અલ-અબ્બાસ ઈબ્ન અલ વલીદ ઈબ્ન અબ્દુલ મલિક,ખલીફા અલ વલીદનો પુત્ર,ઉમૈયા વંશનો રાજકુમાર અને સેનાપતિ હતો.અલ અબ્બાસના જન્મવર્ષ અને બાળપણ વિષે માહિતી મળતી નથી.અબ્બાસની પ્રસિદ્ધિ એણે ઉમવીઓએ બાઝેન્તીનો સામે કરેલા સંઘર્ષમાં આપેલ યોગદાન માટે છે.એના વિષે અરબ અને બાયઝેન્તીની સ્ત્રોતોમાં મતભેદ જોવા મળે છે.ઈ.સ.૭૦૭મા કપ્પાડોસીયામાં આવેલ ત્યાનાના મહત્વનો કિલ્લો ઉમવીઓએ જીતી લીધો હતો,એ વખતે પહેલીવાર અબ્બાસે રણભૂમિમાં પ્રવેશ કર્યો હતો,જેમાં એણે પોતાના કાકા મસલમા ઇબ્ન અબ્દુલ મલિક સાથે સૈન્યની આગેવાની લીધી હતી.શિયાળામાં જયારે મુસ્લિમ સૈન્યની હિમ્મત ભાંગવા માંડી હતી ,એવા સમયે અબ્બાસે સૈન્યને પ્રેરણા આપી હિંમત વધારી હતી. ગ્રીકોને નગરમાં બંધક બનાવી ઘેરો ઘાલવામાં આવ્યો.લાંબા બંધન પછી ગ્રીકોએ હાર કબૂલી લીધી.
અબ્બાસે અને એના કાકાએ એશિયા માઈનોરમાં બાયઝેન્તીનીઓ વિરુદ્ધ ઘણી લડાઈઓ લડી.એમાં ઈ.સ.૭૧૨મા સીલીસીયામાં આવેલ સેબાસ્તે નગર અને પીસીડીયાના એન્તીઓક નગર પર ૭૧૩મા કરેલો કબજો મહત્વનાં છે.એના પછીની લડાઈઓમાં એ કાકા મસલમાને બરાબર મદદ કરતો રહ્યો.
૭૨૦મા ઉમર દ્વિતીયના અવસાન પછી ઈરાકના ગવર્નર યઝીદ બિન અલ મુહલ્લબએ બળવો કર્યો.એને ખાળવા માટે પહેલા અબ્બાસને એકલો અને પછી મસલમાને પણ મોકલવામાં આવ્યો.બંને સાથે મળીને યઝીદ સામે લડ્યા.યઝીદ માર્યો ગયો અને જલ્દી જ શાંતિ સ્થપાઈ.
અલ વલીદ દ્વિતીયના શાસન કાળમાં અલ અબ્બાસે પહેલાં તો પોતાના ભાઈ યઝીદ કે જે વિદ્રોહ કરવા માંગતો હતો –એને વિદ્રોહ ન કરવા માટે સમજાવતો રહ્યો,પરંતુ આખરે એણે નમતું જોખ્યું અને ૭૪૪ના વિદ્રોહમાં ભાગ લીધો.કેટલાક સમય પછી ખલીફા મરવાન દ્વિતીયએ અબ્બાસને કેદ કર્યો અને તે ૭૫૦મા હર્રાનની જેલમાં રોગચાળામાં મૃત્યુ પામ્યો.
લેબેનાનમાં આવેલ બેક્કા ખીણમાં આવેલ અન્જર નગર (જેનું સાચું નામ ઐન અલ જર છે) સ્થાપના વલીદ પ્રથમે કરી હતી એવું માનવામાં આવે છે,પરંતુ બાય્ઝેન્તીની ઇતિહાસકાર થીઓફેનીસ આ નગરની સ્થાપના નો શ્રેય અબ્બાસને આપે છે.
(C) મોહમ્મદ સઈદ શેખ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો