણ કરનાર માત્ર અલ્લાહ છે, એવો દૃઢ વિશ્વાસ એટલે ‘તવક્કુલ’ અલ્લાહ પર આધાર રાખનાર ક્યારેય નિરાશ થતો નથી. બીજાની સામે હાથ ફેલાવવાનો વારો આવતો નથી. માણસમાં આ વિશ્વાસ દૃઢ થઇ જાય છે કે જે કાંઇ કરશે એ અલ્લાહ જ કરશે, અને જે કંઇ આપશે એ અલ્લાહ જ આપશે. તવક્કુલનો અર્થ એ છે કે જ્યારે પરિસ્થિતિઓ કાબૂ બહાર થઇ જાય ત્યારે પણ વિશ્વાસ ડગમગે નહિ. અને બધું જ સારૃં થશે, પરિસ્થિતિઓ સુધરશે એવો અલ્લાહ ઉપર ભરોસો, તવક્કુલ માત્ર સદ્ગુણ જ નથી પરંતુ સફળતા મેળવવા માટેનું એક માધ્યમ પણ છે.

નમ્રતા

નમ્રતા બહુ મોટો સદ્ગુણ છે. નમ્રતાથી જે જીતી શકાય છે એ અહંકાર અને યુદ્ધોથી પણ જીતી શકાતું નથી. નમ્રતા અને વિવેક ન હોય તો માણસની શક્તિ પણ બીજા માટે વિનાશનું સાધન બની શકે છે. ઇસ્લામે ઘણી જગ્યાએ નમ્રતા દાખવવાનો આદેશ આપ્યો છે. પયગંબર સાહેબ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે પોતાના કાર્યો અને આચરણ દ્વારા આના ઘણા ઉદાહરણો આપ્યા છે. કોઇ રાજા જ્યારે બીજા દેશ કે કોમ ઉપર વિજય મેળવે તો અહંકારી થઇ જાય, જીતનો જશ્ન મનાવે, રંગરેલીઓ મનાવે પરંતુ પયગંબર સાહેબે જ્યારે મક્કા ઉપર જીત મેળવી તો આપ ઊંટ ઉપર ઝૂકીને નમ્રતાથી બેઠા હતા તથા બધા દુશ્મનો અને કુરૈશીઓને માફ કરતા જતા હતા. આવી નમ્રતાનો ઇતિહાસમાં બીજે ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી. આવી નમ્રતાને લીધે ઘણા કાફિર કુરૈશીઓએ ઇસ્લામ સ્વીકારી લીધું હતું.

ભય અને આશા

ભય અને આશાને ઇસ્લામે સદ્ગુણ બતાવ્યા છે આશા તો સમજાય છે પણ ભય કેવી રીતે સદ્ગુણ કહેવાય ? ઇસ્લામમાં અલ્લાહનો ભય રાખી મૃત્યુ પછીના જીવન માટે તૈયારી કરવી સદ્ગુણ દર્શાવવામાં આવ્યો છે. અલ્લાહની નારાજગીનો ભય રાખવો, પ્રલયના દિવસે હિસાબ કિતાબનો અને સજાનો ભય રાખવો જરૃરી છે. દરેક પાપનો હિસાબ આપવાનો છે અને એ ભય જ મુસલમાનને સદ્કર્મ કરવા પ્રેરે છે.
આશાવાદી બનવું એ દરેક સમાજમાં, ધર્મમાં કહેવામાં આવ્યું હશે પરંતુ ઇસ્લામે કહ્યું નિરાશા એ અલ્લાહનો ઇન્કાર છે. અર્થાત્ આશા રાખવી એ ઇમાનનો સૌથી મોટો સદ્ગુણ છે. નિરાશા ખંખેરી નાંખી, દરેક બાબતને હકારાત્મક રીતે જોવી ‘પોઝીટીવ થિંકીંગ’નો આવો શ્રેષ્ઠ ઉદાહરણ બીજા ક્યા ધર્મમાં જોવા મળે છે ? સત્કર્મો દ્વારા અલ્લાહની કૃપાઓ પ્રાપ્ત થશે જ એ આશાવાદ સાથે કાર્યો કરવા અને સફળતા મેળવવાનું ઇસ્લામ શીખવે છે.
માણસને કોઇનો પણ ભય જ ન હોય તો એ બેફામ બની જાય. માણસ આશાવાદી, શ્રદ્ધાવાન હોય અને એને જવાબદારીનો ભય અને મુક્તિની આશા હોય તો જ ક્રિયાશીલ અને સંતુલિત રહે. આજે બધા જ ‘મોટીવેશનલ ગુરૃઓ’ પોઝીટીવ થિંકીંગ કરવાનો અને આશાવાદી બનવાનો ઉપદેશ આપે છે. પરંતુ ઇસ્લામે આજથી ૧૪૩૫ વર્ષ પહેલાં જ પોઝીટીવ થિંકીંગના પાઠ ભણાવી દીધા હતા. !

ધીરજ અને લગન

જીવન ગુલાબોથી ભરેલ માર્ગ નથી, ત્યાં તો છે મુસીબતોરૃપી કંટકો. ઇસ્લામ માણસને ધીરજ અને લગનથી આ માર્ગ ઉપર ચાલવાનો આહવાન કરે છે. એટલું જ નહીં કુઆર્નમાં અલ્લાહ તઆલા કહે છે, ‘ધૈર્યવાન લોકોની સાથે અલ્લાહ છે.” અર્થાત્ જે કાંઇ મુસીબતો જીવનમાં આવે છે એને ધીરજપૂર્વક હલ કરવામાં આવે તો અલ્લાહના માર્ગમાં સફળતા જરૃર મળે છે. મોટા મોટા ફિલસુફોએ સફળતા મેળવવા માટે ધીરજ અને ખંતપૂર્વક-લગનપૂર્વક કાર્ય કરતા રહેવાની શિખામણો આપી છે. ધીરજમાં જેને અલ્લાહનો સાથ મળે એ ક્યારે પણ નિષ્ફળ કેવી રીતે થઇ શકે ? ઇસ્લામ ધીરજ અને લગનના આ સદ્ગુણથી ચારિત્ર્યને મજબૂત કરે છે.

મૃત્યુની યાદ

મૃત્યુની યાદ સદ્ગુણ ગણાય ? હા, ઇસ્લામી પરિપ્રેક્ષ્યમાં આ એક સદ્ગુણ છે. માણસ મૃત્યુને હંમેશા દૃષ્ટ્રિ સમક્ષ રાખે તો દુનિયા અને ભૌતિક સુખસગવડો એના માટે ગૌણ બની જાય છે. એ પાપ કરવાથી અટકી જાય છે. પુણ્ય કમાવવા માટે વધુ સત્કર્મો કરવા પ્રેરાય છે. અસલ જીવન મૃત્યુ પછીનું જીવન છે. પરલોકનું જીવન જ સાચું અને શાશ્વત જીવન છે. સાચું સુખ પારલૌકિક જીવનમાં છે. જીવન અનિશ્ચિત છે પરંતુ મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પછી અલ્લાહ સાથે મુલાકાત થવાની છે. એ શ્રદ્ધા મુસલમાનને પવિત્ર અને નિષ્કલંક જીવન જીવવા પ્રેરે છે.

કૃતજ્ઞતા

ઇસ્લામ કહે છે કે જે માણસ બીજા માણસનો આભાર ન માને, કૃતજ્ઞતા ન દાખવે તો એ અલ્લાહનો પણ આભારી નહિ જ હોય અને અલ્લાહ ઉપકાર કરનાર ઉપર અપકાર કરનાર કૃતજ્ઞી લોકોને પસંદ નથી કરતો. આ જીવનમાં આપણને જે કંઇ મળે છે એ કોના તરફથી મળે છે ? જે અપાર સુખસગવડો, કૃપાઓ, નેઅમતો, ખાવાપીવાનું ફળફળાદિ, સવારીઓ મળે છે એ કોણ આપે છે ? કુઆર્નમાં કહેવામાં આવ્યું છે ‘અને તમે અલ્લાહની કઇ કઇ કૃપાઓ (નેઅમતો)નો ઇન્કાર કરશો ?’ વીર્યના એક નાનકડા નિષ્ક્રિય ટીપામાંથી અલ્લાહે જેનું સર્જન કર્યું અને જીવન બક્ષ્યું એ સજીવો જીવનભર અલ્લાહની નેઅમતો (કૃપાઓ)ને માણતા રહે અને છતાંય એનો આભાર વ્યક્ત ન કરે તો એનાથી મોટો અપકારી-કૃતદજ્ઞી કોણ હોઇ શકે ? એટલે જ ઇસ્લામે દરેક વાતમાં અલ્લાહનો આભાર માનવાનો આદેશ આપ્યો છે.

સાદગી

ઇસ્લામે એકદમ સાદગીભર્યું જીવન જીવવાનો આદેશ આપ્યો છે. રહેણી-કરણી, પહેરવેશ, ભાષા બધું જ સાદું હોવું જોઇએ. એકવાર પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ પોતાની પ્યારી દીકરી બીબી ફાતેમા રદિ.ના બારણેથી નારાજ થઇ પાછા ફરી ગયા. બીબી ફાતેમા રદિ. એ આ જોયું તોે આપ એમને મનાવવા અને ઘરમાં ન આવવાનું કારણ જાણવા એમની પાછળ ગયા. આપે કહ્યું કે એટલા માટે હું બારણેથી પાછો ફરી ગયો કે તમે બારીઓ ઉપર રેશમી પડદા લગાવ્યા છે! ઇસ્લામે વધુ પડતા ઝાકઝમાળ ઘરના સુશોભનને પણ અયોગ્ય ઠેરવ્યું છે. સાદગી અપનાવવા પાછળ ઇસ્લામનો હેતુ આ છે કે માણસ વધુ પડતી કમાણી અને આવકની ચિંતા ન કરે અને એ રીતે ઘણા અનૈતિક કાર્યોથી બચી જાય. ઉપરાંત અલ્લાહની ઇબાદતમાં સરળતાથી ધ્યાન લગાવી શકે. ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લેવાથી માણસ ન જ માત્ર સુખી થાય છે ઘણા બધા દુખોથી પણ બચી જાય છે. તાજેતરમાં થયેલા એક વૈજ્ઞાનિક સંશોધન અનુસાર સાદગીથી જીવતા માણસો વધુ સુખી હોય છે. આ વાત ઇસ્લામે આજથી ૧૪ સદીઓ પહેલા જ કહી દીધી હતી. ઇસ્લામના મોટા મોટા પયગંબરો, ખલીફાઓ, વલીઓ, વિદ્વાનોએ સાદગીભર્યું જીવન વીતાવી આનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૃં પાડ્યું છે. પયગમ્બર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એકદમ સાદુ જીવન જીવતા. નાનકડી ઓરડીમાં રહેતા, ખજૂરની ચટાઇ ઉપર ઊંઘતા. ઓછામાં ઓછું જમતા અરે જંગ જીત્યા પછી જે ‘માલે ગનીમત’ મળતો એમાંથી પોતે કશું ન લેતા અને પોતાના સાથીદારોમાં વહેંચી દેતા. આવી સાદગી છતાંય માત્ર ત્રેવીસ વર્ષના ગાળામાં આપે જે કાર્ય કર્યું એ દુનિયાના ઇતિહાસમાં એક આશ્ચર્યજનક બીના છે. આટલા ટુંકા ગાળામાં આપે એક અશિક્ષિત, જંગલી, અંધશ્રદ્ધાળુ, કુરિવાજોમાં સબળડી આખી કોમને એક ઇશ્વરની આજ્ઞાધીન,નમ્ર, અને શ્રેષ્ઠ ચારિત્ર્યવાળી બનાવી દીધી. આ આશ્ચર્યજનક ક્રાંતિ ઇતિહાસમાં બીજે ક્યાંય જોવા નથી મળતી, આ ક્રાંતી પાછળનો મુખ્ય સ્ત્રોત હતો આપનો નિષ્કલંક અને શ્રદ્ધાવાન મજબૂત ચારિત્ર્ય. આજે દુનિયાને ઇસ્લામે બતાવેલા ચારિત્ર્ય નિર્માણની આવશ્યક્તા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો