આ બ્લૉગ શોધો

16 નવેમ્બર, 2016

પ્લેટો નું આદર્શ નગર : સંક્ષિપ્ત રસાસ્વાદ

                  વિશ્વના મહાન ફિલસૂફો માં ગ્રીક ફિલસૂફ પ્લેટો (ઈ.સ પૂર્વે ૪૪૮-ઈ સ પૂર્વે ૩૪૮,એથેન્સ)ની પણ ગણના થાય છે.સોક્રેટીસ ના શિષ્ય અને એરીસ્ટોટલ ના ગુરુ પ્લેટો એ પોતાની ફિલસુફી રજુ કરવા માટે સંવાદ શૈલી નો સહારો લીધો હતો.એનું સૌથી મહત્વનું ગ્રંથ " The Republic"(આદર્શ નગર) ગણાય છે.એમાં ચર્ચા કરનાર પાત્રો માં સોક્રેટીસ મુખ્ય છે.અહી  સંવાદો ભલે સોક્રેટીસ ના મુખે બોલાયેલ છે પરંતુ ફિલસુફી સંપૂર્ણ પણે પ્લેટો ની છે.વિશ્વના મહાન ગ્રંથો માં ધ રિપબ્લિક ની ગણના થાય છે.એમાંથી કેટલાક અંશો અહી રજુ કરું છું અને હું ઈચ્છું છું કે દરેક સાહિત્ય અને ફિલસુફી પ્રેમી આ ગ્રંથ પૂરે પૂરો વાંચે.
અહી રજુ કરેલા અંશો કદાચ બધા લોકો ને નહિ ગમે.દેશમાં હાલ માં જે સ્થિતિ છે એમાં આ વાત વધારે મહત્વ ની થઇ જાય છે.જોકે દરેકને મનપસંદ પાઘડી પહેરવાની છૂટ છે.......
*******                                                        ******                                                  *****
Plato Silanion Musei Capitolini MC1377.jpg

                    ધર્મ કરતા અધર્મ કદી વધારે ફાયદાકારક હોઈ શકે નહિ....કોણે પ્રજા અને કોણે શાસનકર્તા થવું જોઈએ ?..ઉમ્મરે નાના હોય તેમના પર વડીલો એ રાજ્ય કરવું જોઈએ..અને એમાના સૌથી સારા હોય તેમણે શાસન કરવું જોઈએ......... દરેક પ્રકારની છેતરપીંડી ને આપણે જાદુ કહી શકીએ.....જે રાજ્ય નો શાસક ફિલસૂફ હોય એ રાજ્ય જ સુખી થઇ શકે.... ફિલસૂફો જ્યાં સુધી રાજ્યકર્તાઓ નહિ થાય ત્યાં સુધી રાજ્યોને અને વ્યક્તિઓને અનિષ્ટમાંથી આરામ મેળવવાનો નથી,તેમજ આપણું આ કાલ્પનિક રાજ્ય કદી અસ્તિત્વ માં પણ આવી નહિ શકે.......
જુલ્મી રાજ્ય કઈ રીતે ઉત્પન્ન થાય છે?- પ્રજાસત્તાકવાદના મૂળમાંથી એ નીકળે છે... જે રીતે મુડીવાદી રાજ્યનો નાશ થાય છે,તેવીજ રીતે પ્રજાસત્તાક રાજ્ય નો પણ નાશ થાય છે.સ્વતંત્રતાથી વિફરેલો અને ઉત્કટ બનેલો એનો એ રોગ પ્રજાસત્તાક રાજ્યને અભિભૂત કરી નાખે છે....શું રાજ્યોમાં કે શું વ્યક્તિઓના જીવનમાં ,સ્વતંત્રતા ની અતિશયતા ગુલામીની અતિશયતામાં જ પરિણમતી દેખાય છે ..... અને આ રીતે પ્રજાસત્તાક રાજ્યમાંથી સ્વાભાવિક રીતેજ જુલ્મી રાજ્ય અને સ્વતંત્રતાના સૌથી અંતિમ પ્રકારમાંથી ભારેમાં ભારે ઉત્કટ પ્રકારના જુલમ અને ગુલામી ઉત્પન્ન થાય છે..........
હું આળસુ ઉડાઉ લોકોના વર્ગનો ઉલ્લેખ કરવા માંગતો હતો ,જેમાના વધારે શુરવીર હોય તે નેતાઓ થાય છે અને વધારે બીકણ અનુયાયીઓ થાય છે- એજ જેમને આપણે કેટલાક ડંખવાળા અને બીજા ડંખ વગરના ભમરાઓ ની સાથે સરખાવતા હતા.......મુડીવાદી રાજ્ય માં હોય છે એના કરતા પ્રજાસત્તાક રાજ્યમાં સ્વતંત્રતા ને લીધે સૌથી પહેલા ભમરા ઉલટા વધારે પેદા થાય છે .... અને પ્રજાસત્તાક રાજ્યમાં અવશ્ય એ વધારે ઉગ્ર બને છે .એમ કેમ ?કારણ મુડીવાદી રાજ્યમાં એમનો અધિકાર લઇ લેવામાં આવે છે તથા એમને હોદ્દામાંથી હાંકી કાઢવામાં આવે છે ,અને તેથી એમને (જરૂરી) શિક્ષણ મળતું નથી કે તેઓ નું બળ વધતું નથી ;જયારે પ્રજાસત્તાક રાજ્યમાં તો રાજ્યની સમસ્ત સત્તામાં લગભગ તેઓ જ ઘુસેલા હોય છે.અને એમના જેઓ વધારે ઉગ્ર હોય છે તેઓ વધારે બોલે છે અને બધું કરે છે ,ત્યારે બાકીના ભમરા ભાષણો કરવાના જાહેર સ્થળો ની આજુબાજુ ગણગણાટ કર્યા કરે છે અને વિરોધી પક્ષની તરફેણમાં એક શબ્દ સરખો પણ ઉચ્ચારાવા દેતા નથી ,આથી પ્રજાસત્તાક રાજ્યમાં ભમરાઓજ લગભગ બધો કારભાર કરે છે ....
સામાન્ય સમૂહ ની સાથે જેને કશો સંબંધ હોતો નથી એવો એક બીજો વર્ગ પણ હોય છે ..વણિક લોકોની પ્રજામાં જે અવશ્ય સૌથી વધારે ધનવાન તથા સુવ્યવસ્થા વાળો હોય છે તે વર્ગ...સૌથી વધારે નીચોવી શકાય એવા એ લોકો હોય છે અને ભમ્રાઓને એમાંથી સૌથી વધારે પ્રમાણમાં મધ મળી રહે છે ....આને ધનવાન વર્ગ કહેવામાં આવે છે ,અને ભમરાઓ તેમના પર નિભાવ કરે છે ..........
ત્રીજો વર્ગ પોતાના હાથે મજુરી કરીને રહેતા લોકો નો છે ; એ કઈ રાજનીતિજ્ઞ પુરુષો નથી ,અને પોતાનો નિભાવ થઇ શકે એવી કઈ બહુ મૂડી પણ એમની પાસે હોતી નથી.એકત્ર થાય ત્યારે સંખ્યાની દ્રષ્ટિ એ આ વર્ગ સૌથી મોટો છે ,તથા પ્રજાસત્તાક રાજ્યમાં એ વર્ગ પાસે સૌથી વધારે સત્તા હોય છે.... પણ વળી એ ટોળું ભાગ્યેજ એકઠું મળે છે સિવાયકે એમને થોડા પૈસા મળે એમ હોય.....
                                       લોકો હમેશા કોઈકને પોતાના માથે નેતા તરીકે સ્વીકારી લે છે ,અને એને મોટો બનાવ્યેજ જાય છે..... જે મૂળમાંથી જુલમગાર ઉત્પન્ન થાય છે તે આ જ અને બીજું કોઈ નહિ.જયારે એ જમીન ની બહાર ફૂટેલો દેખાય છે ત્યારે પહેલવહેલા તો એ પાલક તરીકે દેખા દે છે...પછી પાલક જુલમગાર કેવી રીતે થવા માંડે છે ?.. બીજા બલીના આંતરડાઓ સાથે ભેળાઈ ગયેલ એક પણ નરબલી ના આંતરડાઓ ના ટુકડાઓ નો જે કોઈ સ્વાદ લે તેને વરુ નો અવતાર આવે છે .... લોકોનો આ પાલક એમના જેવો હોય છે ,આખો પ્રાકૃત જન સમૂહ એની આજ્ઞાને આધીન હોય છે તેથી સગાઓ ના લોહી રેડતા પણ એ અટકતો નથી ,ખોટા અપરાધો લાદવાની મનગમતી પધ્ધતિની મદદથી ,આખા ને આખા માણસો ગુમ કરી દેતો તથા અપવિત્ર હોઠ અને જીભથી પોતાના પુરવાસી બંધુઓનું લોહી ચાખતો એ તેમને કોર્ટમાં ઘસડી જાય છે અને એમનું ખૂન કરે છે,કેટલાક ને એ મારી નાખે છે અને બીજાઓ ને એ દેશનિકાલ કરે છે,અને એજ વખતે બધા દેવા ફોક કરવાની તથા જમીન વહેંચી લેવાની એ સુચના કરે છે.અને આ પછી એનું ભાવી કેવું થશે?શું એના દુશ્મનો ના હાથે એનો નાશ નહિ થાય,અગર માણસ મટીને શું એ વરુ  એટલેકે જુલમગાર નહિ બને ?......                                                     (સોક્રેટીસ એ ) કહ્યું ધનવાન લોકો ની સામે પણ પક્ષ ઉભો કરનાર પણ આજ છે.આ જ.થોડા વખત પછી એને હાંકી કાઢવામાં આવે છે ,પણ એના દુશ્મનોના વિરોધ છતાં પુખ્ત જુલમગાર તરીકે એ પાછો આવે છે....હેર્મુસ (ગ્રીસ નું એક સ્થળ) ના કાંકરિયાળ કિનારે એ નાસે છે અને જરા પણ થોભતો નથી ,પોતે બીકણ છે એની એને શરમ પણ આવતી નથી.... કારણ કે જો એને શરમ આવતી હોય તો તે કદી ફરી શરમાવવું ન પડે એવુજ કઈ કરે ને ! પણ જો એ પકડાઈ જાય તો મુઓ જાણો....
   તે હવે પોતાના ભાર થી " સાદા ભોળાને મદદ કરતો " જણાતો નથી ,પણ કેટલાય માણસોને ઉથલાવી પાડનાર - પોતાના હાથમાં લગામ રાખીને રાજ્યમાં રથ માં ઉભો થાય છે - હવે જરા જેટલોય પાલક નહિ પણ કેવળ જુલમગાર!
.                   .... અને જે રાજ્યમાં આના જેવું પ્રાણી પેદા થાય છે ,તેનો તથા એ માણસના સુખનો પણ હવે આપણે વિચાર કરીશું..... પહેલાતો પોતાની સત્તા ના શરૂઆતના દિવસોમાં એ ખુબ હસમુખો હોય છે અને જે કોઈ મળે તે દરેકને સલામો ભરે છે ,જે જાહેરમાં તેમજ ખાનગી માં વચનો આપ્યા કરે છે એવાને જુલમગાર જાણવાનો છે!-દેવાદારો ને તે (દેવામાંથી ) મુક્ત કરતો તથા લોકો ને તેમજ પોતાના અનુયાયીઓને જમીન ની  વહેંચણી કરતો અને દરેક પ્રત્યે એટલો તો માયાળુ અને ભલો થવા પ્રયત્ન કરતો..... પરંતુ પરદેશી દુશ્મનો ને કાં તો જીતીને કે એમની સાથે સંધી કરીને એમને પતાવી દીધા પછી ,એમના તરફથી કોઈ પણ પ્રકારનો ભય રહ્યો ન હોય ,ત્યારે લોકો ને નેતાની જરૂર પડે તે ખાતર એ હરહમેશ કોઈ ને કોઈ પ્રકારનો વિગ્રહ ઉભો કરે છે......... કર ભરી ભરી ને લોકો ગરીબ થઇ જાય અને આ રીતે પોતાની જરુરીયાતો મેળવવામાં જ એમને પોતાનો બધો વખત ગાળવાની ફરજ પડે અને તેથી પોતાની સામે કાવત્રા કરવાનો સંભવ ઓછો થાય એ પણ શું એનો બીજોજ હેતુ નથી ? એ સ્પષ્ટ છે.અને એમાનો કોઈપણ સ્વતંત્ર થવાનો ઈરાદો રાખે છે , તથા એ પોતાના અધિકારની સામે થવા માંગે છે એવો એને શંશય જાય તો દુશ્મનો ની દયા પર ફેંકી એવાઓ ને નિકાલ કરવાનું એ કોઈ સારું બહાનું શોધી કાઢે છે.અને આ બધા કારણોને લીધે જુલમગાર ને હરહમેશ કોઈ ને કોઈ લડાઈ ઉભી કરવી પડે છે...... પછી એ લોકોમાં અપ્રિય થવા માંડે છે, એ આવશ્યક પરિણામ છે.....ત્યારબાદ એને ઉભો કરવામાં જેમને મદદ કરી હતી અને જેમની પાસે હજી પણ થોડી ઘણી સત્તા રહેલી છે તેમના કેટલાક એને પોતાને તથા આપસમાં પોતાના અભિપ્રાય દર્શાવે છે,અને જેઓ વધારે બહાદુર હોય તેઓ જે બની રહ્યું છે તે માથામાં વાગે એવું ચોખ્ખે ચોખ્ખું કહે છે..........
                          ...... અને જો જુલામ્ગારે રાજ્ય કરવું જ હોય તો તેણે એમનો નિકાલ કરી નાખવો જોઈએ; થોડી પણ શક્તિવાળો કોઈ માણસ, શું પછી ભલે એ એનો મિત્ર હોય કે દુશ્મન હોય પરંતુ એ જીવતો હોય ત્યાં સુધી એ જંપી શકે જ નહિ....... અને તેથી પોતાની આજુબાજુ કોણ શુરવીર છે ,કોણ ઉદારચરિત છે,કોણ વિવેકી છે,કોણ ધનવાન છે એ બાબત એને તપાસ રાખવી પડે છે.કેટલો સુખી માણસ-કારણકે એ બધાનો દુશ્મન છે,અને એની મરજી હોય કે ન હોય તોપણ રાજ્ય ને રેચ આપ્યાની જેમ એ બધાને સાફ ન કરી દે ત્યાં સુધી એમના વિરુદ્ધ નો કોઈ ને કોઈ પ્રસંગ એને શોધી કાઢવો પડે છે...... વૈધો શરીરને રેચ આપે છે એ પ્રકારનો એ નથી, કારણકે તેઓ ખરાબ તત્વો ને કાઢી નાખે છે ,અને સારા ને રાખે છે,પણ આ એનાથી ઉલટું કરે છે.જો એને રાજ્ય કરવું જ હોય તો એનાથી બીજું કરી શકાય જ નહિ એમ હું માનું છું...... કેટલાય ખરાબ લોકો ધિક્કારતા હોય,અને એમની વચ્ચે રહેવાની ફરજ પડે અથવા બીજી બાજુ મૃત્યુ - એ તે કેવો ધન્ય વિકલ્પ! હા, એ સિવાય ત્રીજો વિકલ્પ નથી........... જુલમગાર તે કેવું ધન્ય પ્રાણી હોવું જોઈએ ,એણે બીજોઓને મારી નાખ્યા અને પોતાના વિશ્વાસુ મિત્રો તરીકે અવને સ્વીકારે છે!......
...... સારા લોકો એને ધિક્કારે છે અને એના સંગ થી દુર રહે છે.
                         ..... નગર રાજ્યમાં જો દેવદ્રવ્યના પવિત્ર ભંડારો હશે,તો તે જપ્ત કરીને એ ખર્ચવા માંડશે; અને માણસોની માલમિલકત જપ્ત કરવામાં આવી હોય તેટલા પૂરતા જે કરો તેને લોકો ઉપર નાખવા પડ્યા હોય તેને તે ઓછા કરી શકે છે................જુલમગાર બળજબળી કરશે? શું એનો બાપ એની સામે થાય તો એને મારશે!.......ખરેખરો જુલમ તો આ જ .......કહેવતમાં કહ્યું છે તે પ્રમાણે સ્વતંત્ર પુરવાસીઓની ગુલામીની ઉલમાંથી બચવા લોકો ગુલામો પર ગુજારતા જુલમ રૂપી  ચૂલ માં પડે છે ; આવી રીતે તમામ વ્યવસ્થા અને વિવેકમાંથી છટકી જઈને ગુલામીના સૌથી વધારે કઠોર અને કડવા રૂપમાં સ્વતંત્રતા સરી પડે છે....
...... સ્વભાવ કે ટેવ અથવા બંનેની અસરને લીધે જયારે માનસ દારૂડિયો,માંનોવીકારવાળો અને વિષયાંધ બની જાય ત્યારે શબ્દના સાચા અર્થમાં જુલમગાર પેદા થાય છે..........જુલમગારો  ખરેખરી સ્વતંત્રતા કે મિત્રાચારી કદી અનુભવી શકતા નથી ... અને એવા માણસોને શું ખરેખર હરામી ન કહી શકાય? એ બાબતે પ્રશ્ન જ ન હોઈ શકે......... સ્વભાવ થી જ જેનામાં જુલમ્ગાર નો અંશ સૌથી વધારે પ્રમાણમાં છે તેવો શાસનકર્તા તે આ છે , અને એ જેટલું વધારે જીવે છે તેટલો એ વધારે જુલમગાર થાય છે..........
.... અને જે દૃષ્ટમાં દૃષ્ટ છે ...તે શું સૌથી વધારે દુખી પણ નહિ હોય?.....હા અચૂક .....જુલ્મી રાજ્યવ્યવસ્થા કંગાળ માં કંગાળ પ્રકારની છે અને એક રાજાનું શાસન સુખીમાં સુખી છે ....
જે નગર રાજ્યમાં જુલમ્ગાર નું શાસન હોય તેને તમે શું કહેશો સ્વતંત્ર કે પરતંત્ર ?... બીજું એકે નગર રાજ્ય એનાથી વધારે પૂરેપૂરું પરતંત્ર ન હોઈ શકે....
                      જુલમ ગારની અંદર જે આત્માં રહેલો છે તેનામાં પોતાની જે કઈ ઈચ્છા હોય તે પ્રમાણે આચરવાની ઓછામાં ઓછી શક્તિ હોય છે ,એને કોઈ ને  બગઈ કરડતી જ હોય છે તથા તેનામાં કલેશ અને પશ્ચ્યાતાપ ભરેલા જ રહે છે.....જુલમગાર ના શાસન નીચેનું નગર રાજ્ય ધનવાન છે કે ગરીબ? ગરીબ ....
જે જુલમગાર માણસમાં (અધમ) ઈચ્છાઓ તથા મનોવીકારનું તોફાન મચેલું હોય છે તેના કરતા બીજા કોઈ માણસમાં તમને આ જાતનું દુખ વધારે પ્રમાણમાં મળી આવશે ખરું ?અશક્ય ........
બધા માણસો કરતા એ (જુલમગાર ) ઘણોજ દુખી છે .....એના સમસ્ત આત્માનું નિરીક્ષણ કેમ કરવું એ જો તમે જાણતા હો તો તમને ખબર પડશે કે એનામાં ખરેખરું દારિદ્ર રહેલું છે;આખી જીન્દગીભર એને ભય લાગ્યા જ કરે છે,.... એને તાણ આવતી હોય છે ....સત્તા મળવાથી એ ઉલટો વધારે દૃષ્ટ થાય છે : પહેલા હતો તેના કરતા એ વધારે ઈર્ષ્યાળુ વધારે વિશ્વાશ્ઘાતી,વધારે અધર્મી,વધારે મિત્રહીન અને વધારે અપવિત્ર થાય છે અને અવશ્ય એ એવો છે જ;દરેક પ્રકારના દુર્ગુણમાં એ મગરૂરી લે છે,અને એની સામગ્રી પણ પૂરી પાડે છે,અને પરિણામ એ આવે છે કે એ પરમ દુખી થાય છે તથા એ બીજા બધાને પોતાના જેટલાજ દુખી કરે છે                      ....પોતાના દુઃખમાં થી મુક્ત થવા કરતા બીજા કશામાં વધારે સુખ નથી .....જુલમગાર એટલે સુધી જાય છે કે ખોટા સુખની હદને પણ એ ઉલ્લંઘી જાય છે ;નિયમ તથા બુદ્ધિના પ્રદેશમાંથી એ નાસી છૂટેલો હોય છે ,અને જે કેટલાક ગુલામી સુખો એના ઉપગ્રહો જેવા છે તેની સાથે એ વસે છે .....
(આ અંશો ગુજરાત વિદ્યાસભા ,અમદાવાદ થી પ્રસિદ્ધ થયેલ ગ્રંથ " પ્લેટો નું આદર્શ નગર " અનુવાદક : શ્રી પ્રાણજીવન વી.પાઠક , માંથી સાભાર લીધેલ છે.)

10 નવેમ્બર, 2016

મારો ઇન્ટરવ્યુ યુવા સાથી મેગેઝીન માં ...


સમગ્ર માનવજાત પ્રત્યે પ્રેમની ભાવના દૃઢ કરવી પડશે : રાહબર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી

(સંસ્થા પરિચય માટેની આ અંકની પ્રસ્તુતિમાં રાહબર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ સઈદ શેખ સાહેબએ અમારી સાથે વાતચીત કરી જેના કેટલા અંશો અમારા વાંચકો માટે રજૂ કરીએ છીએ. – સંપાદક મંડળ)
પ્રશ્નઃ આપનો ટુંક પરિચય?
ઉત્તરઃ નામ: શેખ મોહમ્મદ સઈદ. બી.ઈ સિવીલ કન્સલ્ટીંગ સિવીલ એન્જિનીયર છું. એનાર્ચ કન્સલ્ટન્ટ્સ નામની ફર્મનો માલિક છું. સિવીલ એન્જીનીયર હોવા ઉપરાંત રાહબરના પ્રમુખ તરીકે ફરજ અદા કરૃં છું. યુવાસાથી અને શાહીન સાપ્તાહિકમાં લેખો પણ લખું છું.
પ્રશ્નઃ રાહબર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીની સ્થાપના ક્યારે થઈ?
ઉત્તરઃ આજના અતિ ગતિશીલ યુગમાં મુસ્લિમ સમાજ અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. જેમાંથી મુખ્ય સમસ્યાઓ છે શિક્ષણ અને રોજગાર. દેશના અન્ય સમાજોની તુલનામાં મુસ્લિમ સમાજે આઝાદીના ૭૦ વર્ષો પછી પણ કરવી જોઈએ તેટલી પ્રગતિ કરી નથી ત્યારે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એ ખૂબ જરૃરી છે. આજના હરીફાઈના યુગમાં જો મુસ્લિમોએ પ્રગતિ કરવી હોય તો સારૃં શિક્ષણ મેળવી નોકરીઓ માટેની સ્પર્ધામાં મજબૂતાઈથી ઉતરવું પડશે. મુસ્લિમ સમાજના શિક્ષિત યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેતા થાય. તેમાં ટકી રહી સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે અહમદાબાદમાં વર્ષ ૨૦૧૧થી “રાહબર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર  સોસાયટી” કાર્યરત છે. જેમાં મુસ્લિમ શિક્ષિત યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત તાલીમ આપવામાં આવે છે.
પ્રશ્નઃ આપને સંસ્થા શરૃ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
ઉત્તરઃ છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક નોકરીઓ માટેની જગ્યાઓ પર મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાય છે. ત્યારે આપણા સમાજના અનેક શિક્ષિત વિદ્યાર્થીઓ કારકિર્દીને લઈને અંધારામાં હોય તેવું લાગતા આ કદમ ઉપાડયું અને આપણા સમાજના શિક્ષિત યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે તે હેતુથી આ સંસ્થાની સ્થાપના કરી.
પ્રશ્નઃ “રાહબર” નામ કેમ કેમ રાખ્યું?
ઉત્તરઃ રાહબર એટલે માર્ગદર્શક. સમાજના શિક્ષિત યુવાનોને કારકિર્દી ઘડવામાં યોગ્ય માર્ગદર્શન આપી તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર કરી શકીએ તે હેતુથી અમે રાહબર બનવા પ્રયત્નશીલ છીએ.
પ્રશ્નઃ સંસ્થાના તાલીમ વર્ગો ક્યાં-ક્યાં ચાલે છે અને હાલમાં કેટલા તાલીમાર્થીઓ તાલીમ લે છે?
ઉત્તરઃ હાલ તો બે જગ્યાએ વર્ગો ચાલે છે જેમાં અહમદાબાદના દાણીલીમડામાં એમ.એસ. પબ્લિક સ્કૂલ ખાતે અને રીલીફ રોડ ખાતેના સુલ્તાન અહમદ મુસ્લિમ યતીમખાના સંકુલમાં સપ્તાહમાં ૬ દિવસ સાંજે ૬ થી ૮.૩૦ સુધી વર્ગો ચાલે છે. બંને વર્ગોના થઈને ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે.
પ્રશ્નઃ કયા પ્રકારની તૈયારીઓ કરાવો છો?
ઉત્તરઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જુદા-જુદા વિષયના ઉમેદવારોના લેકચર ગોઠવી વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરે તે દિશામાં પ્રયત્નશીલ છીએ.
પ્રશ્નઃ અત્યાર સુધી કેટલા ઉમેદવારો સફળ થયા છે?
ઉત્તરઃ પાંચ વર્ષમાં અમારી સંસ્થા સાથે સંલગ્ન ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓએ જુદી-જુદી સરકારી નોકરીઓ મેળવી છે.
પ્રશ્નઃ સંસ્થાનું ભવિષ્યનું શું આયોજન છે?
ઉત્તરઃ IAS/IPSની તૈયારી માટેના વર્ગો શરૃ કરવા છે. ગુજરાતની મુસ્લિમ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે જાગૃતિ આપવા માટે માર્ગદર્શન અને મોટીવેશન લેકચર આપવાનું આયોજન છે.
પ્રશ્નઃ ફંડ અંગે શું કરો છો?
ઉત્તરઃ હાલ તો ટ્રસ્ટીઓ પોતાના ખર્ચે જ બધું કરે છે. જ્યારે કેટલીકવાર કોઈ મિત્રો થોડી ઘણી મદદ કરી દે છે. જ્યારે તાલીમ વર્ગો ચલાવવા શાળાએ મફત સગવડ કરી આપી છે.
પ્રશ્નઃ અહમદાબાદ બહાર પણ તાલીમ વર્ગો શરૃ કરવાની કોઈ યોજના છે?
ઉત્તરઃ અહમદાબાદ બહાર પણ તાલીમી વર્ગો ખોલવા માટે ઘણી સંસ્થાઓ અમારો સંપર્ક કરે છે. પરોક્ષ રીતે અમે એ સંસ્થાઓને કલાસ કેવી રીતે ચલાવવા? શું ભણાવવું ? વગેરે માર્ગદર્શન આપીએ છીએ. ઘણી સંસ્થાઓમાં જઈ અમે માર્ગદર્શન ઉપરાંત મોટીવેશનલ લેકચર પણ આપીએ છીએ. જે કોઈ શાળા કે સંસ્થાને કારકિર્દી માર્ગદર્શન અને મોટીવેશનલ લેકચર ગોઠવવા હોય એ અમારો સંપર્ક કરી શકે છે.
પ્રશ્નઃ તમારા મત મુજબ હાલના તબક્કે મુસ્લિમ સમાજે કઈ બાબતોને પ્રાધાન્યતા આપવી જોઈએ?
ઉત્તરઃ હાલ મુસ્લિમ સમાજ એક સંક્રાત્મક સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. સમાજમાં ઘણી બધી સમસ્યાઓ છે. એટલે એના ઉપાયો પણ અલગ રીતે વિચારવા પડે. મુખ્ય ઉપાય શિક્ષણ છે. સમાજ શિક્ષિત થશે તો લોકોમાં જાગૃતિ આવશે. જાગૃતિ આવશે તો આપણી ફરજો શું છે અને અધિકારો શું છે એની જાણ થશે. જાણ થશે તો જ આપણી વિરુદ્ધ ઊભી કરવામાં આવતી ગેરસમજો દૂર કરી શકીશું.
પ્રશ્નઃ સમાજ પ્રત્યે કંઇ કરવાની ભાવના રાખનારા યુવાસાથીના વાચક મિત્રોને આપ શું સંદેશ આપવા માંગો છો?
ઉત્તરઃ સમાજ સેવા સારી બાબત છે. લોકોની સેવા કરવાનો બોધ કુઆર્ન અને હદીસમાં પણ આપવામાં આવ્યો છે. એ માટે યુવાનોએ પોતે દક્ષ બનવું પડશે. વધુમાં વધુ જ્ઞાાન મેળવી બીજા કરતા વધારે કાબેલ બનવું પડશે. સ્કીલ્સ વિકસાવવી પડશે. અને સૌથી મોટી વાત સમગ્ર માનવજાત પ્રત્ય પ્રેમની ભાવના દૃઢ કરવી પડશે. સમાજ સેવાનું મૂળ જ માનવજાત અને અલ્લાહે સર્જેલા સર્જનો પ્રત્યે પ્રેમ રાખવો એ છે. દરરોજ કોઈક ને કોઈ સદ્કાર્ય કરવું જોઇએે, પછી ભલેને તુચ્છ લાગતું કામ જ કેમ ન હોય. ગરીબ બાળકોને ટયુશન આપી શકાય. નોટો-પુસ્તકો દ્વારા એમની મદદ કરી શકાય. એવા તો ઘણા કાર્યો છે. જે થકી સમાજ સેવા કરી શકાય. *
(સઈદ શેખ સાહેબનો સંપર્ક કરી આપ પણ આ સંદર્ભે મદદ લઈ શકો છો. આપનો નંબર ૯૬૨૪૦૪૬૬૭૭ છે. – સંપાદક મંડળ)

સાભાર : યુવા સાથી મેગેઝીન 

14 સપ્ટેમ્બર, 2016

કેટલીક માઈક્રો ફિક્શન

પિતા 

એક પ્રખર ચિંતક,લેખક અને વક્તાએ  મોટા હોલ માં એવું જોરદાર પ્રવચન કર્યું કે પૂરી ચાર મિનીટ અને ૫૬ સેકંડસ સુધી તાળીઓ પડી.કાર્યક્રમ પત્યા  પછી તેઓ હોલ ની બહાર નીકળ્યા. મોબાઈલ ફોન જોયું.ઘણા મિસ્ડ કોલ હતા.ફોન લગાવ્યો.ખીન્નાતાથી ...શું હતું બાપુજી ?તમને કેટલી વાર કહ્યું છે કે મને રોજ રોજ હેરાન ના કરો ...તમને ખબર છે કેટલું ઈમ્પોર્ટન્ટ પ્રવચન ચાલતું હતું ?શું તકલીફ છે તમને વૃદ્ધાશ્રમ માં ?..દવા ...ગયા અઠવાડિયે તો મોકલી હતી ... ખલાસ થઈ ગઈ ?મોકલી આપીશ ...પણ મહેરબાની કરીને વારે ઘડીએ ફોન ના કરો ....શું કહ્યું ...તમને મળવા આવું ..જુઓ બાપા મારે ઘણા બધા કામ હોય છે  લખવાનું ,વાંચવાનું ,સમારંભો ,પ્રવચનો ,ચિંતન ..... હું તમારી જેમ નવરો નથી સમજ્યા ........ચાલો મૂકી દો હવે ...ફોન કટ કરી ને .... ડોસો તો જીવ ખાઈ ગયો છે ....પ્રવચન નો વિષય હતો .."પિતૃ ,પિતૃત્વ  અને પિતૃ પ્રેમ  ".......

જીવદયા 
કોર્ટમાં  છૂટાછેડા નો કેસ આવ્યો.સ્ત્રી એ પતિ ઉપર ત્રાસ ,અત્યાચાર ,મારપીટ અને જુલમ નો આરોપ લગાવી છૂટાછેડા માટે અરજી કરી હતી..જજે પૂછ્યું  : શું કરે છે તમારા પતિ ?....પત્ની નો જવાબ.. જીવદયા રક્ષા સમિતિ ના પ્રમુખ છે .........


અપશુકન 

નોકરી ના પેહલા દિવસે એ બાઈક લઈ નીકળ્યો .સોસાયટી માં જ એની બાઈક આગળ થી કાળી બિલાડી પસાર થઈ ગઈ.એ અટકી ગયો.પહેલાજ દિવસે અપશુકન થઈ ગયું  એ વિચારી રહ્યો..ના જવાય ઓફિસે ...એણે અસમંજસ માં બાઈક પાછી ફેરવી અને એક્સીલરિટર  આપ્યું... અને આ શું ...ટાયરમાં કશુંક ચગદાઈ ગયું હોય એવું લાગ્યું ..એજ કાળી બિલાડી નું બચ્ચું  ચગદાઈ ગયું હતું.....ખરેખર અપશુકન થઈ ગયું...પણ કોનું ? એનું પોતાનું કે બિલાડી નું ?... એ હજી પણ નક્કી નથી કરી શકતો ........

પ્રેમ 
એક છોકરો અને એક છોકરી ... બંને એક બીજાના ગળા ડૂબ પ્રેમ માં હતા..એકબીજા સાથે જીવવા મરવા ના કોલ કરાર આપ્યા હતા ...બે શરીર માં એક આત્મા હતી એમની....આમ છતા ય એમના લગ્ન ના થઈ શક્યા..માતા પિતા એ લગ્ન ની મંજુરી આપી ન હતી .... કારણ કે .... બંનેની જ્ઞાતિઓ અલગ હતી .......


9 ફેબ્રુઆરી, 2016

છૂટાછેડાનું વધતું પ્રમાણ ચિંતાજનક

divorce9-compressor

બધા જ ધર્મોમાં લગ્નના પવિત્ર બંધનનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને લગ્ન બહારના જાતીય સંબંધોને અર્થાત્ વ્યભિચારને પાપ ગણવામાં આવ્યું છે. લગ્ન થકી જ એક સ્ત્રી અને એક પુરૃષ કાયદેસર પતિ પત્નિ તરીકેના સંબંધોની શરૃઆત કરે છે જે નૈતિક તો છે જ પરંતુ સ્વસ્થ સમાજ માટે પણ ખૂબ આવકાર્ય છે. જોકે ભારતની સર્વોચ્ચ અદાલતે ‘લિવ ઇન રિલેશનશીપ’ને આ દેશની સંસ્કૃતિ અને રીતિ રિવાજો વિરુદ્ધ કાયદેસરની માન્યતા આપી છે એ આશ્ચર્યજનક જ નહીં આઘાતજનક પણ છે. આની સાથે સાથે ચિંતાજનક સમાચાર આવ્યા છે કે દેશમાં છૂટાછેડા લેવાની બાબતમાં ગુજરાતનો ક્રમ બીજો છે. એના જેવા જ બીજા તાજેતરના સમાચાર ઃ હનીમૂનથી પરત આવ્યા પછી દંપતીઓમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. આ પ્રમાણ ગામડાઓ કરતાં શહેરોમાં વધુ છે એ પણ નોંધવું જોઈએ. પશ્ચિમી સંસકૃતિની નકલ કરતી આજની પેઢીએ પાશ્વાત્ય રહેણીકરણી અને ખાણીપીણીની સાથે સાથે શારીરિક સંબંધોની બાબતો પણ કોઈ છોછ વિના સ્વીકારી લીધી છે. પરિણામે લગ્ન પહેલાં જ મોટાભાગના યુવાનો-યુવતિઓ શરીર સુખ માણી લે છે. અને લગ્નના થોડાક જ મહીનામાં છૂટાછેડા લેવા માટે અદાલતોમાં અપીલ કરે છે. સમાજશાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાાનીઓની સાથે સાથે સામાન્ય લોકો માટે પણ આ એક ચિંતન અને મનનની બાબત છે.
છૂટાછેડા માટે ઘણા બધા કારણો હોઈ શકે છે પરંતુ મનોવિજ્ઞાાનીઓ જે પ્રમુખ કારણો ગણાવે છે એમાં સૌ પ્રથમ તો આ છે કે શારીરિક જોડાણ તો સ્વભાવિક છે જ પરંતુ માનસિક જોડાણ અને એકબીજા પ્રત્યેની લાગણી લગ્ન સંબંધ ટકાવી રાખવા માટેનું મહત્ત્વનું પરિબળ છે. આ બંને બાબતો ન હોય તો એક અથવા બંને પાત્રો શરીર સુખને માત્ર યાંત્રિક કે નિરસ કસરત માનવા લાગે ત્યારે એકબીજાથી દૂર જઈ રહ્યા હોવાની અનુભૂતિ તીવ્ર બની જાય છે. કોઈને પ્રશ્ન થાય કે આપણા રૃઢિચુસ્ત સમાજમાં એરેન્જ મેરેજ થાય ત્યારે બે અજાણ્યા પાત્રો એકબીજાને ટુંક સમયમાં જ એકબીજાને સર્વસ્વ અર્પણ કરી દે અને એકબીજાને સમજવા લાગે એ જરા વધારે મુશ્કેલ કાર્ય છે. સત્ય લાગતી આ વાત અર્ધસત્ય છે. કેમકે આજના ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના યુગમાં હવે બે પાત્રો એકબીજાથી અજાણ્યા નથી રહેતા. હવે તો પહેલાના જમાનાથી વિરુદ્ધ લગ્ન પહેલાં ઘણી મુલાકાતો અને વાતો થઈ જાય છે. એટલે એરેન્જ મેરેજમાં પણ બે પાત્રો લગ્ન સુધી એક બીજાથી ઠીકઠીક પરિચિત થઈ જ ગયા હોય છે. અને છતાંય છૂટાછેડા થાય છે? અને છૂટાછેડા માત્ર એરેન્જ મેરેજમાં જ થાય છે? ના. લવ મેરેજ કરનારા પ્રેમી પંખીડાઓમાં પણ હવે તલાકનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. તો શું લગ્ન પહેલાં પ્રેમ આંધળો હોય છે? લગ્ન પછી જ આંખો ખુલે છે? એવું નથી હોતું કે લગ્ન કરે એટલે માણસ બદલાઈ જાય છે એ તો એનો એ જ હોય છે પરંતુ લગ્ન પહેલાના રોમાન્સમાં માણસ તરીકેની બધી ત્રુટીઓ કે કમજોરીઓ પ્રત્યે આંખમિચામણા કરવામાં આવે છે. ત્રુટીઓ ત્રુટીઓ ન રહેતા પ્રેમનો એક અંદાજ નજર આવે છે. એમ પણ ઓછા સમયમાં છુપાતા લપાતા મળવાનું થાય એટલે માત્રને માત્ર પ્રેમની વાતો થાય છે પરંતુ લગ્ન પછી આ ત્રુટીઓ સ્પષ્ટપણે દેખાવા લાગે છે. એટલે બીજી પાત્રને પહેલું પાત્ર સાવ ‘બદલાયેલું’ લાગે છે. લગ્ન પછી સાચું સ્વરૃપ પ્રગટે છે. લગ્ન પહેલાં મોટી મોટી ખામીઓ પણ પ્યારી લાગે છે જ્યારે લગ્ન પછી નાની નાની કમજોરીઓ પણ બહુ ભારી લાગે છે.
છૂટાછેડાનું બીજું મહત્ત્વનું કારણ છે સહનશક્તિનો અભાવ. યુવાપેઢી ઝડપથી ધીરજ અને સહનશક્તિ ગુમાવતી જઈ રહી છે. ચીનમાં એક જ કુટુંબમાં સોથી પણ વધુ માણસો ધરાવતા કુટુંબના વડાને જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યો કે આટલું મોટું કુટુંબ છે છતાં કોઈ લડાઈ, ઝઘડો કે મારામારી નથી. આ એકતાનું રહસ્ય શું છે? ત્યારે પેલા વડીલે જવાબ આપ્યો – સહનશક્તિ, સહનશક્તિ, સહનશક્તિ. જોકે હવે ચીનમાં પણ ભારતની જેમ સંયુક્ત કુટુંબપ્રથા ધીરે ધીરે નષ્ટ થઈ રહી છે અને લોકો લગ્ન પછી પોતપોતાની ‘ન્યુક્લિઅસ’ ફેમિલીને લઈ અલગ રહેવા જઈ રહ્યા છે એના મૂળમાં પણ સહનશક્તિનો અભાવ જ છે. સાથે રહેવું એટલે સહન કરવું. પરંતુ આજની આધુનિક અને ભણેલી ગણેલી યુવતીઓ પોતાની સ્વતંત્રતાને ગુમાવવા ઇચ્છતી નથી એટલે દંપતીઓ અલગ રહેવાનું પસંદ કરે છે. પરંતુ બધા જ કુટુંબમાં આ સગવડ નથી હોતી કે લગ્ન થાય એટલે છોકરાને અલગ ફલેટ કે મકાન અપાવી દેવામાં આવે. જ્યાં માતાપિતા રૃઢિચુસ્ત હોય, મકાન નાનું હોય, પતિ માબાપથી અલગ જઈને રહેવામાં માનતો ન હોય ત્યાં સ્વભાવિક રીતે જ પતિ પત્નિ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને ઘણાબધા કિસ્સામાં છૂટાછેડામાં પરિણમે છે. જે યુવાનો અને ખાસ કરીને યુવતિઓ લગ્ન પહેલા ફિલ્મો અને સીરીયલોની ઝકઝમાળથી અંજાયેલી હોય છે એ લગ્ન પછી જીવનની કડવી વાસ્તવિકતાઓ ‘એડજસ્ટ’ કરતા નથી શીખી શકતા તેઓ મોહભંગ પામે છે અને ‘જેવું વિચાર્યું હતું એવું મળ્યું નહીં’ની ફરિયાદો કરતાં ‘આપણે તો ફસાઈ ગયા’ની લાગણી અનુભવે છે, એમાંથી ઘણા લોકો છૂટાછેેડા ભણી દોરાઈ જાય છે. સદીઓ જૂની કહેવત કે ‘લગ્ન માત્ર બે શરીરોનું જ નહીં બે આત્માઓનું પણ મિલન છે’ જેવી ભારેખમ ફિલસૂફીને બદલે સાવ સરળ શબ્દોમાં લગ્નની વ્યાખ્યા આપી શકીએ કે ‘જ્યાં બે સમજણો ભેગી મળી ઐકય રચે એનું નામ લગ્ન’ આ સરળ વાતને દંપતીઓ સમજી લે તોય ઘણા ઘર, દિલ અને જીવન તૂટતા બચી જાય.
છૂટાછેડા માટેનું ત્રીજું એક મહત્ત્વનું કારણ આ છે કે આજની સ્ત્રીઓ, માનસિક અને આર્થિક રીતે સબળી થઈ રહી છે. છૂટાછેડા લેતા દંપતીઓમાં મોટાભાગના બંને પાત્રો કમાતા હોય છે. આનો અર્થ એ થયો કે સ્ત્રીઓ પુરૃષોનું આધિપત્ય સ્વીકારા તૈયાર નથી. એમને લાગે છે કે તેઓ પુરૃષો ઉપર આધાર રાખ્યા વિના પણ પોતાનો જીવનનિર્વાહ સરળતાથી કરી શકે છે. આ માનસિકતાને લીધેે શિક્ષિત યુવાનો અને યુવતીઓ મોડા લગ્ન કરે છે. ઘણી શિક્ષિત યુવતીઓ તો લગ્નમાં માનતી જ નથી, એકલી જ જીવન પસાર કરી નાખે છે તો ઘણી બધી યુવતીઓ ‘લિવ ઇન રિલેશનશિપ’માં જીવવા લાગે છે તો કેટલીક ‘વન નાઈટ સ્ટેન્ડ’ અર્થાત કોઈ અજાણ્યા પુરૃષ સાથે એક રાત શરીર સુખ માણી લે છે. સમાજશાસ્ત્રીઓ માટે ચિંતાનો વિષય આ જ છે કે તૂટતી જતી લગ્ન પરંપરાને કેવી રીતે અટકાવી શકાય? સમાજશાસ્ત્રીઓને માથું ખંજવાળતી કરે એવી બીજી બાબત આ છે કે આધુનિક દંપતીઓ લગ્નના એક કે બે વર્ષની અંદર જ છૂટાછેડા માટે અરજી કરે છે. અને અરજી કર્યા પછી એમને ફટાફટ છૂટા થઈ જવું હોય છે. કોર્ટમાં તારીખો પડતી રહે એ એમનાથી સહન થતું નથી. એમને તો ચટ અરજીને પટ છૂટાછેડા લઈ લેવા હોય છે. અને એના માટે એમને કોઈ પસ્તાવો પણ નથી હોતો. કેટલાક તો ભરણપોષણની માથાકૂટમાં પણ પડતા નથી. બસ જલ્દીથી છુટા થઈ જવાય તો બીજા કોઈ પાત્રને શોધી લઈએ એવી ઉત્કંઠા હોય છે.
મુંબઇના એક મેરેજ કાઉન્સેલર (લગ્ન સલાહકાર)ના જણાવ્યા મુજબ પહેલાના સમયમાં દહેજ, મિલકતના ઝગડા અને કુટુંબમાં થતી બોલાચાલીને લીધે છૂટાછેડાના કેસ ફાઈલ કરવામાં આવતા હતા પરંતુ આજના યુવા દંપતીઓ એટલા નિખાલસ થઈને છૂટાછેડાનું કારણ આપે છે કે વિજાતીય પાત્ર મને ગમતું નથી!
છૂટાછેડાનું એક કારણ કદાચ આ પણ હોઈ શકે કે કાયદામાં સ્ત્રીને ઘણા બધા અધિકારો આપી દેવામાં આવ્યા છે. અમે ચોખવટ કરી લઈએ કે અમે સ્ત્રી વિરોધી કે સ્ત્રી સમાનતાના કે ફેમીનીઝમના વિરોધી નથી પરંતુ આ સત્ય બાબત કોઈનું ધ્યાન જતું નથી. યુરોપ અમેરિકામાં છૂટાછેડાનું પ્રમાણ દર હજાર દંપતીઓ દીઠ ૪૦૦ થી ૫૦૦ હોય છે એનું એક કારણ તો એ છે કે સ્ત્રીને કાયદાકીય અધિકારો ઘણા છે. પુરૃષ સ્ત્રીને છુટાછેડા આપે એટલે સાથે એણે એની ૫૦ ટકા મિલકત પણ આપી દેવાની હોય છે! ઘણી બધી સ્ત્રીઓ યુરોપમાં માલદાર પુરૃષો સાથે માત્ર એટલા માટે લગ્ન કરે છે કે થોડા સમય પછી તલાક લઈ લેવાની એટલે ઘેરબેઠા કરોડપતિ! એમાં પતિ બીચારો રોડપતિ બની જાય છે. યુરોપ અમેરિકા જેટલી કાયદાકીય છુટો હજી આપણા દેશે સ્ત્રીઓને આપી નથી પરંતુ જે કેટલાક કાયદા છે એમાં પુરૃષો ઉપર રીતસરનો અન્યાય થાય છે. આવી જ એક કલમ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તો ૪૯૮ (એ)ની કલમ લગાવવામાં આવે છે. સ્ત્રીઓએ આ કલમનો ઘણો દુરૃપયોગ કર્યો છે. જોકે હવે કોર્ટો પુરતા પુરાવા ન હોય તો સ્ત્રીઓની તરફેણ કરતી નથી. હવે એમાં પુરૃષોની પણ સુનાવણી થાય છે. આ જ કલમનો દુરૃપયોગ કરીને ઘણી સ્ત્રીઓએ પતિ પાસેથી છુટાછેડા અને ભરણપોષણ મેળવ્યા હતા. ઘણા બધા કિસ્સામાં પુરૃષ બિચારો નિર્દોષ હોય તો પણ વકીલો અને પોલીસની સાંઠગાંઠથી પુરૃષો ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હતો જો કે હવે પરિસ્થિતિ સુધરી છે.
છૂટાછેડા માટે માબાપને પણ જવાબદાર ગણવા જોઈએ? જે સ્ત્રીઓ પોતાની મમ્મીઓને દાદી સાથે લડતી ઝઘડતી જોતી હોય એ સાસરે જઈને પોતાની સાસુ-નણંદ સાથે ન લડે તો જ નવાઈ! અને સાસરામાં લડાઈ ઝઘડો થાય ત્યારે ઘણા માબાપ છોકરીને સમજાવવાને બદલે એનું ઉપરાણું લેતા હોય છે, અને જેવા સાથે તેવાની નીતિ અખત્યાર કરવાની ખોટી સલાહ આપતા હોય છે. આમાંથી સંઘર્ષ વધુ મોટો થાય છે અને પતિ, સાસુ, સસરા અને નણંદ સાથેનો ઝઘડો વધતો જ જાય છે, જે મોટાભાગના કિસ્સામાં છૂટાછેડામાં પરિણમે છે.
આજે આવશ્યકતા તો આ વાતની છે કે માબાપે છોકરીઓને ફેશન અને સ્ટાઈલની સાથે સહનશક્તિ, ધીરજ અને નરમાશના ગુણો પણ શીખવવા જોઈએ. એની સામે છોકરાના માતાપિતા (અને ખાસ કરીને બહેન)ની આ ફરજ છે કે વહુને દીકરી સમાન ગણી એની નાની નાની ભૂલોને ક્ષમા આપી ઘરના વાતાવરણમાં કેવી રીતે ગોઠવાઈ જવું એ શીખવવું જોઈએ. આ ઘણી જ સામાન્ય બાબત જોવામાં આવી છે કે છોકરો નોકરી ધંધાથી થાકેલો હારેલો સાંજે આવે તો એની મમ્મી વહુની કરમકથની કહેવા બેસી જાય છે. આમાં મોટાભાગની વાતોમાં કંઇ દમ નથી હોતો પરંતુ આવી નાની નાની બાબતોમાંથી મોટો સંઘર્ષ જન્મે છે. પછી ઝઘડા અને અંતે છૂટાછેડા થાય છે.
અમેરિકન સાયકોલોજીસ્ટ જ્હોન ગોટમેનનું કહેવું છે કે ચાર બાબતોના લીધે છૂટાછેડાનું પ્રમાણ વધે છે (૧) ટીકાટીપ્પણી – દરેક વાતમાં એકબીજાની ટીકાટીપ્પણી કરી ઉતારી પાડવું (૨) એકબીજાનું સન્માન ન કરવું (૩) ખોટો બચાવ – જેે લોકો જવાબદારી સ્વીકારતા નથી તેઓ સમસ્યાને હલ નથી કરી શકતા અને પોતે ખોટા ખોટા બચાવ કરતા રહે છે. (૪) અક્કડપણું – ભૂલ ન સ્વીકારવી અને વધુ પડતી અક્કડતા દાખવવાથી વાત વધારે બગડે છે. સમાધાન નીકળવાને બદલે સમસ્યા વધે છે.
છૂટાછેડાને લીધે સ્ત્રી-પુરૃષ બંનેના દિલ અને દિમાગ ઉપર અસર પડે છે. તણાવ, બ્લડપ્રેશર, ખેંચ કે નિરાશા વ્યાપી જાય, જેનાથી તંદુરસ્તી ઉપર પણ અસર જોવા મળી શકે છે. બાળકો હોય તો તે કોની પાસે રહેશે એ સમસ્યા પણ ઉદ્ભવે છે. માબાપના ઝઘડાઓથી અને છૂટાછેડાથી એમના કુમળા માનસ ઉપર પણ કુપ્રભાવ પડે છે. તેઓ પણ નિરાશાનો શિકાર બની શકે છે. કેટલાક બાળકો તો ગુંડાગીર્દી કરવા લાગે છે.
દુર્ભાગ્યે આપણે ત્યાં મેરેજ કાઉન્સેલીંગ કે લગ્ન સલાહ કેન્દ્રો બહુ ઓછા છે. આમાં કોઈ મનોવિજ્ઞાાની પતિ-પત્નિ વચ્ચેની સમસ્યાઓને સમજાવીને ઉકેલ લાવે છે. અને મોટાભાગના કિસ્સામાં છુટાછેડા થતા અટકી જાય છે. બીજી સમસ્યા એ છે કે જો આવા સલાહ કેન્દ્રો હોય તો પણ ઘણા લોકો પોતાના અહંકારને લીધે જવાનું ટાળે છે કે શું અમે કંઇ ગાંડા થઈ ગયા છીએ? સરકાર આમ પણ આરોગ્ય વિષયક બાબતોમાં વધારે મૂડીરોકાણ કરતી નથી અને એમાં પણ દુર્ભાગ્યવશ માનસિક બીમારીઓ માટે કે સલાહ માટેના કેન્દ્રો બહુ ઓછા છે. લગ્ન સલાહ કેન્દ્રો મોટા શહેરોમાં તો કદાચ જોવા મળે પરંતુ નગરો અને ગામડાઓમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે.
છૂટાછેડાની સમસ્યા કોઈ એક ધર્મ કે સમૂદાયના લોકો પૂરતી મર્યાદિત નથી રહી. દિનપ્રતિદિન આ સમસ્યા વિકરાળ રૃપ ધારણ કરતી જઈ રહી છે. આનો અંત લાવવાની જવાબદારી માત્ર મનોવિજ્ઞાાનીઓ કે સમાજશાસ્ત્રીઓની જ નથી, આપણા સૌની પણ છે.

14 જાન્યુઆરી, 2016

હું તારો પ્રેમ છું.......

એક પ્રેમ ગીત સ્ફૂરી ગયું........ એ રજુ કરું છું.....ગમે તો દિલ થી દાદ આપજો ને ના ગમે તો કડક ટીકા પણ કરજો .......મને ગમશે ....

હું તારો પ્રેમ છું.........

તારા દિલની દરેક ધડકન માં હું
તારી ચૂડીઓ ની ખનખન માં હું
તારા આભૂષણોમાં ચાંદી ને હેમ છું........... હું તારો પ્રેમ છું......


તારી નીંદોમાં તારા સપનાઓ માં હું
તારા દર્પણમાં તારી અદાઓ માં હું
તું જેવું જુએ મને હું તેમ છું ... હું તારો પ્રેમ છું...........

તારી એકલતામાં હું તારો સાથ છું
તારા વિચારો માં પણ દિન રાત છું
તારી મેમરી માટે હું જ તો રેમ છું........હું તારો પ્રેમ છું......

હું પાનખર છું ને હું જ વસંત છું
તારા બધા દુખો નો હું જ અંત છું
હું ખુશી છું તારી ને હું જ વ્હેમ છું ......હું તારો પ્રેમ છું....

આ જે આપણી વચ્ચે જે કઈ હેત છે
એમાં ઈશ્વર નો જ કોઈ સંકેત છે
વિચાર,હું તારા માટે જ કેમ છું?..... હું તારો પ્રેમ છું...

તું મારો પ્રેમ ને હું તારો પ્રેમ છું....હું તારો પ્રેમ છું.....

-સઈદ શેખ



2 જાન્યુઆરી, 2016

ઇકબાલ ની પ્રસિદ્ધ ગઝલ

ડોક્ટર મોહમ્મદ ઇકબાલ ઉર્દુ ના પ્રસિદ્ધ શાયર થઇ ગયા. કુરાન ની ઇસ્લામી ફિલસુફી ને  એમણે  પોતાના કાવ્યો માં  આબાદ રીતે પ્રદર્શિત કરી છે...એમતો એમની દરેક પંક્તિ માણસ ને વિચાર કરતી કરી મુકે  એવી છે। .....એમની એક પ્રસિદ્ધ ગઝલ ના કેટલાક શેર અહી અનુવાદ સાથે રજુ કરું છું......

                             ગઝલ 

1)    જિન્હેં મેં ઢુંઢતા થા  આસમાનો મેં ઝમીનો મેં
       વહ નિકલે મેરે ઝુલ્મત ખાનાએ દિલ કે મકીનો મેં

શબ્દાર્થ : ઝુલ્મતખાના : અંધેર ઘર
               મકીન : રહેવાસી

ભાવાર્થ :    આ પંક્તિ માં ડૉ.ઇકબાલ કહે છે કે એક ઈશ્વર - અલ્લાહ સુધી પહોંચવા માટે ધરતી અને આકાશોને ખંખોળી નાખ્યા પરંતુ જયારે બારીકાઈથી જોયું તો એ મારા હૃદય માં જ ઉપસ્થિત હતો. અહી એ વાત યાદ રાખવી જોઈએ કે ઈશ્વર તો માણસ ના હૃદય માં રહે છે પરંતુ એની શોધ માટે એનો પરિચય પણ થયેલો હોવો જોઈએ।.અરબી ઉર્દુ માં આને મારેફત કહે છે।

2)     હકીકત અપની આંખો પર નુમાયાં જબ હુઈ અપની
        મકાં નિકલા હમારે ખાન એ દિલ કે મકીનો મેં

શબ્દાર્થ    : નુમાયાં :સ્પષ્ટ થવું
                 મકા    : મકાન,ઘર
                 ખાન એ દિલ  : હૃદય રૂપી ઘર

ભાવાર્થ   : આનો અર્થ પણ લગભગ પ્રથમ પંક્તિ જેવો જ છે। આમાં કહેવામાં આવ્યું છે કે જયારે મને જાણ   થઈ કે મારી વાસ્તવિકતા શું છે તો  આ જ્ઞાન પણ થઇ ગયું કે ઈશ્વર -અલ્લાહ તો સ્વયં મારા હૃદય માં મોજુદ છે ,એને બહાર શોધવાની કોઈ જરૂર નથી.   

3)       કભી અપના ભી નઝારા કિયા હૈ તુને એ મજનું ?
          કે લૈલા કી તરહ તું ખુદ ભી હૈ મહમિલ નશીનોમે

 શબ્દાર્થ  : નઝારા : જોવું , નિહારવું, દર્શન
                મહમિલ નશી : ઊંટના પલાણમાં બેસનાર

ભાવાર્થ    :  કવિ ઇકબાલ અરબસ્તાન ના પ્રસિદ્ધ પ્રેમી મજનું (વાસ્તવિક નામ કૈસ) ને સંબોધીને કહે છે કે આટલું બતાવી દે કે પ્રેમ માં મગન રહેવા સિવાય પણ તે કદી તારી જાત માં ઝાંકીને જોયું છે ?મારા મત મુજબ તો તું પણ ઊંટ ના પલાણ માં - પડદાં ની આડ માં બેઠેલી લૈલા જેવો જ છે। અર્થાત જ્યાં સુધી માણસ પોતાની જાત થી બહાર નીકળી ને પોતાને જોતો નથી ત્યાં સુધી પોતાને ઓળખતો નથી।

4)       મહીને વસ્લ કે ઘડિયો  કી સુરત ઉડે જાતે હૈ
           મગર ઘડિયાં જુદાઈ કી ગુઝરતી હૈ મહીનો મેં
શબ્દાર્થ     : વસ્લ   : મિલન
                   ઘડી : ક્ષણ , સમય
                   ગુઝરવું  : પસાર થવું

ભાવાર્થ     :  કવિ કહે છે કે પ્રિય પાત્ર -પ્રેમી કે પ્રેમિકા -સાથે મિલન નો સમય બહુ જલ્દી વીતી જાય છે મહિનાઓ પણ જાણે ક્ષણો ની જેમ પસાર થઈ જાય છે ,પરંતુ વિયોગ આવી પડે તો નાની ક્ષણો પણ મહિનાઓ જેવી વીતે છે ,સમય જાણે ખૂટતુ જ નથી।

5)       તમન્ના દર્દે દિલ કી હો તો ખિદમત કર ફકીરો કી
          નહીં મિલતા યહ ગૌહર બાદશાહો કે ખઝીનોમેં
શબ્દાર્થ     : તમન્ના  : ઈચ્છા
                   ખિદમત  : સેવા
                   ફકીર : ભિક્ષુક ,સંત
                   ગૌહર  : મોતી ,રત્ન ,મણી
                   ખઝીના : ખજાનો

ભાવાર્થ   : જો તું ઈચ્છતો હોય કે તારા હૃદય માં પ્રેમ ની ભાવના જન્મે તો આમતેમ દરબદર ભટકવા કરતા એ ફકીરો -સંત પુરુષો ની સેવા કર જેઓ દુનિયા ની દરેક ભૌતિક વસ્તુ થી બેપરવા થઈ સામાન્ય માણસો ને કામ આવે છે। આ પણ જાણી લે કે પ્રેમ ની ભાવના રૂપી રત્ન કોઈ રાજા મહારાજા ના ખજાના માં પણ નથી મળતો।

6)       ખમોશ એ દિલ ! ભરી મહફિલ મેં ચિલ્લાના નહિ અચ્છા
          અદબ પહેલા કરીના હૈ મોહબ્બત કે કરીનો મેં

શબ્દાર્થ   : અદબ : રીત ,સંસ્કાર
                 કરીના  : આચરણ
   
ભાવાર્થ  : ઇકબાલ કહે છે એ દિલે નાસબુર ! તને તો તારા વાસ્તવિક મહેબૂબ (ઈશ્વર) થી પ્રેમ નો દાવો છે તો પણ ભરી સભા માં રોક્કળ કરે છે.જે લોકો પ્રેમ ના દાવા કરે છે એમને એટલી તો સુઝ્બુઝ હોય છે કે પ્રણય ના શિષ્ટાચાર માં ખામોશી અને ઇઝ્ઝત પ્રથમ રીતભાત છે.

7)      બુરા સમઝૂં  ઉન્હેં ? મુઝસે તો ઐસા હો નહિ શકતા
          કે મેં ખુદ ભી તો હું 'ઇકબાલ' અપને નુક્તાચીનો મેં

શબ્દાર્થ   : નુક્તાચી : ટીકાકાર

ભાવાર્થ : ગઝલની અંતિમ પંક્તિ (મક્તા) માં ઇકબાલ કહે છે કે જે લોકો મારા ટીકાકારો કે વિવેચકો છે એમને હું કેવી રીતે ખરાબ માનું ? કારણ કે હું પોતેજ મારો સૌથી મોટો ટીકાકાર છું.