આ બ્લૉગ શોધો

16 નવેમ્બર, 2016

પ્લેટો નું આદર્શ નગર : સંક્ષિપ્ત રસાસ્વાદ

                  વિશ્વના મહાન ફિલસૂફો માં ગ્રીક ફિલસૂફ પ્લેટો (ઈ.સ પૂર્વે ૪૪૮-ઈ સ પૂર્વે ૩૪૮,એથેન્સ)ની પણ ગણના થાય છે.સોક્રેટીસ ના શિષ્ય અને એરીસ્ટોટલ ના ગુરુ પ્લેટો એ પોતાની ફિલસુફી રજુ કરવા માટે સંવાદ શૈલી નો સહારો લીધો હતો.એનું સૌથી મહત્વનું ગ્રંથ " The Republic"(આદર્શ નગર) ગણાય છે.એમાં ચર્ચા કરનાર પાત્રો માં સોક્રેટીસ મુખ્ય છે.અહી  સંવાદો ભલે સોક્રેટીસ ના મુખે બોલાયેલ છે પરંતુ ફિલસુફી સંપૂર્ણ પણે પ્લેટો ની છે.વિશ્વના મહાન ગ્રંથો માં ધ રિપબ્લિક ની ગણના થાય છે.એમાંથી કેટલાક અંશો અહી રજુ કરું છું અને હું ઈચ્છું છું કે દરેક સાહિત્ય અને ફિલસુફી પ્રેમી આ ગ્રંથ પૂરે પૂરો વાંચે.
અહી રજુ કરેલા અંશો કદાચ બધા લોકો ને નહિ ગમે.દેશમાં હાલ માં જે સ્થિતિ છે એમાં આ વાત વધારે મહત્વ ની થઇ જાય છે.જોકે દરેકને મનપસંદ પાઘડી પહેરવાની છૂટ છે.......
*******                                                        ******                                                  *****
Plato Silanion Musei Capitolini MC1377.jpg

                    ધર્મ કરતા અધર્મ કદી વધારે ફાયદાકારક હોઈ શકે નહિ....કોણે પ્રજા અને કોણે શાસનકર્તા થવું જોઈએ ?..ઉમ્મરે નાના હોય તેમના પર વડીલો એ રાજ્ય કરવું જોઈએ..અને એમાના સૌથી સારા હોય તેમણે શાસન કરવું જોઈએ......... દરેક પ્રકારની છેતરપીંડી ને આપણે જાદુ કહી શકીએ.....જે રાજ્ય નો શાસક ફિલસૂફ હોય એ રાજ્ય જ સુખી થઇ શકે.... ફિલસૂફો જ્યાં સુધી રાજ્યકર્તાઓ નહિ થાય ત્યાં સુધી રાજ્યોને અને વ્યક્તિઓને અનિષ્ટમાંથી આરામ મેળવવાનો નથી,તેમજ આપણું આ કાલ્પનિક રાજ્ય કદી અસ્તિત્વ માં પણ આવી નહિ શકે.......
જુલ્મી રાજ્ય કઈ રીતે ઉત્પન્ન થાય છે?- પ્રજાસત્તાકવાદના મૂળમાંથી એ નીકળે છે... જે રીતે મુડીવાદી રાજ્યનો નાશ થાય છે,તેવીજ રીતે પ્રજાસત્તાક રાજ્ય નો પણ નાશ થાય છે.સ્વતંત્રતાથી વિફરેલો અને ઉત્કટ બનેલો એનો એ રોગ પ્રજાસત્તાક રાજ્યને અભિભૂત કરી નાખે છે....શું રાજ્યોમાં કે શું વ્યક્તિઓના જીવનમાં ,સ્વતંત્રતા ની અતિશયતા ગુલામીની અતિશયતામાં જ પરિણમતી દેખાય છે ..... અને આ રીતે પ્રજાસત્તાક રાજ્યમાંથી સ્વાભાવિક રીતેજ જુલ્મી રાજ્ય અને સ્વતંત્રતાના સૌથી અંતિમ પ્રકારમાંથી ભારેમાં ભારે ઉત્કટ પ્રકારના જુલમ અને ગુલામી ઉત્પન્ન થાય છે..........
હું આળસુ ઉડાઉ લોકોના વર્ગનો ઉલ્લેખ કરવા માંગતો હતો ,જેમાના વધારે શુરવીર હોય તે નેતાઓ થાય છે અને વધારે બીકણ અનુયાયીઓ થાય છે- એજ જેમને આપણે કેટલાક ડંખવાળા અને બીજા ડંખ વગરના ભમરાઓ ની સાથે સરખાવતા હતા.......મુડીવાદી રાજ્ય માં હોય છે એના કરતા પ્રજાસત્તાક રાજ્યમાં સ્વતંત્રતા ને લીધે સૌથી પહેલા ભમરા ઉલટા વધારે પેદા થાય છે .... અને પ્રજાસત્તાક રાજ્યમાં અવશ્ય એ વધારે ઉગ્ર બને છે .એમ કેમ ?કારણ મુડીવાદી રાજ્યમાં એમનો અધિકાર લઇ લેવામાં આવે છે તથા એમને હોદ્દામાંથી હાંકી કાઢવામાં આવે છે ,અને તેથી એમને (જરૂરી) શિક્ષણ મળતું નથી કે તેઓ નું બળ વધતું નથી ;જયારે પ્રજાસત્તાક રાજ્યમાં તો રાજ્યની સમસ્ત સત્તામાં લગભગ તેઓ જ ઘુસેલા હોય છે.અને એમના જેઓ વધારે ઉગ્ર હોય છે તેઓ વધારે બોલે છે અને બધું કરે છે ,ત્યારે બાકીના ભમરા ભાષણો કરવાના જાહેર સ્થળો ની આજુબાજુ ગણગણાટ કર્યા કરે છે અને વિરોધી પક્ષની તરફેણમાં એક શબ્દ સરખો પણ ઉચ્ચારાવા દેતા નથી ,આથી પ્રજાસત્તાક રાજ્યમાં ભમરાઓજ લગભગ બધો કારભાર કરે છે ....
સામાન્ય સમૂહ ની સાથે જેને કશો સંબંધ હોતો નથી એવો એક બીજો વર્ગ પણ હોય છે ..વણિક લોકોની પ્રજામાં જે અવશ્ય સૌથી વધારે ધનવાન તથા સુવ્યવસ્થા વાળો હોય છે તે વર્ગ...સૌથી વધારે નીચોવી શકાય એવા એ લોકો હોય છે અને ભમ્રાઓને એમાંથી સૌથી વધારે પ્રમાણમાં મધ મળી રહે છે ....આને ધનવાન વર્ગ કહેવામાં આવે છે ,અને ભમરાઓ તેમના પર નિભાવ કરે છે ..........
ત્રીજો વર્ગ પોતાના હાથે મજુરી કરીને રહેતા લોકો નો છે ; એ કઈ રાજનીતિજ્ઞ પુરુષો નથી ,અને પોતાનો નિભાવ થઇ શકે એવી કઈ બહુ મૂડી પણ એમની પાસે હોતી નથી.એકત્ર થાય ત્યારે સંખ્યાની દ્રષ્ટિ એ આ વર્ગ સૌથી મોટો છે ,તથા પ્રજાસત્તાક રાજ્યમાં એ વર્ગ પાસે સૌથી વધારે સત્તા હોય છે.... પણ વળી એ ટોળું ભાગ્યેજ એકઠું મળે છે સિવાયકે એમને થોડા પૈસા મળે એમ હોય.....
                                       લોકો હમેશા કોઈકને પોતાના માથે નેતા તરીકે સ્વીકારી લે છે ,અને એને મોટો બનાવ્યેજ જાય છે..... જે મૂળમાંથી જુલમગાર ઉત્પન્ન થાય છે તે આ જ અને બીજું કોઈ નહિ.જયારે એ જમીન ની બહાર ફૂટેલો દેખાય છે ત્યારે પહેલવહેલા તો એ પાલક તરીકે દેખા દે છે...પછી પાલક જુલમગાર કેવી રીતે થવા માંડે છે ?.. બીજા બલીના આંતરડાઓ સાથે ભેળાઈ ગયેલ એક પણ નરબલી ના આંતરડાઓ ના ટુકડાઓ નો જે કોઈ સ્વાદ લે તેને વરુ નો અવતાર આવે છે .... લોકોનો આ પાલક એમના જેવો હોય છે ,આખો પ્રાકૃત જન સમૂહ એની આજ્ઞાને આધીન હોય છે તેથી સગાઓ ના લોહી રેડતા પણ એ અટકતો નથી ,ખોટા અપરાધો લાદવાની મનગમતી પધ્ધતિની મદદથી ,આખા ને આખા માણસો ગુમ કરી દેતો તથા અપવિત્ર હોઠ અને જીભથી પોતાના પુરવાસી બંધુઓનું લોહી ચાખતો એ તેમને કોર્ટમાં ઘસડી જાય છે અને એમનું ખૂન કરે છે,કેટલાક ને એ મારી નાખે છે અને બીજાઓ ને એ દેશનિકાલ કરે છે,અને એજ વખતે બધા દેવા ફોક કરવાની તથા જમીન વહેંચી લેવાની એ સુચના કરે છે.અને આ પછી એનું ભાવી કેવું થશે?શું એના દુશ્મનો ના હાથે એનો નાશ નહિ થાય,અગર માણસ મટીને શું એ વરુ  એટલેકે જુલમગાર નહિ બને ?......                                                     (સોક્રેટીસ એ ) કહ્યું ધનવાન લોકો ની સામે પણ પક્ષ ઉભો કરનાર પણ આજ છે.આ જ.થોડા વખત પછી એને હાંકી કાઢવામાં આવે છે ,પણ એના દુશ્મનોના વિરોધ છતાં પુખ્ત જુલમગાર તરીકે એ પાછો આવે છે....હેર્મુસ (ગ્રીસ નું એક સ્થળ) ના કાંકરિયાળ કિનારે એ નાસે છે અને જરા પણ થોભતો નથી ,પોતે બીકણ છે એની એને શરમ પણ આવતી નથી.... કારણ કે જો એને શરમ આવતી હોય તો તે કદી ફરી શરમાવવું ન પડે એવુજ કઈ કરે ને ! પણ જો એ પકડાઈ જાય તો મુઓ જાણો....
   તે હવે પોતાના ભાર થી " સાદા ભોળાને મદદ કરતો " જણાતો નથી ,પણ કેટલાય માણસોને ઉથલાવી પાડનાર - પોતાના હાથમાં લગામ રાખીને રાજ્યમાં રથ માં ઉભો થાય છે - હવે જરા જેટલોય પાલક નહિ પણ કેવળ જુલમગાર!
.                   .... અને જે રાજ્યમાં આના જેવું પ્રાણી પેદા થાય છે ,તેનો તથા એ માણસના સુખનો પણ હવે આપણે વિચાર કરીશું..... પહેલાતો પોતાની સત્તા ના શરૂઆતના દિવસોમાં એ ખુબ હસમુખો હોય છે અને જે કોઈ મળે તે દરેકને સલામો ભરે છે ,જે જાહેરમાં તેમજ ખાનગી માં વચનો આપ્યા કરે છે એવાને જુલમગાર જાણવાનો છે!-દેવાદારો ને તે (દેવામાંથી ) મુક્ત કરતો તથા લોકો ને તેમજ પોતાના અનુયાયીઓને જમીન ની  વહેંચણી કરતો અને દરેક પ્રત્યે એટલો તો માયાળુ અને ભલો થવા પ્રયત્ન કરતો..... પરંતુ પરદેશી દુશ્મનો ને કાં તો જીતીને કે એમની સાથે સંધી કરીને એમને પતાવી દીધા પછી ,એમના તરફથી કોઈ પણ પ્રકારનો ભય રહ્યો ન હોય ,ત્યારે લોકો ને નેતાની જરૂર પડે તે ખાતર એ હરહમેશ કોઈ ને કોઈ પ્રકારનો વિગ્રહ ઉભો કરે છે......... કર ભરી ભરી ને લોકો ગરીબ થઇ જાય અને આ રીતે પોતાની જરુરીયાતો મેળવવામાં જ એમને પોતાનો બધો વખત ગાળવાની ફરજ પડે અને તેથી પોતાની સામે કાવત્રા કરવાનો સંભવ ઓછો થાય એ પણ શું એનો બીજોજ હેતુ નથી ? એ સ્પષ્ટ છે.અને એમાનો કોઈપણ સ્વતંત્ર થવાનો ઈરાદો રાખે છે , તથા એ પોતાના અધિકારની સામે થવા માંગે છે એવો એને શંશય જાય તો દુશ્મનો ની દયા પર ફેંકી એવાઓ ને નિકાલ કરવાનું એ કોઈ સારું બહાનું શોધી કાઢે છે.અને આ બધા કારણોને લીધે જુલમગાર ને હરહમેશ કોઈ ને કોઈ લડાઈ ઉભી કરવી પડે છે...... પછી એ લોકોમાં અપ્રિય થવા માંડે છે, એ આવશ્યક પરિણામ છે.....ત્યારબાદ એને ઉભો કરવામાં જેમને મદદ કરી હતી અને જેમની પાસે હજી પણ થોડી ઘણી સત્તા રહેલી છે તેમના કેટલાક એને પોતાને તથા આપસમાં પોતાના અભિપ્રાય દર્શાવે છે,અને જેઓ વધારે બહાદુર હોય તેઓ જે બની રહ્યું છે તે માથામાં વાગે એવું ચોખ્ખે ચોખ્ખું કહે છે..........
                          ...... અને જો જુલામ્ગારે રાજ્ય કરવું જ હોય તો તેણે એમનો નિકાલ કરી નાખવો જોઈએ; થોડી પણ શક્તિવાળો કોઈ માણસ, શું પછી ભલે એ એનો મિત્ર હોય કે દુશ્મન હોય પરંતુ એ જીવતો હોય ત્યાં સુધી એ જંપી શકે જ નહિ....... અને તેથી પોતાની આજુબાજુ કોણ શુરવીર છે ,કોણ ઉદારચરિત છે,કોણ વિવેકી છે,કોણ ધનવાન છે એ બાબત એને તપાસ રાખવી પડે છે.કેટલો સુખી માણસ-કારણકે એ બધાનો દુશ્મન છે,અને એની મરજી હોય કે ન હોય તોપણ રાજ્ય ને રેચ આપ્યાની જેમ એ બધાને સાફ ન કરી દે ત્યાં સુધી એમના વિરુદ્ધ નો કોઈ ને કોઈ પ્રસંગ એને શોધી કાઢવો પડે છે...... વૈધો શરીરને રેચ આપે છે એ પ્રકારનો એ નથી, કારણકે તેઓ ખરાબ તત્વો ને કાઢી નાખે છે ,અને સારા ને રાખે છે,પણ આ એનાથી ઉલટું કરે છે.જો એને રાજ્ય કરવું જ હોય તો એનાથી બીજું કરી શકાય જ નહિ એમ હું માનું છું...... કેટલાય ખરાબ લોકો ધિક્કારતા હોય,અને એમની વચ્ચે રહેવાની ફરજ પડે અથવા બીજી બાજુ મૃત્યુ - એ તે કેવો ધન્ય વિકલ્પ! હા, એ સિવાય ત્રીજો વિકલ્પ નથી........... જુલમગાર તે કેવું ધન્ય પ્રાણી હોવું જોઈએ ,એણે બીજોઓને મારી નાખ્યા અને પોતાના વિશ્વાસુ મિત્રો તરીકે અવને સ્વીકારે છે!......
...... સારા લોકો એને ધિક્કારે છે અને એના સંગ થી દુર રહે છે.
                         ..... નગર રાજ્યમાં જો દેવદ્રવ્યના પવિત્ર ભંડારો હશે,તો તે જપ્ત કરીને એ ખર્ચવા માંડશે; અને માણસોની માલમિલકત જપ્ત કરવામાં આવી હોય તેટલા પૂરતા જે કરો તેને લોકો ઉપર નાખવા પડ્યા હોય તેને તે ઓછા કરી શકે છે................જુલમગાર બળજબળી કરશે? શું એનો બાપ એની સામે થાય તો એને મારશે!.......ખરેખરો જુલમ તો આ જ .......કહેવતમાં કહ્યું છે તે પ્રમાણે સ્વતંત્ર પુરવાસીઓની ગુલામીની ઉલમાંથી બચવા લોકો ગુલામો પર ગુજારતા જુલમ રૂપી  ચૂલ માં પડે છે ; આવી રીતે તમામ વ્યવસ્થા અને વિવેકમાંથી છટકી જઈને ગુલામીના સૌથી વધારે કઠોર અને કડવા રૂપમાં સ્વતંત્રતા સરી પડે છે....
...... સ્વભાવ કે ટેવ અથવા બંનેની અસરને લીધે જયારે માનસ દારૂડિયો,માંનોવીકારવાળો અને વિષયાંધ બની જાય ત્યારે શબ્દના સાચા અર્થમાં જુલમગાર પેદા થાય છે..........જુલમગારો  ખરેખરી સ્વતંત્રતા કે મિત્રાચારી કદી અનુભવી શકતા નથી ... અને એવા માણસોને શું ખરેખર હરામી ન કહી શકાય? એ બાબતે પ્રશ્ન જ ન હોઈ શકે......... સ્વભાવ થી જ જેનામાં જુલમ્ગાર નો અંશ સૌથી વધારે પ્રમાણમાં છે તેવો શાસનકર્તા તે આ છે , અને એ જેટલું વધારે જીવે છે તેટલો એ વધારે જુલમગાર થાય છે..........
.... અને જે દૃષ્ટમાં દૃષ્ટ છે ...તે શું સૌથી વધારે દુખી પણ નહિ હોય?.....હા અચૂક .....જુલ્મી રાજ્યવ્યવસ્થા કંગાળ માં કંગાળ પ્રકારની છે અને એક રાજાનું શાસન સુખીમાં સુખી છે ....
જે નગર રાજ્યમાં જુલમ્ગાર નું શાસન હોય તેને તમે શું કહેશો સ્વતંત્ર કે પરતંત્ર ?... બીજું એકે નગર રાજ્ય એનાથી વધારે પૂરેપૂરું પરતંત્ર ન હોઈ શકે....
                      જુલમ ગારની અંદર જે આત્માં રહેલો છે તેનામાં પોતાની જે કઈ ઈચ્છા હોય તે પ્રમાણે આચરવાની ઓછામાં ઓછી શક્તિ હોય છે ,એને કોઈ ને  બગઈ કરડતી જ હોય છે તથા તેનામાં કલેશ અને પશ્ચ્યાતાપ ભરેલા જ રહે છે.....જુલમગાર ના શાસન નીચેનું નગર રાજ્ય ધનવાન છે કે ગરીબ? ગરીબ ....
જે જુલમગાર માણસમાં (અધમ) ઈચ્છાઓ તથા મનોવીકારનું તોફાન મચેલું હોય છે તેના કરતા બીજા કોઈ માણસમાં તમને આ જાતનું દુખ વધારે પ્રમાણમાં મળી આવશે ખરું ?અશક્ય ........
બધા માણસો કરતા એ (જુલમગાર ) ઘણોજ દુખી છે .....એના સમસ્ત આત્માનું નિરીક્ષણ કેમ કરવું એ જો તમે જાણતા હો તો તમને ખબર પડશે કે એનામાં ખરેખરું દારિદ્ર રહેલું છે;આખી જીન્દગીભર એને ભય લાગ્યા જ કરે છે,.... એને તાણ આવતી હોય છે ....સત્તા મળવાથી એ ઉલટો વધારે દૃષ્ટ થાય છે : પહેલા હતો તેના કરતા એ વધારે ઈર્ષ્યાળુ વધારે વિશ્વાશ્ઘાતી,વધારે અધર્મી,વધારે મિત્રહીન અને વધારે અપવિત્ર થાય છે અને અવશ્ય એ એવો છે જ;દરેક પ્રકારના દુર્ગુણમાં એ મગરૂરી લે છે,અને એની સામગ્રી પણ પૂરી પાડે છે,અને પરિણામ એ આવે છે કે એ પરમ દુખી થાય છે તથા એ બીજા બધાને પોતાના જેટલાજ દુખી કરે છે                      ....પોતાના દુઃખમાં થી મુક્ત થવા કરતા બીજા કશામાં વધારે સુખ નથી .....જુલમગાર એટલે સુધી જાય છે કે ખોટા સુખની હદને પણ એ ઉલ્લંઘી જાય છે ;નિયમ તથા બુદ્ધિના પ્રદેશમાંથી એ નાસી છૂટેલો હોય છે ,અને જે કેટલાક ગુલામી સુખો એના ઉપગ્રહો જેવા છે તેની સાથે એ વસે છે .....
(આ અંશો ગુજરાત વિદ્યાસભા ,અમદાવાદ થી પ્રસિદ્ધ થયેલ ગ્રંથ " પ્લેટો નું આદર્શ નગર " અનુવાદક : શ્રી પ્રાણજીવન વી.પાઠક , માંથી સાભાર લીધેલ છે.)

10 નવેમ્બર, 2016

મારો ઇન્ટરવ્યુ યુવા સાથી મેગેઝીન માં ...


સમગ્ર માનવજાત પ્રત્યે પ્રેમની ભાવના દૃઢ કરવી પડશે : રાહબર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી

(સંસ્થા પરિચય માટેની આ અંકની પ્રસ્તુતિમાં રાહબર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ સઈદ શેખ સાહેબએ અમારી સાથે વાતચીત કરી જેના કેટલા અંશો અમારા વાંચકો માટે રજૂ કરીએ છીએ. – સંપાદક મંડળ)
પ્રશ્નઃ આપનો ટુંક પરિચય?
ઉત્તરઃ નામ: શેખ મોહમ્મદ સઈદ. બી.ઈ સિવીલ કન્સલ્ટીંગ સિવીલ એન્જિનીયર છું. એનાર્ચ કન્સલ્ટન્ટ્સ નામની ફર્મનો માલિક છું. સિવીલ એન્જીનીયર હોવા ઉપરાંત રાહબરના પ્રમુખ તરીકે ફરજ અદા કરૃં છું. યુવાસાથી અને શાહીન સાપ્તાહિકમાં લેખો પણ લખું છું.
પ્રશ્નઃ રાહબર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીની સ્થાપના ક્યારે થઈ?
ઉત્તરઃ આજના અતિ ગતિશીલ યુગમાં મુસ્લિમ સમાજ અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. જેમાંથી મુખ્ય સમસ્યાઓ છે શિક્ષણ અને રોજગાર. દેશના અન્ય સમાજોની તુલનામાં મુસ્લિમ સમાજે આઝાદીના ૭૦ વર્ષો પછી પણ કરવી જોઈએ તેટલી પ્રગતિ કરી નથી ત્યારે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એ ખૂબ જરૃરી છે. આજના હરીફાઈના યુગમાં જો મુસ્લિમોએ પ્રગતિ કરવી હોય તો સારૃં શિક્ષણ મેળવી નોકરીઓ માટેની સ્પર્ધામાં મજબૂતાઈથી ઉતરવું પડશે. મુસ્લિમ સમાજના શિક્ષિત યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેતા થાય. તેમાં ટકી રહી સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે અહમદાબાદમાં વર્ષ ૨૦૧૧થી “રાહબર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર  સોસાયટી” કાર્યરત છે. જેમાં મુસ્લિમ શિક્ષિત યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત તાલીમ આપવામાં આવે છે.
પ્રશ્નઃ આપને સંસ્થા શરૃ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
ઉત્તરઃ છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક નોકરીઓ માટેની જગ્યાઓ પર મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાય છે. ત્યારે આપણા સમાજના અનેક શિક્ષિત વિદ્યાર્થીઓ કારકિર્દીને લઈને અંધારામાં હોય તેવું લાગતા આ કદમ ઉપાડયું અને આપણા સમાજના શિક્ષિત યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે તે હેતુથી આ સંસ્થાની સ્થાપના કરી.
પ્રશ્નઃ “રાહબર” નામ કેમ કેમ રાખ્યું?
ઉત્તરઃ રાહબર એટલે માર્ગદર્શક. સમાજના શિક્ષિત યુવાનોને કારકિર્દી ઘડવામાં યોગ્ય માર્ગદર્શન આપી તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર કરી શકીએ તે હેતુથી અમે રાહબર બનવા પ્રયત્નશીલ છીએ.
પ્રશ્નઃ સંસ્થાના તાલીમ વર્ગો ક્યાં-ક્યાં ચાલે છે અને હાલમાં કેટલા તાલીમાર્થીઓ તાલીમ લે છે?
ઉત્તરઃ હાલ તો બે જગ્યાએ વર્ગો ચાલે છે જેમાં અહમદાબાદના દાણીલીમડામાં એમ.એસ. પબ્લિક સ્કૂલ ખાતે અને રીલીફ રોડ ખાતેના સુલ્તાન અહમદ મુસ્લિમ યતીમખાના સંકુલમાં સપ્તાહમાં ૬ દિવસ સાંજે ૬ થી ૮.૩૦ સુધી વર્ગો ચાલે છે. બંને વર્ગોના થઈને ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે.
પ્રશ્નઃ કયા પ્રકારની તૈયારીઓ કરાવો છો?
ઉત્તરઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જુદા-જુદા વિષયના ઉમેદવારોના લેકચર ગોઠવી વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરે તે દિશામાં પ્રયત્નશીલ છીએ.
પ્રશ્નઃ અત્યાર સુધી કેટલા ઉમેદવારો સફળ થયા છે?
ઉત્તરઃ પાંચ વર્ષમાં અમારી સંસ્થા સાથે સંલગ્ન ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓએ જુદી-જુદી સરકારી નોકરીઓ મેળવી છે.
પ્રશ્નઃ સંસ્થાનું ભવિષ્યનું શું આયોજન છે?
ઉત્તરઃ IAS/IPSની તૈયારી માટેના વર્ગો શરૃ કરવા છે. ગુજરાતની મુસ્લિમ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે જાગૃતિ આપવા માટે માર્ગદર્શન અને મોટીવેશન લેકચર આપવાનું આયોજન છે.
પ્રશ્નઃ ફંડ અંગે શું કરો છો?
ઉત્તરઃ હાલ તો ટ્રસ્ટીઓ પોતાના ખર્ચે જ બધું કરે છે. જ્યારે કેટલીકવાર કોઈ મિત્રો થોડી ઘણી મદદ કરી દે છે. જ્યારે તાલીમ વર્ગો ચલાવવા શાળાએ મફત સગવડ કરી આપી છે.
પ્રશ્નઃ અહમદાબાદ બહાર પણ તાલીમ વર્ગો શરૃ કરવાની કોઈ યોજના છે?
ઉત્તરઃ અહમદાબાદ બહાર પણ તાલીમી વર્ગો ખોલવા માટે ઘણી સંસ્થાઓ અમારો સંપર્ક કરે છે. પરોક્ષ રીતે અમે એ સંસ્થાઓને કલાસ કેવી રીતે ચલાવવા? શું ભણાવવું ? વગેરે માર્ગદર્શન આપીએ છીએ. ઘણી સંસ્થાઓમાં જઈ અમે માર્ગદર્શન ઉપરાંત મોટીવેશનલ લેકચર પણ આપીએ છીએ. જે કોઈ શાળા કે સંસ્થાને કારકિર્દી માર્ગદર્શન અને મોટીવેશનલ લેકચર ગોઠવવા હોય એ અમારો સંપર્ક કરી શકે છે.
પ્રશ્નઃ તમારા મત મુજબ હાલના તબક્કે મુસ્લિમ સમાજે કઈ બાબતોને પ્રાધાન્યતા આપવી જોઈએ?
ઉત્તરઃ હાલ મુસ્લિમ સમાજ એક સંક્રાત્મક સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. સમાજમાં ઘણી બધી સમસ્યાઓ છે. એટલે એના ઉપાયો પણ અલગ રીતે વિચારવા પડે. મુખ્ય ઉપાય શિક્ષણ છે. સમાજ શિક્ષિત થશે તો લોકોમાં જાગૃતિ આવશે. જાગૃતિ આવશે તો આપણી ફરજો શું છે અને અધિકારો શું છે એની જાણ થશે. જાણ થશે તો જ આપણી વિરુદ્ધ ઊભી કરવામાં આવતી ગેરસમજો દૂર કરી શકીશું.
પ્રશ્નઃ સમાજ પ્રત્યે કંઇ કરવાની ભાવના રાખનારા યુવાસાથીના વાચક મિત્રોને આપ શું સંદેશ આપવા માંગો છો?
ઉત્તરઃ સમાજ સેવા સારી બાબત છે. લોકોની સેવા કરવાનો બોધ કુઆર્ન અને હદીસમાં પણ આપવામાં આવ્યો છે. એ માટે યુવાનોએ પોતે દક્ષ બનવું પડશે. વધુમાં વધુ જ્ઞાાન મેળવી બીજા કરતા વધારે કાબેલ બનવું પડશે. સ્કીલ્સ વિકસાવવી પડશે. અને સૌથી મોટી વાત સમગ્ર માનવજાત પ્રત્ય પ્રેમની ભાવના દૃઢ કરવી પડશે. સમાજ સેવાનું મૂળ જ માનવજાત અને અલ્લાહે સર્જેલા સર્જનો પ્રત્યે પ્રેમ રાખવો એ છે. દરરોજ કોઈક ને કોઈ સદ્કાર્ય કરવું જોઇએે, પછી ભલેને તુચ્છ લાગતું કામ જ કેમ ન હોય. ગરીબ બાળકોને ટયુશન આપી શકાય. નોટો-પુસ્તકો દ્વારા એમની મદદ કરી શકાય. એવા તો ઘણા કાર્યો છે. જે થકી સમાજ સેવા કરી શકાય. *
(સઈદ શેખ સાહેબનો સંપર્ક કરી આપ પણ આ સંદર્ભે મદદ લઈ શકો છો. આપનો નંબર ૯૬૨૪૦૪૬૬૭૭ છે. – સંપાદક મંડળ)

સાભાર : યુવા સાથી મેગેઝીન