આ બ્લૉગ શોધો

8 માર્ચ, 2021

ફિંગર પ્રિન્ટ ક્ષેત્રે બે ભારતીયોનું યોગદાન

 ફિંગર પ્રિન્ટ અર્થાત આંગળીઓની છાપની મદદથી આરોપીઓને ગુનેગાર સાબિત કરી શકાય છે. આજે ફોરેન્સિક સાયન્સમાં આરોપીઓને ગુનેગાર સાબિત કરવા માટે ફેસ રેકોગ્નીશન , આંખના પટલ અને ડીએનએ પ્રોફાઈલિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પરંતુ ફિંગર પ્રિન્ટ આજે પણ એટલી જ ઉપયોગી પદ્ધતિ છે. એનું કારણ પણ છે. દરેક માણસની આંગળીઓની છાપ ‘અજાેડ’ હોય છે. એટલે કે કોઈ પણ બે માણસોની આંગળીઓની છાપ એક સરખી હોતી નથી. જાેડીયા બાળકોની પણ નહિ. બીજું એ કે જન્મથી લઈ મૃત્યુ સુધી આંગળીઓની છાપ બદલાતી નથી એટલે કે કાયમી હોય છે. કાપો પડવાથી, ઘસાવવાથી કે આગમાં બળી જવાથી પણ તે નાશ પામતી નથી કે બદલાતી નથી. હોલીવૂડ તથા બોલીવુડ ફિલ્મોમાં બતાવે છે એ મુજબ કોઈ બીજાની આંગળીના છાપની રબર પ્રિન્ટ પહેરી ગુનો આચરવામાં આવે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં આ કાર્ય મુશ્કેલ છે અને આ રીતે જાેવામાં આવે તો પણ ઈન્વેસ્ટિગેટિંગ ઓફિસર અને આંગળીઓની છાપોના નિષ્ણાંતો એને પકડી પાડે છે.  આથી કેટલાક ચાલાક ગુનેગારો હાથ મોજાં પહેરીને ગુનો આચરે છે જેથી આંગળીઓની છાપ ઘટના સ્થળે મળે નહિ.

આંગળીઓની છાપ વિશે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિના લોકો પણ માહિતગાર હતાં,એના ઘણાં પુરાવા મળે છે. પ્રાચીન બેબીલોન, પર્શિયા (ઈરાન), રોમ અને ચીનની સંસ્કૃતિમાં ફિંગર પ્રિન્ટનો ઉપયોગ થતો હતો. પ્રાચીન ચીનમાં તો સરકારી અધિકારીઓ મહત્વનાં કાગળોને પણ પોતાની આંગળીની છાપથી પ્રમાણિત કરતા હતા. જેમ અત્યારે અધિકારીઓ મત્તું મારે છે કે સહી કરે છે એમ.

આપણા ભારત દેશમાં પ્રાચીન કાળમાં આંગળીની છાપના આધારે આખું ‘નાડી જ્યોતિષ’ વિકસ્યું હતું. કેરળ અને તમિલનાડુમાંથી શરૂ થયેલી આ વિદ્યા દેશના ઘણા ભાગોમાં ફેલાઈ અને આજે પણ ઘણાં જ્યોતિષીઓ પુરુષોનાં જમણાં હાથના અંગૂઠા અને સ્ત્રીઓના ડાબા હાથના અંગૂઠાની છાપના આધારે ભવિષ્ય ભાખે છે.

પ્રાચીન ચીનમાં માત્ર હાથની જ નહિ પરંતુ પગની છાપને પણ ફોરેન્સિક સાયન્સમાં પુરાવા તરીકે માન્ય ગણવામાં આવતી હતી. ઈ. સ. ૬૫૦ પછી અને ૮૫૧ પહેલા અરબ વેપારી અબુ ઝૈદ હસને નોંધ્યું હતું કે ફિંગર પ્રિન્ટ માણસની આગવી ઓળખ છે. પ્રસિદ્ધ ઈરાની તબીબ રશીદુદ્દીન હમદાની (ઈ. સ. ૧૨૪૭-૧૩૧૮)એ માણસને એની આંગળીઓની છાપની મદદથી ઓળખવાની પદ્ધતિનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે ‘કોઈપણ બે માણસની આંગળીઓની છાપ સરખી હોતી નથી’.ફિંગર પ્રિન્ટમાં ચાસ કે કાપા વિશે ઈ. સ. ૧૬૮૪માં ડો. નેહેમિયા ગ્રુએ ઊંડાણ પૂર્વક વિવરણ કર્યું હતું.

આટલા બેકગ્રાઉન્ડ પછી હવે પાછા ભારતમાં ફરીએ. ૧૯ મી સદીના છેલ્લા દાયકાના પ્રારંભે એડવર્ડ હેનરીની બંગાળ પોલીસના આઇજી તરીકે નિયુક્તિ થઈ. ગુનેગારોને ફિંગર પ્રિન્ટના આધારે પકડી શકાય એમાં મદદ કરવા માટે ઇંગ્લેન્ડમાં ચાર્લ્સ ડાર્વિનના નજીકના સંબંધી ફ્રાન્સિસ ગેલ્ટન સાથે હેનરીએ પત્ર વ્યવહાર કર્યો હતો. ફ્રાન્સિસ ગેલ્ટને ફિંગર પ્રિન્ટ વિશે થોડું સંશોધન કર્યું હતું અને પોતાની રીતે એનું વર્ગીકરણ કર્યું હતું. આની પહેલા ફ્રેન્ચ પોલીસ ઓફિસર આલ્ફોન્સે બર્ટિલોને શોધેલી એન્થ્રોપોમેટ્રી (શરીરના વિવિધ અંગોના માપ) ના આધારે ગુનેગારોનો રેકોર્ડ રાખવામાં આવતો હતો. પરંતુ આ પદ્ધતિ બહુ વિશ્વાસપાત્ર નહોતી. કેમ કે માનવ અંગોના માપ સરખા હોઈ શકે. એના દ્વારા અસલી ગુનેગારોને દોષી કેવી રીતે ઠરાવી શકાય? એ દરમ્યાન જ બંગાળ પ્રાંતના આઈસીએસ અધિકારી વિલિયમ હર્ષલે ફિંગર પ્રિન્ટનું મહત્વ સમજી લીધું હતું. અને જુદા જુદા કરારોમાં આંગળીઓની છાપને માણસની પ્રમાણિતતા માટે ઉપયોગ કરતાં હતાં. ફ્રાન્સિસ ગેલ્ટન સાથે હેનરીનો પત્ર વ્યવહાર બહુ લાંબો ન ચાલ્યો. એટલે એમને કોઈ સ્થાનિક વ્યક્તિની જરૂર હતી જે ફિંગર પ્રિન્ટના પ્રોજેક્ટને આગળ વધારી શકે. એમણે એ સમયની કલકત્તાની પ્રસિદ્ધ પ્રેસિડેન્સી કોલેજના આચાર્યને પત્ર લખી એક સારા આંકડાશાસ્ત્રના વિદ્યાર્થીને આ પ્રોજેક્ટમાં સહાય માટે મોકલવાની વિનંતી કરી. આચાર્ય એ ગણિત અને વિજ્ઞાનમાં હોશિયાર વિદ્યાર્થી અઝીઝુલ હક(૧૮૨૭-૧૯૩૫)ની ભલામણ કરી. આ રીતે એડવર્ડ હેનરીના ફિંગર પ્રિન્ટ પ્રોજેક્ટમાં હકની એન્ટ્રી બંગાળ પોલીસમાં સબ ઇન્સ્પેકટર તરીકે થઈ.

અઝીઝુલ હકને ફ્રાન્સિસ ગેલ્ટનની ફિંગર પ્રિન્ટ વર્ગીકરણની પ્રક્રિયા કડાકૂટ વાળી લાગતી હતી. એટલે આ પદ્ધતિને વધુ સરળ બનાવવા માટે એક ગાણિતિક સૂત્ર પણ શોધી કાઢ્યું. ૩૨ ઊભા અને ૩૨ આડા ખાનાઓ મળી કુલ ૧૦૨૪ ખાનાઓમાં ગુનેગારોની ફિંગર પ્રિન્ટને સરળતાથી વર્ગીકૃત કરી શકાય એવી પદ્ધતિ હકે શોધી કાઢી. ગુનેગારોની ફિંગર પ્રિન્ટ શોધવા માટે અથવા ઉમેરવા માટે ગેલ્ટનની પદ્ધતિ પ્રમાણે એક કલાક લાગતો હતો, જ્યારે હકની પદ્ધતિ મુજબ આ જ કાર્ય માત્ર પાંચ મિનિટમાં થઈ જતું હતું. ૧૮૯૭ સુધીમાં હકે ૭૦૦૦થી વધુ ફિંગર પ્રિન્ટને વર્ગીકૃત કરી નાખી હતી. હકની આ કામગીરીથી પ્રભાવિત થઈને હેનરીએ સરકારને એક સમિતિ ગઠિત કરવાનું કહ્યું. જેથી આ પદ્ધતિનો સત્તાવાર રીતે ઉપયોગ કરી શકાય. કેમકે કલકત્તામાં એક નોકરે એના માલિકની હત્યા કરી નાંખી હતી. ઘટના સ્થળે એની આંગળીની છાપ મળી હતી. સ્પષ્ટ હતું કે એ વ્યક્તિએ જ ખૂન કર્યું હતું. પરંતુ એ વખતે ફિંગર પ્રિન્ટને પુરાવા તરીકે માન્યતા મળી ન હતી. સમિતિએ ફિંગર પ્રિન્ટને સત્તાવાર માન્યતા મળે એવી ભલામણ કરી હતી. એ ભલામણો સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી. આ રીતે વિશ્વનું સૌપ્રથમ ફિંગર પ્રિન્ટ બ્યુરો બંગાળમાં ભારતમાં સ્થપાયું અને આજે વિશ્વના મોટા ભાગનાં દેશો બે ભારતીયોએ શોધેલા વર્ગીકરણનો જ ઉપયોગ કરે છે.

આ કાર્યમાં હેમચંદ્ર બોજે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. બોઝે પણ ગણિત મુખ્ય વિષય સાથે વિજ્ઞાનમાં સનદ મેળવી હતી.૧૮૮૯માં તેઓ બંગાળ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે જાેડાયા હતા. અહી એમણે અઝીઝુલ હક સાથે ફિંગર પ્રિન્ટ માટે ટેલીગ્રાફીક કોડ પદ્ધતિની શોધ કરી હતી.

એડવર્ડ હેનરીએ સરકાર સમક્ષ એવી રીતે રજૂઆત કરી કે જાણે આ આખી વર્ગીકરણની પ્રકિયા એમણે એકલાએ જ શોધી હોય.અંગ્રેજ સરકાર દ્વારા બે ભારતીયોએ શોધેલી વર્ગીકરણની આ પદ્ધતિનો શ્રેય એકમાત્ર અંગ્રેજ અધિકારી એડવર્ડ હેનરીને આપી ‘હેનરી ક્લાસિફિકેશન સીસ્ટમ’ નામ આપવામાં આવ્યું. આટલું જ નહિ એડવર્ડ હેનરીને ઇંગ્લેન્ડની સરકારે ‘સર’નો ખિતાબ પણ આપ્યો હતો.

પોતે શોધેલી વર્ગીકરણ પદ્ધતિનો શ્રેય ન મળતાં કેટલાક વર્ષો પછી અઝીઝુલ હકે ભારત સરકારને પોતાના યોગદાનની વાતો જણાવી આ શ્રેય માટે લડત ચલાવી હતી. પ્રસિદ્ધ અખબાર ‘ધી સ્ટેટસમેન’એ ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૫ના દિવસે એક લેખમાં ‘મોહમેડન’ સબ ઇન્સ્પેકટર અઝીઝૂલ હકના ફિંગર પ્રિન્ટ વર્ગીકરણ ક્ષેત્રે આપેલા યોગદાન વિશે લખવામાં આવ્યું હતું. બીજા અંગ્રેજ અધિકારીઓએ (દા.ત. બિહાર અને ઓરિસ્સામાં મુખ્ય સચિવ, જે. ડી. સિફ્ટન)એ પણ અઝિઝૂલ હકના યોગદાનને બિરદાવ્યું હતું.

આ બધી બાબતોના પરિણામે ઇંગ્લેન્ડમાં રહેલા એડવર્ડ હેનરી એ ૧૯૨૬માં આખરે સ્વીકાર્યું કે અઝીઝૂલ હકનું ફિંગર પ્રિન્ટ વર્ગીકરણમાં ‘કોઈપણ ભારતીય કરતાં સૌથી મોટું યોગદાન હતું’. ૧૯૩૦માં એમણે રાય બહાદુર (હેમચંદ્ર બોઝ) ના યોગદાનને પણ સ્વીકાર્યું.

અંગ્રેજ સરકારે બંને ભારતીયોના યોગદાનની કદર રૂપે ૧૯૧૩માં અઝિઝૂલ હકને ‘ખાન બહાદુર’ અને હેમચંદ્ર બોઝને ૧૯૨૪માં એના જ સમકક્ષ ‘રાય બહાદુર’નો ખિતાબ આપ્યો હતો. બંનેને માનદ વેતન પાંચ હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતાં.

આ પુરસ્કારની રકમ બહુ મોટી નથી અને એનું મહત્વ પણ નથી. મહત્વનું આ છે કે અઝીઝૂલ હકની લડતથી એમને પોતાને અને બોઝને પણ આ પદ્ધતિ માટેનું શ્રેય આપવામાં આવ્યું. શોઢી અને કોરે  પોતે શોધી કાઢેલા પુરાવાઓના આધારે એમના પુસ્તક ‘ઇન્ડિયન સિવિલાઈઝેશન એન્ડ ધ સાયન્સ ઓફ ફિંગર પ્રિન્ટ’માં સૂચન કર્યું છે કે હેનરીની ફિંગર પ્રિન્ટ વર્ગીકરણની આ પદ્ધતિને ‘હેનરી – હક – બોઝ’ નામ આપવું જાેઈએ. ભારત સરકારે પણ આ માટે પ્રયત્નોે કરવા જાેઈએ જેથી બે ભારતીયોને એમની શોધનો સાચો શ્રેય મળે.

(યુવાસાથી સામયિકમાં પ્રકાશિત મારો લેખ )

24 ફેબ્રુઆરી, 2021

ના કબૂલ - વાર્તા

 

અરે, તુ હજી તૈયાર નથી થઈ? ” લક્ષ્મીબેને એમની દિકરી પાર્વતી યાની કે “પરી” ને કહ્યું.

“હા ,પણ હવે મારે કેટલી વાર આવી રીતે તૈયાર થવાનું? ” પરીએ છણકો કરતાં કહ્યું.

કેમ? ”

વારેઘડીએ તૈયાર થઈને બેસવાનું. . .બે-ચાર સવાલો કરવાના અને મુર્ખાની જેમ જવાબો આપવાના... એમ છતાંય મારા દિલને સ્પર્શી જાય એવું કોઈ મળતું નથી એટલે”

જો પરી, હવે તું તારા સ્ટાન્ડર્ડને જરાક નીચે લઈ આવ, બેટા... હવે તો બહું થઈ ગયા... આ કેટલામો છે, ખબર છે તને? ”

૧૩મો...”

તો શું તારે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોધાવવાનું છે.? ”

હું નથી જાણતી,પણ મારા દિલની બુકમાં નોંધવા જેવો કોઈ મળે તો ને? પરીએ નિરાશાના સ્વરમાં કહ્યું.

મા-દિકરીની ઘણી રકઝક પછી પાર્વતી ઉર્ફે પરી તૈયાર થવા રાજી થઈ. ૧૨ મુરતિયાઓને એ ઠુકરાવી ચુકી હતી.

 

કોઈ એના સ્ટાન્ડર્ડમાં બંધબેસતો નહતો. સાડા પાંચ ફુટ કદ, મધ્યમ બાંધો, ગોરો વાન, ગોળ ગોળ મોઢું, સમપ્રમાણ નાક અને ઉભરેલા સુડોળ સ્તન યુગ્મ... આટલું ઓછું હોય એમ એણે માઈક્રોબાયોલોજીમાં એમએસસી કર્યું હતું. પાર્વતી નામ એને જુનવાણી લાગતું હતું ,તેથી તે પોતાને પરી કહેવડાવવાનું પસંદ કરતી. લોકો વાતો કરતાં કે પરી સંપૂર્ણપણે એની મા ઉપર ગઈ હતી.  લક્ષ્મીબેન પણ ખૂબ સુંદર હતા અને એ પણ યુવાનીમાં ઘણા મુરતિયાઓ ઠુકરાવી ચુક્યા હતા.

વાર્તા આગળ વાંચવા લીંક પર ક્લિક કરો...

https://gujarati.pratilipi.com/story/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%95%E0%AA%AC%E0%AB%82%E0%AA%B2-ou5jn2smqmun?uitype=old#comments-list

28 જાન્યુઆરી, 2021

જયારે જેનેટ કૂકે પુલિત્ઝર પુરસ્કાર પાછુ આપ્યું..............

 

૧૯૮૦ માં 'વોશીન્ગ્ટન પોસ્ટ' જેવા અમેરિકાના પ્રતિષ્ઠિત ગણાતા અખબારમાં એક ૨૫ વર્ષીય અશ્વેત પત્રકાર યુવતીએ પ્રવેશ કર્યો ત્યારે સ્ટાફમાંથી ઘણાની નજર એની ઉપર પડી હતી.કેટલાકને આશ્ચર્ય પણ થયું હતું.વોશીન્ગ્ટન પોસ્ટમાં કામ કરવું એટલે ખૂબ પ્રતીષ્ઠાજનક ગણાતું.ટોલેડો બ્લેડમાં પત્રકાર તરીકે કામ કરતી જેનેટ કૂકનું સીવી પોસ્ટના પ્રસિદ્ધ એક્ઝીક્યુટીવ એડીટર બેન બ્રેડલી ની નજરમાંથી પસાર થયું તો એમણે તરત પોસ્ટમાં નોકરી માટે બોલાવી લીધી હતી.

અંદાજે નવ મહિના પછી ,૨૮ સપ્ટેમ્બર ,૧૯૮૦ ના દિવસે જેનેટ કૂકે લખેલ સ્ટોરી “જીમ્મીસ વર્લ્ડ” પોસ્ટના પ્રથમ પાને પ્રસિદ્ધ થઇ.હેરોઈનનો બંધાણી ,૮ વર્ષીય બાળક-જીમ્મીની સ્ટોરીએ હલચલ મચાવી દીધી હતી.એક બાળકને એની માતાનો પ્રેમી ડ્રગ્સ આપતો હતો.આખા અમેરિકામાં આ વાત વાઈરલ થઇ ગઈ હતી.વોશીન્ગ્ટન ના મેયર ,હેલ્થ ઓફિસરો અને પોલીસ આ બાળકને શોધી એના માતાપિતા વિરુધ કેસ ચલાવી જેલમાં ધકેલી દેવા માંગતા હતા.પરંતુ વોશીન્ગ્ટન પોસ્ટ પ્રાઈવસી ના અધિકારની રુએ બાળકનું સરનામું આપવા માગતું નહતું.અર્થાત પોતાના પત્રકારે કરેલી સ્ટોરી માટે પોસ્ટ કૂકની પડખે ઉભું રહ્યું.આ માટે પોસ્ટ ની આલોચના પણ કરવામાં આવી.પત્રકારોને એની જોરદાર શૈલી અને લખાણ તથા સામાજિક અસરને  કારણે  બ્લોક બસ્ટર સ્ટોરી લાગી રહી હતી,તો લોકો ને બાળક ઉપર દયા આવી રહી હતી,બાળકને એમની જરૂરિયાત લાગી રહી હતી, તો કેટલાક સામાજિક કાર્યકર્તાઓને અશ્વેત લોકોના જીવનની કઠોર વાસ્તવિકતા લાગી રહી હતી.

૧૩ એપ્રિલ ૧૯૮૧ ના દિવસે કૂક ને પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો.પત્રકારત્વમાં કોઈ આફ્રિકન-અમેરિકન (અશ્વેત) વ્યક્તિએ આ પુરસ્કાર જીત્યું હોય એ ઇતિહાસની પહેલી ઘટના હતી.

પોતાના ભૂતપૂર્વ પત્રકારે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો એ ગૌરવની વાત હતી એટલે “ ધી ટોલેડો બ્લેડ”  કૂક વિષે સ્ટોરી છાપવા માંગતું હતું. પોતાના કર્મચારીઓના બાયોડેટા મુજબ એ કૂક વિષે લખવા માંગતા હતા.પરંતુ જયારે એસોસિએટેડ પ્રેસ ના વાયર પર પુલિત્ઝર પુરસ્કાર વિજેતાઓનો જીવનચરિત્રો તપાસતા કૂકના બાયો ડેટા માં  વિસંગતતાઓ જણાઈ.કૂકે વાયરને આપેલ માહિતી મુજબ તેણીએ ખૂબ સારા ગ્રેડથી વસાર કોલેજમાંથી સ્નાતક કર્યું હતું અને ટોલેડો યુનિ.માંથી માસ્ટર ડીગ્રી મેળવી હતી.જયારે બ્લેડના રેકોર્ડ મુજબ તેણીએ વસ્સાર કોલેજમાં એક વર્ષ ગાળી ટોલેડો યુનિ.માંથી માત્ર બેચલર ઓફ આર્ટસ માં સ્નાતક કર્યું હતું.બ્લેડના સંપાદકે વાયરને આ વાત જણાવી દીધી.

બપોર સુધીમાં વસ્સાર કોલેજ અને ટોલેડો યુનિ.માં તપાસ પૂર્ણ કરી લેવામાં આવી.લગભગ ૧૦ કલાક સુધી પોસ્ટના સંપાદકો કૂકની પૂછપરછ કરતા રહ્યા અને બીજી બાજુ એના બે ઉપસંપાદકો જીમ્મીનું ઘર શોધતા રહ્યા.  

આખરે ,રાત્રે પોણા બે વાગે કૂક ભાંગી પડી અને સ્વીકાર્યું કે “ જીમ્મી નામનો કોઈ છોકરો નથી,નથી એનું કોઈ કુટુંબ...મેજ આખી કાલ્પનિક વાર્તા ઘડી નાખી હતી.હું પુરસ્કાર પાછો આપવા માગું છું.”

અપમાનિત અને લજ્જિત પોસ્ટના સંપાદકોએ પુલિત્ઝર પુરસ્કાર પાછું આપ્યું,જે વિલેજ વોઈસ ની ટેરેસા કાર્પેન્ટર ને આપવામાં આવ્યું.

માત્ર બે દિવસ પછી કૂકે વોશીન્ગ્ટન પોસ્ટમાંથી રાજીનામું આપ્યું.આ રીતે એક હોનહાર પત્રકારની કારકિર્દીનો અંત આવી ગયો.

 આ ઘટના પછી અમેરિકન પત્રકારવ્ત્વમાં ઘણું બધું બદલાઈ ગયું.પોસ્ટે પોતાના નિયમો વધુ કડક બનાવ્યા.કોઈ સંદર્ભ કે સ્રોત વિના સ્ટોરી છાપવામાં વધારે ધ્યાન આપવું એવો વણલખ્યો નિયમ કરી દીધો.માત્ર અમેરિકા જ નહિ યુરોપના ઘણા બધા અખબારો એ પણ પોતાની પોલીસીમાં ફેરફાર કર્યો.

જેનેટ કૂક અખબારી દુનિયા છોડી ફ્રાન્સના કોઈ નાનકડા શહેરમાં વસવા ચાલી ગયી હતી.૧૯૯૬મા અચાનક જાહેરમાં આવી.પોસ્ટમાં પોતાના જુનિયર અને પછી પ્રેમી પત્રકાર માઈક સેજર સમક્ષ પ્રગટ થઇ દુનિયા સમક્ષ પોતાની વાતો રજૂ કરી.એમાં એની ગ્લાનિ જ ઝલકતી રહી.

જેનેટ કૂક કઈ પહેલી પત્રકાર નહોતી જેણે ખોટું કર્યું હતું.બીજા ઘણા બધા અમેરિકન અને યુરોપીય પત્રકારોએ આવું ખોટું કર્યું હતું,પરંતુ એમના નામ છાપરે ચઢ્યા નહિ,કદાચ એટલા માટે કે તેઓ ગોરી ત્વચા વાળા હતા.

આ ઘટના જૂની હોવા છતાય આજના સમયમાં ઉપયુક્ત છે.આજથી ૩૮ વર્ષ પહેલા વોશીન્ગ્ટન પોસ્ટ જેવા અખબારો સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવવામાં કોઈ કચાશ રાખતા નહોતા.જેનેટ કૂકે પોતાની ભૂલ સ્વીકારી પુરસ્કાર પાછો આપ્યો.પરંતુ આજે આજે આપણા દેશમાં જોઈએ છીએ કે  કેટલાક પત્રકારો પોતાનું અંત:કરણ વેચી “પત્તર-કારિતા“ કરી રહ્યા છે. કોઈ એક રાજકીય પક્ષના હિતમાં સમાચારોને તોડી મરોડી ને રજૂ કરવામાં આવે છે.ગરીબી,બેકારી,બેરોજગારી,સમાજમાં વધતું વૈમનસ્ય,જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ એના બદલે ક્ષુલ્લક બાબતો પર ચર્ચા કરવામાં આવી રહી છે.એક ફિલ્મી હીરોએ આત્મ હત્યા કરી,એની પ્રેમિકાને એના મોત માટે જવાબદાર છે એવું ચિત્ર મીડીયાએ લોકમાનસમાં ઠસાવી દીધું.એમાંથી વાત ડ્રગ્સ પર પહોંચી ગઈ.અને કયા ફિલ્મી સિતારાઓ ડ્રગ્સના બંધાણી છે એની ચર્ચાઓ થવા લાગી.એમાં અસલ મુદ્દો તો ભુલાવી દેવામાં આવ્યો.સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યાનો હોબાળો એટલા માટે કરવામાં આવ્યો કે એ મૂળ બિહારનો હતો,અને બિહારમાં ચૂંટણીઓ આવી રહી હતી.હવે જોકે બિહારના પરિણામો પણ આવી ગયા છે અને ભાજપ ની આગેવાનીમાં એનડીએ એ બહુમતિ મેળવી છે એટલે એની સરકાર બનવાની.સુશાંતે ‘કેદારનાથ’ ફિલ્મ માં મુસ્લિમનું પાત્ર ભજવ્યું ત્યારે આજ ભાજપના સમર્થકોએ એનો વિરોધ કર્યો હતો અને જયારે ચૂંટણી આવી ત્યારે એજ વિરોધીઓ સુશાંતના સમર્થનમાં આવી ગયા હતા.જયારે કોઈ મુદ્દો ન હોય ત્યારે કેવા મુદ્દા ઊભા કરવા એ કોઈએ ભાજપ પાસેથી શીખવું જોઈએ!અને આ મુદ્દાઓને ચગાવતા રહેવું એ આપણા મીડિયા પાસેથી કોઈ શીખે! કોઈ એક પક્ષની તરફેણ કરનાર આપણા ભારતીય મીડિયાને કેટલાક લોકો ‘ગોદી મીડિયા’ તરીકે યોગ્ય રીતે જ ઓળખે છે.આ ગોદી મીડિયા સમાજને માહિતી,મનોરંજન અને શિક્ષણ પૂરું પાડવાની પોતાની ફરજથી વિમુખ થઇ રહ્યો છે.પ્રશ્ન ઉદ્ભવે છે કે શું મીડીયાએ તટસ્થ રહેવું જોઈએ? કે કોઈ એક નો પક્ષ લેવો જોઈએ.ઘણા લોકો કહેશે કે મીડીયાએ તટસ્થ રહેવું જોઈએ ,કોઈનો પક્ષ નાં લેવું.જે આજે શાસનમાં છે કાલે ના પણ હોય અને જે આજે વિરોધપક્ષમાં છે એ શાસનમાં પણ હોઈ શકે છે.રાહત ઇન્દોરીએ કહ્યું હતું એમ ‘ આજ જો સાહિબે મસનદ હૈ કલ નહિ હોંગે- કિરાયેદાર હૈ જાતી મકાન થોડી હૈ.’

પરંતુ કેટલાક લોકો એવું પણ કહેશે કે મીડીયાએ તો એક જ પક્ષ લેવું જોઈએ- પીડિતોનું.કેમકે પીડિતોનું દર્દ મીડિયા નહિ જણાવે તો કોણ જણાવશે?

એક ત્રીજો વર્ગ પણ છે –અને એ મોટો વર્ગ છે – જે કહે છે કે અમે તો એનો જ પક્ષ લઈશું જે અમારી ખાતરદારી કરે-અર્થાત અમને માલમલીદો આપે.અમે અહી સેવા કરવા નથી બેઠા-કમાવવા બેઠા છીએ.અમે લાગણીશીલ થઇ જઈએ તો ધંધો કેવી રીતે ચાલે?એમની વાત પણ સાચી છે.હરીફાઈનો યુગ છે.ધંધાનો યુગ છે.નફો નુકસાન જોવામાં આવે છે-લાગણીઓ નહિ.

આ નિરાશાજનક માહોલમાં રણમાં વીરડી સમાન દિલાસાની એક બાબત પણ છે.એ છે ઈમાનદારીથી પોતાનું પત્રકારત્વ ધર્મ નિભાવી રહેલા કેટલાક પત્રકારો અને મીડિયા હાઉસ.ભલે આંગળીના વેઢે ગણાય એટલા જ છે આ સાચા પત્રકારો.આવા પત્રકારોથી જ પત્રકારત્વ હજી જીવી રહ્યું છે, એ જ આપણા માટે આશ્વાસન ની વાત છે ! એક દીપક બળે એટલે અંધકાર પણ ધ્રુજી ઉઠે છે અને પલાયન કરી જાય છે.

સત્યને પ્રકાશવા માટે એક સાચો પત્રકાર પણ પૂરતો છે.

૧૬મી નવેમ્બર નેશનલ પ્રેસ ડે તરીકે ઉજવાય છે.બધાજ સાચા અને સારા પત્રકારોને દિલથી સલામ.

 ('નિરીક્ષક' ,ડીસેમ્બર ૨૦૨૦ ના અંકમાં છપાયેલ મારો લેખ )

 

5 ઑગસ્ટ, 2020

કેરિયર ગાઇડન્સ વેબિનાર : ડીપ્લોમાં અને એન્જીનીયરીંગમાં કારકિર્દી ની તકો

૨૫ જુલાઈ,2020 રવિવારના દિવસે  એહસાસ ફાઉન્ડેશન આયોજિત પાંચમો કેરિયર ગાઇડન્સ વેબિનાર યોજાઈ ગયો.જેમાં એક્સપર્ટ તરીકે ડોક્ટર સાજીદ મોગલ (IIT-Mumbai),સઈદ શેખ (લેખક અને રાહબર એજુકેશન સોસાઈટી ના પૂર્વપ્રમુખ),ડોક્ટર બિલાલ શેઠ (પ્રોફેસર,હિંમતનગર કોલેજ) વિગેરે એ પોતાના જ્ઞાન અને અનુભવની વહેંચણી કરી હતી.એહસાસ ફાઉન્ડેશન તરફથી શબ્બીર એહમદ ખત્રી (પ્રોફેસર-ITI,ભૂજ) અને સંચાલન અશરફ મેમણે ખૂબ સારી રીતે કર્યું હતું.આ કાર્યક્રમને ફેસબુક પર લાઈવ મુકવામાં આવ્યો હતો.જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. આને નીચેની લીંક પરથી જોઈ શકાશે.


બીજાનું વિચારજો (Think of Others)

તમે તમારો નાસ્તો તૈયાર કરો તો બીજાનું વિચારજો
(કબૂતરના દાણાને ન ભૂલતા)
તમે તમારું યુદ્ધ આરંભો તો બીજાનું વિચારજો
( જે લોકો શાંતિ શોધે છે એમને ન ભૂલતા)
તમે પાણીનું બિલ ભરો તો બીજાનું વિચારજો
( જેઓ વાદળોના પાણી પર નભે છે)
તમે તમારા ઘરે પાછા ફરો તો બીજાનું વિચારજો
(છાવણીમાં રહેલા લોકોને ન ભૂલતા )
તમે ઊંઘતી વખતે તારા ગણો તો બીજાનું વિચારજો
(કે જેમની પાસે ઊંઘવાની કોઈ જગ્યા નથી)
તમે રૂપકમાં તમારી જાતને અભિવ્યક્ત કરો તો બીજાનું વિચારજો
(જેઓ બોલવાનો અધિકાર ગુમાવી ચુક્યા છે)
દૂર રહેલા લોકો વિશે વિચારો તો તમારી જાત વિશે પણ વિચારજો
(કહો:જો હું અંધકારમાં માત્ર એક મીણબત્તી હોત!)
- મહેમૂદ દરવેશ ( ૧૯૪૧-૨૦૦૮ પેલેસ્ટીનીયન રાષ્ટ્રીય કવિ )
અનુવાદ: મોહમ્મદ સઈદ શેખ

4 માર્ચ, 2020

આ ઉનાળુ સત્રમાં સરકાર લાવશે એવો કાયદો-વાંચીને ચોંકી જશો તમે પણ !


આ ઉનાળુ સત્રમાં મોદી સરકાર એક એવો કાયદો લાવી રહી છે જેનાથી ભારતના તમામ નાગરિકો ચોંકી જશે.મોદી સરકાર જે કાયદો લાવી રહી છે એનું નામ છે "સ્પેશિયલ સીટીઝન્સ પ્રોટેકશન બિલ" (Special Citizens Protection Bill").આ બિલ ઉનાળુ સત્રમાં સંસદના બન્ને ભવનોમાં રજૂ કરવામાં આવશે. આ બિલ ની જોગવાઈ મુજબ દેશના અમુક "ખાસ" એટલે કે સ્પેશ્યલ લોકોની સરકાર ધરપકડ નહીં કરે.જો પોલીસે ધરપકડ કરવી હશે તો પહેલા સરકારની મંજૂરી લેવી પડશે.આ માહિતી કાયદાપ્રધાન શ્રી રવિશંકર પ્રસાદે એક એક પત્રકાર પરિષદમાં આપી.આ કાયદાની જોગવાઈ મુજબ દેશના કેટલાક "ખાસ" નાગરિકોને વિશેષ સુવિધા આપવામાં આવશે.આ સુવિધામાં જો એમણે ગુનો પણ કર્યો હશે તો પોલીસ તરત એમની ધરપકડ નહિ કરે.ઉલટું એમને વાય પ્લસ સુરક્ષા આપવામાં આવશે.
આની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સરકાર પોતાના એટલે કે RSS અને ભાજપના લોકોને બચાવવા માંગે છે.આનાથી બીજા સામાન્ય લોકોને અન્યાય થશે.આવા લોકોની ધરપકડ કરતા પહેલા પોલીસે સરકારની મંજૂરી લેવી પડશે અને શક્ય છે કે જજ પણ આવા લોકોની ધરપકડ માટે વોરંટ ઈસ્યુ નહિ કરે.એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ.વધુમાં એમણે જણાવ્યું કે પાછલા કેટલાક દિવસોમાં થયેલા રમખાણોમાં ભાજપના નેતાઓ દ્વારા ઉશ્કકેરણી જનક ભાષણો કરવાથી દિલ્હીમાં વધારે હિંસા ફાટી નીકળી હતી. આવા આગેવાનો વિરુદ્ધ એફઆઇઆર કરવાને બદલે સરકાર એમને બચાવી રહી છે. એટલુજ નહિ કપિલ મિશ્રા જેવા લોકોને તો વાય પ્લસ સુરક્ષા આપી રહી છે ,જે અત્યંત ખેદજનક છે. 
આ બિલ વિશે પ્રતિક્રિયા આપતા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કન્ડેય કાત્જુએ કહ્યું કે સરકાર આવો કોઈ કાયદો લાવી ન શકે. આ બીલ દેશના કાયદા અને બંધારણની વિરુદ્ધ છે. દેશમાં બધા જ લોકો કાયદાની દ્રષ્ટિએ સમાન છે.આ કાયદાથી દેશમાં જંગલ રાજ ફેલાશે.ખરેખર તો આવા કાયદાની કોઈ જરૂર જ નથી.સરકારની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઈ છે.સરકાર એક તરફી નિર્ણયો લઈ રહી છે અને પોતાના માણસોને ખાસ કરીને પોતાની પાર્ટીના માણસો ને બચાવવા માટે આ બિલ લાવવા માંગે છે.
આ જોગવાઇથી સૌથી વધુ લાભ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોને મળશે એવું માનવામાં આવી રહ્યું છે.