આ બ્લૉગ શોધો

21 ઑગસ્ટ, 2018

રમઝાનની શ્રેષ્ઠતા


ઇસ્લામી વર્ષનો નવમો મહિનો એટલે પવિત્ર રમઝાનનો મહિનો. દર વર્ષે આ પવિત્ર મહિનો મુસલમાનો માટે કૃપા બનીને આવે છે. આ એ જ મહિનો છે જેમાં કુરઆનને ઉતારવામાં આવ્યું. આ મહિનાની શ્રેષ્ઠતા (ફઝીલત) ઘણી છે. આ મહિનામાં રહેમતોની વર્ષા થાય છે. જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે. અને જહન્નમના બંધ કરી દેવામાં આવે છે. શેતાનોને લોખંડની સાંકળોમાં બાંધી દેવામાં આવે છે.
 આ શ્રેષ્ઠતા એટલા માટે છે કે આ મહિનામાં મુસલમાનોને રોઝા રાખવા ફરજિયાત છે. કુરઆનમાં કહેવામાં આવ્યું છે કે જેમ પહેલાની ઉમ્મતો ઉપર રોઝા ફર્ઝ કરવામાં આવ્યા હતા એમ ઉમ્મતે મોહમ્મદી માટે પણ ફર્ઝ કરવામાં આવ્યા છે કે જેથી તમે પરહેઝગાર બની જાઓ. હદીષમાં છે અલ્લાહ તઆલા કહે છે રોઝો ખાસ મારા માટે છે અને હું જ એનો બદલો આપીશ. બુખારી શરીફની હદીષમાં છે કે જેણે ઇમાન અને એહતેસાબ સાથે રોઝો રાખ્યો એના ભૂતકાળના બધા જ ગુનાહ માફ કરી દેવામાં આવે છે.
 એહતેસાળનો અર્થ છે કે અલ્લાહ તઆલાથી પુણ્યની પ્રાપ્તિ માટે શુદ્ધ નિયતથી રોઝો રાખે અને ધૈર્યપૂર્વક પોતાના મનનું પૃથક્કરણ કરતો રહે.
 રોઝો ઇસ્લામના પાંચ અરકાનોમાંથી ઇમાનની સાક્ષી અને નમાઝ પછી ત્રીજો ક્રમે ફરજિયાત કરવામાં આવ્યું છે. રોઝાને અરબીમાં સોમ’ કહે છે. જેનો અર્થ થાય છે ઇચ્છાઓથી રોકાઇ જવું કે પરહેઝ કરવું. આના ઉપરથી રમઝાનને માહે સિયામ’ પણ કહેવામાં આવે છે. સવારના પ્રારંભથી લઇ સૂર્યાસ્ત સુધી ખાવા પીવા અને સંભોગ કરવાથી બચવાને રોઝો કહે છે.
હદીષમાં ફરમાવવામાં આવ્યું છે કે દરેક નેકીનો બદલો ૧૦ થી ૭૦૦ ગણા સુધી આપવામાં આવે છે પરંતુ રોઝાનો બદલો અલ્લાહ તઆલા કહે છે હું પોતે એનો બદલો આપીશ. કેમકે રોઝા મારા માટે છે બીજી કથન અનુસાર હું (અલ્લાહ તઆલા) પોતે જ એનો બદલો છું. રોઝાદારને બે ખુશીઓ મળે છે એક ઇફતારના સમયે અને બીજી અલ્લાહ તઆલાથી મુલાકાત ના સમયે. (બુખારીમુસ્લિમ)
 હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું રમઝાન બાબતે મારી ઉમ્મતને પાંચ વસ્તુઓ વિશેષ રીતે આપવામાં આવી છે જે આગળની ઉમ્મતોને આપવામાં આવી ન હતી.

(૧) રોઝાદારની મોઢાની દુર્ગંધ અલ્લાહ તઆલા સામે મુશ્કથી વધારે પ્રિય છે.
 (૨) રોઝાદારો માટે દરિયાની માછલીઓ રોઝા ઇફતાર સુધી માફીની દુઆઓ કરતી રહે છે.
 (૩) દરરોજ જન્નતને આમના માટે સજાવવામાં આવે છે.
 (૪) આ પવિત્ર માસમાં શૈતાનોને કેદ કરી દેવામાં આવે છે.
 (૫) રમઝાનની છેલ્લી રાત્રે રોઝાદારોની મગ્ફિરત (માીફી) બક્ષી દેવામાં આવે છે.
 જ્યારે સહાબાએ પૂછ્યું કે માફીની આ રાત્રે શબેકદ્ર (મોટીરાત્રિ) તો નથી પયગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે જવાબ આપ્યો નહી. પ્રણાલિકા આ છે કે મજૂરને મજૂરી કામ પૂર્ણ થતાં જ એની મજૂરી ચૂકવી દેવામાં આવે છે.(મસનદ એહમદબજારબયહકી), (ઇબ્ને હબ્બાન)
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું રમઝાનની દરેક દિવસ રાત્રિમાં અલ્લાહને ત્યાં જહન્નમના કેદીઓને છોડી મૂકવામાં આવે છે અને દરેક મુસલમાનની એક દુઆ જરૂર કબૂલ થાય છે. (બઝારઅત્તરગીબ વ અત્તરબીબ)
હદીષમાં છે ત્રણ માણસોની દુઆ રદ કરવામાં નથી આવતી. એક રોઝાદારની દુઆ ઇફતારના સમયે. બીજું ન્યાયી બાદશાહ અને ત્રીજી નિર્દોષ પીડિતની. (મસનદ અહમદતિરમીઝીસહીહ ઇબ્ને હબ્બાન)
 આ જ પવિત્ર માસમાં કુરઆન ઉતારવાનો પ્રારંભ થયો હતો. હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અને સહાબાએ કિરામ રમઝાનમાં વધુ માં વધુ તિલાવત કરતા હતા. હઝરત જબ્રઇલ અલયહીસ્સલામ રમઝાન શરીફમાં નબીએ અકરમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને કુરઆનને વારંવાર યાદ કરાવતા હતા. તરાવીહમાં કુરઆન પૂર્ણ કરવામાં આવે છે. આનાથી કુરઆનની શ્રેષ્ઠતા અને મહત્વતા ની જાણ થાય છે. આ માસમાં એક અક્ષરનો બદલો દસ ગણો આપવામાં આવે છે. અર્થાત જો કોઇ એક વખત પણ કુરઆન વાંચીને પૂર્ણ કરો તો એનું પુણ્ય બીજા દિવસોમાં દસ કુરઆના પઢવા જેટલો મળશે.
 તરાવીહ વિશે હદીષમાં છે કે જે વ્યક્તિ રમઝાનની રાત્રિઓમાં ઇમાન સાથે પુણ્યની નિયતથી ઇબાદત માટે (નમાઝમાં) ઊભો થાય એના પાછલા બધાં જ ગુનાહ માફ કરી દેવામાં આવે છે. (બુખારી શરીફ)

રમઝાનમાં સહેરી કરવી આવશ્યક છે. હદીષમાં છે કે ખુદ અલ્લાહ તઆલા અને એના ફરિશ્તા સહેરી ખાનારા ઉપર કૃપા વરસાવે છે. (તબરાનીસહીહ ઇબ્ને હબ્બા)
 રમઝાનમાં કોઇ રોઝેદારને ઇફતાર કરાવવો એ પણ બહુ પુણ્યનું કામ છે. રોઝા કરાવનારને પણ રોઝેદાર જેટલું જ પુણ્ય આપવામાં આવે છે.
રમઝાનના છેલ્લી દસ એકી રાત્રિઓમાંથી કોઇ એક શબેકદ્ર હોય છે. આમાં ઇબાદત કરવાવાળાને એક હજાર મહિનાની ઇબાદતનું પુણ્ય આપવામાં આવે છે. અર્થાત ૮૩ વર્ષની ઇબાદતનું પુણ્ય માત્ર એક રાતમાં ઇબાદત કરવાથી આપવામાં આવે છે. ૨૧૨૩૨૫૨૭ કે ૨૯ મી રાત્રિમાં શબેકદ્રને શોધવી જોઇએ.
છેલ્લા દસ દિવસમાં એતેકાફ કરવો સુન્નતે મોઅક્કેદા અલલ કિફાયા છે. અર્થાત્‌ મોહલ્લામાંથી કોઇ એક માણસ પણ મસ્જિદમાં સુન્નત એતેકાફ કરી લેશે તો આખા મોહલ્લા કે શેરીના લોકોએ એતેકાફ કરી લીધું. એમ માની એને પુણ્ય આપવામાં આવે છે. એતેકાફનો અર્થ છે ધરણાં કરવા અથવા પલાઠી મારીને બેસી જવું. આનો મુખ્ય હેતુ શબેકદ્ર ને શોધવી અને ઇબાદત કરવી એ છે.
 આમ રમઝાનની શ્રેષ્ઠતા ઘણી બધી છે. દરેક સ્ત્રી પુરૂષ ઉપર રમઝાનના રોઝા ફરજ કરવામાં આવ્યા છે. માત્ર બિમાર કે ખૂબ વૃદ્ધ અથવા મુસાફરને જ છૂટ આપવામાં આવી છે. એમને પણ આ કમી થયેલા રોઝા પછીથી રાખવાના હોય છે. રોઝા રોઝાદાર માટે ઢાલ સમાન છે. જહન્નમની યાતનાઓ સામે રોઝો ઢાલ બની જશે.
 આવા પવિત્ર અને રહેમતોથી ભરપૂર રમઝાન માસમાં વધારે માં વધારે ઇબાદત અને સહકાર્યો કરવા જોઇએ.
(PUBLISHED IN TODAYSFACTSAMACHAR IN MAY 2018)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો