આ બ્લૉગ શોધો

28 ઑક્ટોબર, 2017

પ્રમાણિકતાનું માદળિયું

હરિશંકર પરસાઈ ની કટાક્ષ કથા નો અનુવાદ :

એક પ્રદેશમાં બુમાબુમ  થઇ ગઈ કે ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે.
રાજાએ દરબારીઓ ને કહ્યું -"પ્રજા બહુ બુમાબુમ કરી રહી છે કે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર ફેલાઈ ગયો છે.અમને તો આજદિન સુધી ક્યાંય દેખાયું નથી.તમને ક્યાંક દેખાયું હોય તો બતાવ."
દરબારીઓએ કહ્યું :"મહારાજ,જયારે તમને નથી દેખાતું તો અમને કેવી રીતે દેખાય?"
રાજા એ કહ્યું ;"ના,એવું નથી.ક્યારેક ક્યારેક જે મને નથી દેખાતું ,તે તમને દેખાતું હશે.જેમકે મને ખરાબ સપના નથી દેખાતા પણ તમને દેખાતા હશે."
દરબારીઓએ કહ્યું ;"હા,દેખાય છે.પણ એ તો સપનાની વાત છે."
રાજાએ કહ્યું :"તમે લોકો સમગ્ર પ્રદેશ માં જઈને શોધો ,ક્યાંક ભ્રષ્ટાચાર તો નથી ને.ક્યાંક મળી જાય તો એનો નમુનો લેતા આવજો.હું  પણ જોઉ કેવુ હોય છે."
એક દરબારીએ કહ્યું :"મહારાજ,એ અમને નહિ દેખાય.સાંભળ્યું છે એ બહુ સુક્ષ્મ હોય છે.અમારી આંખો આપની વિરાટતા જોવા એવી ટેવાઈ ગઈ છે કે કોઈ તુચ્છ વસ્તુ અમને દેખાતી જ નથી.અમને ભ્રષ્ટાચાર દેખાઈ પણ જશે તો એમાં આપની જ છબિ દેખાશે,કેમકે અમારી આંખોમાં તો તમારી જ છબિ અંકાઈ ગઈ છે.હા,આપણા પ્રદેશમાં એક જાતિ વસે છે એમને "વિશેષજ્ઞ" તરીકે ઓળખવામાં આવે છે.આ જાતિ પાસે એવું આંજણ હોય છે જેને આંખમાં આંજવાથી સુક્ષ્મ વસ્તુ પણ દેખાઈ આવે છે.મારી આપ મહારાજ ને નમ્ર વિનંતી છે કે આ વિશેષજ્ઞો ને ભ્રષ્ટાચાર શોધવાનું કામ સોંપવામાં આવે."
રાજા એ વિશેષજ્ઞ જાતિ ના પાંચ માણસો ને બોલાવ્યા અને કહ્યું :"સાંભળ્યું છે કે અમારા પ્રદેશમાં ભ્રષ્ટાચાર છે.પરંતુ એ ક્યાં છે એ ખબર પડતી નથી.તમે લોકો આને શોધી કાઢો.જો મળી જાય તો પકડી ને મારી પાસે લાવો.જો બહુ વધારે હોય તો નમુના તરીકે થોડો લેતા આવજો."
વિશેષજ્ઞો એ એજ દિવસ થી જાંચ શરુ કરી દીધી.
બે મહિના પછી તેઓ દરબાર માં હાજર થયા.
રાજા એ પૂછ્યું :"વિશેષજ્ઞો ,તમારી તપાસ પૂરી થઈ ગઈ?"
"જી,મહારાજ ".
"શું તમને ભ્રષ્ટાચાર મળ્યો?"
"જી હા ,ઘણો મળ્યો".
રાજાએ હાથ આગળ વધાર્યો " લાઓ ,મને બતાવો.જોઉં તો ખરો કેવો હોય છે ."
વિશેષજ્ઞો એ કહ્યું "મહારાજ,એ હાથ થી પકડાતું નથી.એ સ્થૂળ નથી,સુક્ષ્મ છે ,અગોચર છે. અને એ સર્વત્ર છે.એને જોઈ શકાતું નથી,અનુભવી શકાય છે."
રાજા વિચાર માં પડી ગયો.બોલ્યો :"વિશેષજ્ઞો,તમે કહો છો એ સુક્ષ્મ છે ,અગોચર છે અને સર્વવ્યાપી છે.આ ગુણ તો ઈશ્વરના છે.તો શું ભ્રષ્ટાચાર ઈશ્વર છે?"
વિશેષજ્ઞો એ કહ્યું :" હા મહારાજ ,હવે ભ્રષ્ટાચાર ઈશ્વર થઇ ગયો છે"
એક દરબારી એ પૂછ્યું :"પણ એ છે ક્યાં ?એને કેવી રીતે  અનુભવી શકાય છે ?"
વિશેષજ્ઞો એ જવાબ આપ્યો : "એ સર્વત્ર છે.એ આ મહેલ માં છે.એ મહારાજ ના સિંહાસન માં છે."
"સિંહાસન માં ક્યાં છે ?" કહી ને મહારાજ એક દમ ઉછળી પડ્યા અને દુર ઉભા થઇ ગયા.
વિશેષજ્ઞો એ કહ્યું :"હા સાહેબ,એ સિંહાસન માં છે.પાછલા મહીને આ સિંહાસન પર રંગરોગાન  કરવા માટે જે બિલ નું પેમેન્ટ કરવામાં આવ્યું છે એ નકલી છે.એ અસલ રકમ કરતા બમણી રકમ નો છે. અડધી રકમ વચેટિયા ખાઈ ગયા.આપના સમગ્ર શાસનમાં ભ્રષ્ટાચાર છે અને એ મુખ્યત્વે લાંચ ના રૂપ માં છે."
વિશેષજ્ઞો ની વાત સાંભળી ને રાજા ચિંતિત થયા અને દરબારીઓ ના કાન ઊભા થઇ ગયા.
રાજા એ કહ્યું :"આતો ખરેખર ચિંતા નો વિષય છે.અમે ભ્રષ્ટાચાર નાબુદ કરવા માંગીએ છીએ.વિશેષજ્ઞો,તમે બતાવી શકો છે એને કેવી રીતે નાબૂદ કરી શકાય ?"
વિશેષજ્ઞો એ કહ્યું :"હા મહારાજ,અમે એની યોજના પણ તૈયાર કરી રાખી છે.ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે મહારાજે શાસન વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન કરવું પડશે.ભ્રષ્ટાચાર ની તકો નાબૂદ કરવી પડશે .જેમકે કોન્ટ્રાક્ટ છે તો કોન્ટ્રાકટર છે.અને કોન્ટ્રાકટર છે તો અધિકારીઓ ને લાંચ પણ આપશે.કોન્ટ્રાક્ટ જ મટી જાય તો એની લાંચ પણ મટી જાય.આવી રિતે ઘણીબધી વસ્તુઓ છે.કયા કારણો થી માણસ લાંચ લે છે એ પણ એક વિચારવાનો મુદ્દો છે."
રાજાએ કહ્યું :"સારું,તમે લોકો તમારી પૂરી યોજના મૂકી જાઓ ,અમે ચર્ચા વિચારણા કરીશું."
વિશેષજ્ઞો ના ગયા પછી રાજા અને દરબારીઓ એ ભ્રષ્ટાચાર નાબુદી ની આખી યોજના વાંચી અને એના ઉપર ખુબ વિચાર કર્યો.
વિચાર કરતા કરતા દિવસો વીતવા લાગ્યા અને રાજાનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું.એક દિવસ એક દરબારી એ આવી ને કહ્યું :" મહારાજ,ચિંતા ને લીધે આપનું સ્વાસ્થ્ય બગડતું જઈ રહ્યું છે.એ વિશેષજ્ઞો એ તમને ઝંઝટ માં નાખી દીધા છે."
રાજા એ કહ્યું :"હા ,મને રાત્રે ઊંઘ નથી આવતી."
બીજો દરબારી બોલ્યો :"આવા રીપોર્ટ ને તો બાળી ને રાખ કરી દેવું જોઈએ જેનાથી મહારાજ ની ઊંઘ હરામ થતી  હોય."
રાજાએ કહ્યું :"પણ કરવું શું?તમે લોકોએ પણ ભ્રષ્ટાચાર નાબુદી ની યોજના નો અભ્યાસ કર્યો છે.તમારો શું મત છે ?આ યોજના અમલ માં લાવવી જોઈએ?"
દરબારીઓ એ કહ્યું :" મહારાજ ,આ યોજના તો જાણે  એક મુસીબત છે.આ મુજબ તો કેટલી તબ્દીલિ કરવી પડશે.કેટલી હેરાનગતિ થશે.આખી વ્યવસ્થા જ ઉલટ પુલટ થઇ જશે.જે ચાલી રહ્યું છે એને બદલવાથી નવી નવી કઠણાઈઓ ઉત્પન્ન થશે.આપણે તો કોઈ એવી વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી આ ફેરફાર કર્યા વિનાજ ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જાય."
રાજાએ કહ્યું :"હું પણ એજ ઇચ્છુ છું.પણ આ થશે કેવી રીતે?અમારા પરદાદા ને જાદુ આવડતું હતું.અમને તો એ પણ નથી આવડતું.તમે લોકોજ કોઈ ઉપાય શોધી કાઢો."
એક દિવસ દરબારીઓ એ એક સાધુ ને દરબારમાં હાજર કર્યો અને કહ્યું:"મહારાજ,એક ગુફામાં તપસ્યા કરતા આ મહાન સાધક ને અમે શોધી લાવ્યા છીએ.એમેણે સદાચાર નું માદળ્યું(તાવીજ) બનાવ્યું છે.જે મંત્રો થી સિદ્ધ છે.એના બાંધવાથી માણસ એકદમ સદાચારી બની જાય છે."
સાધુએ પોતાની કોથળી માં થી એક તાવીજ કાઢી રાજા  ને આપ્યું.રાજાએ એને જોયું અને બોલ્યા :"હે સાધુ ,આ તાવીજ વિષે મને વિસ્તારપૂર્વક બતાવો.આનાથી માણસ સદાચારી કેવી રીતે બની જાય છે?"
સાધુ એ સમજાવતા કહ્યું:"મહારાજ,ભ્રષ્ટાચાર અને સદાચાર મનુષ્યની આત્મા માં હોય છે.બહાર થી નથી આવતા.વિધાતા જ્યાર્રે માણસ ને ઘડે છે ત્યારે કોઈ આત્મા માં પ્રમાણિકતા અને કોઈમાં અપ્રમાણિકતા ને નાખી દે છે.આમાંથી પ્રમાણિકતા અથવા અપ્રમાણિકતા ના સ્વર નીકળે છે જેને આપણે "આત્મા નો અવાજ" કહીએ છીએ.આ આત્મા ના અવાજ અનુસાર માણસ કામ કરે છે.પ્રશ્ન આ છે કે જેમની આત્મા માં થી બેઈમાની કે અપ્રમાણિકતા ના સ્વર નીકળે છે એને દબાવી ને ઈમાનદારી ના સ્વર કેવી રીતે કાઢી શકાય?હું ઘણા વર્ષો થી આ ચિંતન અને સંશોધન માં લાગ્યો છે.એના પરિણામ રૂપે મેં આ સદાચાર નો તાવીજ બનાવ્યો છે.જે માણસના હાથ ઉપર બાંધેલો હશે એ સદાચારી થઇ જશે.મેં કુતરા ઉપર પણ પ્રયોગ કર્યા છે.આ માદળિયું ગળામાં બાંધવાથી કૂતરો પણ રોટી ચોરતો નથી.વાત આમ છે કે આ માદળિયાં માંથી સદાચાર ના સ્વર નીકળે છે.જયારે કોઈ આત્મા બેઈમાની ના સ્વર કાઢવા લાગે છે ત્યારે આ તાવીજ ની શક્તિ આત્માનું ગળું દબાવી દે છે અને માણસને ઈમાનદારી ના સ્વર સંભળાવા લાગે છે.એ માણસ આ સ્વરો ને આત્માનો અવાજ સમજી સદાચાર કરવા પ્રેરિત થાય છે.આ તાવીજ ની સૌથી મોટી વિશેષતા છે ,મહારાજ."
દરબારમાં હલચલ થઇ ગઈ.દરબારી ઉઠી ને તાવીજ જોવા લાગ્યા.
રાજાએ ખુશ થઇ ને કહ્યું:" મને ખબર ન હતી કે મારા રાજ્યમાં આવા ચમત્કારી સાધુ પણ વસે છે.મહાત્માજી,અમે તમારા ખુબ ખુબ આભારી છીએ.તમે અમારી સમસ્યા ઉકેલી દીધી.અમે સર્વત્ર વ્યાપેલા ભ્રષ્ટાચાર થી ત્રસ્ત હતા.અમને લાખો નહિ કરોડો માદળિયાં જોઈએ.અમે માદળિયાં ના ઉત્પાદન માટે એક સરકારી કારખાનું ખોલી નાખીશું.તમે એના જનરલ મેનેજર બની જાવ,અને તમારી દેખરેખ માં ઉત્તમ માદળિયાં નું ઉત્પાદન કરો."
એક મંત્રીએ કહ્યું ;"મહારાજ, આપણે શા માટે આ ઝંઝટમાં પડવું?મારું તો માનવું છે કે સાધુ મહારાજને જ કોન્ટ્રાકટ આપી દઈએ .તેઓ પોતાની મંડળીમાં તાવીજ બનાવી રાજ્યને સપ્લાય કરી દેશે."
રાજાને આ સુઝાવ પસંદ પડ્યો.સાધુ ને તાવીજ બનાવવાનો ઠેકો આપી દેવામાં આવ્યો.એજ વખતે કારખાનું ખોલવા માટે સાધુ ને પાંચ કરોડ રૂપિયા એડવાન્સ  આપી દેવામાં આવ્યા.
રાજ્યના અખબારો માં ખબરો છપાઈ."સદાચાર ના માદળિયાં ની શોધ "," માદળિયાં બનાવવાનું કારખાનું ખુલ્યું."
લાખો તાવીજ બની ગયા.સરકાર ના આદેશથી દરેક સરકારી કર્મચારી ની ભુજા ઉપર એક એક માદળિયું બાંધી દેવામાં આવ્યું.
ભ્રષ્ટાચાર ની સમસ્યાનો આ સરળ ઉપાય મળી આવવાથી રાજા અને દરબારીઓ ખુશ ખુશ હતા.
એક દિવસ રાજાની ઉત્સુકતા વધી ગઈ.વિચાર્યું :જોઉં તો ખરો આ માદળિયું કામ કેવી રીતે કરે છે.
તેવેશ બદલી એક કાર્યાલયમાં ગયો.એ દિવસે ૨ તારીખ હતી.એક દિવસ પહેલાજ પગાર થયો હતો.
તે એક કર્મચારી પાસે ગયો અને કોઈ કામ બતાવી એને સો રૂપિયા ની નોટ આપવા લાગ્યો.
કર્મચારી એ એને ખખડાવ્યો : "નીકળો અહી થી .લાંચ લેવી પાપ છે."
રાજા બહુ પ્રસન્ન થયો.માદળિયાં એ કર્મચારીને પ્રમાણિક બનાવી દીધો હતો.
કેટલાક દિવસ પછી રાજા ફરી થી વેશ બદલી એ જ કર્મચારી પાસે ગયો.એ દિવસે એકત્રીસ મી તારીખ હતી.મહિના નો છેલ્લો દિવસ.
રાજાએ એને સો ની નોટ આપી તો એણે ગજવામાં નાખી દીધી.
રાજા એ એનો હાથ પકડી લીધો.બોલ્યો :"હું તમારો રાજા છું.શું તું આજે સદાચાર નું માદળિયું બાંધી નથી આવ્યો?"
"બાંધ્યું છે મહારાજ,આ જુઓ."
એણે બાંય ચઢાવી માદળિયું બતાવ્યું.
રાજા અસમંજસ માં પડી ગયો.આવું કેવી રીતે થયું?
રાજાએ માદળિયાં ઉપર કાન ધરી ને સાંભળ્યું.માદળિયાં માંથી અવાજ આવી રહ્યો હતો " અરે,આજે એકત્રીસ છે.આજે તો લઇ લે !"







26 સપ્ટેમ્બર, 2017

સાર્થક જીવન


એક હી ખિરમન કે દાનો મે જુદાઈ હૈ ગઝબ


જલ રહા હું કલ નહીં પડતી કિસી પહેલૂ મુઝે
હાં ડુબો દે એ મોહિતે આબે ગંગા તૂ મુઝે
સરઝમીં અપની કયામત કી નિફાક અંગેજ હૈ
વસ્લ કૈસા યાં તો ઈક કુર્બ ફિરાક અંગેઝ હૈ
બદલે યક રંગી કે યહ નાઆશનાઈ હૈ ગઝબ
એક હી ખિરમન કે દાનોં મેં જુદાઈ હૈ ગઝબ
જિસકે ફૂલોં મેં ઉખુવ્વત કી હવા આઈ નહીં
ઇસ ચમન મેં કોઈ લુત્ફે નગ્મા પૈરાઈ નહીં
લિજ્જતે કુર્બે હકીકી પર મિટા જાતા હું મેં
ઇખ્તલાતે મોજહ વ સાહિલ સે ઘબરાતા હું મેં
દાનાએ ખિરમન નુમા હૈ શાઈરે મોઅજ્ઝ બયાં
હો ન ખિરમન હી તો ઈસ દાને કી હસ્તી ફિર કહાં
હુસ્ન હો કયા ખુદનુમા જબ કોઈ માઈલ હી નહો
શમ્અ કો જલને સે કા મતલબજો મહફિલ હી નહો
ઝૌકે ગોયાઈ ખમોશી સે બદલતા ક્યું નહીં
મેરે આઈને સે યહ જોહર નિકલતા ક્યું નહીં
કબ ઝબાં ખોલી હમારી લિજ્જતે ગુફતારને
ફુંક ડાલા જબ ચમનકો આતિશે પયકારને
ડૉ. મોહમ્મદ ઇકબાલની ઉપરોક્ત પ્રસિદ્ધ કવિતાનું શીર્ષક ખૂબ જ યોગ્ય છે ‘સદાએ દર્દ’ – પ્રથમ બંદમાં પાંચ અને બીજા બંદમાં ચાર પંક્તિઓ ધરાવતી આ કવિતામાં રાષ્ટ્રીયતા કે કોમનું દર્દ છલકાઈ રહ્યું છે. યાદ રહે કે અલ્લામા ઇકબાલે આ કવિતા ત્યારે લખી હતી જ્યારે પાકિસ્તાનની માંગણીઓ બુલંદ થઈ રહી હતી અને ભારતમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે તણાવ વધી રહ્યો હતો. આટલા વર્ષો પછી પણ આજે આપણે એ જ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. એટલે આજે પણ ઇકબાલની આ કવિતા ખૂબ પ્રસ્તુત લાગે છે. પ્રથમ બંદમાં ઇકબાલ કહે છે –
ભારતવાસીઓના દિલોમાં ઘૃણાનું જે વાતાવરણ સર્જાઈ રહ્યું છે એ પરિસ્થિતિએ મને બાળીને રાખ કરી દીધું છે. આ દુઃખને કારણે એક ક્ષણ માટે પણ મને કળ નથી વળતી. આ દુખમાં હું તડપી રહ્યો છું. આનાથી મુક્તિ કદાચ ત્યારે મળે કે હું ગંગા નદીમાં ડૂબીને મરી જાઉં. અફસોસ એ બાબતનો છે કે દેશ ઘૃણા , નફરત અને અસહમતિનો અખાડો બન્યો છે. વિવિધ સમુદાયના લોકો એકબીજાથી અંતર વધારી રહ્યા છે. એમની વચ્ચે ઘૃણા અને નફરત વધતી જઈ રહી છે અને કોમી રમખાણોના છમકલા થઈ રહ્યા છે. સ્થિતિ એ છે કે શાંતિ અને એકતાની કોઈ શક્યતા દેખાતી નથી. એક સાથે રહેવા છતાં નફરતની એ સ્થિતિ છે કે કોઈ એક બીજાને સહન કરવા તૈયાર નથી.
હોવું તો એ જોઈતું હતું કે અહીં એકતા અને પરસ્પર સહમતિ હોત. આનાથી ઊલટું આ દેશની ધરતી ઉપર ઉપસ્થિત દરેક જણ બીજાના ખૂનનો તરસ્યો થયો છે. આ સ્થિતિ ખૂબ દુઃખદાયક છે. અહીંનું વાતાવરણમાં હવે પ્રેમ અને ભાઈચારાની ભાવના નાબૂદ થઈ રહી છે. મારા જેવો કવિ આવા વાતાવરણમાં કાવ્ય સર્જન કેવી રીતે કરી શકે છે? મારા ગીતો હું કેવી રીતે સંભળાવું હું તો ભારતના સાચા નાગરિકોની જેમ શાંતિ, એકતા અને પ્રેમનો ઇચ્છુક છું. મોજ અને કિનારા વચ્ચે ટકરાવનું જે વાતાવરણ હોય છે એ મારા માટે ઘબરાટ અને બેચેનીનું કારણ બની જાય છે.
બીજા બંદમાં ઇકબાલ કહે છે કે જેવી રીતે માત્ર એક દાણાથી આખા ખલિયાન કે અનાજની ગોદામની સ્થિતિની જાણ થઈ જાય છે એવી જ રીતે કવિ અને એનું સર્જન કોઈપણ સમુદાયનો અરીસો હોય છે. પરંતુ ગોદામની તબાહીથી દાણાનું અસ્તિત્વ પણ ટકી શકતું નથી. એવી જ રીતે સમૂદાયોમાં એકતા ન હોય તો પછી સાચા કવિનું અસ્તિત્વ જ રહેતુ નથી. આ જ વાતને ઇકબાલ બીજી પંક્તિમાં કહે છે કે જો કોઈ ધ્યાન આપનાર ન હોય તો પછી સૌંદર્યની મહત્તા રહેતી નથી. કેમકે શમ્અ/ મીણબત્તી તો સભામં પ્રકાશ પાથરે છે પરંતુ જો સભા જ ન હોય તો મીણબત્તીના બળવાનો શો લાભ! કહેવાનું તાત્પર્ય એ છે કે એકતા અને સંપશીલ સમુદાયો ન હોય તો કોઈ કવિ (અથવા સાહિત્યકાર) પોતાની રચનાઓને પ્રકાશિત કેવી રીતે કરી શકે.
છેલ્લી બે પંક્તિઓમાં ઇકબાલ નિરાશાના સૂરમાં કહે છે કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં હું મારી સર્જનકલાથી દૂર કેમ નથી થઈ જતો અથવા આ સર્જનાત્મકતા મારામાંથી કેમ નષ્ટ નથી થતી. દુઃખ તો આ વાતનું છે કે મેં આવા ઘૃણાસ્પદ અને નફરતભર્યા વાતાવરણમાં કાવ્ય કહેવાની શરૃઆત કરી છે, મારા ગીતોને કોણ સાંભળશે.
ઇકબાલની ઉપરોક્ત કવિતા વાંચ્યા પછી વાચકોને અનુભૂતિ થઈ જ ગઈ હશે કે સમર્થ  સાહિત્યકારો/ કવિઓ ક્યારે પણ અપ્રસ્તુત થતા નથી. એમની વિચારધારાઓ અને એમના  સર્જનની સુગંધ સમયના બધા જ પડળો ફાટી ચારેકોર પ્રસરતી જ રહે છે. ઇકબાલની આ કવિતા પણ આટલા વર્ષો પછી કેટલી પ્રસ્તુત લાગે છે! આજે ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન થતું લાગી રહ્યું છે. આજે ફરીથી દેશમાં ભય, અશાંતિ અને ઘૃણાનું વાાતવરણ ઉપસ્થિત થઈ રહ્યું છે. આ દેશની સદીઓની પ્રેમ અને ભાઈચારાની પરંપરાઓ દમ તોડતી દેખાઈ રહી છે. ઘૃણાના શેતાનો પોતાનો નાપાક પંજો પ્રસરાવતા જઈ રહ્યા છે. રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રભક્તિના નામે બીજા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જે લોકોએ દેશની સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ ભાગ લીધો ન હતો અને જેમના કાર્યાલય ઉપર ક્યારે ત્રિરંગો ફરકયો નથી એવા લોકો આજે ભારતના લોકો ખાસ કરીને મુસ્લિમો પાસેથી રાષ્ટ્રભક્તિની સાબિતીઓ માગી રહ્યા છે.!
આજે ‘સબ કા સાથ, સબકા વિકાસ’ નહીં પરંતુ ‘શબકા વિકાસ’ થઈ રહ્યું છે! નિર્દોષ લોકોને રંજાડવામાં આવી રહ્યા છે. નિહથ્યાઓને હથિયારધારી ગુંડાઓ મોતને ઘાટ ઉતારી રહ્યા છે, અને છતાંય એમની મર્દાનગી લજાતી નથી! દેશની સરકારે ભલે અત્યારે આ ગુંડાઓને છૂટ આપી રહી હોય પણ ફિલ્મ ‘લાઈફ’ની વાર્તા યાદ રાખવી જોઈએ કે વિજ્ઞાનીઓ જે જીવનું નિર્માણ પોતાની પ્રયોગશાળામાં કરે છે, બીજાનું લોહી પી પીને એ શસક્ત થતું જાય છે. અને પછી એ બધાને ભરખી જાય છે. સરકાર વેળાસર આ ગુડાઓને કાબુ નહીં કરે તો કદાચ એક દિવસ એવો આવશે કે આ ગુંડાઓ સરકારના જ નેતાઓ ઉપર હુમલા કરશે. હજી પણ સમય છે ઘોડાઓ નાસી છૂટે એ પહેલા તબેલાને તાળા મારવાનો.
વડાપ્રધાનએ એ વાત સમજવી જોઈએ કે સંસદમાં માત્ર મોટી મોટી વાત કરવાથી અને દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરીને રહીશું, વિકાસ કરીને રહીશું, ગરીબી નાબૂદ કરીને રહીશું, જેવા નારાઓ લગાવવાથી દેશ ભ્રષ્ટાચાર મુક્ત થવાનો નથી, વિકાસ થવાનો નથી કે ગરીબી નાબૂદ થવાની નથી. એના માટે સૌ પ્રથમ દેશમાં શાંતિ, સલામતી, એકતા, અને સમાનતાની ભાવના દરેક સમુદાયમાં પેદા કરવી પડશે. નક્કર પોલીસીઓ બનાવ્યા પછી એનું અમલીકરણ કરાવવું પડશે. માત્ર અમીરોની નહીં ‘બધાની’ સરકાર બનવું પડશે. સદ્ભાવના ઉપવાસ કરવાથી સદ્ભાવના ઉત્પન્ન થતી નથી. બધા સમુદાયો એકબીજાને માન સન્માન અને પ્રેમ આપે એ પછી જ આ સદ્ભાવના ઉત્પન્ન થઈ શકે. આ બધી બાબતો શક્ય બને એ પછી જ દેશ પ્રગતિ સાધી શકે. આપણે આવી આશા રાખીએ એમાં કંઈ વાંધો નથી.

(યુવા સાથી મેગેઝીન,સપ્ટેમ્બર ૨૦૧૭માં પ્રકાશિત મારો લેખ )

31 જુલાઈ, 2017

વાસ્તવિકતા

આદિલ રઝા મન્સૂરી ઉર્દુ ના યુવા કવિ છે .એમની એક ઉર્દુ કવિતાનો અનુવાદ રજુ કરી રહ્યો છું.જીવન ની કડવી વાસ્તવિકતાનું આમાં વર્ણન છે.

પાછળ ફરીને માત્ર જોઈ શકે છે
ઘેંટાઓ
બોલવા ઈચ્છે તોય બોલે કેવી રીતે?
ગૂંગળાઈ ગયા છે અવાજ બધા
પાછા આવવું શક્ય નથી
માત્ર ચાલવું અને ચાલતા રહેવાનું છે
સ્વપ્નાઓ ની ગુફા તરફ
જેનો માર્ગ
સોનેરી વરુ ના દાંતો પાસેથી જાય છે! 

30 જુલાઈ, 2017

સપના જોવાનું છોડશો નહીં

આજની દોડધામવાળી  જિંદગીમાં લોકો સપનાં જોવાનું ભૂલી ગયા હોય એવું લાગે છે. રાત્રે અબોધ મનમાં આવતા સપનાની આ વાત નથી. એ તો દિનભર જે કાર્યો કે વિચારો આપણે કરીએ છીએ એના અનુસંધાનમાં મન પોતે જ કાલ્પનિક વિશ્વમાં લઈ જાય છે. એના ઉપર આપણો કોઈ કાબૂ નથી. અહીં વાત કરવી છે આપણે પોતે ધારેલા સપનાની, જેને આપણે ખુલી આંખોએ જોઈએ છે એને દિવાસ્વપ્ન કહેવામાં આવે છે. આજના તણાવ વધારનારા યુગમાં સપનાઓ પ્રેશર રીલીફ વાલ્વ જેવું કામ કરે છે.
તમારી પાસે જે નથી અને તમે એને મેળવવા માગો છો અથવા તો એ વસ્તુ તમારી પાસે હોય તો કેવું એ વિચાર જ મનને ટાઢા આપે છે. અને શક્ય છે કે આવા વિચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો એક દિવસ એ વસ્તુ તમારી પાસે હોય પણ. કારણ કે આપણું અબોધ મન શરીરના ચેતાતંત્રને એ સપનંું પૂરૃ કરવા માટે જે કાર્ય કરવાનું છે એની સતત પ્રેરણા આપે છે.તમારી જાણ બહાર જ, તેથી સપના જોતા રહો. સપના જોવાનું છોડશો નહીં. સપના છે તો જીવન છે. જેઓ સપના જુએ છે તેઓ જ સફળ થાય છે. એટલું જ નહીં બીજાને ફાયદો પણ પહોંચાડે છે. એના ઘણા ઉદાહરણો આપણી પાસે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ટેકનોક્રેટ સામપિત્રોડાની મદદથી ભારતમાં સંચાર ક્રાંતિનું સપનું જોયું અને પૂરૃં કર્યું. ધીરૃભાઈ અંબાણીએ સપનું જોયું હતું કે દરેક ભારતીય પાસે મોબાઈલ ફોન હોય. રીલાયન્સે એ સપનું પુરૃં કર્યું અને આજે મુકેશ અંબાણી પોતાના સપનાને જીવી રહ્યા છે. દરેક ભારતીય ઇન્ટરનેટ વાપરતો થઈ જાય એમનું સપનું પુરૃં થઈ રહ્યું છે. રતન ટાટાએ મધ્યમ વર્ગના માણસ પાસે પણ કાર હોય એ સપનું જોયું હતું અને ટાટાનેનોએ એ સપનું પુરૃ કર્યું. બિલગેટ્સનું સપનું હતું કે દુનિયાના દરેક માણસ પાસે કોમ્પ્યુટર હોય. માઈક્રોસોફ્ટે એ સપનું પુરૃં કર્યું.
સપનું એક માણસ જુએ છે પરંતુ એનો લાભ એને પોતાને તો મળે જ છે પરંતુ સમાજ અને દેશને પણ મળે છે. સપના જોવામાં આમ તો ફાયદો જ છે. એમાં નુકસાન શું છે? તો પછી સપના નાના શા માટે જોવા? મોટા જ જોવા જોઈએ. આપણું સપનું સાકાર થશે તો બીજાને પણ લાભ થશે અને નહીં થાય તો બીજાને નુકસાન થવાનું નથી અને એમને ખબર પડવાની પણ નથી. સપનું તમારી નવી દુનિયાના નિર્માણનું પ્રથમ પગલું છે. તમે તમારી નવી દુનિયાનું નિર્માણ કરવા ઇચ્છો છો. એ તમે કેવા સપના જુઓ છો એના ઉપર આધાર રાખે છે.
આ દુનિયામાં જેટલા પણ સુંદર ઇમારતો, શિલ્પો,મૂર્તિઓ, ચિત્રો કે કલાકારીગરીના શ્રેષ્ઠ નમૂના છે એ ક્યારેક તો કોઈના સપનામાં જ હતા. કોઈપણ રચના ધરતી ઉપર અસ્તિત્વમાં આવે છે એ પહેલા એના રચનાકારની કલ્પનામાં હોય છે પછી પેન્સિલ દ્વારા કાગળ ઉપર અને ત્યાંથી ધરતી ઉપર એનું નિર્માણ થાય છે. એટલે સપનાની અવગણના કરશો નહીં. આજની આધુનિક શોધો દ્વારા આપણે જે સુખસગવડો ભોગવી રહ્યાં છીએ એ એમના શોધકોના સપનાને આભારીછે.
સપના જોવાનો અર્થ આ છે કે દિવસમાં ઘણી વખત તમારી પોતાની કલ્પનાઓ અને ઇચ્છાઓ દ્વારા તમારા માનસપટલ પર પિકચર ઉતારવી/ મુવી બનાવવી એવો થાય છે. સપના આડેધડ ન જોવા જોઈએ. નિષ્ણાંતો કહે છે કે તમે શું મેળવવા માગો છો, એના વિશે જ સપના જુઓ. તમે તમારા સપનાના સર્જન છો – સ્થાપતિ છો. તમને જીવનમાં ઘણું બધું મેળવી લેવાની ઇચ્છાઓ હશે પરંતુ સપનામાં કોઈ એક બાબત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. ઘણી બધી બાબતો એકસાથે વિચારી મનને મુંઝવણમાં મુકશો નહીં. એક નવયુવાનને સફળતા વિશે સોક્રેટીસે સલાહ આપી હતી કે જીવવા માટે જેમ ઓક્સિજનની સખત જરૃર છે એમ સખત ઇચ્છા નહીં રાખો તો સફળતા મળશે નહીં. ‘ઇચ્છાધારી સપનાઓ’ જોશો નહીં તો એ વાસ્તવિકતામાં બદલાશે નહીં. અમેરિકન કવિ કાર્લ સેન્ડબર્ગ તો કહે છે કે સપના વિના કશું જ નિર્માણ પામતું નથી.
માણસે સપના જોવાનું ચાલુ રાખવું જોઈએ. એમ લાગે છે કે હું તો ઘણા વર્ષોથી આ સપનું જોઉં છું પરંતુ પુરૃં થતું નથી. ત્યારે પણ ધીરજ રાખજો. કેમકે સપના જેવું વાસ્તવિક બીજું કશું નથી. તમારી આસપાસનું વિશ્વ બદલાઈ શકે છે. પરંતુ તમારા સપના નહીં. જવાબદારીઓ એને નાબૂદ નથી કરી શકતી. કારણ કે સપનું તમારી અંદર હોય છે એને બીજો કોઈ માણસ છીનવી શકતો નથી. આ મંતવ્ય પ્રસિદ્ધ લેખક ટોમ ક્લેન્સીનું છે.
આપણા મોટાભાગના સપના પૂરા થતા નથી એ પણ એક વાસ્તવિકતા છે. કારણકે આપણે એવા લોકોની વચ્ચે જીવીએ છીએ જેઓ બીજાના સપનાઓને છીનવી લેવા માગે છે અને નષ્ટ કરવામાં લાગેલા હોય છે. સપના જોનારાઓ સ્વપ્નદૃષ્ટાઓને આવા સ્વપ્નનષ્ટાઓ સાથે સંઘર્ષમાં આવવું પડે છે. અનુભવ કરવો હોય તો સપનાઓ વિશે તમારા મિત્રો, સ્વજનો કે અગત માણસોને વાત કરી જોજો. સત્ય સમજાઈ જશે. તમને નિરાશા જ હાથ લાગશે પરંતુ જો તમે તમારા સપનાને વળગી રહેશો તો એક દિવસ એ જરૃર પૂરૃં થશે. એ માટે તમારે તમારી સ્ટ્રેટેજી કે યુક્તિઓ બદલવી પડશે. સ્વ્પનદૃષ્ટાઓ પોતાનું સપનું જીવે છે એટલા માટે નહીં કે તેમની સામે કોઈ પડકારો હોતા નથી, પરંતુ એટલા માટે કે આ પડકારોને પહોંચી વળવા માટેની ઘણી યુક્તિઓ એમની પાસે હોય છે.
સ્વપ્નદૃષ્ટાઓ સફળ થાય છે કારણ કે તેઓ કામ કરે છે. શિસ્તવાળા હોય છે અને કુરબાની આપે છે. જે લોકો નિષ્ફળ જાય છે એમણે મનન કરવું જોઈએ કે ત્રુટી ક્યાં રહી ગઈ. આ વિશ્વમાં સૌથી મુશ્કેલ બાબત હોય છે કોઈપણ કાર્યની શરૃઆત કરવી. પરંતુ જો એકવાર શરૃઆત થઈ જાયતો આગળનો માર્ગ સરળ થઈ જાય છે. મોટાભાગના લોકો મોટી મોટી વાતો કરે છે. મોટા સપના જુએ છે પરંતુ એક નાનકડી શરૃઆત કરતા નથી. નાનકડા કાર્ય થકી જ મોટા કાર્યોની શરૃઆત થાય છે આટલી સાદી વાત તેઓ  સમજતા નથી. પરિણામે એમના સપના પૂરા થતા નથી. લીન ગોલ્ડ બ્લેટે યોગ્ય જ કહ્યું હતું, “સફળતા, સપનાઓ અને સખત પરિશ્રમનું સંમિશ્રણ છે.”
જો તમે સપનાને માત્ર સપના સમજતા હોવ તો જેમ્સ એલનનું સૂત્ર યાદ રાખજો “સપનાઓ વાસ્તવિકતાના બીજમાંથી અંકુરિત થયેલા છોડ છે.”
તેથી સપના જોવાનું છોડશો નહીં, નહિંતર તમે જીંદગી જીવવાનું છોડી દેશો.

19 મે, 2017

બે પુસ્તકો નું પ્રકાશન ............

મિત્રો
મને ખુબજ આનંદ થઇ રહ્યો છે કે મારા બે પુસ્તકો નું પ્રકાશન થઇ ગયું છે.....

મધ્ય યુગ ના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો માં ઈ.સ.૭ મી સદી થી ૧૬મી સદી સુધી થઇ ગયેલ મહાન મુસ્લિમ વૈજ્ઞાનિકો નું વર્ણન કરવામાં આવ્યું છે.૮૭ વૈજ્ઞાનિકો એક એકથી ચઢીયાતા છે.આજે આ મહાન વૈજ્ઞાનિકો વિષે ભણાવવામાં નથી આવતું ના જ એમના વિષે કોઈ ચર્ચા કરવામાં આવે છે.બીજા લોકો તો ઠીક ખુદ મુસ્લીમોનેજ એમના વિષે ખબર નથી.લોકો આ મહાન વૈજ્ઞાનિકો ના વિજ્ઞાન માં આપેલા યોગદાન ને સમજે એ આશય થી જ મેં આ એક નમ્ર પ્રયાસ કર્યો છે....
સફળતા ના સોપાન ૩૦ પ્રેરણાત્મક લેખો નો સંગ્રહ છે જે મેં 'યુવાસાથી' મેગેઝીન માં લખ્યા હતા.આ બ્લોગ ઉપર પણ ઘણા લેખો મેં મુક્યા હતા.
આશા છે કે મારા આ નમ્ર પ્રયાસ ને બિરદાવવામાં આવશે.બંને પુસ્તકો ટૂંકમાજ પ્રસિદ્ધ પુસ્તક વિક્રેતાઓ ને ત્યાં ઉપલબ્ધ થઇ જશે .હાલ જોઈતા હોય તો નીચેના સરનામે મળી શકશે.
સબરસ પ્રકાશન
૬-ડી ,આઝાદ પાર્ક,મક્કા નગર પાસે,વેજલપુર,અમદાવાદ.
મોબાઈલ :૦૯૬૨૪૦૪૬૬૭૭,૯૭૨૩૫ ૪૦૨૩૬
પુસ્તક વાંચ્યા પછી નીખાલસ્તાથી અભિપ્રાય આપશો મને ગમશે.
સર્વે વાચક મિત્રો નો હું આભાર માનું છું.