આ બ્લૉગ શોધો

30 જાન્યુઆરી, 2018

અરફાતનું પ્રવચન : માનવ અધિકારનું પ્રથમ જાહેરનામુ

ઝિલકદ હિ.સ. ૧૦(ઈ.સ.૬૩૨)માં અલ્લાહના આખરી નબી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે હજનું એલાન કર્યું. લગભગ સવા લાખ લોકો અરબસ્તાનના ખૂણેખૂણાથી મક્કામાં ઉમટી પડયા. ૯ જિલહજના દિવસે ફજરની નમાઝ પછી આપ અરાફાતમાં પધાર્યા. એ વખતે આપે જે પ્રવચન આપ્યું એ માનવ ઇતિહાસમાં ઘણું મહત્ત્વ ધરાવે છે, જેને 'હજ્જતુલ વિદાઅ' (મક્કાની છેલ્લી ઝિયારતના કારણે)ના નામે ઓળખવામાં આવે છે. આ પ્રવચન એટલા માટે ઐતિહાસિક અને બહુમૂલ્ય છે કેમકે આપનું આ છેલ્લું પ્રવચન હતું. બીજું એ કે એના એક એક શબ્દમાં ઘણી મોટી વસીયતો હતી. આમાંની ઘણીખરી બાબતો તત્કાલીન સમાજ બાબતે હતી પરંતુ મોટાભાગની વાતો ચિરકાલીન અમરત્વ પામી શકે એવી છે. એટલે કે માનવતાના ગુણગાન ગાતી અને માનવતાનો ઉપદેશ આપતી સાડા ચૌદસો વર્ષ પછી પણ આ પ્રવચન આટલું જ ઉપયુક્ત છે.
અરફાતનું પ્રવચન
અલ્લાહની પ્રશંસા કર્યા પછી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે જનમેદનીને સંબોધતા કહ્યું કે "હે લોકો!  હું જે કાંઇ કહું એને ધ્યાનથી સાંભળો! કદાચ આવતાં વર્ષે કે એના પછી ફરી ક્યારેક આ સ્થળે તમારી સાથે મુલાકાત ન થાય." અહીં લોકો એટલે માત્ર મુસ્લિમો નહીં પરંતુ વિશ્વના બધા જ લોકોથી આશય છે.
અજ્ઞાનતાકાળના - અરબ દ્વિપમાં આવેલા કબીલાઓમાં ઇસ્લામ પહેલાં અર્થાત્ અજ્ઞાનતાકાળમાં ઘણા વિચિત્ર કુરીતરિવાજો હતા, ઘણી અંધશ્રદ્ધાઓ હતી. આપે એ બધા રીતરિવાજોનો ખાત્મો કરતા એલાન કર્યું. "અજ્ઞાનતાકાળના બધા દસ્તૂર (વિધાનો) મારા પગ નીચે છે." એ વખતે વેપારધંધામાં વ્યાજ લેવું અને આપવું સામાન્ય બાબત હતી. અલ્લાહતઆલાએ કુઆર્નમાં વ્યાજ લેવા કે આપવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. અને વ્યાજ લેવાને જહન્નમની આગ પીવા બરાબર સરખાવ્યું છે.
મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે વ્યાજને રદબાતલ ફરમાવતા કહ્યું, "અજ્ઞાનતાકાળની વ્યાજની રકમો રદબાતલ કરી દેવામાં આવી અને સૌથી પહેલાં હું મારા કાકા અબ્બાસ રદી. બિન અબ્દુલ મુત્તલિબના વ્યાજના દાવા રદબાતલ કરૃં છું."
અજ્ઞાનતાકાળમાં કબીલાઓ વચ્ચે વર્ષો નહીં સદીઓ સુધી વેરઝેર અને બદલા માટેની લડાઈઓ ચાલતી રહેતી. લોકો ખુવાર થતા રહેતા. બદલો લેવામાં જ પોતાની મર્દાનગી સમજતા. ઇસ્લામે વેરઝેર માટે કહ્યું કે તમે બદલો લેવા ઇચ્છો તો એટલું જ લો જેટલું સામાવાળાએ તમને નુકસાન પહોંચાડયું છે. જો એનાથી જરાપણ વધારે હશે તો તમે ગુનેગાર થઈ જશો અને સારૃં તો આ છે કે તમે માફ કરી દો.
મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું, "જહાલતકાળના તમામ ખૂનોના કિસાસના દાવા રદબાતલ કરી દેવામાં આવ્યા અને સૌથી પહેલાં હુ આમિર બિન રબીઅ બિન હારિસ બિન અબ્દુલ મુત્તલિબના ખૂનનો દાવો રદ કરૃ છું. જહાલતકાળના તમામ ખિતાબો અને હોદ્દા રદ કરવામાં આવે છે, સદાનત (કાબાની સારસંભાળનો વિભાગ) અને સકાયા (હાજીઓને માટે પાણી પુરૃ પાડવા) સિવાયના."
અમાનત - અમાનતમાં ખયાનત કરવી અર્થાત્ થાપણમાંથી ચોરી કરવી બહુ મોટો ગુનો છે. આપે ફરમાવ્યું "કોઈની પાસે કોઈની અમાનત હોય તો તે તેના મૂળ માલિકને પાછી આપી દે."
માનવ પ્રાણનો આદર -
અરબસ્તાનમાં જાન અને માલની સુરક્ષાની કોઈ ગેરંટી ન હતી. જે જેને ઇચ્છે કત્લ કરી દેતો. જેનું ઇચ્છે એનું માલ ઝુંટવી લેતો. આ બન્ને માટે સુરક્ષા અને આદરની સ્થાપના કરવામાં આવી. "હે લોકો! તમારા ખૂન અને તમારા માલ તમારા માટે (પરસ્પર) હરામ (આદરણીય) ઠરાવી દેવામાં આવ્યા છે. ત્યાં સુધી કે તમે પોતાના રબ સમક્ષ જઈ હાજર થઈ જાઓ. જેવી રીતે તમારા આ મહિનામાં અને તમારા આ શહેરમાં તમારો આ દિવસ હરામ (આદરણીય) છે."
સ્ત્રીનું સ્થાન - સમાજમાં સ્ત્રીનું કોઈ સ્થાન ન હતું એની કોઈ ગણના ન હતી. ન જ માત્ર અરબસ્તાનમાં પરંતુ એ વખતના વિશ્વના બધા જ દેશોમાં પણ સ્ત્રીને કોઈ અધિકાર આપવામાં આવ્યા ન હતા. અરબસ્તાનમાં છોકરી જન્મે તો અપશુકનિયાળ ગણાતી. એને જીવતી જ કબરમાં દફન કરી દેવામાં આવતી. આ અજ્ઞાનતાકાળમાં થતું હતું. ભારતમાં પતિ મૃત્યુ પામે તો સ્ત્રી સતી થઈ એની ચિતામાં જ બળી મરતી. ગ્રીસમાં સ્ત્રીઓને ખરાબ આત્મા ગણવામાં આવતી. વિશ્વના ઇતિહાસમાં ઇસ્લામે સૌ પ્રથમ સ્ત્રીને અધિકાર આપ્યા. આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું ઃ
"હે લોકો! તમારી સ્ત્રીઓને તમારી સરખામણીમાં અમુક અધિકારો આપવામાં આવ્યા છે અને તમને એમની સરખામણીમાં અધિકારો આપવામાં આવ્યા છે. એમની ઉપર ફરજિયાત છે કે તેઓ તમારા શાયનખંડોમાં તમારા સિવાય બીજા કોઈને આવવા ન દે અને એવો કોઈ માણસને (ઘરમાં) તમારી રજા વગર દાખલ થવા ન દે જેનું દાખલ થવું તમને ગમતું ન હોય તેમજ કોઈ નિર્લજ્જ કૃત્ય ન કરે. જો તેઓ કોઈ આવી વાત કરે તો તમને અલ્લાહે છૂટ આપી છે કે (એમને સુધારવા માટે) એમને જુદી કરી શકો છો. શયનખંડથી જુદી રાખી શકો છો અને એવી શારીરિક સજા આપી શકો છો જેનાથી સોળ ઊઠએ નહીં. પછી જો તેઓ અટકી જાય અને તમારી આજ્ઞા પ્રમાણે ચાલે તો નિયમ મુજબ એમનું ભરણપોષણ તમારા શિરે છે. બેશક સ્ત્રીઓ તમારે આધીન છે જે પોતાના માટે એમની જાતે કંઈ કરી શકતી નથી. તમે એમને અલ્લાહની અમાનતના રૃપમાં તમારા સાથી તરીકે લીધી છે. અને એમના શરીરને અલ્લાહના જ કાનૂન હેઠળ ઉપયોગમાં લીધા છે. તેથી સ્ત્રીઓની બાબતમાં અલ્લાહથી ડરો અને ભલી રીતે એમને કેળવો."
ગુલામનું સ્થાન - પહેલાના સમયમાં મોટાભાગના દેશોમાં ગુલામો રાખવાનો રિવાજ ધરાવતા હતા. અરબસ્તાન પણ એમાંથી બાકાત ન હતું. ગુલામોની સ્થિતિ બહુ ખરાબ હતી. એમની કોઈ પ્રતિષ્ઠા ન હતી, કોઈ અધિકારો ન હતા. એમની ઉપર બળજબરી કરવામાં આવતી હતી. ઇસ્લામે સૌ પ્રથમ ગુલામોને માનભર્યું સ્થાન આપ્યું. અને એના લીધે જ વિશ્વના ઇતિહાસમાં કેટલાંય મોટા મોટા સુલતાનો, શાસકો, મંત્રીઓ, વિદ્વાનો, સેનાપતિઓ આજ વર્ગમાંથી થઈ ગયા. આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું "ગુલામો સાથે સારો વર્તાવ કરો. જે તમે પોતે ખાવ એમને પણ એ જ ખવડાવો અને જે પોતે પહેરો એવા જ કપડાં એમને પણ પહેરાવો." ઇસ્લામે ગુલામોને પણ સ્વતંત્ર માણસો જેટલો જ હોદ્દો આપ્યો. એમાં કોઈ ભેદભાવ નથી રાખ્યો. સુલતાન મહેમૂદ ગઝનવીના ગુલામ અયાઝ નમાઝ પઢતા ત્યારે બંને એક જ સફમાં ઊભા રહેતા. એમાં સુલતાનની કોઈ બડાઈ ન હોતી કે ગુલામનું નીચાપણું રહેતું ન હતું. બંને સમાન થઈ જતા હતા. એટલે જ ડૉ. ઇકબાલે કહ્યું,
એક હી સફમેં ખડે હો ગએ મહમૂદો અયાઝ
ન કોઈ બંદા રહા ન કોઈ બંદા નવાઝ
રંગ, નાત, જાત, વર્ણ, ભાષા - અલ્લાહના સર્જનોની ઉત્પત્તિ સમયાંતરે વિવિધ તબક્કાઓમાં થઈ હતી. ગુલામ માલિકની બરોબરી નહોતો કરી શકતો. ઉચ્ચ વર્ગના લોકો નીચલા વર્ગના લોકોને તુચ્છ સમજતા હતા, ગોરાઓ કાળાઓને પોતાનાથી નીચા ગણતા હતા. ઇસ્લામે આ બધા ભેદભાવ નાબૂદ કરી દીધા. બધાને સમાન ગણ્યા. આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું, "હે લોકો! તમારો રબ (પાલનહાર) એક જ છે અને તમારો વડપિતા પણ એક જ છે. તમે સૌ આદમ અલૈહિસ્સલામની સંતાન છો અને આદમ માટીમાંથી પેદા કરવામાં આવ્યા. અલ્લાહની નજીક તમારામાંથી વધારે ઇજ્જતવાળો એ છે જે વધારે સંયમ (તકવા) પાળનાર છે. કોઈ આરબને અજમી (બિનઆરબ)ની સરખામણીમાં કોઈ શ્રેષ્ઠતા મળેલી નથી તેમજ ન તો કોઈ બિનઆરબ માટે આરબની સરખામણીમાં શ્રેષ્ઠતા છે. જોઈ કોઈ શ્રેષ્ઠતા છે તો તકવા-સંયમના આધારે છે. જો તમારી ઉપર કોઇ કળા રંગનો હબશી ગુલામ પણ અમીર (આગેવાન) નિયુક્ત કરવામાં આવે તો એને અનુસરો. અલ્લાહે બાપ દાદા ઉપર મિથ્યા ગર્વને નાબૂદ કરી દીધો."
એક ઉમ્મત - મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે બધા મુસલમાનોને એક જ દરજ્જો અને બરાબરીનો પાઠ શીખવ્યો, દરેક પ્રકારની ઊંચનીચને નાબૂદ કરી દીધી. આપે ફરમાવ્યું, "હે લોકો! મુસલમાનો પરસ્પર ભાઈ-ભાઈ છે. કોઈ વ્યક્તિ માટે તેના ભાઈનો માલ તેની રજા વિના લેવો કાયદેસર નથી."
નેક કાર્યો ઈમાનનો ભાગ - આપે આ વાત ઉપર ભાર મૂક્યો કે સદ્કાર્યો કે નેક કાર્યો કરવા ઈમાનનો ભાગ છે. "ધ્યાનથી સાંભળો! હવે અરબસ્તાનમાં શેતાનની પૂજા નહીં કરવામાં આવે. પરંતુ તે આ માટે પણ રાજી થઈ જશે કે તેના ઉપરાંત એ બીજા ગુનાઓમાં તેનું અનુસરણ કરવામાં આવે જેને તમે હળવા સમજો છો."
દીનમાં બીજા રિવાજોનો પ્રતિબંધ - "હે લોકો! ઇજ્જતવાળા - હરામ મહિનાઓમાં ફેરફાર કુફ્રની રીતમાં વધારો છે અને એના દ્વારા કાફિરો ગુમરાહીમાં પડે છે કે એક વર્ષ અમુક મહિનાઓને હલાલ કરી લે છે અને બીજી વર્ષે હરામ ઠેરવી લે છે જેથી (આધુપાછું) કરીને અલ્લાહે હરામ ઠરાવેલા મહિનાઓની ગણત્રી માત્ર પૂરી કરી છે. અને જુઓ! આજે જમાનો ફરી ફરીને એ જ સ્થિતિમાં આવી ગયો છે જે એ વખતે હતો, જ્યારે અલ્લાહે આકાશો અને ધરતીને પેદા કર્યા હતા. એટલે કે અલ્લાહને ત્યાં મહિનાઓની સંખ્યા ચોક્કસપણે બાર છે અને જ્યારથી અલ્લાહે આકાશો અને ધરતીને પેદા કર્યા છે, આ સંખ્યા તેના ગ્રંથ (તકદીરના લેખ)માં એવી જ રીતે નોંધાયેલી છે. આમાં ચાર મહિના હરામ છે - ત્રણ સતત એટલે કે ઝિલકઅદ, ઝિલહજ્જ અને મુહર્રમ અને એક અલગ અર્થાત્ રજ્જબ."
કેટલાક પાયાના આદેશો - 
"અલ્લાહ તઆલાએ વારસામાંથી દરેક વારસદાર માટે નક્કી ભાગ કરાવી દીધો છે અને એક તૃતિયાંશ કરતાં વધારેની વસિયત કરવાની મનાઈ ફરમાવી છે."
"બાળક તેનું જેની પથારી ઉપર (નિકાહમાં) જન્મે વ્યભિચારી માટે પથ્થર"
"જેણે પોતાના બાપની જગ્યાએ બીજા કોઈને બાપ ઠરાવ્યો, અથવા જે ગુલામે તેના માલિક સિવાય બીજા કોઈને માલિક જાહેર કર્યો તો આવા માણસ ઉપર અલ્લાહ અને ફરિશ્તા તેમજ તમામ મનુષ્યો તરફથી લિયાનત (ફિટકાર) છે. તેની પાસેથી (કયામતના દિવસે) કોઈ બદલો અથવા અવેજ સ્વીકારશે નહીં."
"સ્ત્રીને એના પતિની રજા વગર એના માલમાંથી કંઈ લેવું વૈધ (જાયઝ) નથી."
"ઋણ અદા કરવામાં આવે."
"ભેટ સોગાદો (કોઈ આપે તો એને પણ) આપણે પણ ભેટ સોગાતો આપવી જોઈએ."
અલ્લાહનું માર્ગદર્શન ઃ આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે અલ્લાહ તરફથી અપાયેલા શ્રેષ્ઠ માર્ગદર્શન અર્થાત્ કુઆર્ન ઉપર આચરણ કરવાનો આદેશ લોકોને આપ્યો. "હું તમારી વચ્ચે એક એવી વસ્તુ મૂકીને જઈ રહ્યો છું કે જ્યાં સુધી તેના ઉપર અમલ કરતા રહેશો ત્યાં સુધી કદી પણ સીધા માર્ગેથી વિચલિત નહીં થાવ. એ છે અલ્લાહની કિબાત (કુઆર્નમજીદ)!"
ધર્મમાં હૃદય ઓળંગતા - આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું "ધર્મમાં મર્યાદા ઓળંગવાથી વચો. આ જ કારણે પહેલાંની કોમો તારાજ થઈ ગઈ." આપ હજની તાલીમ આપતા જતા હતા અને લોકોના મસાઈલનો જવાબ આપતા હતા. આપે ફરમાવ્યું "હજના મસાઈલ શીખી લો. હું નથી જાણતો કે આના પછી મને બીજી હજ પઢવાની તક મળે."
અસલ ગુનેગાર સજાવાર - કોમો માટે સૌથી વધુ તારાજ કરનારી બાબત છે વેરઝેર. લડાઈ અને યુદ્ધ. મુસલમાનોની એકતા ઉપર ભાર મુકતા કહ્યું "મારા પછી ગુમરાહ ન થઈ જતા અને ક્યાંક (ભાઈચારાને ત્યજીને) ફરીથી કાફિરો જેવું વર્તન અપનાવીને એકબીજાના ગળા કાપવા લાગશો નહીં. અલ્લાહ સમક્ષ તમારા કાર્યોની પૂછપરછ કરવામાં આવશે."
"ગુનેગાર પોતાના ગુના માટે જવાબદાર છે. પિતાના ગુના માટે પુત્ર અને પુત્રના ગુના માટે પિતા જવાબદાર નથી."
આ આદેશો આપ્યા પછી લોકોથી પ્રશ્ન કર્યા. "તમને મારા વિશે પુછવામાં આવશે તો તમે શું કહેશો?" "લોકોએ મોટા સાદે કહ્યું, અમે સાક્ષી આપીએ છીએ કે આપે સંદેશ પહોંચાડી દીધો. ઉમ્મતને શિખામણ આપવાની ફરજ પૂરી કરી દીધી. સત્ય ઉપરથી તમામ પડદા ઉઠાવી લીધા અને અલ્લાહની અમાનતને અમારા સુધી પૂરેપૂરી પહોંચાડી દીધી.!"
આપે આકાશ તરફ આંગળી ઊંચી કરી અને કહ્યું, "હે અલ્લાહ તું સાક્ષી રહેજે! હે અલ્લાહ તું સાક્ષી રહેજે! હે અલ્લાહ તું સાક્ષી રહેજે!"
દીનની પૂર્ણતા - જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નબુવ્વતની છેલ્લી ફરજ અદા કરી રહ્યા હતા ત્યારે આ આયત ઉતારવામાં આવી. "આજના દિવસે મે તમારા માટે તમારા દીનને સંપૂર્ણ કરી દીધો અને મારી કૃપા પૂરી કરી દીધી અને તમારા ધર્મ માટે ઇસ્લામની પસંદગી કરી." (સૂરઃ અલમાઈદહ-૩૫)
આપે લોકોથી કહ્યું "જે લોકો અહીં હાજર છે તેઓ આ વાતો ગેરહાજર લોકો સુધી પહોંચાડી દે. શક્ય છે કે અમુક શ્રોતાઓની સરખામણીમાં કેટલાક ગેરહાજર લોકો આ વાતોને વધુ સારી રીતે યાદ રાખે અને એમની જાળવણી કરે."
"હજ્જતુલ વિદાઅ"નું આ પ્રવચન માનવોના મૂળભૂત અધિકારોનું સંવિધાન છે જેણે માણસાઈને ખરૃં સ્થાન અપાવ્યું. સંયુક્ત રાષ્ટ્રોના માનવ અધિકારોનું ખતપત્ર આ પ્રવચન ઉપર જ આધારિત છે જેમાં વિશ્વના બધા જ રાષ્ટ્રો, સમુહો, જાતિઓ, ધર્મો અને રંગોના લોકો માટે સમાનતાનો આદેશ છે. ***

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો