આ બ્લૉગ શોધો

30 એપ્રિલ, 2024

અબ્બાસ મિર્ઝા

 

કાઝાર વંશના ફતેહ અલી ખાન અને આશિયાખાનમનો પુત્ર  રાજકુમાર અબ્બાસ મિર્ઝાનો જન્મ હિસ1203 / ઇસ.1789માં  માં ઈરાનના માઝ્ન્દરાન  પ્રાંતમાં નવા મુકામે થયો હતો. 

પિતા ફતેહઅલી ખાન કોયોન્લું અને માતા દેવેલ્લુ  શાહી ખાનદાન થી સંબંધ ધરાવતા હતા.

20 માર્ચ 1798 ના દિવસે ફતેહઅલી ખાને અબ્બાસ મિર્ઝાને ઉત્તરાધિકારી રાજકુમાર 'નાયબ અલ સલ્તનત ' જાહેર કર્યો.એનાથી મોટા બીજા રાજકુમારોની અવગણના કરવામાં આવી હતી કેમ કે તેમની માતાઓનો સંબંધ શાહી ખાનદાનથી ન હતો.બે કુટુંબો ને  રાજકીય રીતે મજબૂત કરવા માટે અબ્બાસને ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યો હતો.

માત્ર  દસ વર્ષના રાજકુમારના સહાયકો તરીકે  સુલેમાનખાન કાઝાર અને મિરઝા  ઈસા ફરાહાનીને મોકલવામાં આવ્યા હતા. એજ વર્ષે એને આઝરબેજાન અને કરબાગનો ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યો હતો.ઉત્તર-પૂર્વમાં ખુરાસાનની જેમ જ આઝરબેજાન પર પણ શત્રુઓનો ભય હતો.એને બીજા પ્રાંતના ગવર્નરોને નિયુક્ત કરવા કે પદ્ચુત કરવાની સત્તા આપવામાં આવી હતી.૧૮૩૧ સુધી મોટા ભાગનો સમય એણે આઝરબેજાનમાં જ પસાર કર્યો હતો.

૧૮૦૪માં ફતેહ અલી શાહે અબ્બાસને 30 હજાર સૈનિકોના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યો.૧૮૦૪-૧૩ દરમિયાન રશિયા સામેના યુદ્ધમાં ઈરાનને દસ હજાર જેટલા સૈનિકો ઉપરાંત ઘણા પ્રાંતો ગુમાવવાનો વારો આવ્યો.ઓક્ટોબર ૧૮૧૩માં ગુલિસ્તાન ની સંધિ થઇ,જેમાં કોકેસસ માં આવેલ આજના જ્યોર્જીયા,દાઘેસ્તાન અને આઝરબેજાન ના પ્રાંતોને આપી દેવા પડ્યા.આ ખુવારીએ અબ્બાસને અનુભૂતિ કરાવી દીધી કે પોતાના સૈનિકોને યુરોપીય પદ્ધતિથી લડવા શીખવાની જરૂરત હતી.તુર્કીના સુલતાન સલીમ ત્રીજાના સુધારાઓથી પ્રભાવિત થઈને અબ્બાસ પણ ઈરાનમાં ‘નિઝામે જદીદ’ (નવી રાજય વ્યવસ્થા) ઉભી કરવા માંગતો હતો.એ માટે એણે કબીલાઓ અને પ્રાંતીય સૈન્ય પર નિર્ભરતા ઓછી કરી.યુરોપીય લડાઈ પ્રશિક્ષણ  માટે એણે એક ટુકડીને ૧૮૧૧માં અને બીજી ૧૮૧૫માં ઇંગ્લેન્ડ મોકલી હતી.૧૮૧૨માં તબરેઝમાં પ્રિન્ટીંગ પ્રેસનો પ્રારંભ થતા યુરોપીય સૈન્ય હેન્ડબૂક છાપવામાં આવી.તબરેઝમાં જ દારૂગોળા અને લશ્કરી સાધનોની ફેક્ટરી ની સ્થાપના થઇ હતી.

અબ્બાસને આ બધી બાબતોનો લાભ ઉસ્માની-ઈરાની યુદ્ધ(૧૮૨૧-૨૩)માં જોવા મળ્યો.આમાં ઈરાનીઓએ વિજય મેળવ્યો.

૧૮૨૬-૨૮ માં ફરીથી રશિયાનો સાથે યુદ્ધ છેડાયું.આ વખતે ઈરાનીઓએ બરાબરની ટક્કર આપી અને યુદ્ધના પ્રથમ વર્ષમાં પહેલા યુદ્ધમાં ગુમાવેલા ઘણાં પ્રાંતો પાછા મેળવ્યા.પરંતુ ફતેહ અલી શાહે નવી કુમકો મોકલવાની મના કરી.અંતે ૧૮૨૮માં જ્યોર્જીયા અને કોકેશીયસ પ્રાંતો ગુમાવવા પડ્યા.આ કારમી હારને લીધે સૈન્ય સુધારાઓમાંથી અબ્બાસનું મન ઉઠી ગયું.એણે નવા સુધારાઓ સ્થગિત કર્યા.

એની તબિયત લથડતી ગઈ.બળવાખોરો સામે સંઘર્ષ કરતાં કરતાં ૨૫ ઓક્ટોબર ૧૮૩૩માં મશહદમાં એનું અવસાન થયું.૧૮૩૪માં ફતેહઅલી શાહ નું પણ અવસાન થતા અબ્બાસનો સૌથી મોટો પુત્ર મોહમ્મદ મિર્ઝા રાજગાદીએ બેઠો.

અબ્બાસનું મૂલ્યાંકન કરતા જણાય છે કે એ એક પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતો હતો.આર.જી.વોટસને અબ્બાસને “કાઝાર વંશનો સૌથી ઉમદા” માણસ ગણાવ્યો છે.એણે તબરેઝ શહેરને પશ્ચિમી અંદાઝમાં વિકસિત કર્યો હતો.એને યુરોપીય ઇતિહાસનું સારું જ્ઞાન હતું.જોકે એ પોતે અંગ્રેઝી બહુ સારી જાણતો ન હતો ,એમ છતાંય એના નાનકડા પુસ્તકાલયમાં અંગ્રેજીના ઘણા પુસ્તકો હતા.એણે લશ્કરી સુધારાઓ કરવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં ઘણા અંશે એ સફળ પણ રહ્યો હતો.એણે પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો હતો.દેશના ઘણા યુવાનોને ભણવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા.

બધા કાઝાર શાસકોની જેમ અબ્બાસને પણ ઘણા સંતાનો હતા.એણે છવ્વીસ પુત્રો અને ૨૧ પુત્રીઓ છોડી હતી.એના પાંચ પુત્રો ફારસના ગવર્નર તરીકે નિયુક્ત થયા હતા: ફિરોઝ મિર્ઝા,ફરીદુન મિર્ઝા ફરમાનફર્મા બીજો,ફરહાદ મિર્ઝા,બેહરામ મિર્ઝા અને સુલતાન મુરાદ મિર્ઝા.પુત્ર જહાંગીર મિરઝાએ ‘ તારીખે નવ’ ઇતિહાસ ગ્રંથ રચ્યો હતો.ફરહાદ મિરઝા દરબારી કવિ નીમાયો હતો અને અંગ્રેજી-ફારસી શબ્દકોષની રચના પણ કરી હતી.

23 એપ્રિલ, 2024

અબુ બક્ર મુહમ્મદ અબ્દુલ અઝીઝ (4-10-1911 : 23-11-1973)

 

અબુ બક્ર મુહમ્મદ અબ્દુલ અઝીઝ શ્રીલંકાના પ્રથમ મુસ્લિમ સનદી અધિકારી,શિક્ષણવિદ અને સમાજ સેવક હતા.

અઝીઝનો જન્મ જાફનાના વન્નારપોનાઈમાં ૪થી ઓક્ટોબર ૧૯૧૧ ના દિવસે થયો હતો. અઝીઝના પિતા એસ.એમ.અબુબક્ર વકીલ અને જાફના અર્બન કાઉન્સિલના સભ્ય તથા  ઓલ સીલોન મુસ્લિમ લીગના પ્રમુખ હતા. એમણે અલ્લાપીચાઈ કુરાન મદરસામાંથી અરબીમાં કુરાન અને હદીસનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. પ્રાથમિક શિક્ષણ વૈદ્યેશ્વર વિદ્યાલયમ અને જાફના હિંદુ કોલેજમાંથી પ્રાપ્ત કર્યું હતું.૧૯૩૩મા સીલોન વિશ્વિદ્યાલયમાંથી ઇતિહાસમાં બી.એ.કર્યું.વધુ અભ્યાસાર્થે ૧૯૩૪માં તેઓ કેમ્બ્રિજ યુનીવર્સીટીમાં ગયા.એ પહેલા સીલોન સિવિલ સર્વિસ (CCS)ની પરીક્ષા આપી હતી.એમાં પાસ થવાની ખબર આવતા તેઓ ફેબ્રુઆરી ૧૯૩૫માં માત્ર એક જ સત્ર પછી સીલોન પાછા ફર્યા.તેમને એ વખતે સીલોન તરીકે ઓળખાતા હાલના શ્રીલંકાના પ્રથમ મુસ્લિમ સનદી અધિકારી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું અને મધ્ય શ્રીલંકાના મતાલે જીલ્લામાં કારકિર્દીનો પ્રારંભ થયો.૧૯૩૭માં કોલંબોના પ્રતિષ્ઠિત જે.પી કુટુંબની ઉમ્મે કુલસુમ સાથે એમના લગ્ન થયા હતા.

સનદી અધિકારી તરીકે એમણે આસીસ્ટન્ટ ગવર્ન્મેન્ટ ઓફિસમાં ,હેલ્થ ખાતામાં હેલ્થ મીનીસ્ટરના સચિવ તરીકે અને કસ્ટમ વિભાગમાં એડીશનલ લેન્ડીંગ સર્વેયર તરીકે સેવાઓ આપી હતી.૧૯૪૨માં કલમુનાઇમાં ઈમરજન્સી કચેરીમાં આસીસ્ટનટ ગવર્નમેન્ટ એજન્ટ તરીકે નિમાયા જેનું મુખ્ય કાર્ય બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સીલોનમાં ઉભી થયેલી અન્નની અછતને ખાળવાનું હતું.અઝીઝે પૂર્વીય સીલોનમાં જમીન વિહોણા મુસ્લિમ ખેડૂતોની મદદ કરી ગણોત બનાવ્યા અને આ પ્રાંત કૃષિ ક્ષેત્રે ખૂબ સમૃદ્ધ બન્યો.અહી મુસ્લિમોની દારિદ્રતા અને પછાતપણાએ અઝીઝને વિચલિત કરી મુક્યા અને અહી જ એમને અનુભૂતિ થઈ કે આનો ઇલાજ શિક્ષણમાં છે.અને આ જ બાબત એમને શિક્ષણના ક્ષેત્રમાં લઈ આવી.એમણે ૧૯૪૨માં કવિ અબ્દુલ કાદર લેબે અને વિદ્વાન સ્વામી વિપુલાનંદ જેવા મિત્રો સાથે મળી કલ્મુનાઈ મુસ્લિમ એજ્યુકેશન સોસાઈટી (KMES)ની સ્થાપના કરી.આ સોસાઈટી દ્વારા સંચાલિત અંગ્રેજી ભાષાની શાળામાં અરબી અને તમિલ ભાષાઓ પણ શીખવાડવામાં આવતી હતી અને અહીંથી જીલ્લાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવતી હતી.૧૯૪૪માં અઝીઝે સીલોન મુસ્લિમ સ્કોલરશીપ ફંડ (CMSF) ની સ્થાપના માટેના પ્રયત્નો શરુ કરી દીધા હતા જેનો હેતુ મુસ્લિમ વિદ્યાર્થીઓ શિક્ષણ અને વ્યવસાયમાં પ્રગતિ કરે એ હતું.૧૯૪૫માં KMESને CMSFમાં ભેળવી દેવામાં આવ્યું અને અઝીઝને મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ ચૂંટવામાં આવ્યા અને તેઓ આ હોદ્દા પર ૧૯૫૫ સુધી રહ્યા.૧૯૪૮માં એમણે સનદી સેવાઓ છોડી ઝહીરા કોલેજના આચાર્ય બનવાનું પસંદ કર્યું જેથી શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપી શકે.એમણે મુસ્લિમો ચાર ભાષા શીખે એના પર ભાર આપ્યો : તેઓ માનતા હતા કે અરબી ભાષા વિના શ્રીલંકાના મુસ્લિમો સાંસ્કૃતિક રીતે અલગ પડી જશે અને પોતાનો સમૃદ્ધ વારસો ખોઈ નાખશે,માતૃભાષા તમિલમાં માસ્ટરી હોવી જરૂરી છે,એવી જ રીતે બહુમતિ લોકોની ભાષા સિંહાલા પણ જરૂરી હતી અને વૈશ્વિક ભાષા અંગ્રેજી વિના ચાલવાનું ન હતું.એમણે આ ચાર ભાષાઓ મુસ્લિમ શાળાઓમાં શીખવાડાય એવો આગ્રહ રાખ્યો હતો.૧૯૬૧માં સરકારે ઝહીરા કોલેજને હસ્તગત કરી લીધી ત્યાં સુધી તેઓ આના આચાર્યપદે રહ્યા હતા.આ દરમિયાન આ શાળાની ખ્યાતી ચારેકોર ફેલાઈ હતી.તેઓ માનતા હતા કે મહિલાઓને પણ શિક્ષણમાં સમાન અધિકાર મળવો જોઈએ.જયારે મુસ્લિમ છોકરીઓને ઉચ્ચ શિક્ષણમાં મોકલવામાં નહોતી આવતી ત્યારે એમને વાલીઓને સમજાવી છોકરીઓને ઉચ્ચ શિક્ષણ લેતી કરી હતી.તેઓ દહેજ પ્રથાના વિરોધી હતા અને માનતા હતા કે છોકરીઓ જો શિક્ષિત હશે તો છોકરાઓની પણ દહેજ માગવાની હિંમત નહિ થાય.એમના આ પ્રયત્નો ઘણા અંશે સફળ થયા હતા.

અઝીઝ એક પ્રખર વાચક હતા.તેઓ એક સારા વક્તા હતા.અંગ્રેજી અને તમિલ બંને ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા.એમને શ્રીલંકાના મુસ્લિમોની સ્થિતિ વિષે ,શિક્ષણના ઈતિહાસ વિષે અને મુસ્લિમોના શૈક્ષણિક તથા સાંસ્કૃતિક સમસ્યાઓ વિષે ઘણું લખ્યું હતું.તમિલ ભાષામાં એમણે લખેલ પુસ્તક ‘શ્રીલંકામાં ઇસ્લામ’ને ૧૯૬૩માં સાહિત્ય પુરસ્કાર મળ્યો હતો.આ ઉપરાંત એમણે તમિલ ભાષામાં જ Spell of Egypt,East African Scene અને Tamil Travelogue નામક પ્રવાસ વિષયક પુસ્તકો લખ્યા હતા.

અઝીઝે રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું.તેઓ યુનાઈટેડ નેશનલ પાર્ટી (UNP) ના સભ્ય હતા અને ૧૯૫૨માં કાર્યકારી સમિતિમાં પણ ચૂંટાયા હતા.૧૯૫૨માં વડાપ્રધાન દુદ્લે સેનાનાયકની ભલામણથી અઝીઝને સીલોનના (ઉપલા ગૃહના) સેનેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.Sinhala Only Act (માત્ર સિન્હાલા કાયદા)ના વિરોધમાં અઝીઝે UNPમાંથી રાજીનામું આપી દીધું હતું.૧૯૬૩માં જાહેર સેવા આયોગમાં નિયુક્તિ મળતા એમણે સેનેટમાંથી પણ રાજીનામું આપ્યું હતું.

૨૪ નવેમ્બર ૧૯૭૩ ના દિવસે કોલંબોમાં અઝીઝનું અવસાન થયું.૧૯૮૦માં જાફના વિશ્વ વિદ્યાલયે એમને મરણોપરાંત ડોકટરેટ ઓફ લેટર્સની પદવી આપી સન્માન આપ્યું હતું.૧૯૮૬માં સરકારે એમને રાષ્ટ્રીય નાયક (National Hero) (મરણોપરાંત) ગણી એમને સન્માનિત કરતા એમના માનમાં ૭૫ પૈસાની ટપાલ ટીકીટ બહાર પાડી હતી.ભારતની એક સંસ્થા ઇન્સ્ટીટયુટ ઓફ ઓબ્જેક્ટીવ સ્ટડીએ ૨૦મી સદીના ૧૦૦ મહાન મુસ્લિમોની યાદીમાં એમનો સમાવેશ કર્યો હતો.