આ બ્લૉગ શોધો

21 ઑગસ્ટ, 2018

એક બાળકની વિચિત્ર પ્રાર્થના


         એક પ્રાથમિક શાળાની શિક્ષિકાએ બાળકોને નિબંધ લખવા આપ્યું. વિષય હતો "તેઓ( બાળકો) ભગવાનથી શું ઈચ્છે છે ?"
બધા બાળકોએ નિબંધ લખ્યો. એ તપાસવા માટે શિક્ષિકા નોટબુક્સ ઘરે લાવી. એક નિબંધ વાંચી નજ એની આંખો ભીની થઇ ગઈ પરંતુ એનું હૃદય પણ ભીંજાઈ ગયું.
એનો પતિ એની પાસેજ બેઠો હતો. એને રડતી જોઈ પૂછ્યું શું થયું કેમ રડે છે?
શિક્ષિકાએ નિબંધ વાંચવા માટે એના પતિને આપ્યું. પતિએ વાંચવનું શરુ કર્યું.
" હે ભગવાન, આજે હું તમારાથી એક ખાસ બાબત માંગુ છું, તે એ કે તમે મને ટીવી બનાવી દો. હું દીવાલમાં લાગેલા એલઈડી ટીવીની જગ્યા લેવા ઇચ્છુ છું. હું ટીવીનું સ્થાન લઇ વિશિષ્ટ બની જઈશ. મારા ઘરમાં જેમ ટીવી જીવે છે એમ હું જીવવા માંગુ છું. મારા માતા પિતા, ભાઈ બહેન બધા મારી આસપાસ બેસી રહેશે. જયારે હું ટીવીની જેમ બોલીશ તો બધા મારી વાતો ધ્યાનથી સાંભળશે. બધા ઘરવાળાના ધ્યાન નું કેન્દ્રબિંદુ હું બની જઈશ. અને બધા મને જોશે. કોઈ મારાથી સવાલ જવાબ નહિ કરે,નજ કોઈ મને મારશે, ધમકાવશે કે બોલશે. મારુ એટલું ધ્યાન રાખવામાં આવશે જેટલી સલામતી અને નાજુકાઈ થી ટીવી વપરાય છે. ટીવી ખરાબ ન થઇ જાય એની કાળજી લેવામાં આવે છે. એટલી જ કાળજી મારી પણ લેવામાં આવશે. હું બગડું નહિ કે ખરાબ થાઉં નહિ એનું ધ્યાન રાખવામાં આવશે.
હું મારા પપ્પાનું ધ્યાન એવી રીતે આકર્ષિત કરીશ જયારે એ ઓફિસેથી આવીને ટીવી સામે બેસી જાય છે, ભલેને ગમે તેટલા થાકેલા કેમ ન હોય! હું ટીવી બની જઈશ તો એ મને મારશે કે ધમકાવશે પણ નહિ. શાળામા આટલું ઓછું રિઝલ્ટ કેમ આવ્યું? આટલી બધી ફી ભરું છું ને તું ભણતો નથી? એવા સવાલો પણ મને નહિ કરે. હું તો દિલથી ભણું છું પણ વધારે માર્કસ ન આવે તો હું શું કરું? મને જેટલું આવડે છે એટલું લખીને આવું છું. ભગવાન તમે મને વધારે હોશિયાર કેમ ના બનાવ્યો?મમ્મી પપ્પા હંમેશા પેલા બોચીયા બકુલેશ સાથે મારી સરખામણી કરે છે.એ સારા માર્ક્સ લાવે છે ,હું નથી લાવી શકતો ત્યારે તો મમ્મી પપ્પા મને કહે છે જો શીખ એનાથી. પણ જયારે હું સ્પોર્ટ્સ ડે માં ટ્રોફી લઈને આવું છું અને પેલો તો માયકાંગલો સરખું દોડી પણ નથી શકતો, ત્યારે મમ્મી પપ્પા એને કેમ કહેવા નથી જતા કે મારાથી શીખે?
ભગવાન તમે મને અન્યાય કર્યો છે. મને એવરેજ સ્ટુડન્ટ બનાવીને. ૯૦- ૯૫% મારે કેવી રીતે લાવવા? મારે રમવાનું પણ નહિ? બસ આખો દિવસ ભણ ભણ જ કરવાનું? સ્કૂલે જવાનું, ત્યાંથી આવીને ટ્યુશન અને પછી હોમવર્ક.મારે બીજું કશું કરવાનું જ નહિ? ભગવાન તમે મને ટીવી બનાવી દો, બસ. આ બધી ઝંઝટમાંથી હું મુક્ત થઈ જાઉં.
પપ્પા તો પપ્પા ,મમ્મી પણ ક્યારેક ક્યારેક મને બોલે છે. આમ કર, આમ ન કર. આવું નહિ કરવાનું ,તેવું નહિ કરવાનું. પોતે તો સાંજે પેલી બાલાજીની સિરિયલો જોવા બેસી જાય છે.ક્યારેક હું કાર્ટૂન ચેનલ લગાવું તો કહે લેસન કર્યું? પેલી પોએમ યાદ કરી? પેલા ગણિતના દાખલા ગણ્યા? અને જો હું ભૂલેથી ફોન લઈને ગેમ રમુ તો ભાઈઓ અને બહેન મારી સાથે લડે છે. મને મારે પણ છે. કહે છે તું તો અત્યારે નાનો છે અત્યાર થી ગેમ્સ રમે છે? જો કે એ પોતે તો ફોન યુઝ કરે છે. અને કેવું લુચ્ચું લુચ્ચું જુવે છે ,તમને ખબર છે ભગવાન? પેલી ન્યૂડ ન્યૂડ હીરોઇનોના પિક્ચર જુવે છે અને હું ભૂલેથી જોઈ લઉં તો ફોન છુપાવીને કહે છે આ તારા કામનું નથી. તું તારે લેસન કર.જો ક્યારેક સ્કૂલે થી જલ્દી આવી જાઉં કે કોઈ ટીવી જોતું ન હોય ત્યારે ચાલુ કરું તો કોઈ ને કોઈ કહેશે અત્યારે મેચ આવશે કે મારી ફલાણી સીરીઅલ આવશે કે મારા ઈમ્પોર્ટન્ટ ન્યુઝ આવશે. તો પછી મારે ટીવી ક્યારે જોવાનું?
ભગવાન તમે મને ટીવી જ બનાવી દો બસ. તમે મને ટીવી બનાવશો ને તો મારા ભાઈ બહેન જે અત્યારે મારી સાથે લડે ઝગડે છે ,એ પછી મારી સામે જ બેસી રહેશે ને મનેજ જોતા રહેશે. મનેજ સાંભળશે.અત્યારે મારે લીધે બધા ગુસ્સો કરે છે પછી તો ઘરમાં કોઈ ગુસ્સો કરશે જ નહિ. કોઈ લડશે ઝગડશે પણ નહિ.
ટીચર અમને શીખવતા હતા કે ભગવાન તમે તો સર્વ શક્તિમાન છો. તમે જે ઇચ્છો એ કરી શકો, તમે જે ઈચ્છો એ બનાવી શકો છો. હું તમારાથી વધારે નથી માગતો. બસ મને ટીવી બનાવી ટીવીની જગ્યાએ મૂકી દો. "
શિક્ષિકાના પતિએ નિબંધ વાંચી અફસોસ અને નિસાસા સાથે કહ્યુ: "બહુ નિરાશ લાગે છે આ બાળક. એના પેરેન્ટ્સ અને ભાઈ બહેને બિચારા સાથે બહુ ખરાબ કર્યું લાગે છે. "
શિક્ષિકાએ નજરો ઊંચી કરી પતિ તરફ જોઈને કહ્યું; " આ નિબંધ આપણા જ બાળકે લખ્યું છે! "

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો