આ બ્લૉગ શોધો

31 ઑગસ્ટ, 2022

મહાન મોદીજીની મહાન વાતો -૧

વર્ષ ૨૦૫૦:

(ગુજરાતના કોઈ એક શહેરની શાળામાં ધૂળ ખાતા ઇતિહાસના પાઠ્ય પુસ્તકમાંથી  કેટલાક અંશ) :

.........માત્ર ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર ભારતના ‘ભારત રત્ન’ શ્રી નરેન્દ્ર મોદી એક ઐતિહાસિક અને પનોતા પુત્ર હતા.તેઓ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી અને બે વખત ભારતના વડાપ્રધાન બન્યા હતા.આજે ભારતની જે કંઈ ઓળખાણ છે એ એમના થકી જ છે.

......૨૦૧૪મા એમણે ‘નવા ભારત’ નો પાયો નાખ્યો હતો.કેમકે ૨૦૧૪માં જ વાસ્તવિક રીતે ભારત ‘આઝાદ’ થયું હતું.કેટલાક વાંકદેખા અને શ્રીમાન મોદીના વિરોધીઓ એવો કુપ્રચાર કરે છે કે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી ગાંધીજીએ આઝાદ કર્યા હતા.પરંતુ ઈતિહાસકારો આ બાબતે સંમત છે કે ગાંધીજીનું યોગદાન તો મોદીજીના યોગદાન સામે કોઈ વિસાતમાં નથી.કેમકે એમણે ભ્રષ્ટાચારી પક્ષોને સંપૂર્ણપણે નષ્ટ કરી નવા ભારતનો પાયો નાખ્યો હતો.જેટલા પણ ભ્રષ્ટાચારીઓ હતા એમને પોતાના પક્ષમાં સમાવી ‘ચોખ્ખે ચોખ્ખા’ કરી દીધા હતા.આમ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદીનું આ કાર્ય ગાંધીજીની ‘અશ્પૃશ્યતા નાબૂદી’ ની ચળવળ કરતા ઘણું મહાન હતું.કારણકે હજી પણ અશ્પૃશ્યતા સંપૂર્ણ પણે નાબૂદ થઈ નથી જયારે ભ્રષ્ટાચાર સંપૂર્ણ પણે નાબૂદ થઈ ચુક્યું છે. 

......એમણે મોટી મોટી કોલેજો, યુનીવર્સીટીઓ અને રમતના મેદાનોના પુન:નામકરણ દેશના સાચા સપૂતના નામે કર્યું હતું.જીવતે જી અને પોતે શાસનમાં હોય ત્યારે કોઈ શાસક ઈમારત કે મેદાનને પોતાનો નામ આપતો નથી,પરંતુ મોદીજી ની આજ એક ખાસિયત હતી કે તેઓ બીજાથી ‘હટકે ‘વિચારતા હતા.તેથી તેમણે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ મેદાનને પોતાનું નામ આપી વિશ્વપ્રસિદ્ધ કરી દીધો હતો.આટલું જ નહિ તેઓ વડાપ્રધાન હતા ત્યારે જ ‘ ભારત રત્ન’ પોતાને આપી દીધું હતું.પોતેજ દેશનો સર્વોચ્ચ પુરસ્કાર લઈ એમણે નવી કેડી કંડારી હતી.

.....કોંગ્રેસના શાસનમાં વારે તહેવારે કોમી રમખાણો અને છમકલાઓ થઈ જતા હતા પરંતુ જ્યારથી કેન્દ્ર સરકારમાં મોદીજીનું શાસન સ્થપાયું ત્યારથી દેશમાં શાંતિ થઈ ગઈ હતી.કેમકે છપ્પન ઈંચની છાતી અને સમુદ્ર જેવું હદય ધરાવતા મોદીજીએ બધાજ હુલ્લાડ્ખોરોને ભાજપમાં સમાવી ‘સૌનો સાથ-સૌનો વિકાસ’ સૂત્ર સાર્થક કર્યું હતું.આ માટે સ્વીડનની નોબેલ કમિટીવાળા એમને શાંતિના નોબેલ પુરસ્કાર માટે નોમીનેટ કરવા માંગતા હતા પરંતુ એમણે પોતેજ આને કાબેલ ન હોઈ ઇનકાર કરી દીધો હતો.પરંતુ જયારે એમના વિરોધીઓએ એમને ‘ઇગ્નોબલ’ માટે નોમીનેટ કર્યા ત્યારે એમણે વિશાળ હદય રાખી એમને અનુમતિ જ ન આપી પરંતુ એનો સ્વીકાર પણ કર્યો હતો
.
....આમ કેટલીક બાબતોમાં તેઓ ગાંધીજીને પણ ઝાંખા પાડી દેતા હતા.