ગુજરાત ટુડે ( પ્રકાશન તારીખ ૨૭-૧૦-૨૦૨૪,રવિવાર )
લેખક : મોહમ્મદ સઈદ શેખ
ઉમ્મુલ મોમીનીન (મોમીનોની માતા) હઝરત ઝૈનબ બિંતે જહશ બિન રિઆબ રદીઅલ્લાહુ અનહા પયગંબર હઝરત મુહમ્મદ સાહેબ ﷺ ના સાતમા પુનીત પત્ની હતા.
હ.ઝૈનબ રદી.ના પિતા જહશ ,અસદ બિન ખુજેમાં કબીલાથી સંબંધ ધરાવતા હતા ત્યાંથી તેઓ સ્થાનાંતર કરી મક્કામાં સ્થાઈ થયા હતા..હ.ઝીનાબના માતા ઉમયમાં બિંતે અબ્દુલ મુત્તલીબ, કુરેશના હાશિમ જેવા ઉચ્ચ કબીલાથી હતા ,આમ તેઓ હુઝુર ﷺ ના ફુઈની પુત્રી હતા.એમના ભાઈ પ્રસિદ્ધ સહાબી અને સેનાપતિ હ.અબ્દુલ્લાહ બિન જહશ,એમના એક બીજા ભાઈ હ અબુ એહમદ બિન જહશ રદી.ધાર્મિક કવિતાઓ લખનાર કવિ હતા, એમના મામા હ.હમઝા રદી ,અને હ.અબ્બાસ રદી જેવા ઉચ્ચ કોટીના શુરવીરો અને સહાબીઓ હતા.
હ.ઝૈનબ રદી.નો જન્મ હિજરતથી લગભગ બત્રીસ વર્ષ પહેલા મક્કામાં થયો હતો.નબી ﷺ એ નબુવ્વતનો એલાન કર્યો એ વખતે જહ્શ અવસાન પામ્યા હતા પરંતુ એમના સંતાનોએ એ પ્રારંભમાં જ ઇસ્લામ સ્વીકારી લીધું હતું,અને આખું કુટુંબ હિજરત કરી મદીના ચાલ્યું ગયું હતું,એમના ખાલી પડેલા મકાનો પર મક્કાના કુરેશીઓએ કબજો કરી લીધો હતો.
હ.ઝૈનબ રદી.ના પ્રથમ લગ્ન ઇસ્લામ સ્વીકાર્યા પહેલા થઇ ચુક્યા હતા ,એમના પતિનું નામ ઇતિહાસમાં જાણીતું નથી, પરંતુ અલ તબરીએ નોંધ્યું છે એ મુજબ હિજરત પહેલા એમના પતિનું અવસાન થઇ ચુક્યું હતું.નબી ﷺ એ ઝૈદ બિન હારીશહ રદી. ને દત્તક લીધા હતા અને તેઓ ઝૈદ બિન મુહમ્મદ તરીકે જ ઓળખાતા હતા.નબી ﷺ હ.ઝૈનબ રદી. પાસે ગયા અને કહ્યું કે જો તમે ઇચ્છો તો તમારા નિકાહ કરાવી દઉં.તેઓ સમજ્યા કે નબી ﷺ પોતાના માટે કહી રહયાં છે તો તેઓ સંમત થઇ ગયા પરંતુ નબી ﷺ એ પોતાના આઝાદ કરેલા ગુલામ અને દત્તક પુત્ર હ.ઝૈદ બિન હારીશહ નું નામ લીધું તો હ.ઝૈનબે કહ્યું કે મને એમની સાથે લગ્ન મંજૂર નથી,હું કુરેશની એક ઐયીમ (વિધવા) સ્ત્રી છું.’ એમના એક ભાઈએ પણ વાંધો લીધો તો નબી ﷺ એ એમને સમજાવ્યા કે ઇસ્લામમાં આઝાદ અને અને આઝાદ કરેલ (ગુલામ) જેવા કોઈ ભેદ નથી, બધા સરખા છે.ત્યારે એમણે કહ્યું કે હું વિચાર કરીશ.હુઝુર ﷺ એ વધુમાં એમને કુરાનનની આ આયાત સંભળાવી કે “ જયારે કોઈ મુસલમાન પુરુષ કે સ્ત્રીના મામલે અલ્લાહ અને અલ્લાહના રસૂલ (ﷺ) કોઈ નિર્ણય આપી દે એ પછી આ મામલે કોઈ શંકા બાકી નથી રહેતી અને જે અલ્લાહ અને રસૂલ ﷺ ની નાફરમાની કરે એ સખત ગુમરાહ (માર્ગ ભુલેલો) છે.” (સુરહ : અલ અહ્ઝાબ:૩૬) એ પછી હઝ ઝૈનબ રદી. અને એમના કુટુંબીઓ હ ઝૈદ રદી સાથે લગ્ન માટે રાજી થયાહ..ઝૈનબ રદી.ના આ લગ્ન હ.ઝૈદ રદી. સાથે કરાવવાનું એક કારણ આ પણ હતું કે ઇસ્લામી સમાજમાં સમાનતાનું દ્રષ્ટાંત આપી શકાય , કોઈ કુટુંબ કે વ્યક્તિ ઊંચું કે નીચું નથી.માત્ર પોતાના કર્મો ને લીધે જ વ્યક્તિનો રૂતબો અલ્લાહની દ્રષ્ટિમાં ઉંચો કે નીચો હોય છે.
હ.ઝૈનબ રદી સાથે હ.ઝૈદ ના લગ્ન થયા એ પહેલા એમના ચાર લગ્નો થઇ ચુક્યા હતા.એમાં એમના બીજા પત્ની હ.ઉમ્મે અયમન (બરાકાહ બિંતે સાલ્બા )રદી.હતા જેઓહુઝુર ﷺ ના માતા પિતાના દાસી હતા,અને હુઝુર ﷺ માતા પિતા અવસાન પામ્યા તો હ.અબ્દુલ મુત્તલીબ ના ઘરમાં એમણે જ હુઝુર ﷺ ને ઉછેર્યા હતા.હુઝુર ﷺ એમણે આઝાદ કરી દીધા હતા.આમ તેઓ હ.ઝૈદ થી ઉમરમાં મોટા હતા અને હ.ઉસામા બિન ઝૈદ રદી. ના માતા હતા.હ.ઝૈનબ રદી ના લગ્ન હ ઝૈદ રદી સાથે થયા પરંતુ બનેના સ્વભાવ માં ઘણો તફાવત હતો. અને જે પરિસ્થિતિમાં એમના લગ્ન થયા હતા એ પરથી કહી શકાય કે એમની વચ્ચે મનમેળ નહિ જ થયો હોય.લગ્નના એક વર્ષ પછી હ.ઝૈદ રદી. હુઝુર ﷺ પાસે પત્નીની ફરિયાદ લઈને આવ્યા એ પછી ફરિયાદો વધતી ગઈ અને દરેક વખતે હુઝુર ﷺ એમને સમજાવતા રહ્યા.
નબી ﷺ ના હ.ઝૈનબ રદી. સાથેના લગ્ન બાબતે ઘણી ખોટી ખોટી રીવાયાતો પ્રસિદ્ધ થઇ ગઈ છે.એક રિવાયત મુજબ હુઝુર ﷺ એક દિવસે હ.ઝૈદ રદી.ના ઘરે ગયા ત્યારે તેઓ ઘરે નહોતા .હ ઝૈનબ રદી.એ (બારણા તરીકે કામ આપતો ) પડદો ખસેડી નબી ﷺ ને ઘરમાં પધારવા માટે કહ્યું પરંતુ આપ ﷺ ઘરમાં ના ગયા અને ફરમાવ્યું ‘ પાક છે એ (અલ્લાહની ) જાત જે દિલો પર અધિકાર રાખે છે” અને પછી ત્યાંથી ચાલ્યા ગયા.જયારે હ ઝૈદ રદી.ઘરે આવ્યા તો હ.ઝૈનબ રદી એ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો.હ.ઝૈદ રદી.એ વિચાર્યું કે હવે હ.ઝૈનબ રદી થી અલગ થવાનો સમય આવી ગયો છે.તેઓ તરત હુઝુર ﷺ પાસે ગયા ને પોતે પત્નીને તલાક આપી દેશે એમ જણાવ્યું તો નબી ﷺ એમને સમજાવ્યું કે તેઓ તલાક ન આપે અને અલ્લાહથી ડરે.પરંતુ હ ઝૈદ.રદીએ હ.ઝૈનબ રદી. ને તલાક આપી દીધા.
અલ્લાહે હ.જીબ્રિલ અસ દ્વારા નબી ﷺ ને આ સંદેશો પહોંચાડ્યો કે તમારા લગ્ન હ.ઝૈનબ સાથે થશે.આને લીધે ﷺ ને પહેલા તો લાગ્યું કે આરબો આ બાબતને બહુજ ખોટી રીતે લેશે.કેમ કે પોતાના સગા તો ઠીક પણ દત્તક પુત્રના પત્ની સાથે લગ્ન કરવાને પણ બહુ જ ખરાબ સમજતા હતા.પરંતુ અલ્લાહ આ લગ્ન થકી સામાજિક પરિવર્તન ઇછ્ચ્તો હતો.અલ્લાહે સુરહ અહ્ઝાબ ની ૩૭-૪૦ આયાતમાં સ્પષ્ટ કરી દીધું કે દત્તક પુત્રની તલાક લીધેલી પત્ની સાથે નિકાહ થઇ શકે છે અને ઉમ્મતને કહી દેવામાં આવ્યું કે પયગંબર મુહમ્મદ ﷺ તમારામાંથી કોઈ પણ પુરુષના પિતા નથી, એ અલ્લાહના નબી અને અંતિમ રસૂલ છે.વધુમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું કે દત્તક લીધેલ પુત્ર (કે પુત્રી) તમારી વાસ્તવિક સંતાન નથી.તમે ભલે એમને પુત્ર કે પુત્રી તરીકે રાખો પરંતુ તમે એમના જૈવિક પિતા બની શકતા નથી.તેઓ તો માત્ર એમના જૈવિક (જેમના થકી જન્મ્યા) પિતાના જ સંતાણ છે અને રહેશે.એ સંતાનોને એમના જૈવિક પિતાના નામ સાથે જ સંબોધન કરવું જોઈએ.(આ આયાત પછી હ.ઝૈદ ,ઝૈદ બિન હારીશહ રદી. તરીકે જ ઓળખાતા થયા.)(ઉપખંડમાં જોવામાં આવે છે કે જે મુસ્લિમ દંપત્તિઓ છોકરા કે છોકરીને દત્તક લે છે એમને પોતાનું નામ આપે છે અને ડોક્યુમેન્ટ્સ માં પણ પિતા તરીકે જ નામ લખાવે છે.જયારે એમને સમજાવવામાં આવે છે કે શરીઅતની દ્રષ્ટીએ આ યોગ્ય નથી ત્યારે દલીલ આપે છે કે અમે જાણીએ છીએ પરંતુ કાયદાની આંટી ઘૂંટી એટલી જટિલ છે કે બાળકોને પોતાનું નામ આપી દેવું વધારે સરળ છે.)
ટૂંકમાં,ઇદ્દતના સમયગાળા પછી હ.ઝૈનબ રદી.ના લગ્ન નબી ﷺ સાથે થયા અને તેઓ ઉમ્મુલ મોમીનીનના ભાગ્યશાળી જૂથમાં સામેલ થઇ ગયા.નબી ﷺ એ ૪૦૦ દીર્હમ મહેર આપી.આ લગ્ન ના જમણવાર પછી અલ્લાહે જે આયાત અવતરિત કરી એનો ખુલાસો આ છે કે હે મુસલમાનો જયારે તમને નબી ﷺ જમણ માટે બોલાવે તો જમીને તરત નીકળી જાવ અને જરૂર વિના વાતો કરતા બેસી નાં રહો,નબી શરમાળ છે તેઓ તમને કઈ કહેતા નથી પરંતુ અલ્લાહ સત્ય કહેવામાં શરમાળ નથી.અને જયારે નબી ﷺ ની પત્નીઓ પાસેથી કૈક માગો તો પડદાની આડશ માં રહીને માંગો અથવા વાત કરો.અને નબી ﷺ પછી એમની પત્નીઓ સાથે લગ્ન કરવા તમારા માટે યોગ્ય નથી (તેઓ ઉમ્મુલ મોમીનીન છે).
હ.ઝૈનબ રદી ખૂબ જ ઇબાદત ગુઝાર હતા અને આ કારણે નબી ﷺ એમને ચાહતા હતા.તેઓ લાંબા ઊંચા કદના હતા.તેઓ ચામડા ધોવાનું કામ કરતા અને જે કઈ રકમ મળતી એ દાન કરી દેતા.જયારે ખલીફા હ ઉમર રદી એ બધા જ પુનીત પત્નીઓને ૧૨૦૦૦ દીરહ્મ વાજીફો બાંધી આપ્યો હતો , હ ઝૈનબ રદી બધું જ મદીનાના ગરીબોમાં વહેંચી દેતા હતા.તેઓ ખૂબ સખી અને ઉદાર હતા આ કારણે જ જયારે એમનું અવસાન થયું ત્યારે એમની પાસે એક દીર્હમ પણ નહોતું . હુઝુર ﷺ એ આગાહી કરી હતી કે ‘મને મારી પત્નીઓમાંથી સૌ પ્રથમ એ આવી મળશે જેના હાથ લાંબા હશે’લાંબા હાથથી આશય ઉદારતા અને સખાવત હતો.બધી જ પુનીત પત્નીઓમાં સૌ પ્રથમ એમનું અવસાન થયું .તેઓ હિસ.૨૦ માં હ.ઉમર રદી.ના ખિલાફત કાળમાં અવસાન પામ્યા ત્યારે એમની ઉમર લગભગ ૫૧ વર્ષ હતી.
એમણે અગિયાર હદીસો રિવાયત કરી હતી, જે હદીસ સંગ્રહોમાં સંગ્રહાયેલ છે.