સમગ્ર માનવજાત પ્રત્યે પ્રેમની ભાવના દૃઢ કરવી પડશે : રાહબર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી
(સંસ્થા પરિચય માટેની આ અંકની પ્રસ્તુતિમાં રાહબર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ સઈદ શેખ સાહેબએ અમારી સાથે વાતચીત કરી જેના કેટલા અંશો અમારા વાંચકો માટે રજૂ કરીએ છીએ. – સંપાદક મંડળ)
પ્રશ્નઃ આપનો ટુંક પરિચય?
ઉત્તરઃ નામ: શેખ મોહમ્મદ સઈદ. બી.ઈ સિવીલ કન્સલ્ટીંગ સિવીલ એન્જિનીયર છું. એનાર્ચ કન્સલ્ટન્ટ્સ નામની ફર્મનો માલિક છું. સિવીલ એન્જીનીયર હોવા ઉપરાંત રાહબરના પ્રમુખ તરીકે ફરજ અદા કરૃં છું. યુવાસાથી અને શાહીન સાપ્તાહિકમાં લેખો પણ લખું છું.
પ્રશ્નઃ રાહબર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીની સ્થાપના ક્યારે થઈ?
ઉત્તરઃ આજના અતિ ગતિશીલ યુગમાં મુસ્લિમ સમાજ અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. જેમાંથી મુખ્ય સમસ્યાઓ છે શિક્ષણ અને રોજગાર. દેશના અન્ય સમાજોની તુલનામાં મુસ્લિમ સમાજે આઝાદીના ૭૦ વર્ષો પછી પણ કરવી જોઈએ તેટલી પ્રગતિ કરી નથી ત્યારે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એ ખૂબ જરૃરી છે. આજના હરીફાઈના યુગમાં જો મુસ્લિમોએ પ્રગતિ કરવી હોય તો સારૃં શિક્ષણ મેળવી નોકરીઓ માટેની સ્પર્ધામાં મજબૂતાઈથી ઉતરવું પડશે. મુસ્લિમ સમાજના શિક્ષિત યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેતા થાય. તેમાં ટકી રહી સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે અહમદાબાદમાં વર્ષ ૨૦૧૧થી “રાહબર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી” કાર્યરત છે. જેમાં મુસ્લિમ શિક્ષિત યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત તાલીમ આપવામાં આવે છે.
પ્રશ્નઃ આપને સંસ્થા શરૃ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
ઉત્તરઃ છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક નોકરીઓ માટેની જગ્યાઓ પર મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાય છે. ત્યારે આપણા સમાજના અનેક શિક્ષિત વિદ્યાર્થીઓ કારકિર્દીને લઈને અંધારામાં હોય તેવું લાગતા આ કદમ ઉપાડયું અને આપણા સમાજના શિક્ષિત યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે તે હેતુથી આ સંસ્થાની સ્થાપના કરી.
પ્રશ્નઃ “રાહબર” નામ કેમ કેમ રાખ્યું?
ઉત્તરઃ રાહબર એટલે માર્ગદર્શક. સમાજના શિક્ષિત યુવાનોને કારકિર્દી ઘડવામાં યોગ્ય માર્ગદર્શન આપી તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર કરી શકીએ તે હેતુથી અમે રાહબર બનવા પ્રયત્નશીલ છીએ.
પ્રશ્નઃ સંસ્થાના તાલીમ વર્ગો ક્યાં-ક્યાં ચાલે છે અને હાલમાં કેટલા તાલીમાર્થીઓ તાલીમ લે છે?
ઉત્તરઃ હાલ તો બે જગ્યાએ વર્ગો ચાલે છે જેમાં અહમદાબાદના દાણીલીમડામાં એમ.એસ. પબ્લિક સ્કૂલ ખાતે અને રીલીફ રોડ ખાતેના સુલ્તાન અહમદ મુસ્લિમ યતીમખાના સંકુલમાં સપ્તાહમાં ૬ દિવસ સાંજે ૬ થી ૮.૩૦ સુધી વર્ગો ચાલે છે. બંને વર્ગોના થઈને ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે.
પ્રશ્નઃ કયા પ્રકારની તૈયારીઓ કરાવો છો?
ઉત્તરઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જુદા-જુદા વિષયના ઉમેદવારોના લેકચર ગોઠવી વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરે તે દિશામાં પ્રયત્નશીલ છીએ.
પ્રશ્નઃ અત્યાર સુધી કેટલા ઉમેદવારો સફળ થયા છે?
ઉત્તરઃ પાંચ વર્ષમાં અમારી સંસ્થા સાથે સંલગ્ન ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓએ જુદી-જુદી સરકારી નોકરીઓ મેળવી છે.
પ્રશ્નઃ સંસ્થાનું ભવિષ્યનું શું આયોજન છે?
ઉત્તરઃ IAS/IPSની તૈયારી માટેના વર્ગો શરૃ કરવા છે. ગુજરાતની મુસ્લિમ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે જાગૃતિ આપવા માટે માર્ગદર્શન અને મોટીવેશન લેકચર આપવાનું આયોજન છે.
પ્રશ્નઃ ફંડ અંગે શું કરો છો?
ઉત્તરઃ હાલ તો ટ્રસ્ટીઓ પોતાના ખર્ચે જ બધું કરે છે. જ્યારે કેટલીકવાર કોઈ મિત્રો થોડી ઘણી મદદ કરી દે છે. જ્યારે તાલીમ વર્ગો ચલાવવા શાળાએ મફત સગવડ કરી આપી છે.
પ્રશ્નઃ અહમદાબાદ બહાર પણ તાલીમ વર્ગો શરૃ કરવાની કોઈ યોજના છે?
ઉત્તરઃ અહમદાબાદ બહાર પણ તાલીમી વર્ગો ખોલવા માટે ઘણી સંસ્થાઓ અમારો સંપર્ક કરે છે. પરોક્ષ રીતે અમે એ સંસ્થાઓને કલાસ કેવી રીતે ચલાવવા? શું ભણાવવું ? વગેરે માર્ગદર્શન આપીએ છીએ. ઘણી સંસ્થાઓમાં જઈ અમે માર્ગદર્શન ઉપરાંત મોટીવેશનલ લેકચર પણ આપીએ છીએ. જે કોઈ શાળા કે સંસ્થાને કારકિર્દી માર્ગદર્શન અને મોટીવેશનલ લેકચર ગોઠવવા હોય એ અમારો સંપર્ક કરી શકે છે.
પ્રશ્નઃ તમારા મત મુજબ હાલના તબક્કે મુસ્લિમ સમાજે કઈ બાબતોને પ્રાધાન્યતા આપવી જોઈએ?
ઉત્તરઃ હાલ મુસ્લિમ સમાજ એક સંક્રાત્મક સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. સમાજમાં ઘણી બધી સમસ્યાઓ છે. એટલે એના ઉપાયો પણ અલગ રીતે વિચારવા પડે. મુખ્ય ઉપાય શિક્ષણ છે. સમાજ શિક્ષિત થશે તો લોકોમાં જાગૃતિ આવશે. જાગૃતિ આવશે તો આપણી ફરજો શું છે અને અધિકારો શું છે એની જાણ થશે. જાણ થશે તો જ આપણી વિરુદ્ધ ઊભી કરવામાં આવતી ગેરસમજો દૂર કરી શકીશું.
પ્રશ્નઃ સમાજ પ્રત્યે કંઇ કરવાની ભાવના રાખનારા યુવાસાથીના વાચક મિત્રોને આપ શું સંદેશ આપવા માંગો છો?
ઉત્તરઃ સમાજ સેવા સારી બાબત છે. લોકોની સેવા કરવાનો બોધ કુઆર્ન અને હદીસમાં પણ આપવામાં આવ્યો છે. એ માટે યુવાનોએ પોતે દક્ષ બનવું પડશે. વધુમાં વધુ જ્ઞાાન મેળવી બીજા કરતા વધારે કાબેલ બનવું પડશે. સ્કીલ્સ વિકસાવવી પડશે. અને સૌથી મોટી વાત સમગ્ર માનવજાત પ્રત્ય પ્રેમની ભાવના દૃઢ કરવી પડશે. સમાજ સેવાનું મૂળ જ માનવજાત અને અલ્લાહે સર્જેલા સર્જનો પ્રત્યે પ્રેમ રાખવો એ છે. દરરોજ કોઈક ને કોઈ સદ્કાર્ય કરવું જોઇએે, પછી ભલેને તુચ્છ લાગતું કામ જ કેમ ન હોય. ગરીબ બાળકોને ટયુશન આપી શકાય. નોટો-પુસ્તકો દ્વારા એમની મદદ કરી શકાય. એવા તો ઘણા કાર્યો છે. જે થકી સમાજ સેવા કરી શકાય. *
(સઈદ શેખ સાહેબનો સંપર્ક કરી આપ પણ આ સંદર્ભે મદદ લઈ શકો છો. આપનો નંબર ૯૬૨૪૦૪૬૬૭૭ છે. – સંપાદક મંડળ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો